આજે એક વાત કરવી છે ..
તમે ક્યારેય દ્વારકાધીશનો વૈભવ માણ્યો છે ..??
મેં માણ્યો છે..!!
થોડાક વર્ષો પહેલાની વાત છે , પૂના ગાડી લઈને જવાની ધૃષ્ટતા કરી હતી , મારા માતાશ્રી નો ઘણો આગ્રહ કે ટ્રેનમાં જાવ કે પ્લેનમાં જાવ , પણ રોડ જર્ની ટાળો ..
પણ અમે એવું બહાનું ધર્યું કે મારે બરોડા ,અંકલેશ્વર અને વાપી કામ પતાવતા પતાવતા જવું છે એટલે એક રોડ ટ્રિપમાં બધું થઈ જશે..
બે દિવસે પુણે પહોંચ્યો , ત્રીજા દિવસે વળતી જર્ની ચાલુ કરી .. વેહલી સવારે પૂણેથી નીકળ્યા હું અને મારો સારથી..
અચાનક મને એક મારો નાનકડો મિત્ર યાદ આવ્યો , લગભગ મારાથી પંદરેક વર્ષ નાનો .. એને જીવનમાં નાની મોટી સમસ્યામાં ઘણી બધી વખત મને ફોન કરે ,બહુ થાય તો રૂબરૂ પણ મળે , એની નોકરી ટ્રાન્સફરએબલ..
સમસ્યામાં ફોન કરે પણ એને ક્યાંક મોટી સફળતા મળે તો અચૂક અમદાવાદ તરફ આવે ત્યારે સમય કાઢી અને મારી પાસે પરાણે સમય કઢાવી અને મને મળે જ, એના એચિવમેન્ટમાં સહભાગી કરે ..
મને પણ ગમે..
પૂણેથી પાછા વળતા રસ્તામાં જિત ( કાલ્પનિક નામ ) જ્યાં નોકરી કરે એ ગામ આવવા જેવું થયું એટલે મેં વળી એને ફોન કર્યો કે જિતુ તારા ગામની નજીક છું ..
સામેથી અનહદ આગ્રહ .. મેં અત્યારે જ હાફ ડે લિવ મૂકી દીધી અને હું અત્યારે હાઈવે ઉપર ઊભો છું, તમારી ગાડી અંદર વાળો ને વાળો જ.. મારું ઘર જોવું જ પડે તમારે… લગભગ બપોરના દોઢ બે વાગ્યાનો સુમાર ..
દૂરથી દેખાય એમ એની ગાડી લઈને ખરેખર હાઈવે ઉપર ઊભો હતો….
હું મારી ગાડીમાંથી ઉતરી અને એની ગાડીમાં બેસી ગયો.. એની આંખમાં હર્ષના આંસુ .. અરે યાર શૈશવભાઈ તમે અહીં સુધી આવી અને મારે ઘેર ના આવો …???
મેં કીધું ભાઈ તું હવે આવડી મોટી કંપની માં મોટો મેનેજર છે, એમ તને હેરાન ના કરાય ..
લગભગ રડમસ અવાજે જિત બોલ્યો .. મારી તો જિંદગી આખીના સબંધ ઉપર તો તમે પાણી ફેરવ્યું ને.. તમારા માટે હું મોટો થઈ ગયો તો મારે તો તો હવે દુનિયામાં એકેય ખભો જ ના રહ્યો ..
અમારે મજાકના સંબંધ પણ ખરા .. એટલે મેં કીધું ખભે ચડીને કાનમાં…???
જિત બોલે … બસ ને..સાવ આવું ને..
મને લાગ્યું કે વધારે સેન્ટિ થઈ ગયો છે જિત એટલે મેં એના માથે ટપલી મારી .. ચૂપ કર છોકરા..
એનો લાગણી ના પ્રવાહ ઓછો નોહતો થઈ રહ્યો ..જિત બોલ્યો … પપ્પા ના ગયા પછી તમારા જેટલી સાચી સલાહ બીજા કોઈએ..નથી આપી ભાઈ..મેં કીધું બસ બકા..
એટલામાં એનું ઘર આવ્યું ..
સુંદર મજાનો બંગલો કંપનીનો.. બહાર ચોકીદાર ,બે માળી કામ કરે ગાર્ડનમાં , ખાસ્સો મોટો સાત આઠ કમરાનો એક માળિયો બંગલો..
હજી ગાડીની બહાર પગ મૂક્યો ત્યાં પાછળ બીજી ગાડી આવી જેમાં એની પત્ની એની દિકરીને સ્કૂલેથી લઈને આવી ..
ત્રણે જણા એક સાથે પગે લાગ્યા.. બંગલામાં એન્ટર થયા.. પાંસઠ ઉપરના એના વિધવા મમ્મી આવ્યા જે શ્રી કૃષ્ણ ભાઈ ,તમે આમ બારોબાર ચાલી જાવ કેમ ચાલે ..? મારો જિત તમારી વાત કરતો અડધો અડધો થઈ જાય છે..
સરસ મજાના ડ્રોઈંગ રૂમમાં બેઠા .. ત્યાં પીવા પાણી આવ્યું.. બાથરૂમ આ તરફ છે ફ્રેશ થઈ જાવ..
જિતની પત્નીએ ફરમાન છોડ્યું .. જમી ને જ જવાનું છે.. મને જરાક સંકોચ થયો. એટલે મેં ખોટે ખોટું કીધું કે અમે જમી લીધું છે..
જિત હસતો હસતો બોલ્યો .. વાહ ગુરૂ વાહ ..હું પણ તમારો ચેલો છું.. તમારો ડ્રાઈવર બોલી ગયો છે બહાર .. કે જમવાનું બાકી છે ..
બંને સાસુ વહુ ઝટપટ રસોડામાં ગયા..
બપોરનું જમવાનું એ લોકોનું પતી ગયું હતું .. રસોડું ફરીથી ફટાફટ ખૂલ્યું …જમવાની વાતથી મને કકડીને ભૂખ લાગી ગઈ.. રાહ જોતો થઈ ગયો હું..મને થયું કે અડધો પોણો કલાક તો થશે બધું નેવસરથી બનાવવામાં પણ વીસમી મિનિટે મારી થાળી ડાઇનિંગ ટેબલ ઉપર હતી..
અત્યંત ભાવથી પૂરી, બટાકાનું શાક ,મીઠાઈમાં ગરમ ગરમ સુખડી ,ફરસાણમાં બટાકાના ભજીયા અને ગરમ ખમણની થાળી ,સાથે કચુંબર ,અથાણા પાપડ અને ભાત.. ગરમ મગની છૂટી દાળ ..
હું અચંબિત થઈ ગયો કે વીસ મિનિટમાં આટલું બધું બને કેવી રીતે…???
સાસુ વહુએ કઈ ઝડપ કરી હશે ..??
કોળિયો ભરતા જીવના ચાલે..
મેં કીધું જિત ને … તે કહી રાખ્યું હતું ??? જમવાનું બનાવવાનું ?
જિત બોલ્યો .. અરે ભાઈ ચાલુ કરો ને..અમારા જેવા નસીબવાળા સુદામાને ઘેર દ્વારકાધીશ પધારે બાકી તો સુદામાને જ જવું પડે ને…!!
મેં કીધું અલ્યા બસ હવે .. પણ આટલી બધી ધમાલ કેમ ??
એના મમ્મી બાહર આવ્યા રસોડામાંથી .. ભાઈ અમે જૂના જમાનાના ,મારા સાસુની આ ટ્રેનિંગ અમે કલાકમાં તો વીસ જણનું રસોડું ઊંચું મૂકી દઈએ , મારી વહુ મને મારા જેવી જ મળી છે .. આટલું કરી અને આગ્રહ ચાલુ થયો.. જમવાનો..
ત્રણ જણા પીરસે અને શૈશવ એકલો જમે.. એક પૂરીનો હજી કટકો થાય ત્યાં બીજી ગરમ ગરમ ઊતરતી પૂરી ભાણામાં આવે , ભજીયાનું એક બટકું મોઢામાં મૂકો અને બે કટકા ભાણે પડે..
એટલા બધા ભાવથી ભોજન કરાવ્યું , પાછળ છાશ આવી .. મને જરાક ઓછી ભાવે પણ હવે ભાવે ના ભાવે એ જોવાની વાત જ નોહતી..
ભાવે જમાડ્યો અને હું જમ્યો ..
જિત ના મમ્મી બોલ્યા ભાઈ સેહજ આરામ કરીને ..
મેં કીધું… ના બેન ઘણી મજલ કાપવાની છે અંધારું થાય તે પેહલા પોહચી જાઉં..બેઠો છું હજી દસેક મિનિટ સાવ ખાયા પિયા ખિસકો તો નહીં કરું..
અમે ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા મુખવાસ આવ્યો ..
જિતના મમ્મી કહે એક વાત કરવી છે મારે તમને ભાઈ..
મેં કીધું નિઃસંકોચ કહો બેન..
ભાઈ વાસણામાં મારું જૂનું ઘર છે , હું જિત ને કહું છું એ ઘર કાઢી નાખ અને ધરણીધર બાજુ નવો ફ્લેટ લઈલે , આજે નહીં ને કાલે અમદાવાદ પાછું સેટ થવાનું છે તો પછી પ્લાનિંગ કર્યું હોય તો સારું પડે ..
જિત એ વચ્ચેથી વાત કાપી .. મમ્મી તને કીધુને કે નવો ફ્લેટ લઈશું , પણ જૂનું ઘર નથી કાઢવાનું..
બેન બોલ્યા ..આને જૂનું ઘર કેમ નથી કાઢવું ખબર છે શૈશવભાઈ ?
જિત લાગણીવશ થઈને બોલ્યો .. મારા બાળપણની અને પપ્પાની નિશાની છે.. એ ઘર..
એના મમ્મી બોલ્યા ભાઈ આને સમજાવો ..નામ હોય એનો નાશ હોય , કાલે સવારે હું પણ મરી જઈશ તો મારી વસ્તુઓ પણ સાચવીશ ? એમ ના હોય.. ભાઈ આને સમજાવો, હવે આ બાબતે હું તમારા ભરોસે છું ભાઈ..
જિત લાગણીમાં રડુ રડુ..
મેં કીધું પ્રયત્ન કરું બેન , પણ વચન નથી આપતો .. જિત્યા ક્યારે અમદાવાદ આવવાનો ?
જિત કંઇ બોલ્યો નહીં ..
ઘણીવાર નાના બાળક પાસેથી રમકડું છોડાવવું સેહલું હોય છે પણ પાકટ વયે આવું કશું છોડાવવું અઘરું પડે..
બીજી આડીઅવળી વાત કરી મેં કીધું ચલ હાઈવે સુધી તારી ગાડીમાં ..
હું જિતની ગાડીમાં ગોઠવાયો, મારો પહેલો સવાલ .. અરીસામાં જોવે છે જિત્યા ? કશો જવાબ ના આવ્યો ..
મેં આગળ ચલાવ્યું .. તારા બાપમાં અને તારામાં શું ફર્ક છે ? અત્યારે તું બેઠ્ઠો તારા બાપની કોપી લાગે છે , એ ટાલ ,એ જ આંખ ,નાક નકશો, શરીરનો બાંધો .. આના થી વધારે શું સંઘરવું છે તારે ??? અરીસામાં શાંતિથી જોજે તારી જાતમાં તારા પપ્પા ચોક્કસ દેખાશે..
તારા મમ્મી પ્રેક્ટિકલ છે , પૂરું કરી નાખ ..
મહિના પછી જિત અમદાવાદ આવ્યો ધરણીધર એક નવી સ્કીમના પાયા ખોદાઈ રહ્યા હતા ત્યાં લઈ જઈને ઉભો રાખ્યો મને.. ચાર બેડરૂમ નો નોંધાયો , પેલા મકાનનું આવશે એ બધું ડાઉન પેમેન્ટ અને બાકીની લોન , વ્યાજ ઇન્કમટેક્સ માં બાદ મળશે ..
મેં કીધું અભિનંદન .. ચાલો ગમ્યું…
મમ્મીએ એ ખાસ કીધું છે કે ભાભી , બા અને બંને દિકરીઓ ને લઈને રોકાવાય એમ આવો ..
મેં કીધું ચોક્કસ ક્યારેક ગોઠવું..
આજે ઘરે બેઠા યાદ આવ્યો આખો પ્રસંગ .. વિચારું છું કે કયા જન્મનું લેણું અને ભાવ.. !! સ્વીગી અને ઝોમેટોના જમાનામાં વીસ મિનિટમાં પૂરી , સુખડી , ખમણ , ભજીયા, બટાકાનું શાક મગની છૂટી દાળ .. કઈ ઝડપે બનાવ્યું હશે ..??
અને એક એક ગરમ ગરમ પૂરી .. ખરેખર દ્વારકાધીશએ તાંદુલ ખાતા જે વૈભવ ભોગવ્યો હશે એનાથી વધારે કદાચ વૈભવ એ દિવસે મેં ભોગવ્યો હતો..
મારી મા અને સાસુમા ..
આ બે સિવાય ત્રીજા ,ચોથા કોઈ એટલા ભાવથી જમાડનારા મને જીવનમાં ઓછા મળ્યા છે..!!
માથે ઊભા રહીને જમાડે.. !!
ભોજનનો અસલી સ્વાદ પીરસવાવાળાના પ્રેમ અને પોતાનાપણામાં બાકી બધું ખોટું.. !!
મલાવા
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*