ફાધર્સ ડે ..?? હેં એટલે શું ?
આજે નરેન્દ્રભાઈને હીરાબાના ચરણ પખાળતા ફોટા જોયા અને પછી તરત જ ફાધર્સ ડે ની કૈક જાહેરાત આવી,
મને મારા પપ્પા યાદ આવી ગયા..!!
પપ્પાને હંમેશા બુટ મોજા પેહરવાની ટેવ અને એ પણ દિવસના લગભગ બારથી ચૌદ કલાક બુટ મોજા પેહરે, આટલો બધો સમય એ બુટમોજા પેહરી રાખતા એટલે એમને પગના અંગુઠામાં નખ અને ચામડી વચ્ચે ઘણી બધી વાર ફંગસ થઇ જતું ,
પછી અડધા ડોક્ટર એવા મારે એ ફંગસ પાણીથી સાફ કરવી પડે અને ફંગસવાળો નખ સરખી રીતે કાપવાનો ને ફરી એકવાર સ્પીરીટ લઈને બધ્ધું સાફ કરવું પડે પછી ડ્રેસિંગ કરવું પડે..!!
આ કામકાજ પતાવતા મને ઓછામાં ઓછો અડધો પોણો કલાક થાય અને એટલો સમય પપ્પા પગ લાંબો કરીને બેસે અને હું મારા ખોળામાં એમના પગ લઈને દાકતરી કરું..!!
બહુ દુ:ખાડ્યું હોય મેં એમને તો પછી સરસ રીતે પગ પણ દબાવી આપું , ક્યારેક જરાક જોર વધારે થઇ જાય તો પપ્પા ગુસ્સે થઇ જાય અને મોટ્ટેથી બુમ આવે એ..ઈ .. જંગલી ધીમે ..!! અને હું નફફટની જેમ કહું તમારા પેશન્ટોના તમે આવી જ બેરેહમીથી કેવા નખ ખેંચી કાઢો છો..!! ટીટ ફોર ટેટ..!
ઓછામાં ઓછું વર્ષમાં બે થી ત્રણવાર અને છેલ્લા પચ્ચીસ ત્રીસ વર્ષથી આ કારભારો મારે કરવો પડ્યો ..!
ઘણી બધીવાર મને પણ સખ્ખત ચીડ ચડતી અને કંટાળો આવતો ,પણ જે દિવસથી એમને પેરાલીસીસ થયો અને જમણો હાથ અટક્યો એ દિવસ પછી જેવા હું મારા નખ કાપું એવા તરત જ એમના કાપું,
પાછળથી એ કાર્યભાર આમ તો અમારા એક દૂરના સગાં પણ હૈયેથી એકદમ નજીકના એમણે સંભાળી લીધો અને પપ્પાના હાથના નખ એ કાપે અને પગના હું ..!!
અત્યારે પપ્પાના એ સુંવાળા અને એકદમ લીસ્સા ગોરા ગોરા પગ મને યાદ આવે છે ..!
નરેન્દ્રભાઈ નો હીરાબા નો પગ પખાળતો ફોતો જોઇને એટલું બધું મન થઇ ગયું ને કે પપ્પાના પગ ને પંપાળું ,એમના નખ કાપું એમના પગને દબાવી આપું ,પણ હવે શું ..!!!
જો કે અફસોસ જરાય નથી.. બહુ બાળપણથી પપ્પાના પગને માલીશ કરતો અને દબાવી આપતો, એક સમય એવો પણ હતો કે કૈક જોઈતું હોય અને મસ્કો મારવાનો હોય તો ખાસ પગ દબાવું ને એ સમજી પણ જતા અને પૂછે બોલો શું લઈને આવ્યા આજે ..!!!
લગભગ પપ્પાએ સાહીઠ ક્રોસ કર્યા પછી પગના નખ કાપવામાં એમને તકલીફ પડતી એટલે એ મારી પાસે જ કપાવતા, એટલે મને એમ જ કે દરેક ઘરડાંને આવી તકલીફ થતી હશે ..!
એકવાર એક પરિવારના પપ્પાથી થોડા નાના, પણ ઘરડાં ,એવા એનઆરઆઈ સગા ઘેર આવ્યા મેં પપ્પાના પગના નખ કાપ્યા અને પછી એમને મેં ઓફર કરી કે લાવો તમને પણ કાપી આપું ..હોંશે હોંશે એમણે હા પાડી અને મેં ફરજ સમજીને એમના પગના નખ કાપી આપ્યા ..!
પણ મારા જીવનની થોડી ઘણી કરેલી ભૂલોમાંની એક ભૂલ ..!!
ડોસાએ પરદેસ બેઠેલા છોકરાને ફોન લગાડ્યો અને એવા ટોનમાં વાત કરી જાણે પેલી સ્પાવાળી પાસે જઈને નખ કપાવીને આવ્યો હોય, અને એ પણ મફતમાં ..! અને મારી “સર્વિસ” ના વખાણ કરે xxx (ગાળ ,ગાળ ,ગાળ ) કૈક પચ્ચીસ ત્રીસ ડોલર બચાવ્યાનો સંતોષ ડોકરાના મોઢા ઉપર છલકે..!!
મને થાય ધરતી મારગ આપે ને હું સમાઈ જાઉં ..!!
હું તો જાણે સ્પા સેન્ટરની કોલગર્લ હોઉં એવું મને ફિલ કરાવાઈ દીધું વાત વાતમાં..!!
ગુસ્સો ગળી પીધો ..!! પપ્પાને પણ અજુગતું લાગ્યું પણ ભારત દેશનો રેહવાસીને અંતે તો હું , ઘેર આવેલા એમની મર્યાદા ચુકે આપણે નહિ ચુકવાની..!!
મને અપેક્ષા હતી કે મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપશે , ઘરડાં પાસેથી બીજી શું અપેક્ષા હોય ?!!! એની બદલે ઝીલ્લ્ત આપી ..!!
ફાધર્સ ડે ની જરૂર એમને અને એમના છોકરાંવ ને પડે ..!!!
અહી તો બાપા હતા ત્યાં સુધી, અને નથી તો પણ રોજ ફાધર્સ ડે છે..!!!
જે દેશમાં ઘરડાંને નખ કાપી આપવાના રૂપિયા થતા હોય ત્યાં આવા બધા ડે ચાલે ..!
જો કે તો પણ ઉપરથી આપણને વેવલા કહે અને એ બધા પ્રેક્ટીકલ , પ્રોફેશનલ..!!
એક મોટા લેખિકાની એક વિડીયો કલીપ જોઈ હતી એમાં થોડાક મૂળે ભારતીય પણ ત્યાં વસેલા ડોસા ડોસી એમને પૂછે છે કે અમારા છોકરામાં ભારતીય સંસ્કાર નથી એનું શું કરવાનું ?
એ બેહને સ્પષ્ટ રીતે કીધું કે ..નાં આવે ભાઈ એ અહિયાં જન્મીને મોટા થયા છે આ એમનો દેશ આ છે .. સામો સવાલ આવ્યો કે તો અમારે શું કરવાનું ?
ફરી સ્પષ્ટ જવાબ આવ્યો.. તમે કશું કરી શકો તેમ પણ નથી ..તમારે ડોલર જોઈતા હતા અને તમને એ મળ્યા..!!
મને બહુ ગમ્યો આ જવાબ .. ઘણું બધું જો સમજવું હોય તો સમજી શકાય એવો જવાબ હતો પણ સમજવું હોય તો..!!
અહિયાં ભારત દેશે સૂરધન પૂજાય .. પૂર્વજોના આત્મા એક ગોખમાં છે એમ માની ને સારે પ્રસંગે અને છેડાછેડી છુટે એટલે ત્યાં આશીર્વાદ લેવા જાય , દર વર્ષે શ્રાદ્ધ થાય અને ખોટે પ્રસંગે પિંડદાન દેવા બેઠા હોય ત્યારે પણ સાત પેઢીના નામ લેવાય..
અહિયાં ક્યાં ફાધર્સ ડે ની આણવાની જરૂર છે..?
હમણાં એક મિત્ર જોડે બાપાની વાત કરતો હતો મને કહે શૈશવ શું કહું તને મારા બાપા મર્યા એ પછી એક દિવસ એવો નથી કે એ મને યાદ નાં આવ્યા હોય અને જયારે જ્યારે હું જબ્બર મુસીબતમાં હોઉં ત્યારે ત્યારે પપ્પા સવારે ચાર થી પાંચની વચ્ચે આવે અને એકદમ ચોખ્ખો મુસીબતનો ઉકેલ એમની રીતે આપીને જાય છે ,
હું બીજા કશામાં ચોક્કસ નથી માનતો પણ જીવનભર એમની સાથે રહ્યા હોઈએ એટલે બેક ઓફ માઈન્ડમાં કઈ પરિસ્થતિમાં એમનો શું ઓપિનિયન હશે એ આપણને ખબર હોય અને કદાચ અજ્ઞાત મનમાં એ પ્રકટ થઇ જતા હશે ..!!
બસ આ જ વાત છે .. કે માં હોય કે બાપ આ દેશમાં ક્યારેય મરતા નથી જ્યાં સુધી સંતાન જીવે છે ત્યાં સુધી…!!
ઘેલા કાઢવા હોય તો કાઢી લેજો આવતીકાલે ફાધર્સ ડે ના બાકી તો ઠીક છે..!!
જેના જીવતા હોય એને વિનંતી કે જરાક પણ પાછુ વાળીને જોતા નહિ ..!!
તન-મન અને ધન ખર્ચી જ નાખજો..!!
પછી ફોટાને હાર અને મારી જેમ છાપામાં શ્રદ્ધાંજલિઓ છપાવા સિવાય કશું જ કરી શકાતું નથી..!!
બાકી ડોલરીયા મુઆ ભલે હરખાતા… મારા છોકરાનો આજે ફાધર્સ ડે ઉપર ફોન આવ્યો હતો ..!!
મુઆ પડ્યા અભાગિયા .. ભા`ગ તારા, ભોગવ..!!
શુભ રાત્રી
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)