નમસ્તે દોસ્તો,
મોટેભાગે હું બ્લોગ મારા મનને હળવું કરવા માટે લખતો હોઉં છું અને લખતી વખતે એક વાતને બહુ જ મક્કમતાપૂર્વક પકડી રાખી છે કે “વિચારીને લખવું નહિ ને લખ્યા પછી વિચારવું નહિ” પણ આજે વિચારીને લખવાની ઈચ્છા થઇ ગઈ છે પ્રયત્ન કરી રહ્યો છું વિચારીને લખવાનો..
ગુજરાતની ચૂંટણી જાહેર થઇ ગઈ છે,અને અચાનક તરફેણ અને વિરુદ્ધમાં “ધમચકડ” મચી ગઈ..! ગુજરાતની આ વખતની ચૂંટણી ખુબ જ ઐતિહાસિક મહત્વ ધરાવતી ચૂંટણી છે..!!
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું પતન કે વિજય આ બંને પરિસ્થિતિ રાષ્ટ્રને એકદમ જુદી જુદી દિશા તરફ દોરી જશે, અને આ બંને દિશાઓ એક ચોક્કસ એકસ્ટ્રીમ એન્ડ તરફ જતી દિશા જ છે..આ વખતે ગુજરાતમાં અત્યારે જે રીતે ગુજરાતી મીડિયા અને ખાસ કરીને સોશિઅલ મીડિયા જે રીતે જાતિગત સમીકરણો અને આંકડા મૂકી રહ્યા છે એ જોતા એમ લાગે છે કે ગુજરાત ના છેલ્લા બે ઈલેક્શન એક લોકસભા અને બીજું વિધાનસભા આ બંને છેલ્લા ઈલેક્શનો કે જે બિલકુલ જાતી અને ધર્મથી ઉપર જઈને લડાયા હતા એનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જઈને લડાઈ રહ્યું છે..
થોડું પાછળ જઈએ..
૨૦૧૪ના લોકસભા ઈલેક્શન પેહલા જે સ્ટ્રેટેજી સંઘ અને ભાજપે કોંગ્રસને પછાડવા માટે વાપરી હતી એ જ સ્ટ્રેટેજીનું સ્વરૂપ બદલી અને કોંગ્રેસે આ વખતે ભાજપના માથે ગુજરાતમાં મારી છે..!
તમે યાદ કરો કે સાલ ૨૦૦૦થી લઈને ૨૦૧૦ સુધીમાં તમે કે મેં ક્યારેય અન્ના હજારેનું નામ સાંભળેલું હતું ? અને સાંભળ્યું હોય તો ક્યાંક અછડતું નામ સાંભળ્યું હતું, બાબા રામદેવ ફક્ત અને ફક્ત યોગગુરુ તરીકે જ ઓળખાતા..!
તેરમી લોકસભાને વેહલી વિખેરી અને “ઇન્ડિયા શાઈનીંગ” ના જાપ કરીને ભાજપ લોકસભાના ઈલેક્શનના અખાડામાં વેહલું આવ્યું,પણ બરાબરનું મો ભર્યું પછડાયું અને એ પછડાટ ખાધા પછી યુપીએ ને દિલ્લીમાં પછાડવા માટે ૨૦૦૯માં ખુબ બુમ-બરાડા અને ધમપછાડા કર્યા,અંતે નિરાશા હાથ લાગી..!!
આ તરફ એ જ દિવસોમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદી નો પરચમ દિવસે દિવસે એક પછી એક બુલંદીઓ ને સર કરીને ઉંચો થતો જતો હતો,દેશભરમાં જે લેહર હતી એની તદ્દન વિરુદ્ધ જઈને ગુજરાત દરેક ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હાથમાં સુકાન આપતું રહ્યું, અને ગુજરાતમાં સતત મળતા વિજયશ્રી એ નરેન્દ્ર મોદીને પોતાના પક્ષમાંથી દિલ્લી જવાના રસ્તા ખોલી આપ્યા, પણ અંતિમ લક્ષ્ય ને સાધવા લોકસભા જીતવી જરૂરી હતી..
એ સમયે અત્યારે જે નિરાશા અને હતાશાનો માહોલ છે દેશમાં એ જ માહોલ ૨૦૧૧-૧૨માં પણ હતો,યુપીએ સરકાર પર ચારેબાજુથી ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા હતા, અને લોકો કોઈ કાળે “ઇન્ડીયા શાઈનીગ” ને ભૂલવા તૈયાર નોહતા, ભાજપના અંદર ના સત્તા ભૂખ્યા લોકોને રહી રહીને અટલ બિહારી વાજપાઈ યાદ આવી રહ્યા હતા પણ બાજપાઈ એ વનવાસ ધારણ કરી લીધો હતો..લોકો ખોટા ખોટા વાયદાઓ અને નેતાઓના બકવાસ સાંભળી સાંભળીને થાક્યા હતા અને એવા સમયે રામલીલા મેદાનમાં અન્ના હજારે ઉતરી પડ્યા, સંઘને અન્નામાં આશાનું કિરણ દેખાયું રામલીલા મેદાન આખ્ખુ સંઘના કાર્યકર્તાઓ થી ભરાઈ ગયું અને સંઘર્ષ શરુ થયો..અન્ના હજારે અચાનક સંઘ કે ભાજપથી મોટા થઇ ગયા અને એ વાત એ લોકોને મંજુર નોહતી, બધા જ લોકો ઘડીના છઠ્ઠા ભાગમાં ખસી ગયા..અને બહુ મોટી જગ્યા પડી…
આગળ લખતા પેહલા એક કબુલાત કરું કે ભારતમાં કેડર બેઇઝ બે જ પાર્ટી છે એક સંઘ ભાજપ અને બીજા સામ્યવાદીઓ ,કોંગ્રસ લગભગ વારસાગત પાર્ટી જ થઇ ને રહી ગઈ છે..
જે તક અન્ના હજારેમાં સંઘ અને ભાજપ જોતો હતો એ જ તક સામ્યવાદીઓને દેખાઈ અને સંઘ ભાજપની ખાલી કરેલી જગ્યા એ લોકોએ ભરી દીધી,અન્ના સાઈડ લાઈન થયા અને કેજરીવાલ આણી મંડલી આવી ગઈ મેદાનમાં..
બરાબર એ જ સમયે નરેન્દ્ર મોદી એમનો ગુજરાત વિજયનો અશ્વમેઘ નો ઘોડો લઈને નીકળ્યા હતા..અન્ના અને બાબા રામદેવ એ દેશભરમાં બનાવેલો યુપીએ અને ભ્રષ્ટાચાર વિરોધી માહોલમાં ભારતવર્ષને સતત ત્રણ વિજયશ્રી ના ગુજરાતી ઘોડા ઉપર સવાર થઈને દોડતા નરેન્દ્ર મોદીમાં દેશને પોતાનો તારણહાર દેખાયો..!
અને ૨૦૧૪ નું રણ જીતાઈ ગયું..!
નરેન્દ્ર મોદીની ભવ્ય વિદાય થઇ ગાંધીનગરથી..!
ગુજરાતમાં તેર વર્ષના એકહથ્થુ શાસન નો અંત આવ્યો ભાજપમાં નંબર એક અને બે બનવા માટે હોડ લાગી ગઈ,કબડ્ડીની રમત ચાલુ થઇ..નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે મત આપેલી “પ્રજા” અને “શાસન” બંને આનંદીબેનને સ્વીકારવા તૈયાર નોહતી..!
અને એવા સમયે ગુજરાતમાં પાટીદાર,ઠાકોર અને દલિત ફેક્ટરનો ઉદય થયો..
પાટીદાર અને ઠાકોર આ બંને ફેક્ટરમાં પેહલા તો સામાજિક સુધારણાની જ વાત હતી..જેમ પેહલા દિલ્લીમાં અન્ના હજારેની ભ્રષ્ટાચાર વિરોધી વાત જ હતી બીજી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નોહતી તેમ જ..પણ જેમ દિલ્લીમાં અન્ના હજારે નો દ્રોહ કરીને કેજરીવાલ એન્ડ કંપની પોતાને સપોર્ટ કરનારા લોકોને લઈને સત્તા પર કાવિજ થઇ ગયા એમ જ ગુજરાતમાં પાટીદાર,ઠાકોર,અને દલિત આ ત્રણ નેતાઓ પોતાની જોડે જે લોકો આવ્યા એમને લઈને મૂળ અંદોલનથી છુટા પાડીને સત્તા હાંસિલ કરવા નીકળ્યા..!
ગુજરાત અને રાજસ્થાન આ બંનેની કમબખ્તી એ છે કે બે મોટા રાજકીય પક્ષો સિવાય કોઈપણ પ્રાદેશિક પક્ષ ક્યારેય ચૂંટણી જીતી શકતા નથી, આ સનાતન સત્યને જાણનારા ત્રણે નવા નવા નેતાઓ કોંગ્રેસ શરણમ ગચ્છામી કર્યું,અને ગુજરાતમાં તદ્દન મરણપથારીએ પડેલી કોંગ્રેસને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું અને અનાયાસે જે દાવ ભાજપે ૨૦૧૪માં એની સામે ખેલ્યો હતો એવો જ દાવ કોંગ્રેસના હાથ આવી ચડ્યો..!
આપણે જ્યોતિષમાં માનીએ કે ના માનીએ પણ શનિ મહારાજ એમનું કામ તો કરે જ છે, શનિ મહારાજની પનોતી હમેશાં ન્યાય કરતી જાય ભૂતકાળના સારા કર્મોનાં શુભ ફળ આપે અને કુટિલ કૃત્યોના કુટિલ ફળ આપે..!
નરેન્દ્ર મોદીની વૃશ્ચિક રાશિમાંથી હજી આજે શનિ મહારાજ ધન રાશીમાં ખસ્યા,પણ એમણે જે દાવ ૨૦૧૪માં દિલ્લીમાં નાખ્યો હતો કોંગ્રેસ સામે એ જ દાવ આજે એમની સામે હાર્દિક,જીગ્નેશ અને અલ્પેશ થઇને આવ્યો..
બિલકુલ નોન પોલીટીકલ મુવમેન્ટ અન્ના ,કેજરી ,કિરણ બેદીની અને એમ જ બિલકુલ નોન પોલીટીકલ મુવમેન્ટ હાર્દિક,જીગ્નેશ,અને અલ્પેશની…!!! પણ બધું પોલીટીકલ થઇ ગયું…!!
જય હો શનિ દેવતાની… અહી નું અહી જ દેખાડી દીધું..!!
હવે ખરો વિચાર કરવાની જવાબદારી મારી અને તમારી બને છે.. અત્યારે ગુજરાતમાં કોઈ જ વ્યક્તિ એકબીજાને નાત-જાત પૂછતું નથી, લગભગ દરેક જગ્યાએ સૌ સરખા એવી ભાવના પ્રવર્તી રહી છે અરે હિંદુ મુસલમાનના ભેદ પણ બહુ દેખાઈ નથી રહ્યા(બાય ધ વે કોઈ ને એમ થાય કે આ ભાઈ આવું કેમ લખે છે તો એટલું કહી દઉ કે હું ૧૯૭૦માં જન્મ્યો છું અને કોટ વિસ્તારમાં રહીને મોટો થયો છું એટલે કોંગ્રેસ ના “કુશાસન” અને ભાજપના કેહવાતા “સુશાસન” બંનેમાં હું જીવ્યો છું) નક્કી આપણે કરવાનું છે કે જાતિ આધારિત ગુજરાતનું સર્જન કરવું છે આપણે ?જે આપણે કરીશું તે જ આગળ દેશ આખો કરવાનો છે એ યાદ રાખવું ઘટે ..!
હું માનું છું કે દરેક ગુજરાતી આ સવાલ નો જવાબ ચોક્કસ “નાં” મા જ આપશે..!
તો પછી કરવું શું ??
અત્યારે ઓપ્શનમાં બે જ વસ્તુ અવેલેબલ છે કોંગ્રેસ કે ભાજપ, બંને ઉપર ઉપરથી જાતીગત ચૂંટણીની ના પાડે છે, અને અંદરથી ફેરવી ફેરવીને જાતિગત સમીકરણો મુકે છે અને સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છે..
આ બધાની વચ્ચે આપણે પક્ષાપક્ષીથી દુર હટીને “સંપૂર્ણ યોગ્ય” ઉમેદવારને જીતાડવાની કોશિશ કરવી જોઈએ અને સંપૂર્ણ યોગ્ય ઉમેદવાર એટલે કોણ ?
ગુજરાતી માટે જેની આર્થકનીતિ પ્રોપર રાખે એ યોગ્ય..અને વેપાર ધંધામાં કનડગત ઓછી કરે એ ઉમેદવાર કે સેવક સારો..એટલે જવાબમાં પેહલા લખીને અડધો મુકેલો બ્લોગ મુકું છું..
ચૂંટણી જાહેર થઇ એટલે હવે રોજ તમારી “સેવા” કરવા તત્પર એવા તમારા “સેવકો” તમારી આજુબાજુ હાથ જોડીને ઉભા રેહશે અને એ જ સેવકો પોતાની જાતને ઉજળી સાબિત કરવા એકબીજા ઉપર કાદવ નાખશે..!
કેવી મોટી “ભવાઈ” છે નહિ આ આપણું લોકતંત્ર…??!!
જેને મત આપીને તમે મોકલો એ જ “સેવક” પછી ભરી બજારે તમને કહે કે તું ચોર છે અને તું કાળાબજારીયો, તારી પાસે કાળું નાણું છે અને જો તું જાહેર નહિ કરે તો તારી ખેર નથી..!
પણ પોતે..??
ઘડીકમાં એક ગંગાપુત્ર તો ઘડીકમાં બીજા દ્વારિકાધીશને શરણમાં બેસે..!
એકપણ રાજકીય પક્ષ પોતાને મળતા ભંડોળનો હિસાબ આપવા તૈયાર નથી,અને તમારી અને મારી પાસે બોક્સર કઈ બ્રાંડની પેહરો અને કેટલા રૂપિયાની ત્યાં સુધીના હિસાબ માંગે..શા માટે રાજકીય પક્ષ સો ટકા ચેકથી દાન લે અને એમના ખર્ચાના પેમેન્ટ ચેકથી ના કરે..? શા માટે પોતાની મરજીથી મારી સેવા કરવા આવેલા સેવક ને સેવા નિવૃત્તિ પછી પેન્શન આપવાનું ..?
આપણે ૫૬૨ રજવાડાના સાલીયાણા નાબુદ કરીને નવા સાલીયાણા ઉભા કર્યા..!!
શું હું કે તમે આ એકપણ “સેવક”ને એમના ઘેર જઈને બોલવવા ગયા હતા કે આવો મારા વાલીડા સેવક તું આવ અને મારી સેવા કર ભાઈસા`બ બાપા..?!!
સેવકો તમે તમારી મરજીથી સેવા કરવા આવો છો તો પછી શા માટે તમને અમારી સેવા કરવા માટે “સેવકી” અને “સેવાનિવૃત્તિ” પછી “સાલીયાણું” જીવો ત્યાં સુધી કેમ આપવાનું..?
આવા સવાલોના જવાબ એકપણ પક્ષનો નેતા આપશે નહિ..
પણ દરેક “સેવક” પરોપદેશે પાંડિત્યમ કરશે..
સિત્તેર સિત્તેર વર્ષથી બાપડા બિચારા થઇને જીવી રહેલી કીડા મકોડા જેવી પ્રજાને એના મતની કિંમત કે તાકાતની ખબર જ નથી..!
મોજા કે રેલામાં રેલાઈ જતો દેશનો જનસાધારણ દર બે ત્રણ વર્ષે જુદી જુદી ચૂંટણીમાં મત આપીને અને ક્યારેક સત્તા પરિવર્તન કરાવીને ખુશ થાય છે,અને પછી જેવા બે ત્રણ વર્ષ પુરા થાય ત્યારે જેને હોંશે હોંશે મત ખોબલે ખોબલે આપ્યા હતા એને સુંડલે સુંડલે ગાળો આપે..!
સામાન્ય મતદાતા એ માનવા જ તૈયાર નથી કે “રાજા” એ પોતે છે,અને જેને તું મત આપે છે એ તો તારો “સેવક” છે, અને સરકારમાં નોકરી કરતો દરેકે દરેક કર્મચારી તારો “નોકર” છે..!
બાળપણથી જ આપણને ગુજરાતી માનસમાં ઘુસાડી દીધું છે કે સત્તા આગળ શાણપણ નક્કામું..! બસ આ એક લાઈન “રટ્ટો” મારીને દિમાગમાં ઘુસાડી દીધી છે..!
સાચું બોલજો તમે તમારા વિસ્તારના ધારાસભ્ય કે કોર્પોરેટરને તમારા વિસ્તારની સમસ્યા માટે જીવનમાં ક્યારેય મળ્યા છો ? લોકસભા અને રાજ્યસભાના સભ્યને મળવાનું તો બહુ જ દુર રહ્યું ..
દોસ્ત ધરમથી કહું છું કે ૯૯% લોકો જેને મત આપે છે એની સાથે ક્યારેય જીવનમાં મોઢામોઢ બે લાઈન વાત સુધ્ધા નથી કરતા..!
તો પછી શું થાય..?
જે માણસને તમે તમારા જીવનનો પાવર ઓફ એટર્ની આપી રહ્યા છો એની સાથે એક બે મિનીટ પણ વાત નથી કરતા,એ શું ભણ્યો એનું ફાયનાન્સ બેકગ્રાઉન્ડ શું છે? એની તમારા જીવનને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દા ઉપર એના શું વિચાર છે એ જાણવાની તમે કે હું ક્યારેય કોશિશ પણ નથી કરતા અને તમે અને હું બસ આંખ બંધ કરીને “મત્તા” મારી દઈએ છીએ..!
હજી સમજણ ના પડી હોય તો થોડું ઝૂમ કરું …
ઇન્દિરા ગાંધીએ ઈમરજન્સી નાખી અને મારા અને તમારા પિતાશ્રીને ધંધે લગાડી દીધા હતા એ પછી પણ શું કોઈ જે તે ધારાસભ્ય કે સ્થાનિક કોર્પોરેટર સુધ્ધાને ઘેર જઈને ખખડાવી નાખ્યા હોય એવું બન્યું ?
નોટબંધી ની આટલી બધી તકલીફમાં ક્યારેય કોઈ વ્યક્તિએ એમના લોકસભાના સભ્યને બોલાવીને “વારો” પડ્યો..?
વાત પ્રધાન સેવકની હોય કે પ્રથમ સેવકની (જવાહરલાલ પોતાને પ્રથમ સેવક કેહડાવતા) પ્રજા પોતે જ પોતાના સેવક પાસેથી જવાબ માંગવા જતી નથી અને ભાર બધો મીડિયા ઉપર નાખે છે..!
આજથી દરેક પક્ષમાં હાલીમવાલી ટીકીટો લેવા લાઈનમાં ઉભા રહી જશે અને સામ દામ દંડ અને ભેદ બધું વાપરી અને ધારાસભા સુધી પોહચવાનો પ્રયત્ન કરશે..!
એકપણ હાલીમાવલીને પ્રજાના એકપણ વર્ગની બીક નથી કે મારે આમને જવાબ આપવો પડશે..પણ આપણે કમ સે કમ દરેક વોર્ડ દીઠ પચાસ સો પ્રબુદ્ધ નાગરીકોની સમિતિ હોવી જોઈએ કે જે ચૂંટણી પેહલા બધા પક્ષોના ઉમેદવારોના બુદ્ધિમત્તાના લેવલ ચકાસે..! આપણા દેશમાં જો એક પટાવાળો રાખવાનો હોય તો ત્રણ જણા ઈન્ટરવ્યું લે છે પણ ધારાસભ્યનો કોઈ જ ઈન્ટરવ્યું થતો નથી..!
લોકો છાપા ટીવી અને સોશિઅલ મીડિયા પર ચાલતા જાહેરાતોના મારા ઉપરથી નક્કી કરી લે છે કે કોણ મારી “સેવા” કરવા યોગ્ય છે..!
આજે જવાબદારી આપણી છે પક્ષાપક્ષીથી દૂર હટીને ખરેખરો યોગ્ય ઉમેદવાર હોય એને મત આપી અને આપણા જીવનના પાવર ઓફ એટર્ની આપીએ.. સ્વબુદ્ધિથી નક્કી કરીએ કે કોણ સાચું છે અને કોણ ખોટું, સ્થાનિક લેવલે દરેક જણાએ સક્રિય થઇને મત માંગવા આવનારાને મોઢામોઢ સવાલો પુછવા પડશે અને જવાબો મેળવવાની કોશિશ કરવી પડશે એકલા સોશિઅલ મીડિયા પર મારો ચલાવ્યે નહિ મેળ બેસે ..
ટીપીકલ ગુજરાત્તી માનસિકતામાંથી બહાર આવવું પડશે
મારું શું ? નહિ તો મારે શું ?
બાકી તો ભક્તો અને દુષ્ટો વચ્ચે લડાઈ ચાલ્યા કરશે અને સુર-અસુર ભેગા થઈને સમુદ્રમંથન કરશે ને ત્યારે તમારું દોરડું અને મારું વલોણું બનાવશે..અને છેવટે અમૃત નીકળે એની ઉપર એમનો જ અધિકાર આપણે માનવજાતી તો પામર અને મરવા જ સર્જાયેલી છીએ,
“એમના” માટે ચંદનની ચિતા ને જમનાજીને કાંઠે ઘાટ,અને આપણને સાબરમતીને કિનારે પર્યાવરણની જાળવણી માટે સીએનજીની ભઠ્ઠી..!
જય હો ગિરિધારી
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા