“Feel like a raped woman” સલમાનખાન ઉવાચ..અને અર્ણવ ગોસ્વામી ભભુક્યા..!
દેશ આખામાં સોશિઅલ મીડિયા અને મીડિયામાં તોફાન થઇ ગયું..!
યાર, પણ કેમ ?
શું કરવા સલમાનખાન રીઓ ઓલોમ્પિક અને આમીરખાનને અતુલ્ય ભારતના બ્રાંડ એમ્બેસેડર બનાવો છો..?
એમને એમની જગ્યાએ પડી રેહવા દો ને..ફિલ્મી અભિનેતા અને એમના બયાનોને આટલી બધી એહમિયત કેમ..?
શું સલમાનખાન એમ.કે.ગાંધી છે ? ભારતના પ્રધાનમંત્રી છે.?શા માટે એમની પાસેથી આટલી બધી અપેક્ષા..? આ તો બધા શીંગડા કાપી ને વાછરડા બનેલા સાંઢ છે..!
શું તમે નરેન્દ્ર મોદી પાસેથી એકાદી હીટ ફિલ્મની અપેક્ષા રાખી શકો..? સરિતા જોશી આ ઉંમરે જે અભિનય કરે અને થીયેટરમાં સ્ટેજ પરફોર્મન્સ આપે છે, એ સ્ટેજ પરફોર્મન્સ આનંદીબેન પટેલ આપી શકવાના છે ?
જે જ્યાં છે ત્યાં બરાબર છે..
પણ આપણી તકલીફ જ એ વાતની છે કે આપણને દરેક વાતમાં ભેળસેળ કરવા જોઈએ, ખીચડીમાં પણ એકવાર ચીઝ નાખીને ટ્રાય કરી લઈએ અને પછી ભલે પડે ગાળો..!
શા માટે ભારતની જનતા હજી પણ મેચ્યોર નથી થતી, અને આપણને દર વખતે મલ્ટી ટેલેન્ટેડ માણસો જોઈએ છીએ…આખી ટૂલ કીટ નથી રાખવી..વાંદરી પાનુ રાખવું છે..અને ભલે પછી બધું દોઢે ચડે, નટ અને બોલ્ટ બંનેના આંટા મરી જાય એટલે રડવા બેસીએ..!
સલમાનખાન કે આમીરખાન પાસેથી કેટલા બધા એક્સપેકટેશન છે..? આદર્શ રામરાજ્ય થાય અને કોઈ ફિલ્મી હીરો રામચંદ્ર બની અને આપણી ઉપર રાજ કરે..!
અરે ભાઈ સલમાનખાન બોલ્યો અને એમના પપ્પા એ તરત જ કહી દીધું કે મારો છોકરો ખોટો એણે માફી માંગવી જોઈએ..બસ વાર્તા પૂરી..!
પણ યાર સાચુ કહુ આપણને બધાને પોસ્ટમોર્ટમ કરવાની વધારે મજા આવે છે..એકવાર ખીચડીમાં ચીઝ નહિ તો ચાટ મસાલો તો નાખી જ જોઈએ છીએ અને દરેક વ્યક્તિમાં આપણે કૈક એક્સ્ટ્રા શોધીએ છીએ..!
અને મફતમાં એક્સ્ટ્રા મળે એનો આંનદ કૈક ઓર જ હોય છે…!
સલમાનખાન જે બોલ્યો એ ખોટું જ છે,
પણ એ ઝાલી લીધું અને હીંચકા ને ઠેસ વાગી ને, ઝૂલા ખાવાના ચાલુ થઇ ગયા, દર્દીલી દાસ્તાનોવાળા પત્રોનો મારો ચાલુ થઇ ગયો.!
હમણા પેલી “ઉડતા પંજાબ” જોઈ એમાં આલિયા ભટ્ટવાળા પાત્ર ઉપર નશાની હાલતમાં બળાત્કાર થાય છે અને એ પણ એકવાર નહિ અનેક વાર..!
પણ બળાત્કારની ઘટનાને એકદમ આખા પિકચરમાં ડાયલ્યુટ કરી નાખવામાં આવી..મને એમ કે આલિયા રડશે, ફૂટશે એનો ગુસ્સો ફૂટી નીકળશે, પણ બધું બે ચાર સીનમાં પૂરું..!
સવાલ એવો ઉભો થાય છે કે શું બળાત્કાર જેવા જઘન્ય અપરાધ માટે સમાજની સેન્સીટીવીટી ઓછી થઇ ગઈ છે..?
શા માટે “Feel like a raped woman” “screwed up”, “penetration” “rape the market” આવા બધા શબ્દો અંગ્રેજીમાં સામાન્ય બોલચાલની ભાષામાં આવી ગયા છે..? જવાબ નથી..
બીજા આવા ઘણા શબ્દો છે જે સ્ત્રીઓ માટે જ વપરાય છે અને એ શબ્દો ને સંપૂર્ણ રીતે તમે ગાળની કેટેગરીમાં જ મૂકી શકો..
આચાર્ય રજનીશનું એક આખું પ્રવચન છે ઝઘડો કરે બે પુરુષો અને ગાળો ખાય સ્ત્રીઓ, બંને ઝઘડતા પુરુષો એકબીજાના એકબીજાને મારવાને બદલે એકબીજાની માં બેનને ગાળો આપતા જાય..! શા માટે પુરુષ ઝઘડે અને સ્ત્રીને ગાળ પડે ? એ બે ઝઘડતા પુરુષોની નજીકની સ્ત્રીને ખબર પણ ના હોય કે એમના પુત્રરત્ન કે ભ્રાતાશ્રી યુદ્ધ લડીને આવ્યા છે અને એમના નામની મણ મણની ગાળો સાંભળતા અને આપતા આવ્યા છે..!
કોઈ જવાબ ખરો..? સ્ત્રીને આખા કુટુંબમાં ઈજ્જત અને મર્યાદા સાથે જોડી દેવામાં આવે છે અને ઘરની સ્ત્રી પરનો હુમલો એટલી પુરુષની આબરૂ ઉપર નો હુમલો..અને ઘરની સ્ત્રીને ગાળ આપો એટલે આખા કુટુંબના પુરુષોને ગાળ પડી બરાબર કેહવાય..!
ક્યાં સુધી આ પરિસ્થિતિ સમાજમાં ચાલુ રાખવાની? અને રેહશે..?
મૂળ સવાલો બાજુ પર રહ્યા અને જનતા સલમાન પર તૂટી પડી કે બળાત્કાર કોને કેહવાય એની તો તને ખબર જ નથી..! બળાત્કાર થયેલી સ્ત્રીની મનોદશા અને શારીરીક અવસ્થાનો તને અંદાજ જ નથી ભાઈ સલમાન..!
ચોક્કસ નહિ હોય,માની લીધું..બળાત્કાર એ એક એવી આસુરી ઘટના છે કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એનો ભોગ ક્યારેય કોઈ ના બને..! અને હા જો કોઈ કમભાગી વ્યક્તિ સંજોગો ને આધીન થઇને આ ઘટનાનો ભોગ બને તો ચોક્કસ જેમ “ઉડતા પંજાબ”માં બે ચાર કલીપમાં આખી ઘટનાને ડાયલ્યુટ કરી નાખવામાં આવી છે તેમ જ એ વ્યક્તિના જીવનમાં પણ એ ઘટનાને ડાયલ્યુટ કરી નાખવી જોઈએ..પરોપદેશે પાંડિત્યમ કરું છું પણ દુઃખને જેટલુ જલ્દી ભુલાવીએ એટલુ વધારે સારું છે..!
એકલા સલમાનના મોઢાને લગામ લગાડે નહિ ચાલે..જાહેરાતો ઘણી આવે છે “આપ અપને રોજાના બાતચીત મેં મોટે શબ્દો કા પ્રયોગ ન કરે..!”
પણ પરિસ્થિતિ જુદી છે જેને મોટા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ એ ઘટવાને બદલે વધે છે..અને જુવાની તો ગાળો બોલવાની જ તમે એને રોકી નહિ શકો..હા કદાચ પબ્લિકલી બોલતા અટકાવી શકો, અને પેહલા લખ્યું એમ આ બધા શિગડા કપાવી ને વાછરડા બનેલા સાંઢ છે એટલે ક્યારે ક્યાં સમયે કઈ ગાળ બોલાવી કે કયો વિવાદ ઉભો કરવો સારી રીતે જાણે છે,નવું મુવી આવે છે એટલે કોઈપણ રીતે થોડોઘણો વિવાદ તો ઉભો કરવો જ પડે અને કદાચ જાણતા કે અજાણતા કામ થઇ ગયુ ..
રહી વાત જુવાનીયાઓની તો અશક્ય છે એમને ગાળો બોલતા રોકવાનું ,અને જો રોકે રોકાયેલા રહ્યા હોય તો એવા જુવાનને તમે જ રોંચો,લીટી,નપાણીયો,ઢીલો,નબળો,મીઠો બબુચક.ગાય..આદિ ઈત્યાદી.. આવા અસંખ્ય વિશેષણોથી નવાજી લેશો..!
બે ધારી તલવાર છે આ ગાળ અને એના જેવા જેવા શબ્દો, બોલશે તો પણ તકલીફ અને નહિ બોલે તો પણ તકલીફ..ફરી એકવાર કહું છું શીંગડા કાપી ને વાછરડા બનેલા સાંઢ છે એટલે વાછરડા વેડા તો ગમે ત્યારે કરી લેવાના અને બાપુજી માફી માંગતા રેહવાના..!
નક્કી આપણે કરવાનું છે કે શું સાંભળવુ..
ત્રણ કલાક જીમ કર્યું અને સુટીંગમાં એક પેહલવાને મને ઊંચકીને દસ વાર પછાડ્યો અને મેં એને દસ વાર પછાડ્યો અને પછી રીંગની બહાર આવ્યો ત્યારે તો મારા ટાટીયા તો જોરદાર ગરબા રમતા હતા..એવું લાગે કે આખા શરીરમાં માતા આયા હોય અને માતા રમતી હોય..ને એમ શરીર ધરુજે…ઓ માડી રે મેહર કર હવે તો આ આયખાના ભાર નથી ઝીલાતા…
આવું સલમાનખાન બોલેશે ..?અને બોલે તો કેટલા ને ગમશે ?
નક્કી તમે કરો, બાકી મને તો જે બોલાયું એ ખોટુ લાગ્યુ પણ એનાથી વિશેષ સારા શબ્દો કે ભાષાની હું અપેક્ષા પણ નથી રાખતો..!
શુભ રાત્રી
શૈશવ વોરા