ગઈકાલે સવાર સવારમાં વોટ્સ એપ સંદેશો આવ્યો ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો એટલે પેટ્રોલ લગભગ ૩ રૂપિયા અને ડીઝલ ૨ રૂપિયા સસ્તું થયું..!
પેહલા તો એક લાગ્યું કે કોઈએ પડીકું ફેરવ્યું હશે એટલે વોટ્સ એપ ઉપર ગરમાગરમ ભજીયા ખુલ્યા છે આપણે પણ સુગંધ લઇ લ્યો,પણ સેન્ડરનું નામ જોયું તો થયું કે ના યાર આ માણસ પડીકા માસ્ટર નથી જેન્યુન હોય તો જ મેસેજ મોકલ્યો હોય..!
બહુ નવાઈ લાગી આટલા વર્ષમાં પેહલી વાર પારોઠના પગલાં લીધા એમ કેહવાય..!!!!
મદમસ્ત થયેલા પાગલ હાથીની જનતા જનાર્દને સાન ઠેકાણે લાવી દીધી? કે પછી ચાર પગલા આગળ આવવા માટે એક બે પગલા હાથી પાછળ ખસ્યો છે..?
બહુ વિચાર્યું કે મારું બેટું કોઈને ક્યારેય ના ગાંઠે એ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે ???
કેમ ???
સોશિઅલ મીડીયા ઉપર ખુલ્લા પડી ગયેલા “ભવાડા” નું ડેમેજ કન્ટ્રોલ કરવા આખો ખેલ થયો ? હવે સાચું ખોટું તો “ખેલ” કરનારા જાણે પણ બે રૂપિયા કે ત્રણ રૂપિયાના ઘટાડા કોઈ લાંબો ફેર નથી પાડવાના સામાન્ય જનસાધારણની જિંદગીમાં,
પણ આ તો કેહવા થાય કે અમે ભાવ ઘટાડ્યો બસ..
ડીસ્કવરી ચેનલ ઉપર બહુ વર્ષો પેહલા એક ડોક્યુમેન્ટરી આવેલી હતી અને એમાં જંગલી “હાથી” નો મદ્દ કેવી રીતે ઉતારવામાં આવે છે એ દેખાડવામાં આવ્યું હતું…
સૌથી પેહલા તો આખા જંગલમાંથી પંદર વીસ એક્સપર્ટની ટીમ કોઈએક મોટો “ગજેન્દ્ર” ને સિલેક્ટ કરે અને પછી એ ટીમ દ્વારા એક બહુ જ મોટો ઊંડો ખાડો ખોદવામાં આવે, જેમાં પેલો “હસ્તિ” સમાય અને પછી એ ખાડાની ઉપર ડાળા પાંદડા નાખી ખાડાને ઢાંકી દેવામાં આવે, પછી મદ્દમાં આવેલા “હાથી” ને જેમ તેમ કરીને એ ખાડાની નજીક લાવવામાં આવે, અને એ ખાડાની નજીક ખેંચી લાવવા માટે હાથણી જેવો અવાજ કરવામાં આવે,અને એ હાથણી ના અવાજની દિશામાં “વારણ” ખેંચાઈને આવે અને છેવટે મદ્દ ભાન ભૂલ્યો હાથણીના સહવાસની લાલચે ખેંચાઈ અને જાય “કરિ ” ખાડામાં..!!
ખરો ખેલ હવે શરુ થાય,પંદર વીસ જણાની એ ટીમ ખાડાને ફરતે લાકડીઓ લઈને ગોઠવાઈ જાય અને જયારે પેલો મદમસ્ત “મકદલ” ખાડામાંથી બહાર નીકળવા ધમપછાડા કરતા હોય ત્યારે ઉપર ઉભેલા પંદરે પંદર શાંતિથી ખેલ જોયા કરે,પણ જેવો “માતંગ” સેહજ થાકે અને બહાર નીકળવાના પ્રયત્ન ધીમા કરે કે તરત જ પેલા ઉપર ઉભેલા પંદરે પંદર હાકોટા પડકાર ચાલુ કરે અને ખાડાની બહાર ઉભા ઉભા “કુંજર” ના ગંડસ્થળ ઉપર લાકડીઓ ઘોચે,એટલે “સારંગ” ફરી ભૂરાંટો થાય અને ખાડામાં પડ્યો પડ્યો ચીંઘાડો નાખે અને આખું જંગલ ગજવે , ખાડામાં ભરાયેલા “સિન્ધુર” ને સતત સાત થી દસ દિવસ અને ચોવીસે ચોવીસ કલાક આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે, અને એ દરમ્યાન એક બે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે “દન્તી” ને એક પણ ક્ષણ માટે ઊંઘવા નહિ દેવાનો, અને બીજી વાત એ કે “વસુન્દર” ને ભૂખ્યો અને તરસ્યો જ રાખવાનો, છેવટે ભૂખ તરસ અને સાત દિવસની અનિન્દ્રા નો માર્યો “દ્વિરદ” એની જાત ને હેઠી મૂકી દે,અને ચુપચાપ મનુષ્યના વશમાં આવી જાય,અને વશમાં એટલે કેવો કે “કલભ” એના કાને બાંધેલા નાનકડા અંકુશથી પણ ફફડતો થઇ જાય, અને ધીમે ધીમે એ નાનકડા અંકુશ ને સહારે મહાવત નામનો માણસ “કુંભી” ને કન્ટ્રોલ કરે, અને જંગલમાં રખડતો પોતાની મરજીનો માલિક મદમસ્ત “ગયન્દ” માણસે સોંપેલા કામ કરતો થઇ જાય …!!
લાગે છે કે નોટબંધી અને જીએસટી પછી સોશિઅલ મીડિયામાં શરુ થયેલા હાકોટા અને પડકારા એ ગુજરાતના “નાગ” ને દિલ્લીના ખાડામાં લઇ જઈને ફેંક્યો છે અને છેલ્લા વર્ષથી પોતે ખોદેલા ખાડામાં પડ્યા પડ્યા ચોવીસ ચોવીસ કલાક સતત જાગ્યા પછી “અશ્વસ્થામા” ધોલેરાના એક નાનકડા પાટીયાથી ડરી ગયો..!
દુનિયાનો નિયમ છે કે તમે દરેક સમયે દરેક વ્યક્તિ કે સમાજને ખુશ ના જ રાખી શકો, અને સપના જોવાની દરેક માણસની એક લીમીટ હોય જ, એક લીમીટથી આગળ જનસાધારણ વધારાના સપના જોઈ જ ના શકે..જો દરેક વ્યક્તિ આવતા સો વર્ષ સુધીનું આગળને આગળ વિચારી શકતો હોત અને સપના જોઈ શકતો હોત તો તો આ દુનિયા કયાની ક્યા જતી રહી હોત, રાવણની જેમ નવે નવ ગ્રહને દુનિયાના એકાદા માણસે તો ચોક્કસ વશમાં કરી લીધા હોત..
હા એ વાત ખરી કે માણસના સપના સમય સમય પર બદલાતા રહે છે.. એક જમાનામાં ભાગ્યેશ્રીની ફેન્ટસી કરનારો આજે પેલા કેનેડિયન “સન્નારી” ની ફેન્ટસી કરતો થઇ ગયો હોય,પણ ભાગ્યેશ્રી થી કેનેડિયન “સન્નારી” સુધીની ફેન્ટસી ની જર્નીમાં વચ્ચે એને “કોઈક” તો મળવું જોઈએ નહિ તો પછી માણસને સંસારમાંથી “સાર” જતો રહે અને નહિતો એની જેમ ફેન્ટસી કરનાર બીજાને ગાળો આપે..!
બસ બિલકુલ એવી હાલત છે આપણી છે, ધોલેરા એરપોર્ટના પાટીયા સિવાય બીજું કઈ જ નથી અને ચોટીલે પાટિયું ચડી ગયું..
ધોલેરાથી ચોટીલા વચ્ચે હાથમાં શું આવ્યું ? તો કહે શકોરું..!
મને બરાબર યાદ છે મારા ચાર પાંચ મિત્રો એ તો ધોલેરામાં આમ થશે અને તેમ થશે કરી કરીને ત્યાં ધોલેરામાં જમીનો લઈને બેઠા છે,હવે માથે હાથ દઈને બેઠા છે એમાંનો એકેય એમની ખરીદેલી રૂપિયા ચૂકવેલી જમીનો અત્યારે ક્યા છે એ બતાડી પણ શકે તેમ નથી..જમીનની ફાઈલો લોકરોમાં સડે છે..!
નવા ખાતમુહૂર્ત છોડી અને નર્મદાડેમ જેવા વર્ષોના અધૂરા પ્રોજેક્ટસ પુરા કરી અને લોકાર્પણમાં લોકોને વધારે રસ છે…!
આપડે તો અહીંથી મોકલ્યા ત્યારે ખુલ્લા સાંઢ ની જેમ મોકલ્યા હતા..જાવ તોડી નાખો તબલા અને ફોડી નાખો પેટી પણ ત્યાં દિલ્લીમાં બેઠેલી લ્યુટેન્સ દિલ્લીની ટોળકી એ બરાબરના ખાડામાં ધકેલી દીધા છે અને આખી ટોળકી ઊંઘવા નથી દેતી, જાવ અહિયાં ચૂંટણી છે અને ત્યાં ચૂંટણી દોડો જ દોડો..!
નક્કી નથી થતું કે કોણે ખાડો ખોદ્યો અને કોણે ધકેલ્યા પણ એટલું નક્કી છે કે હાથી, ગજેન્દ્ર, હસ્તિ, વારણ, કરી, મક્દલ,માતંગ, કુંજર ,સારંગ ,સિન્ધુર,દન્તી, વસુન્દર ,દ્વિરદ ,કલભ ,કુંભી, ગયન્દ, નાગ, અશ્વાશ્વસ્થામા… જે નામથી બોલાવો તે પણ પાર્ટી અત્યારે તો ખાડે ગઈ છે નહિ તો ડીઝલ પેટ્રોલના ભાવ ઘટાડે એ બીજો ..
“.હું તો વિકાસ કરવા આવ્યો છું વિકાસ અને વિકાસની કિંમત તો બધાએ ચૂકવવી જ રહી”
આ શબ્દો આપણા પ્રધાન સેવકના નાણા સેવકના છે..
અલ્યા સેવા પણ જબરજસ્તી થી કરવવાની ..?
અત્યારે તો ધોલેરાના કે ચોટીલે ઉજ્જડ પડ્યું છે બધું અને પેલા ગાંડાલાલ સાંભળ્યું કે ૬૦૦ પગથીયા ચડીને જે જે કરી આવ્યા..!
લાકડા ઘોચવા ના ચાલુ રાખજો અલ્યા..ખાડે ભરાણા છે તે..
કાબુમાં આવી જાય તો મોટા મોટા કામ કાઢવાની તાકાત તો ખરી..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા