આજે શ્રાવણ બેઠો..
મારા ગરબા પગલુંઓ અડધે અષાઢના મંડાણાં છે, ચારેબાજુ બિલાડીની ટોપની જેમ ગરબા કલાસીસ ફૂટી નીકળ્યા છે, અહીયાં સ્પષ્ટ કરી દઉ કે મને ગરબા કલસીસથી કોઈ જ પ્રોબ્લેમ નથી , નથી આવડતા તો શીખવા છે , આ તૈયારી જ બહુ મોટી વાત છે , ગરબા કરતાં આવડે નહીં અને પછી બાહર બેઠા બેઠા પથરા મારવા એના કરતા શીખી લેવુ સારું , કમ સે કમ દુનિયાના આનંદમાં સહભાગી થઈને આનંદ તો લ્યે છે..કેરી ઓન પીપલ…!
IIM ચાર રસ્તે પાટિયા ચડી ગયા છે, વેહલા તે પેહલા એમ કરીને ગરબાના પાસીસ વેચાવવાના ચાલુ થઈ ગયા છે..!! મહાદેવ મહાદેવ ..!! શ્રાવણ બેઠો નથી ત્યાં નોરતાના પાસીસનો વહીવટ..!
અહીયાં જે લપોડશંખને વેહચવુ અને વેચવુ આ બે શબ્દોનો ફર્કના હોય એ અટકી જાય આ બ્લોગ તમારા માટે નથી..!!
અમારો ગરબા કલસીસનો પાસીસનો પેહલો બ્લોક આ તારીખે પૂરો, હવે પછી બીજા બ્લોકનો ભાવ જુદો હશે….!!
સરકાર .. ઓ સરકાર .. જાગો .. જાગો , મા`ડીના .. મંદિરના બારણાં ઊઘડે એ પેહલા તો ગરબાના પાસીસનો સટ્ટો ગૂંથાવાનો ચાલુ થઈ ગયો, ઇન્વેસ્ટમેટ થવા લાગ્યા ગરબાના પાસમાં ..!!!!
બજાર ખૂલી ગયું ભ`ઇ ..!
ટપ્પો પડ્યો કે નહીં સાચા બોલા શાંતિલાલ તમને ..???
જો ધીરજલાલને પકડીને બેઠાને તો અત્યારે પાંચસોનો પાસ નહીં લીધો હોય તો જે દિવસે આસોની અજવાળી રાત્રે મા`ડી મંદિરના બારણાં ખોલશે ત્યારે તમારે પાંચસોનો પાસ બે હજારનો લેવો પડશે..???
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કેહવાય નહીં ..!!!
તમારું નવરાત્રીનું આખું બૂડજેટ ઉર્ફે બજેટ ઉથલાવી દેશે.. વીસ પચ્ચીસ હજારના તો ખાલી પાસ જ થશે, પછી અડધી રાત્રે ડોઝૂ ભરવાનું અને કપડા એ બધુ અલગથી..!!!
અત્યારથી કરેલ સેવિંગ્સની પઈણી નાખે, દિવાળીએ ગામડે ઘેર જવાન રૂપિયા ના વધે..!!
ઓન સિરિયસ નોટ ..
1) પાસીસના ભયંકર કાળાબજાર થાય છે, ક્યાં તો રોકો ,અથવા એનું પ્રોપર એક્સ્ચેન્જ બનાવો અને લીગલ બનાવી એની ઉપર ટેક્ષ લ્યો, બાળકો છેતરાય નહીં અને કમાણીનું સાધન છે એને ટેક્ષએબલ બનાવો..!
કારણ શું તો બે કરોડમાં ઈવેન્ટ દસ દિવસની થાય છે અને લગભગ ચાર સાડા ચાર કરોડનો વકરો , બેલેંસશીટ જેવુ કશું થતું નથી વકરો એટલો નફો અને ખર્ચ્યા એટલા ગયા ખાતે..!
જાગો મા`ડી જાગો ..!
2) સેફટી જેવુ કશું જ હોતું નથી એક પણ ગરબા ગ્રાઉન્ડમાં… એસ્થેટિક એમબીયન્સની મોકાણ..
મારી જ દિકરીના માથે એક ટેમ્પરરી સ્ટ્રક્ચર પડ્યું અને જીવલેણ ઇજા થઈ હતી, નસીબજોગે એની સાથે એમડી અને સર્જરી ભણતા બાળકો જ સાથે હતા એટલે જીવ બચ્યો, તમામ વસ્તુઓ બાળકોએ ઇન ટાઈમ મેનેજ કરી લીધી..એસ્થેટીક એમબીયન્સના નામે ઊભા થતાં જીવલેણ ટેમ્પરરી સ્ટ્રક્ચર રોકો, સેપ્ટમાં તો ભણેલા ગણેલા લોકો સ્ટ્રક્ચર ઊભા કરે, એની કંટ્રોલ સી કંટ્રોલ વી કરવામાં લોકોના જીવના જોખમ ઊભા થઈ ગયા..!!
જાગો મા`ડી જાગો..!!
3 ) પાર્કિંગની ભયંકર સમસ્યા ..
જોર રૂપિયા લઈને પાર્કિંગના નામે મોટું મીંડું, છેલ્લી મિનિટોમાં પાસીસનું ઓવર સેલિંગ પુષ્કળ , ભીડભાડ એટલે વાત ના પૂછો, આમાં સ્ટેમ્પહેડ એટલે કે ભાગાદોડી થઈ તો ના જોવાના દિવસો અમદાવાદએ જોવા પડે..!
જાગો મા`ડી જાગો ..!!
4 ) ઢીલીઢાલી સિકયુરીટી ..
પાછલા બારણેથી પણ ઘુસડાવાના અને સરકારી અધિકારીઓના સગાઓને બેફામ પાસીસની લહાણીને કારણે કોણ આવ્યું અને કોણ ગયું, કોઈ જ પ્રકારનો કંટ્રોલ આયોજકોનો રેહતો નથી .. પ્રોપર રજીસ્ટ્રેશન અને કયુઆર કોડ વિના એન્ટ્રી પ્રતિબંધિત ..
જાગો મા`ડી જાગો..!!
5) છેલ્લી મિનિટનો બહારનો રશ ..
ફાડી નાખે એવો, અભિમન્યુના કોઠા ભેદવા સારા, સ્થળ ઉપર પાસના વેચાણ તદ્દન બંધ થવું જોઈએ..!! રહી ગયા તો તમારા ઘેર રેડિયો ચાલુ કરીને ગરબે ઘૂમી લ્યો પણ છેલ્લે દોડાદોડી નહીં..!!
જાગો મા`ડી જાગો ..!!!
6 ) એક સર્કલમાં ગરબા ફરજિયાત ..
ગરબા ગ્રાઉન્ડમાં ફેલાતી ભયંકર અરાજકતાને ટાળવા એક જ સર્કલમાં ગરબા થવા ફરજિયાત, જે લોકોને એક જ પ્રકારનો ગરબો અને કપડાં પેહરીને આખા ગ્રૂપને ગરબા કરવા એમના માટે રિવરફ્રન્ટના એમ્ફિથિયેટર ખોલી આપો .. કૂતરાં મૂતરે છે ત્યાં અત્યારે ..!
આ લોકો માટે સાચો અને સારો રસ્તો એ છે કે દરેક પૂર્ણિમાએ એમને તેડાવો રિવરફ્રન્ટ અને ગરબાના આયોજન રેગ્યુલર કરો , ગુજરાતી માણસને ત્યાં આલ્પ્સ ઉપર જઈને ગરબા કરવા જોઈએ છે.. તો સાચી જગ્યા આપો એટલે બીજે ભવાડા ના થાય..
જાગો મા`ડી જાગો ..!!!
7 ) ગરબાને બજાર બનાવી દીધું ..
લગભગ સાલ 1986 -1987 ની અરસામાં ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ધરણીધર ઉપર દસ રૂપિયાના પાસીસથી ધંધો ચાલુ થયો અને પછી એમ ઉમેરો થતો ગયો, ગરબો ગ્લોબલ પણ થઈ ગયો હવે પણ કેટલા કરોડનું ગરબા બજાર એ ખાલી સ્પેકયુલેશન જ થાય બાકી સાચો આંકડો ના આવે.. નવરાત્રી દુનિયના ખૂણે ખૂણે થાય છે હવે, ગઈસાલ નોર્થ અમેરિકામાં હજી નવરાત્રી પૂરી નોહતી ત્યાં દિવાળી પાર્ટીઓ ચાલુ થઈ ગઈ.. ચોમાસાના ચારે મહિના ગરબા ચાલે દુનિયાભરમાં..
ગરબા બજારને નિયંત્રણમાં લાવો .. અને ઓર્ગેનાઈઝ રીતે ફેલાવો ..
જાગો મા`ડી જાગો ..!!!
8 ) આઠમો અને બહુ મહત્વનો મુદ્દો .. ગરબાને કયા સુધી લોકકલા તરીકે રાખશો હેં ?
ગરબાના ઘણા રૂપિયા “ખાધા” હવે તો ગરબાને ભેગા થઈને શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન અપાવો..જરાક તો કૃતઘ્નતા રાખો ગરબા પ્રત્યે..!
ગરબાને વેચવામાં કોઈએ બાકી નથી રાખ્યું ,ગરબા લખાનારા , કંપોઝ કરવાવાળા , ગાવાવાળા , આયોજન કરવાવાળા , ગરબે રમવાવાળા ..
ટૂંકમાં કહું તો કવિ, સંગીત બનાવનાર,ગાયક,વાદક, નૃત્ય કરવાવાળા , શીખવવાવાળા , આયોજકો , માર્કેટિંગવાળા , અને છેલ્લે સરકારો ..જીએસટી લાગી ગયો છે હોં તમારી જાણ ખાતર..!
તમે બધાય કમાયા, હામ,દામ,ઠામ અને નામ , બધુ જ પામ્યા પણ ગરબાને શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન અપવવા માટે શું કર્યું ..??
મા કમાઈને આપતી હોય ને માને સાચવવી પણ પડે , એના માટે કઈક કરવું પડે,બસ એકલી ભક્તિના ચાલે, મા નો ગરબો લઈને ઘણું ફર્યા હવે એને એક લેવલઅપ કરવાનો સમય છે..
બધા સાહિત્યકારો ,સંગીતકારો , નૃત્યકારો ભેગા થાય અને ચોટલીઓ ખુલ્લી કરો નર્મદની જેમ ..
એમનેમ આ ભગીરથ કરી નહીં થાય ..
ગરબાને દસમા શાસ્ત્રીય નૃત્ય તરીકે માન્યતા અપાવો..!
બહુ …મી` તો અછરો દારૂડો પીધો પીધો.. કર્યા કર્યું ..!
અહિયાં વાત લોકકલાને ઉતારી પાડવાની નથી, કોઈપણ કલાનો જન્મ લોકકલા સ્વરૂપે જ થાય પણ પછી એને શાસ્ત્રના બંધનમાં લાવી અને શાસ્ત્રીય રૂપ આપાય ત્યારે પૂર્ણતા પામે..! જેમ સ્ત્રી માતૃત્વ ધારણ કરીને પૂર્ણતા પામે છે..!
ગરબો હવે તો ઘણો મેચ્યોર થયો છે, સમય છે એની ઉપર કામ કરવાનો,જો અત્યારે આ કામ ના થયું તો આપણા જીવતે ક્યારેય નહીં થાય,
ગુજરાત સરકાર અને કેન્દ્રમાં બેઠેલા ગુજરાતના પનોતા પુત્રોને વિનંતી કે ગરબાને શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન મળે એ દિશામાં કઈક કામ શરૂ કરાવો..!
તમારી જાણ ખાતર ભારતમાં સંગીત નાટક અકાદમી દ્વારા માન્ય મુખ્ય ૮ (આઠ) શાસ્ત્રીય નૃત્યો છે, જો કે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેમાં છૌ (Chhau) નૃત્યનો સમાવેશ કરીને કુલ ૯ નૃત્યો ગણવામાં આવે છે…
મુખ્ય શાસ્ત્રીય નૃત્યો અને તેના રાજ્યો
ભારતના મુખ્ય આઠ શાસ્ત્રીય નૃત્યો નીચે મુજબ છે:
· ભરતનાટ્યમ – તમિલનાડુ
· કથક – ઉત્તર પ્રદેશ
· કથકલી – કેરળ
· કૂચીપુડી – આંધ્ર પ્રદેશ
· ઓડિસી – ઓડિશા
· સત્રિયા – આસામ
· મણિપુરી – મણિપુર
· મોહિનીઅટ્ટમ – કેરળ
દસમું સ્થાન અહિયાં મારા ગરબાને આપવો કોઈક ..!!!!!
વિચારજો અને સાચું લાગે અને સહમત થાવ તો બ્લોગ ફોરવર્ડ કરજો , કોઈકના તો માહ્યલા ચોક્કસ જાગશે..
બસ આજે આટલું જ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*