ફાધર્સ ડે .. પરદેસથી આયાત કરેલો તેહવાર ..!
જીવનભર માંબાપ ની સાથે જ રહેલા મારા જેવાને જરાક નવાઈ લાગે કે બળ્યું આ બધું શું તૂત છે ?
આપણે તો પીપળા ને પિતૃ ગણીએ ,પાણિયારે દિવો મુકીને પિતૃ ને યાદ કરી લઈએ , કાગવાસ નાખીને પિતૃ ને જમાડ્યા નો સંતોષ લઇ લઈએ , છેડાછેડી છોડવા જઈએ ત્યારે સુરધન દાદા સાષ્ટાંગ દંડવત કરનારા , સાત પેઢી તો ફરફરાટ મોઢે બોલી જઈએ અને પાછા આવનારી પેઢી એકદમ રટ્ટો મારી ને સાતે સાત પેઢી ગોખાવી દઈએ ..!
જરાક પણ જમીનથી જુદા ના પડનારી પ્રજા ને ફાધર્સ ડે ના રવાડે ચડાવી દીધી પશ્ચિમ જગત એ ..!
એક કિસ્સો યાદ આવે છે, એક પરદેસી મિત્ર નું અહિયાં ભારત દેશમાં અવસાન થયું, એના સંતાનો ને જાણ કરી કે તમારા ડેડી નું મૃત્યુ થયું છે ..!
સામે જવાબ આવ્યો કઈ વાંધો નહિ ભગવાન એમના આત્મા ને શાંતિ આપે, તેઓ અમારા ડેડી નોહતા ફક્ત બાયોલોજીકલ પિતા હતા ,પિતા હોવાની કોઈ જવાબદારી એમણે નિભાવી નથી ,જેથી તમે તેમની અંતિમવિધિ પતાવી દો ..!!
ડેડી અને ફાધર જુદા..!!
ફાધર્સ ડે ની “જરૂર” ત્યાં પડે ..!!
મને તો પપ્પા ક્યારેય મારાથી જુદા પડ્યા હોય એવું લાગતું જ નથી , કોવીડ પેહલાની પાંચમી જાન્યુઆરીએ મારા અને મમ્મીના હાથમાં પપ્પા એ દેહ મુક્યો પછી એમ હતું કે એકાદી જાત્રા પપ્પા પાછળ કરી લઉં , આમ તો ઈચ્છા એવી હતી કે જો મેળ બેસે તો દ્વાદશ જ્યોતિર્લીંગ અને થાય તેટલા તીર્થ કરવા,પણ બળ્યો આ કોવીડ .. કોગળિયું ફાટી નીકળ્યું..!
પણ એક કામથી પુણે જવાનું થયું હતું એટલે ત્ર્યંબકેશ્વર ત્યાંથી પોહચી ગયો , જો કે પેહલા શિરડી જવાનું મન થઇ ગયું એટલે રાત ત્યાં રોકાવું એવું નક્કી કર્યું , શિરડી પોહચતા મોડું થઇ ગયું લગભગ દસેક વાગી ચુક્યા હતા રાતના , પણ દર્શન ખુલ્લા હતા એટલે દોડી ને મંદિરમાં ઘુસી ગયો , ઘણા દૂરથી દર્શન થયા , પછી ટેરો આવી ગયો ..!
રાત્રે થોડા અફસોસ સાથે ઊંઘી ગયો ,ધરાઈ ને દર્શન ના થયા ..!
ઊંઘમાં સપનામાં પપ્પા આવ્યા .. અરે ગાંડા આમ મૂંઝાય છે શું ? ચલ હું દર્શન કરાવું .. હું પપ્પા સાથે સાંઈ મંદિરમાં ગયો, પપ્પા મને છેક અંદર બાબા ના ચરણ સુધી લઇ ગયા ,ધરાઈ ને દર્શન કર્યા પપ્પા શાંતિથી બાજુમાં ઉભા હતા , મને અદ્ભુત શાંતિ ફિલ થઇ રહી હતી , પછી મેં પપ્પા ની સામું જોયું પપ્પા સમજી ગયા કે એમનો ભગતડો રૂપિયા મુક્યા વિના નહિ ખસે , પપ્પા ને મંદિરોમાં દાન મુકવું ઓછું ગમે, એ કોઈ વ્યક્તિ ને સીધી મદદ કરે, પણ મને મંદિરો માં ભેટ મુકવી ગમે , હું એવું માનું કે હજ્જારો લોકો ને મંદિરમાં શાંતિ મળે છે ,આશા મળે છે, હિંમત મળે છે ,જીવન જીવવાની તાકાત મળે છે તો મંદિરના મેન્ટેન્સ માટે પણ કૈક મુકવું જોઈએ ..!!
ખૈર પપ્પા એ એમના ખિસ્સામાં હાથ નાખ્યો અને મને બે હજારની નોટ કાઢી ને આપી લે મૂકી દે ..!!
બહુ નાનપણ ની મારી ટેવ મંદિરમાં મુકવા પૈસા પપ્પા પાસે માંગવાના જ અને એ આપે પણ ખરા..!!
બોલો હવે મારે ક્યાં જરૂર છે ફાધર્સ ડે ની આજે દોઢ દોઢ વર્ષના વહાણા વાયે મને તો મારો બાપ હાજરાહજૂર લાગે છે..!!
મારા લગભગ તમામ મિત્રો મારી જેમ સંયુક્ત પરિવારમાં રહે છે , કોઈકના પપ્પા મમ્મી છે અને કોઈકના નથી ,પણ લગભગ એકે એક ને ફાધર્સ ડે ની જરૂર નથી..!!
હવે વાત બીજી એક કાળી બાજુ ની,
લગભગ દર વર્ષે ત્રીસેક હજારથી વધારે ગુજરાતી છોકરા છોકરીઓ ને અમેરિકા ,કેનેડા અને ઓસ્ટ્રેલિયા ગળી જાય છે અને પછી ક્યારેક માંબાપ ની ટણી કે અમને ત્યાં ના ફાવે, ક્યારેક છોકરા ના ઇગ્નોરન્સ ..
વાત અહિયાં રેહતા “છત્તે છોકરે વાંઝીયા” માંબાપ ની ..
એક કલીપ આવી હતી ફરતી ફરતી જેમાં બાપા ગુજરી ગયા હોય છે અને એમના અગ્નિસંસ્કાર ના વિડીઓ પરદેસ બેઠેલા બે છોકરા જોતા હોય છે અને ત્યાં જ એમના કાકા નો ફોન આવે છે , બંને ભાઈઓ કોન્ફરન્સમાં એમના કાકા જોડે વાતો કરે છે ,
દેસમાં બેઠેલા કાકા આગ્રહ કરે છે કે તમે બંને ઝટ આવી જાવ તમારી મમ્મી માટે, પણ બંને દીકરા અંદર અંદર એવું નક્કી કરે છે કે પપ્પા વખતે મોટા તું જઈ આવ મમ્મી “વખતે” હું જઈશ ..!!
દેશમાં બેઠેલી એમની માં ફોન ઉપર થતો એમનો આ સંવાદ સાંભળે છે અને પોકે પોકે રડે છે..!!!
શું કેહવું ?
એ ઘણી ખમ્મા ડોલરિયા દેશ ની રાણી ને અને જુગ જુગ જીવજો રાજકુમારો..!!!
આ પેહલા પણ લખી ચુક્યો છું અને આજે ફરી લખું છું મારા વ્હાલા મિત્રો કે જો તમારું સંતાન પરદેસ સ્થાયી થવા જતું હોય તો જવા દેજો પણ વધારેમાં વધારે બે વર્ષ, પછી એની પાછળ પાછળ ઉડી ને ત્યાં જતા રેહજો, એના માથે કે એની સાથે ..!!
બાકી તો અહિયાં તમને એકલા રેહતા ફાવી જશે અને ત્યાં એને ..!!
સ્વતંત્રતા નો ચસ્કો અહિયાં દેશમાં તમને લાગી જશે અને ત્યાં એમને,
પછી થઇ રહ્યું ..!
આમ પોકે પોકે રડવા નો કોઈ જ મતલબ નહિ રહે..!!
અન્ન જુદા એના મન જુદા ..!!
ફક્ત ફાધર્સ ડે અને મધર્સ ડેના ફોન આવશે..!!
ભારત દેશમાં અત્યારે હજ્જારો છોકરા છોકરીઓ રાહ જોઈ ને બેઠા છે એમ્બેસીઓ ખુલવાની કે પછી ફલાઈટો રેગ્યુલર થવાની, કોઈક ના ગગા ને કેનેડા જવું છે અને કોઈક ની ગગી ને અમેરિકા..!!
અને હા આ કોવીડ કાળમાં ઘણું બધું “સાફ” થઇ ગયું છે ..!!
અને ત્રીજો વેવ આવશે તો ઘણા છત્તે છોકરે વાંઝીયા પેહલા “ઉડી” જશે..!! કરનાર કોઈ હશે તો ટકાશે , દવાખાને ખાટલા ની પોઝીશન તો આપણે જોઈ લીધી છે..!!
કાળા વાદળા ની રૂપેરી કોર…ભલું થાજો ટીફીન કરી ને ખવડાવનારી એ પારકી વહુ દીકરીઓનું કે જેમના લીધે કોવીડ પોઝીટીવ હોમ ક્વોરન્ટાઈન એવા છતે છોકરે વાંઝીયા મુઆ ડોસા ડોસી બે ટંકના રોટલા ભેગા તો થયા..!!
અને બીજું ભલું થાજો પેલા “રથો” લઈને ફરતા મેડીકલ સ્ટુડન્ટો નું કે જન ખભે બંધુક મૂકી ને નેતાગણ તમને ને મને ભાષણો ઠોકે છે એ બાળકો એ આવા છત્તે છોકરે વાંઝીયા ને દવાઓ પોહચાડી..!!
ઘણું લખાય તેમ છે , પણ મર્યાદા છે શબ્દો ની અહિયાં અટકું છું..!!
સબ કો સન્મતિ દે ભગવાન ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*