નક્કી કર્યું હતું કે આ કોગળિયું મારા શરીરમાંથી જાય નહિ ત્યાં સુધી નહિ લખું કશું ..!!
કાઢયું કોગળિયું શરીરમાંથી,પણ આત્મા ને લોહી લુહાણ કરતુ ગયું છે..!!
જગત મિત્ર માનતો હતો મારી જાત ને, અજાતશત્રુ છું એવું માનવા લાગ્યો હતો મારો કોઈ દુશ્મન જ નથી, મને કોઈ ની સાથે કે સામે દુશ્મની છે જ નહિ ..!!
ભ્રમ હતો મારો દુશ્મની ના હોય એટલે મિત્રતા , પ્રેમ ,લાગણી આંનદ જ આનંદ જીવનમાં ..!!
તદ્દન ખોટો હતો હું , કોઈ ની સાથે મિત્રતા ને હું લાયક જ નથી ..!!
એક ઓક્સીજન નો સીલીન્ડર કે એક હોસ્પિટલ નો બેડ એરેન્જ નથી કરી શક્યો કોઈ ના માટે …!!
અરે બાળપણથી ધી ન્યુ હાઈસ્કુલ ની એક બેંચ ઉપર બેસી ને મોટા થયેલા મિત્ર નો ચોધાર આંસુડે ફોન આવે શૈશવ્યા…મારા મમ્મી ગયા ..!!! અને હું એને છાતી સરસો ચાંપી ના શક્યો ..!!
ડોકટરો ની સ્પષ્ટ સુચના કોઈપણ જગ્યાએ તારે “માસ ગેધરીંગ” માં નહિ જ જવાનું બે મહિના..!!
ફટ છે આવી જિંદગી ને તો..!!
સદાય આશીર્વાદ આપવા જે હાથ હંમેશા ઉઠતા એવા કેટલાય હાથે આજે “વિગો” (બાટલા ચડાવવા ની સોય ) લાગી ગઈ છે, અને કેટલાય હાથ હવે પંચમહાભૂતમાં (વાયા સીએનજીની ભઠ્ઠી) માં ભળી ગયા…!!
બીજા એક મિત્ર નો ફોન આવ્યો..”અરે શૈશવ આપણી ઉપરની પેઢી જીવશે જ નહિ કે શું ? આપણે આટલા જલ્દી વડીલપણું કરવાનું આવશે ?”
એક ગજ્જબ ની સિચ્યુએશનમાં આવી ને પડી છે અત્યારે ૪૫ થી ૫૫ વર્ષની જનરેશન માટે , ચારેબાજુ ચાલી રહેલા મોત ના નાચ જોઈ જોઈ ને નથી જીવાતું પણ મરવાનું તો વિચારી શકાય તેમ જ નથી કેમ કે દરેક નો કચવારો હજી કાચો છે..!!
ક્યારેક તો મને એમ જ લાગે છે કે હું પેલા બકાસુર ની નગરીમાં રહું છું, રોજ એક બે ઓળખીતા પાળખીતા ના ઘરમાં કાણ મંડાય છે, કોણ કોને આશ્વાસન આપે એની જ ખબર નથી પડતી, બસ ધીમે ધીમે “નાસૂર” થતો જાઉં છું..!!
જેમના માટે ઓક્સીજન અને હોસ્પિટલના રૂમો શોધતા હોઈએ એવા લોકો વગર વાંકે પરધામ સિધાવી જાય, શરુ શરુમાં તો સ્મશાન વૈરાગ્ય લાધતો હવે તો એ પણ નહિ..!
હશે ત્યારે , ભાગ્યમાં આ દિવસો પણ જોવા ના લખ્યા હશે..!!!!
૩૧ મી માર્ચે અચાનક શરીર ધખી ગયું ઘેર આવીને થર્મોમીટર મોઢામાં મુક્યું પારો ૧૦૩ એ અટક્યો, દીકરી એ સટાક કરતુ બારણું બંધ કર્યું રૂમ નું અને બે માસ્ક પેહરી લીધા ઘરમાં બધા ને બબ્બે માસ્ક પેહરાવી ને પેથોલોજી લેબમાં ફોન કર્યો બધા ના ટેસ્ટ થયા હું એક જ પોઝીટીવ બાકી બધા નેગેટીવ છતાં પણ પત્નીજી અને મમ્મી ને આઈસોલેશનમાં મુક્યા , દિવસો વીત્યા પણ તાવ કેડો મુકતો નોહતો છેવટે સ્ટીરોઇડ અને રેમડેસીવીર નો વારો આવ્યો, ત્યારે આવો કાળો કકળાટ નોહ્તો મચ્યો ..!!
૧૪ દિવસ પત્યા અને એમ થયું કે કાળોતરો કોવીડ ગયો,
પણ ના ,હજી એને બીજા ૭ દિવસ રેહવું હતું .. કાઢયો છેવટે ..!!
પણ એ દિવસો..??..!!
ક્યાંક વાંચ્યું હતું .. “કોવીડ કાળોતરો ડંખે નહિ ત્યાં સુધી એનાથી ડરો અને ડંખે તો એનો હોય એટલી તાકાતથી મુકાબલો કરો ..!!”
કેટલા ફોન..!! ટકાવી રાખ્યો મને..!!
દેશ અને દુનિયા ની ચિંતાઓ કર્યા કરી , પોતાની જાત ની ચિંતા કરી ને ડીપ્રેશનમાં જવું એના કરતા પારકી કરી લેવી સારી..!! ચાલો ત્યારે એમાં આગળ વધીએ..!!
ઘણી વાર મને એમ થાય કે આ દેશ ક્યારે સુધરશે..? જો કે દુનિયા આખી નથી સુધરતી તો ભારત એકલો સુધરી જાય એ વાતમાં શું માલ..?
મારા એક વૈચારિક મિત્ર હંમેશા એમ કહે છે “આ આખો દેશ કોઈક આવશે અને મને મારા ગંતવ્ય સ્થાન ઉપર લઇ જશે એની રાહ જોઇને બેઠો છે , અને એમાં મજા ની વાત એ છે કે એને ખુદ ને ખબર નથી કે એને ક્યાં જવું છે ..!!”
હું એમને જવાબ આપું કે..ભાઈ ભગવદ ગીતામાં જ યદા યદા હી ધર્મસ્ય કહી દીધું છે પછી રાહ જોઇને જ બેઠો રહે ને બિચારો..!!
એમનો જવાબ આવે કે આખો કર્મયોગ કીધો છે એ યાદ નથી રેહતો ? આળસુ અને એદી પ્રજા ને પોતાને જે અનુકૂળ લાગે એ જ યાદ રાખવું છે..!!
વાત તો જાણે સાચી, જો ધક્કો મારી ને બાયડી કમાવા ના મોકલે તો પોતના મનથી કમાવા જાય એવી પ્રજા કેટલી ?
પોતાના મનથી કમાવા અને કામ કરવા જાય છે ને એ પ્રજા નું જે ટોટલ આવે ને એ પ્રજા અત્યારે દેશ ચલાવી રહી છે ને આખા દેશ ની બાકી પ્રજા નો ઢસરડો કરી રહી છે..!!!!
બાકી ના નઘરોળ પોલીટીકલ રેલીમાં ગયા ,ફલાણા ત્યાં લગન છે મારે તો જવું જ પડે , કાન્તા કાકીનું કુતરું મરી ગયું બેસવા જવું જ પડે , શાંતિ માસા ની `બલાડી` ગુજરી ગઈ જવું તો પડે..!!
જઈ આવી બધે નઘરોળ ?
હવે ?
પડ મારી જેમ ચૂલામાં ..!! ગામ ને ૧૪ દિવસમાં સારું થાય તો તારે ૨૧ લાગ્યા..!!
ચરબી હતી , આપડે તો જીમ કરીએ ,કસરતવાળું શરીર ,દારૂ સિગારેટ પીધા નથી , બધું માલ મલીદો જ ખાધો છે , ઈમ્મ્યુંનીટી ની તો કેટલી ગોળીઓ ને ઓસડીયા પીધા , આપણને તો કઈ થાય ?
અને કેટલા ને લગાડ્યો ? એ તો ક્યાં ખબર જ પડે છે કે કોણે કોને અને ક્યારે ચિપકાવી દીધો ..!!
મારી ફિશિયારી તો હજી નથી જતી..અલ્યા મારો વાઈરસ લોડ એટલો હતો જ નહિ કે હું બીજા ને લગાડું ,અરે પત્નીજી ને નથી લગાડ્યો ત્યાં બીજા ને ક્યાંથી લગાડ્યો હોય ?
કેવા કેવા લોજીક આપણે વાપરીએ છીએ ..!!
વેક્સીન ના ડોઝ લઇ લીધા છે આપણે તો ..!
તો ? માસ્ક નહિ પેહરવાનો એવું ?
અલ્યા પિત્તળ તું ના જાય તો કઈ નહિ, પણ બીજા ને લઇ ને પોહચાડતો જઈશ..!
આ સપ્તર્ષિ ને દધીચિ ના આરા ચોવીસે કલાક ધખે છે ,ખમૈયા કરો અમદાવાદીઓ, ઘરમાં ગુડાઈ ને રહો ..!!
ઓક્સીજન ના વાંધા ,હોસ્પિટલના બેડ ના વાંધા ..!
યાદ કરો તો હજી ગઈસાલ ડોકટરો ને કેવી ભરી ભરી ને ગાળો આપતા હતા , કસાઈઓ છે ,ખોટ્ટા ખાટલા ભરી રાખી ને રૂપિયા ઉશેટે છે, જરૂર નોહતી તો પણ ઘાલી રાખ્યા..!!
હવે ? દેવ ના દીધેલા થઇ ગયા ,દેવ જેવા લાગે છે.. લુચ્ચા ,હરામખોર.. ગરજ સરે તો વૈદ વેરી , નહિ તો દેવ જેવા..!!!
કેવો આખો દેશ ઠગો અને પીંઢારાઓથી ભર્યો પડ્યો છે ..!!
દુશ્મન ઓ દેશ ના દુશ્મન , કબરમાં પડ્યા છો ને વિન્સ્ટન ચર્ચિલ ..સાંભળો ..તમે સાચા પડ્યા..!!
અહિયાં નગરી અમદાવાદના પીંઢારા શેઠિયા એમના ઘરનાઓ માટે ઓક્સીજન ના બાટલા, ઓક્સીજન જનરેટર ,રેમડેસીવીર દબાવી ને બેસી ગયા છે, આપણને જરૂર પડે ત્યારે મળે નહિ તો ..!!
પીંઢારા .. તારા નસીબમાં જીવવાનું નહિ લખ્યું હોય ને તો ઊંટ ઉપર બેઠા કુતરું નહિ કોવીડ નો વાઘ આવી ને તને ફાડી ને ખાઈ જશે , સંગ્રહાખોર..!!!
રાજકીય માણસો ઉપર દોષ નાખીએ છીએ ,
નાખવો જોઈએ ઠગારાઓ ઉપર ..!!
નામ લઈને દોષ નખાય ? ના નખાય કેમકે ઠગ છે ..!!
ઠગ ની વ્યાખ્યા શું ? તો હરકિસન મેહતા ની પીળા રૂમાલ ની ગાંઠ વાંચો તો ઠગ એટલે સમજાઈ જાય..!!
આખો કાફલો સફરમાં નીકળ્યો હોય ઠગ અને એનો પરિવાર કાફલા સાથે જોડાઈ જાય અને તમામ લેવલે ફાકલા નો વિશ્વાસ સંપાદન કરે ..!!
ઓરીજીનલ કાફલા ના માણસો તો બિચારા એમ જ વિચારતા થઇ જાય કે ઠગારા જો નાં આવ્યા હોત તો અમે ગંતવ્ય સુધી પોહચી જ ના શકતે..!!
અને પછી થાય શું ? એક રાત્રે જમવામાં કેફી દ્રવ્ય ઘોળાય ,ઠગ ફેમીલી સિવાય બધાય ને કેફ ચડે , શુકન જોઈ ને ઠગ નો સરદાર સંચરે કેફમાં આવી ગયેલા કાફલા ના લોકો ને વગર હથિયારે માત્ર ને માત્ર પીળા રેશમી રૂમાલે ગળા ઘોંટી ને પરધામ પોહચાડે , માલ મત્તા લુંટાઈ જાય અને આખા કાફલા ઉપર ગીધડા ઉડે..!!
હજી મારી આંગળી ઉપરથી મત આપ્યા ની શાહી ગઈ નથી , મદ્રાસ હાઈકોર્ટ કહે કે ચૂંટણી પંચ ઉપર ગુન્હો દાખલ કરો… કરો કરો .. જાડો નર જોઈ શૂળી ચડાવો કોઈ..!!
લોકતંત્રના પર્વો ઉજવો ,ધાર્મિક પર્વો ઉજવો ,સામાજિક પર્વો ઉજવો..!!
ઉત્સવ ઘેલો દેશ .. કોઈ ને કોઈ કેફમાં રેહવો જ જોઈએ , હંમેશા મારી નિષ્ફળતા માટે બીજો જ દોષિત છે હું તો જરાક પણ દોષિત નથી ..!
કેવા ઝટ કરતા “ગલી”માં આવી ને કેફમાં આવી જઈએ છીએ જય જય કાર કરી મુકીએ..!
માનવમાંથી “મહા” માનવ અને પછી “ગુરુ” ત્યાંથી આગળ વધી ને “અવતારી” ને પછી ?
સમાધી ,
દેવતા..!!
યુગો યુગો સુધી ગાથા ગવાય ..!!
એષણાઓ કેવી જબરજસ્ત..!!
એક જમાનામાં છાપામાં બહુ સારા અને વિદ્વાન લોકો કોલ્મ્સ લખતા , અત્યારે તો `ડ` અને `ળ` , `ણ` અને `ન` .. આવા કૈક છબરડા મળે , ત્યાં વિદ્વતા ક્યાં અપેક્ષિત હોય ?
એ જમાનામાં એક વિદ્વાન એ એમ લખ્યું હતું કે ભારત ના એકે એક રાજકારણી ને જીવતા પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનવું હોય અને મર્યા પછી જમનાજી ને કાંઠે ઘાટ ..!!
છે ,ઘણા પડ્યા છે એકરો લઈને ..અને ઘણા બધા ની તમન્ના હશે ..!!
અત્યારે તો આપણે પોત્તે સાબરમતીના ઘાટે સળગી ને ઓલવાઈ ના જઈએ એની જદ્દોજેહદ કરતા રેહવાનું છે..!!
ખુબ ખુબ સાચવજો કેફમાં ના આવશો ..!
રાજકીય ચર્ચાઓ દુશ્મની જ વધારશે , જેનું સ્વજન ગયું છે તેને સહાનુભૂતિ , હૈયાધારણ આપવાનું જરાય ના ચૂકશો ને જે કોવીડમાં સપડાયેલા છે એને હિંમત આપજો , મારા જેવા કૈક આશા ને તાંતણે ટકી જશે ..!!
દોહ્યલુ થયેલું આજ નું જીવન દુર્લભ છે એ ના ભૂલશો..!!
સૌ સારા વાના થશે ..આ દિવસો પણ જતા રેહશે..!
ફરી એકવાર સાચવજો , ટકી રેહજો ને ટકાવી રાખજો..!!
શૈશવ વોરા