અર્ણવ ગોસ્વામીની નવી ચેનલ ચાલુ થઇ ગઈ અને જેમ આશા રાખી હતી એમ જ બાકી રિપબ્લિક ટીવી પર ધમાકાભેર “દિવાળી” ઉજવાઈ રહી છે..
રોજ એકા`દા “હરામી” નો વારો પાડે છે અર્ણવકુમાર..!
ઘાંટા પાડી પાડી ને બોલે છે, ઘણીવાર આપણને એમ કેહવાનું મન થાય કે બસ કરો “બોંન્ધુ” તમારા ગળાની કે મગજની નસ ફાટી જશે બાપલીયા,પણ આ “મગરો” ને કઈ ફેર નહિ પડે..!
આપણે ત્યાં પણ ગુજરાતમાં બે દિવસ પેહલા જુઓ ને કેવું થયું..?
કટાર એરવેઝવાળાએ “કોઈક”ને ઓફલોડ કરી નાખ્યા (છત્તી ટીકીટે ઉતારી મુક્યા)પણ ગુજરાતનું પત્રકાર જગત જુઓ કેવું મજાનું “તાબોટા” પાડતું પાડતું બિલકુલ રૂટીનમાં આરતી ગાય છે..!
જયો જયો ..બાપા જગ આખા ના..!
અર્ણવ ગોસ્વામી સાહેબ “ભક્તિ” કોને કેહવાય એ અમારી ગુજરાતીઓ પાસેથી શીખો..!
એ કોણ બોલ્યું કે એ પણ “ભક્ત” જ છે..!
થયુ ત્યારે..
ક્યા જવું અને કોને કેહવુ ..?
કઈ બોલીએ તો કહે તમે નવો રાજકારણમાં આવી જાવ અમે તમારી પાછળ આવી જઈશુ..!
કઈ જ ના બોલાય તમારે, ચુપચાપ તમારું કામ તમારે કરવાનું અને પાંચ વર્ષે અમને વોટ આપી જવાનો, બસ બાકી બધું ભૂલી જાવ, રામ રાખે એમ રેહવાનું,
એ..ના..ના..એવું બધું નહિ, અમે રાખીએ એમ રેહવાનું..
રામ ને ખુદને તો ઝુપડીમાં સેટ કર્યા છે,અને કૃષ્ણ નો વારો ક્યારે આવશે એ તો કાશીવિશ્વનાથ જાણે..!
સાલુ આ પણ ખરું નહિ ભગવાન ઝુપડીમાં અને..
હશે હશે હવે પોઝીટીવ રેહવાનુ..રામલલ્લાને પણ ઝુંપડીમાં જ રેહવું હશે હો, એટલે જ એમણે સરદાર પટેલને વેહલા બોલાવી લીધા બાકી તો મારો મહાદેવ કેવો મજાનો દરિયા કાંઠે બેઠો છે..!
હેઈ મજાનો દરિયો ઘૂઘવે અને વર્ષે દિવસે બધાય ત્યાં આંટો મારી જાય..!
જય સોમનાથ દાદા..!
સવાર સવારમાં છાપા ખોલીએ એ પેહલા વોટ્સ એપનો કકળાટ ચાલુ થાય અને મજા તો ત્યાં આવે કે આપડી લખેલી પોસ્ટ આપણને પાછી આવે..
પેલી યુથ અને સ્મશાનવાળી પોસ્ટ બહુ ચાલી લગભગ લાખેક ને પાર કરી ગઈ..!
આજે હજી પણ અર્ણવજી શશી થરુર પર મંડાણા છે અને બાકી બધું ટીવી કેજરીવાલ ઉપર..!
ગાંડા થઇ ગયા છે કેજરીવાલ સાહેબ, નેવું સેકંડમાં મધર બોર્ડ બદલવાની વાતો કરે છે, અલ્યા અક્કરમી તગારું તારા હમણાં કહું એનુ..!
ચૌદ લાખ ઈવીએમ ના મધર બોર્ડ બદલવા માટે પેહલા ચૌદ લાખ મધર બોર્ડ બનાવવા પડે..અને એના માટે એની સર્કીટ બનાવવી પડે..
અમે તો રોજ સવાર સાંજ આ સર્કીટ જોડે રમીએ છીએ, સાદા કેલ્ક્યુલેટરથી લઈને એરોસ્પેસ સુધીની સર્કીટ અમારી આંખ સામે બને છે..!
બેંગ્લોરથી લઈને ચંદીગઢ સુધીના એક એક સર્કીટવાળા બનાવવાવાળા ને હું ઓળખું છું અને એ બધા મને ઓળખે છે,
ચૌદ લાખ ઈવીએમના મધર બોર્ડની સાઈઝની સર્કીટ બનાવવી હોય તો અડધા હિન્દુસ્તાનની ફેકટરીઓને મહિનો આખો કામે લગાડવા પડે…!!
લગભગ ત્રણ લાખ સ્કેવર મીટરની સર્કીટ બનાવવી પડે,
ફાટી પડે આખા હિન્દુસ્તાનના સર્કીટ બનવાનારાઓની..!
બીજું જે રૂટીન પ્રોડકશન હોય એની માં-બેન એક થઇ જાય..!
સૌરવ ભારદ્વાજ જે બીટેક થયેલા છે, એમને પણ ભાન નથી કે શું બોલે છે ?
આખી આમ આદમી પાર્ટીને “સનેપાત” થયો છે,મને ખરેખર દુઃખ થાય છે, હું પેહલા દિવસથી કેહતો આવ્યો છું કે અરવિંદ કેજરીવાલનું પતન એ જનઆંદોલનની ઘોર ખોદી નાખશે, ભવિષ્યમાં પ્રજા પોતે જ એટલી નાસીપાસ થઇ જશે કે કોઈ જનાઆંદોલન ને સપોર્ટ નહિ કરે અને ક્યારેક એમાં સુકા ભેગું લીલું પણ બળી જશે..
લોકતંત્રમાં અને એમાં પણ આપણા જેવા નવા સવા લોકતંત્રમાં જનઆંદોલનની બહુ મહત્વની ભૂમિકા છે, જનઆંદોલનની બીક એ ગમે તે સરકારની લગામ છે, કોઈ મનસ્વી નિર્ણય લેતા પેહલા સરકાર બે વાર વિચાર કરે,અને જો નજીકના ભૂતકાળમાં કોઈ જનઆંદોલન થયું હોય તો..તો ફૂંકી ફૂંકીને છાશ પીવે..!
અને એનો તાજો દાખલો ગુજરાત સરકાર છે પટેલ આંદોલન પછી કેવું બધું ચુપચાપ સુમડીમાં કામકાજ થાય છે, કોઈ મોટા નિર્ણયો લેવાની વાત નહિ સૌને રાજી રાખો બાપા, નહિ તો પાછુ બધું ભડકે અને ઘેર જવાનો વારો આવે.!
બીજા સમાચારમાં પેલા મદ્રાસ હાઈકોર્ટના જજને છ મહિનાની સજા થઇ..!
શું ચાલુ રહ્યું છે દેશમાં ?
નકરું ફ્રસ્ટેશન છે, કોણ સાચું અને કોણ ખોટું એ સમજાતું નથી આખા દેશની જનતામાં અને સરકારના તમામ અંગોમાં ભયંકર કન્ફયુઝન છે..!
ક્યારેક બીએસએફના જવાનનો કુતરા ના ખાય એવુ ખાવાનું વાઈરલ થાય અને છેવટે એ વિડીયો પોસ્ટ કરવાવાળા જવાનને સસ્પેન્ડ કરવામાં આવે છે..
જે જજ બીજા જજને ભ્રષ્ટ કહે છે એમને છ મહિનાની સજા થાય છે..!
દેશ બદલાય છે ,માનસિકતા બદલાઈ રહી છે અને બદલાતા માહોલમાં હું સાચો એવો સિક્કો જમાવવા માટેની હોડ લાગી ગઈ છે અને એના માટે એકબીજાના કપડા ખેંચી રહ્યા છે..
કેટલી આશા સાથે ૨૦૧૪માં મત આપ્યો હતો અને એ પેહલા પ્રેક્ટીકલી દસ વર્ષ ભક્તિ કરી અમે પણ..
આજે પણ ક્યાંક એક ખૂણે તો મન ખેંચાઈ જાય છે ભક્તિ તરફ..
અર્ણવકુમારને નોટબંધી વખતે બહુ “મિસ” કર્યા ,ખરી કસોટીનો સમય હતો ત્યારે ચાતરી ગયા અને આજેપણ નોટબંધી પર ચુપ છે..
નરેન્દ્રભાઈ એમ કહે છે કે મૌનમાં ઘણી તાકાત હોય છે, પણ ઘણીવાર મૌન એ પિતામહ ભીષ્મનું મૌન થઇ જાય છે અને એ મૌન આખા કુરુવંશ સહીત અઢાર અક્ષેણી સેનાને લઇ ડુબે છે..
ટીવી પર રોજ નવું નવું ચાલ્યા કરશે, અર્ણવ ગોસ્વામી ગમે તેટલા જુના હાડપિંજર કબાટમાંથી કાઢી કાઢીને લાવે પણ જ્યાં સુધી રાષ્ટ્રપતિનું ચૂંટણી પૂરી નહિ થાય અને આનંદીબેન રાયસીના હિલ્સ પર રેહવા નહિ જાય ત્યાં સુધી બધું વ્યર્થ છે..!
કોઈપણ પ્રકારના કડક પગલા ક્યાય લેવાશે નહિ,ગમે તેટલી બુમો પાડો ટીઆરપી વધારવી હોય એટલી બુમો મારવી પડે વધારો ટીઆરપી અને બુમાબુમ ચાલુ રાખો..!
ચાલો આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા