સ્ટ્રેસ .. કદાચ દરેકના જીવનનો આ સમય એવો છે કે જાણ્યે અજાણ્યે પણ સ્ટ્રેસમાં એક એક જણ આવી ગયો છે ,
તમામ પ્રકારની `ઇનસિક્યુરીટી` ઘુસી ગઈ છે એક એ એક જીવનમાં..!!
સૌથી પેહલી જીવતર ની ,પછી નાણા ને છેલ્લે વારો આવે નથી એ દુઃખ ને યાદ કરી ને પણ સ્ટ્રેસ ઉભો કરી લેવો..!!
મોટીવેશનલ અને પોઝીટીવ વાતો સાંભળી સાંભળી ને લગભગ થાકી ચુકી છે પ્રજા , ખુલ્લામાં જીવવા ટેવાયેલી પ્રજા હવે દોઢ દોઢ વર્ષથી પોતના કોચલામાં પુરાયેલી છે ,
ક્યારેય જાગતી અવસ્થામાં ઘરમાં નહિ રેહવા ટેવાયેલા પુરુષ નામ ની પ્રજાતિ વર્ક ફ્રોમ હોમ ની માયાજાળમાં ફસાઈ ગઈ છે અને પુરુષના ઘરની બાહર ગયા પછી મુક્તતા નો એહસાસ કરતી રસોડાની રાણી ને એની પોતાની સ્પેસ હણાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે..!!
આબુ અને ઉદેપુર ખુલે એની રાહ જોઇને પ્રજા બેઠી છે ,સ્ટ્રેસ કાઢવા..!!
મને બરાબર યાદ છે પંદર સત્તર વર્ષ પેહલા મેં એક મિત્ર ને કીધું કે ચાલો સાથે ફરવા જઈએ ક્યાંક મજા આવશે, એટલે મિત્ર એ કીધું ચાલો ,બોલો ક્યાં જવું છે ?
પણ અમારા પત્નીજી એ તરત જ ટાપશી પુરાવી અમારા મમ્મી પપ્પા સાથે આવશે, તમારા મમ્મી પપ્પા ને પણ લઇ લો સાથે..!!
સામેથી તરત જ જવાબ આવ્યો …એ ના હો, ઘેર પણ એ મોઢા અને બાહર પણ એ મોઢા , ના હો ભાઈ રેહવા દો જ્યાં છીએ ત્યાં વધારે સારા છીએ..!
જે મોઢા એમને જોવા નોહતા ગમતા એ મોઢા નહિ નહિ તો ય પચ્ચીસ ત્રીસ કરોડ નો માલ મલીદો પાછળ મૂકી ને ઉપર સિધાવ્યા છે , ને લેહર પાણી ને ભજીયા છે નીચેવાળા ને ..!!!
ખાલી એકબીજાના મોઢા જોવાનો પણ સ્ટ્રેસ હોય છે , વિચાર કરો જે પચ્ચીસ ત્રીસ કરોડ નો માલ મલીદો મૂકી ને ગયા હોય એના ઘરમાં શું નહિ હોય ? પણ બસ એકબીજા ને સહન જ ના કરી શકતા હોય ,મનથી સ્વીકાર્યતા બિલકુલ ના હોય એકબીજાની ,અને એવા એવા પ્રસંગો ને વેણ નીકળ્યા હોય ભૂતકાળમાં કે બંને બાજુ મન ખારા ,ખાટા થઇ ગયા હોય કે પછી બેસણું પૂરું થાય એ ભેગું વર્ષી વાળી ને સાડલા બદલવાની ઉતાવળ આવે..!!!
લોકડાઉન એ આ ફેક્ટર ને વધારી મુક્યું છે, જેના મોઢા જોવા ગમતા નોહતા એ સામા ને સામા છાતીએ બેઠા અને એ પણ સળંગ દોઢ વર્ષ ..!!
કેટલાય બૈરાઓ ને મોઢે સાંભળ્યું છે કે પુરુષો તો ઘરની બાહર જ સારા ..!!
બહુ બેઝીક વસ્તુ છે દરેક ને પોત પોતાની સ્પેસ જોઈએ છે , ગોઠવાયેલી ભલે અણઘડ તો અણઘડ પણ ગોઠવાયેલી સમાજવ્યવસ્થામાં ભંગાણ પડ્યું છે ..!!
એ ભંગાણ બહુ મોટા સ્ટ્રેસનું કારણ થઇ ને ઉભું છે..!!
જો કે ક્યાંક ઊંધું પણ છે.. ૨૬ મી જાન્યુઆરીના ભૂકંપ વખતે જેટલા ઘર તૂટ્યા એટલે સંધાયા પણ હતા ..!! એક કોલેજ કાળ ના સ્ત્રીમિત્ર એમના સાસુમાંથી “ત્રાસી ને” બંગલો છોડી ને સાતમે-આઠમે માળ ફ્લેટ લઈને રેહવા જતા રહ્યા હતા, પણ કુદરતે જે ઝૂલો ઝુલાવ્યો કે બધુય મૂકી ને ચુપચાપ પાછા બંગલે સંયુક્ત પરિવારમાં જતા રહ્યા..!
કોવીડ કાળમાં એવું જ થઇ રહ્યું છે , ત્રણ-ત્રણ ચાર-ચાર પાનાના બેસણા વાંચી વાંચી ને એવી બ્હિક પેઠી છે ક્યાંક કે ચુપચાપ એકબીજા ને જેવા છે તેવા સ્વીકારી લીધા છે..!!
છતાંય જુના ગજગ્રાહ યાદ આવે એ દિવસે વાસણ થોડા ખખડી જાય..!! સ્ટ્રેસ આવે..!
આર્થિક મોરચે મોંઘવારીએ માઝા મૂકી છે, ન ભૂતો ન ભવિષ્યતિ ના એવા કાળમાંથી દેશ આખો પસાર થઇ રહ્યો છે, બજારો ક્યારે ખુલે અને ક્યારે બંધ થશે એની કોઈને સમજણ નથી, મહાજનો ને પણ પૂછીએ કે શું લાગે છે આગળ શું દેખાય છે ? ત્યારે મભ્ભ્મમાં એમ કહે છે કે ભવિષ્ય ઉજ્જવળ છે..!
સરદાર મનમોહનસિંહ યાદ આવે કે ભવિષ્ય ઉજ્જવળ ગમે તેટલું હોય પણ આપણે લોકો ત્યારે મરી ચુક્યા હોઈશું ..!! વર્તમાન અને ભવિષ્ય નું બેલેન્સ તૂટ્યું છે..!!
વર્તમાન ઉજાળવા ભવિષ્ય ગીરવે ના મુકાય અને ભવિષ્ય ઉજાળવા વર્તમાન ને દોજખમાં ના નખાય..!!
આજ નું જીવતર કૈક રાહત માંગે છે શ્વાસ ખાવો છે ,પોરો ખાવો છે એને, બે ઘડી ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે પણ અફસોસ મોઢે માસ્ક છે એક નહિ બબ્બે કારણ શું તો કહે જીવવાનું છે..!!
ક્યાંક છાતીએ આવી ને પરણવા યોગ્ય છોકરા છોકરી ને પરણાવા ની ચિંતા કોરી ખાય છે કોરોના કાળમાં એરેન્જ મેરેજની ઘોર ખોદાઈ ગઈ છે ,છોકરા છોકરી જોવાની જે ઝુંબેશો ચાલતી એ તો સાવ ઠપ્પ થઇ ને પડી છે , માંબાપ રીતસર ઝુંબેશ ઉપાડતા અને ઘણીવાર એ અઠવાડિયામાં ત્રણ ચાર ઠેકાણા બતાડી દેતા , ગમ્મે તેમ કરી ને લાકડે માંકડું ફીટ કરી જ દેતા એક નિશ્ચિત સમય અવધીમાં..!!
સ્ટ્રેસ નું એક બીજું પણ કારણ લોકોમાં આ છે ..
જ્યારે બીજી બાજુ નવા પરણેલા ને કે જે દોઢ વર્ષથી ભેગા ને ભેગા છે એ એટલા બધા જુના થઇ ગયા કે ના પૂછો ને વાત..!
એક મીંઢળબંધો મને કહે ભ`ઈ આજે તો ખરું થયું .. મેં કીધું શું લ્યા ?
અરે મારી મમ્મીએ મારા બૈરા (માનાર્થે બહુવચન) ને કીધું જો જે હો ધ્યાન રાખજે હમણાં છોકરા ના થવા દેશો આ કોરોના અને સુવાવડ બધું હા`રે થાશે ને તકલીફ બહુ પડશે ..આમ તો મારાથી નો કે`વાય પણ આ તમારા રૂમ ના બારણા મોટેભાગે બંધના બંધ હોય છે એટલે કીધું ..
બોલો ભઈ હવે શું કરવું ? ટેન્શન ટેન્શન થઇ ગયું છે ,સાચું કહું ભાઈ હવે તો બૈરા ની હામું જોવની ઈચ્છા નથી થતી બીક લાગે છે કે આ છોકરું લાવવાના ચક્કરમાં બૈરું (પ્રેમ થી નાન્યતર જાતિ નું સંબોધન) જોખમમાં કેમનું મુકાય ?
મારા માટે યક્ષ પ્રશ્ન , કેમકે બંનેમાં નાની નાની ચકમક ચાલુ થઇ ગઈ છે અને હવે ત્રીજું એ બે ની વચ્ચે આવે તો બધું રાગે પડી જાય ..!!
તરત જ ગાયનેક મિત્ર ને ફોન લગાડ્યો .. રસ્તો ..? અલ્યા એને કહી દે બન્ને વેક્સીન ના બેઉ ડોઝ લઇ લો અને પછી આવવા દે એમને મારી જોડે અમારે પણ મંદી ઘણી છે ..!!
જય હો ..!
આપણે તો રાગ જયજયવંતી લલકારી દીધો …રે ગ રે સા નીસા ધ ની રે .. રે સારે ગ મ ધ ગ મ રે ગ રે સા ..
પાલના ઘડ્લાવો રે …!!!
આખો થીસીસ લખાય તેમ છે આ સ્ટ્રેસ ઉપર પણ આઠસો શબ્દો ની મારી જાત્તે બાંધેલી મર્યાદા થઇ ચુકી છે એટલે અટકું છું..!
એક એક ક્ષણ દુર્લભ છે આ કાળમાં જીવનની જે રીતે મોતના તાંડવ જોયા છે એ રીતે , જીવી લેજો જે રીત ગમતી હોય એ રીતે ..!
આજ ની ઘડી રળિયામણી કરી લેજો ..!!
ગી`રી`રાધરણ કી જે ..!!
આજ કે આનંદ કી જે ..!!
આનંદ કરવાને વાલે કી જે ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*