સોશિઅલ મીડિયા એ બહુ ગંદી રીતે `રૂદાલી` સ્વરૂપ ધારણ કરી લીધું છે,
માન્યું કે દરેક એ કોઈ ને કોઈ સ્વજન આ કોગળિયું ફાટી નીકળ્યું છે તેમાં ગુમાવ્યું છે ,
પણ આ સોશિઅલ મીડિયા ની પોસ્ટ ની એક આડ અસર બહુ ગંભીર થતી જઈ રહી છે ,
જેના માટે ક્યાં તો સમજણ નથી પબ્લિક ને, ક્યાં તો પછી પોતાની લાગણી ઓ વ્યક્ત કરવાના ગજ્જબ શોખડા થઇ ગયા છે..!!
પોતાના અંતરંગ સ્વજન નું મૃત્યુ થાય ને સોશિઅલ મીડિયા ઉપર પોસ્ટ મુકાય તે બરાબર છે, પણ જાનમાં કોઈ જાણે નહિ ને હું વર ની ફુઈ , કોઈ મોટા નેતા ,સાધુ બાવા કે પછી નેતા અભિનેતા ગુજરી જાય તો પણ પબ્લિક મચી પડે છે.!
આવી ફુઈ અમે પણ થયા હતા ભૂતકાળમાં .. ક્યારેક , પણ સમય જુદો હતો ,
એક અડધી રાત્રે બચ્ચનદાદા એ પોસ્ટ નાખી કૈક કે જીવ ગભરાઈ રહ્યો છે, એટલે અમને પણ અમંગળ ની એધાણી આવી,
થોડીવાર અમે જાગતા રહ્યા ને મીડિયા ને સોશિઅલ મીડિયા ગાજી ઉઠ્યું કે શ્રીદેવી નું અકસ્માતે મૃત્યુ, આપણે તરત જ પોસ્ટ મૂકી ને શ્રદ્ધાંજલિ આપી , યાદ કર્યું કે પેહ્લો ફોટો ક્યારે જોયો હતો શ્રીદેવી નો ? તો નિશાળમાં હતા ત્યારે…!! વગેરે વગેરે લપેટી લીધું..!!!
પણ હવે અત્યારે સિનારિયો જુદો છે..!!
ઘર માં બેઠા બેઠા પચાસ ટકા પબ્લિક પોતાના કે પોતાના ઘરમાં રહેલા ઘરડા સ્વજનના મૃત્યુના ભયે ફફડતા જીવે જીવી રહી છે , અને આવા સંજોગોમાં મારી જેમ વર ની ફુઈ થવાનો કોઈ મતલબ નથી કેમ કે ઘણી બધીવાર ની ફેસબુક ની આખી વોલ કે એકાદું વોટ્સ એપ ગ્રુપ ફક્ત અને ફક્ત મૃત્યુ ના સમાચારોથી કે ઓમ શાંતિ કે RIP થી ભરેલા પડ્યા હોય છે..!
અને એમાં પણ કોઈ ગણમાન્ય વ્યક્તિ જાય એટલે તો એમની જોડે ૧૯૬૦ માં પડાવેલો ફોટો શોધી શોધી ને શ્રદ્ધાંજલિઓ આપે ,
હોય , છે ભાવ ,પ્રેમ, લાગણી બધું હોય, અને માન્યું એના માટે રીસ્પેક્ટ , પણ બીજા નું શું ..?
અને એમાં બીજું એક ફેક્ટર, ફેસબુક ની સંરચના.. એક શ્રદ્ધાંજલિ ની પોસ્ટ હોય એમાં પચાસ કમેન્ટ ઓમ શાંતિ ની આવે એટલે એ પોસ્ટ તમારી વોલ ઉપર સતત ઉપર જ રહ્યા કરે..!
મગજ ઓર ડોફરાય ..!!
એમ જ લાગે કે ચારે બાજુ મોત નો નાચ ખેલાઈ રહ્યો છે એટલે હવે હું ગયો કે ગઈ ..!!
પોસ્ટ મુક્તા પેહલા જરાક વિચારવું ઘટે..!
બીજા આ પોઝીટીવીટીવાળા નખ્ખોદ વાળે છે , કેવી રીતે પોઝીટીવ રેહ્વાય ?
ના રેહવાય ..!!
અત્યારે સાંત્વન ને સહાનુભુતિ ની જરૂર છે ,બધે તમારા પોઝીટીવ ના ડોઝ ના ચાલે , આટલા ફોટા અને rip લખતા હોય ત્યાં પોઝીટીવ કેમના રેહ્વાય ? ચિંતા તો થાય જ..!!
પણ સ્વસ્થતા રાખી ને મન કાઠું કરવું રહ્યું , લાગણીઓના વેહણ ને હાવી ના થવા દો બસ આટલું પુરુતુ છે , અત્યારે એવું યાદ રાખવાની જરૂર નથી કે શરીર નાશવંત છે, આજે કોઈ ગયું છે કાલે તારો ને મારો વારો કોણ બેઠું છે જીવનભર ?
પંખીડા ને આ પીંજરું જુનું જુનું એમ કરી ને તાણવા ના બેસાય..!!!
બ્લોગ લખું છું એટલે પર્સનલ વાત તો આવે ..!
છેલ્લા દસ પંદર દિવસ એવા સતત ગયા કે કોઈના કોઈના રોજ માઠા સમાચાર આવે , મન ખારું થઇ ગયું છેવટે પછી એક દિવસ મારા જીમના ટ્રેઈનર ને બોલાવ્યો એ`ઈ મંદિર લઇ જા..!!
ઉપડ્યો એની બાઈક પાછળ સર્મ્થેશ્વર .. રસ્તામાં શિવરંજની બ્રીજ ઉપર સામેની બાજુ નહિ નહિ તો ય એક સામટી દસેક ૧૦૪ ને છ-સાત ૧૦૮ સાયરનો ની ચિચિયારી પડતી ત્રણ ચાર મિનીટમાં પસાર થઇ , મોઢામાંથી રાડ ફાટી ગઈ હે ભગવાન આ શું ? ક્યાં આવી ઈમરજન્સી આવી હશે ? કશું કરી શકવા ની સ્થિતિમાં જ હું નોહતો ..મનમાં ભય તો વ્યાપેલો જ હતો , એટલે કશું સુઝ્યું નહિ અને અચાનક ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો ચાલુ બાઈક ઉપર પાછળ બેઠા બેઠા , મારો ટ્રેઈનર કેશવબાગ આગળ બાઈક ઉભી કરી ને ઉભો રહી ગયો, બે ત્રણ મિનીટ એણે રાહ જોઈ પછી અકળાયો ..
શાંત થાવ હો ,નહીતર એક આ`લીશ ..!!! પણ મારા ડુસકા શમતા નોહતા , મને એણે જડબે થી પકડ્યો એ કાકા મેલે હો એક ..!!
પેહલીવાર આવું રૂપ જોયું એનું અને બધું ભૂલી ગયો હું , એકવાર મનમાં વિચાર આવ્યો કે સાલા ની હિંમત કેવી રીતે થઇ મારો કાંઠલો ઝાલાવા ની પણ એ સાચો હતો ..!!
છેવટે એણે બાઈક પ્લાણ્યું અને હું પાછળ સવાર થયો મહાદેવ ની સામે પોહ્ચ્યો, ત્યાં જઈ ને ઉભો ઉભો જ વરસી પડ્યો ..!!
અલ્યા તારા મનમાં સમજે છે શું તું ? તે આ બધું શું માંડ્યું છે ? એ તો ધીર ગંભીર બેઠો જ રહ્યો કોઈ જવાબ જ નહિ , નિરાશ થઇ ને હું ફટાફટ જ બહાર આવ્યો બાઈક પાસે ઉભો હતો ત્યાં એક નાનું વાછરડું ગૌશાળામાંથી બાહર આવ્યું ને મારી પાસે આવ્યું, મને ચાટવા નજીક આવ્યું મેં એના ગળે હાથ ફેરવવા માંડ્યો થોડીકવાર વાછરડા જોડે ગેલ કર્યો , મન નો ભાર હળવો થયો ત્યાં પેલો મારો સાંઢ પેહ્લાવાન મંદિર માંથી બાહર આવ્યો …આમ મફતમાં શું રમાડો છો એને ખાવું છે ઘાસ લઈને આપો એને..!
તરત જ ઘાસ ની ભારી લઈને ખવડાવી ..!!!
અંદર બેઠેલા પથરા એ જવાબ આપી દીધો હતો ..!!!
હું મારું કામ કરું છું તું તારું કર ,
જે જાય છે એની તને એટલી જ પડી હોય તો એની પાછળ ઘાસ નાખી ને પ્રાર્થના કર ..!! રડતા ભેગી રડવા ના બેસ..!
બસ એ દિવસથી જયારે ઓમ શંતિ કે rip લખું એ પછી ગાયો જોડે ને વાછરડા જોડે ગેલ કરી લઉં ને ઘાસ નાખી દઉં છું , કોઈ પીઝીટીવીટી ને આડીઅવળી વાત જ નહિ..!!
મંદિર બંધ છે ,પણ જીવતા મંદિર રોડ પર જોઈએ તેટલા રખડે છે , અમદાવાદનો એક રોડ ના મળે કે જ્યાં ગાય ના હોય .. કપરા કાળમાં આનંદ આપશે ,બે રોટલી કે ઘાસ નો પૂળો નાખી જોજો ..!!
બહુ દૂર દૂર ના સગા કે મિત્રો કે પછી નેતા કે અભિનેતા ના મૃત્યુ થાય તો પોસ્ટ નાખવા કરતા એમને યાદ કરી ને કોઈ સત્કાર્ય થશે તો એ આગળ પડશે..!! તમારા મિત્રો ને સેહજ શાતા રેહશે મનથી અને ભય ઓછો થશે લગાર..!
તમારી કે મારી નાખેલી પોસ્ટ આપણા ફ્રેન્ડ લીસ્ટના બીજા કેટલા ને જાણ્યે અજાણ્યે ડિપ્રેસ કરશે એની આપણને ખબર નથી , કપરો કાળ છે , રોજ મૃત્યુ ની વાતો અને સમાચારો સાંભળી ને જીવનના રસકસ ઉડી ગયા છે ,મારો ઇટાલિયન ઘોડો દોઢ મહિનાથી પલાણ્યો નથી કે છ મહિના થયે એક નવું કપડું નથી લીધું , ખાવા પ્રત્યેની આસક્તિ ઘટતી જાય છે , ઉગેલો દિવસ ક્યારે આથમે એની રાહ જોતો થઇ ગયો છે આ સંસાર ..!!
કોઈના મૃત્યુના સમાચાર ઝટ આપી દઉં કે મૃતક પ્રત્યે ની લાગણી ને સોશિઅલ મીડિયામાં મુકું એવો આ સમય નથી ..અરે બ્ય તો છેક ત્યાં સુધી થઇ ગયો કે મધર્સ ડે માં માતા જોડે ના લોકોના ફોટા જોઈ ને બ્હિક લગતી હતી કે આના મમ્મી પણ ગયા કે શું ?
પણ જીવન તો આશાના તાંતણે જ બંધાયેલું છે ..આવશે જુના દિવસો પાછા ફરી એકવાર, એવો સુરજ ઉગશે જ્યાં મોઢા ઉપર માસ્ક નહી હોય અને કોરોના ની બ્હિક નહિ હોય ..!!!
પણ કેવો સમય બળવાન છે નહિ ?
લાખ્ખો લોકો એ વાંચેલી મારી પોસ્ટ `અંતિમયાત્રા ના અંતિમ દિવસો` એમાં લોકો ની મૃત્યુ અને મૃતક પ્રત્યેની ઉદાસીનતા માટે સમાજ ને ફટકાર લગાવનારો હું એમ લખતો હતો કે નનામી ઊંચકવા ભાડે લોકો લાવવા પડશે,
એ વાત સત્ય સાબિત થઇ રહી છે અને આજે એ જ સમાજ ને કેહવું પડે છે કે વધારે પડતી લાગણીશીલતા ત્યજો , પ્રેક્ટીકલ રહો ..!!! અંગત સ્વજન સિવાય ની મૃત્યુ ની પોસ્ટ ના નાખો..!! જનારા તો ગયા પણ જીવતા વધારે ગભરાય છે..!
કેવી વિધિ ની વિડંબણા ..!!!
સારું સારું જમજો ને મજ્જાની ઊંઘ લેજો ,
ઊંઘ ના આવે તો મારા ભાભી જોડે બેસી ને જૂની કોમેડી ફિલ્મ જોજો ..!!
કેરમ રમવાનું જ્યુસ પીવાનો ને મજ્જા ની લાઈફ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*