મુંબઈ કેઈએમ હોસ્પિટલ ની ઘટના નો વિડીઓ ચારેબાજુ ઘૂમ્યો છે , જોઈ ને દિમાગ ફરી જાય એવું છે, આ દેશ ની અભણ પ્રજા ને અભણ લોકો ખરેખર શેને લાયક છે એ કેહવા જેવું નથી..!!
આજે કૈક છાપામાં નવરાત્રીના ગરબા માટે ની બબાલ છાપામાં વાંચી , કલાકારો ભૂખ્યા મરે અને આપઘાત કરે તો ડોક્ટર્સ જવાબદારી લેશે ?
અત્યાર સુધી જે ડોક્ટર્સ કોરોનામાં મરી ગયા એની જવાબદારી સમાજના ક્યા સ્તરે લીધી ? ક્યા સંગઠને લીધી ? રાજકીય બિનરાજકીય કે પછી સામાજિક ક્યા સંગઠને લીધી ?
ગરબા નો શોખ મને પણ પુષ્કળ છે પણ હું ચોક્કસ એવું ના ઈચ્છું કે મારા શોખ માટે હું કોઈના જીવ નું જોખમ લઉં..!!
સરકાર ઉપર દબાણ થઇ રહ્યું છે ગરબા ની પરમીશન માટે..!!
મને લાગે છે સરકારે પેહલા બેસણા અને છાજીયા ની પરમીશન આપવી જોઈએ જેથી કલાકારો ના પેટ ભરવામાં વાંધો ના આવે અને એમને રોજી રોટી મળી રહે..!!
નવરાત્રીના કલાકારો જ લગભગ બેસણા ગાવા જતા હોય છે , જે મોઢાં હે.. જી.. રે.. અષાઢ ઉચ્ચારમ .. ગાતા હોય છે ને એ જ મોઢા બેસણામાં ..જે જીવ આવ્ય આપ પાસે.. પણ ગાતા હોય છે.. અને આ કોરોનાકાળમાં ગરબાના નવ દસ દિવસ કરતા બેસણા કાર્યક્રમ વધારે મળશે એમને ,પેટ વધારે ભરાશે..!!!
અને હા જોડે જોડે છાજીયા
પ્રથા જે બંધ થઇ ગઈ છે એને પણ સરકારે ચાલુ કરાવવી જોઈએ..!
મારા જેવી નવી પેઢી ને છાજીયા એટલે શું એ ખબર ના પડતી હોય એને માટે મેં જે “જ્ઞાન” લીધું એ વેહચું..!!
પાંત્રીસેક વર્ષ પેહલા ની વાત છે અમે અમદાવાદથી અમરેલી જવા નીકળ્યા હતા, રસ્તામાં ઢસા, ધોળા થી આગળ ક્યાંક સેહજ એક ગામ આગળ ગાડી ખોટકાણી, અમારા ડ્રાઈવર ગામમાં કૈક મદદ માટે ગયા, એ ગામમાં કોઈક નું મૃત્યુ થયું હતું આખું ગામ બંધ, કોઈકે કીધું ..હમણાં ઘડીક રયો કાઢી જાહે પછી તમારું કામ થઇ જાહે..!!
ત્યાં નો સીન …
મૃતકની ડેલીએથી નનામી ઉપડી ને કાણ ઉપડી… સ્ત્રીઓ ની કાનના પડદા ફાટી જાય એવું રુદન ,તમામ સ્ત્રીઓ એ છાતી સમાણો ઘૂમટો તાણ્યો હતો ,નનામી લઈને પુરુષો આગળ ચાલ્યા , પછી ગામની ભાગોળે સ્ત્રીઓ અટકી ગઈ અને પછી બધી સ્ત્રીઓ એક કુંડાળામાં ગોઠવાઈ ગઈ , કૈક ગાતી જાય ને છાતી ફૂટતી જાય મેં અમારા ડ્રાઈવર ને પૂછ્યું આ શું કાકા ? કાકા બોલ્યા છાજીયા
લે છે ..!!
મેં પૂછ્યું નજીક જાઉં ? શબ્દો શું છે ખબર નથી પડતી .. ડ્રાઈવર કાકા ક્યે એમાં કાઈ નો હોય જા થોડોક જ નજીક જાજે પણ ..!!
હવે છાજીયા લેતી લેતી સ્ત્રીઓ મૃતકના સગા ના નામ લેતી જાય અને છાતી કુટતી જાય..!
ઉદાહરણ આપું તો સ્વર્ગીય રાતીબેન ગાય અને કાળુંભાઈ આખલા નો સુપુત્ર ભૂરભાઈ આખલાશ્રી મરી ગયા હોય તો એ સ્ત્રીઓ આવું કૈક ગાય..
રાતીબેન ગાય નો દીકરો ભૂરભાઈ હાય હાય..
કાળુંભાઈ આખલા નો દીકરો ભૂરભાઈ હાય હાય..
લાલભાઈ બળદ નો ભાણિયો ભૂરભાઈ હાય હાય..!!
નવરાત્રીમાં અમે અમદાવાદની બહુ જાણીતી એવી સ્થપતિઓ કોલેજમાં ગરબા ગાવા જઈએ ત્યાં તદ્દન દેશી ગરબા ગવાય , આપણે કલબોમાં ગવાય ને એવા બધા નહિ ઢોલ શરણાઈ ને ગામડાના બે ચાર લોકો જ ગાય બહુ સૂર ની મગજમારી નહિ પણ યૌવન એની મસ્તીમાં ઝૂમે , ત્યાં એક ગરબો કાયમ ગવાય ..
કુંજલ ગામની શેરી માનબા.. આ ..ઈ.. ઓ ..
તાલમાં એ જ ધી ધા ધા તીન નાં કતા ..!! હવે જ્યારે પેલુ આ ..ઈ .. ઓ આવે એટલે ગ્રાઉન્ડ ગરબે રમતા બધાય જોડે બુમ મારે ..માનીતી રે માનીતી માનબા આ ..ઈ .. ઓ .. પછી આવે સસરાજી ની માનીતી માનબા આ .. ઈ ..ઓ…
સસરાજી પછી સાસુજી ને દેર ,જેઠ એવું બધું આવે ..
એ વખતે પણ મને મનમાં કીડો સળવળ થયો કે આ આખા ગીત ના શબ્દો શું ? એટલે બ્રેક માં હું સ્ટેજ ઉપર પોહચી ગયો કલાકાર બેન પાસે મેં કીધું બેન આના શબ્દો શું ?
તો બેન કહે.. કઈ નઈ ભ
ઈ .. સસરાજી ની માનીતી ,સાસુજી ની માનીતી એમ જે યાદ આવે તે લપેટ્યા કરવા નું..!!
છાજીયામાં પણ એવું જ એક પછી એક મૃતક ને વચ્ચે રાખી ને જે સગા યાદ આવે એને ગાવામાં લપેટયા કરવાના અને ગોળ ફરતા જવાનું..!!!
આ છાજીયા સીસ્ટમ ચાલુ થાય ને તો મને લાગે છે ગરબાનું ખેંચાણ થોડું ઘટે અને પછી તો પ્રોફેશનાલીઝમ આવે .. સ્મશાનયાત્રા સવારે ૮.૩૦ ,છાજીયા પ્રોગ્રામ ૯.૦૦ થી ૧૦.૦૦ , છાજીયા અંતે હળવો નાસ્તો ..
છાજીયા માટે પછી જેમ લગ્નોમાં નાચવા માટે કલાકારો ભાડે આવે એમ છાજીયા માટે પણ એ જ લોકો આવે પણ ડ્રેસ બદલાઈ જાય , અમારે અમદાવાદના ઉચ્ચ ભદ્ર સમાજમાં પછી ઘરના લોકો એકાદું છાજીયામાં ચક્કર મારે પછી તો માણસો છાજીયા લઇ લ્યે એટલે ચાલે..!!
કેટલો મોટો રોજગારી નો અવસર ઉભો થાય..!! વિચાર તો કરો..!!
અને એમાંથી પણ પાછો કોરોના ફેલાતો જ રહે એટલે બેસણા અને છાજીયા વધતા જ રહે .. એક સમય એવો આવે કે ભઈ આજે છાજીયાવાળા અવેલેબલ નથી કાલે કાઢી જવાનું રાખ્યું છે, કોલ્ડ કોફીન મંગાવી લ્યો..!!
અરે પણ કોઈક ઓળખાણ લગાડો યાર ..મારા એક ઓળખીતા ને ત્યાં આવેલુ ગ્રુપ એને પૂછું ..
એ ના અલ્યા રેહવા દેજે એ ગ્રુપ તો છાતી કૂટે તો અવાજ પણ નથી આવતો..
એ ભાઈ અવાજ આવે એવા છાજીયા ગામડામાં થાય આપણે તો થોડી સોફેસ્ટીકેશન રાખવાનું ..
અરે પણ ખર્ચા નું તો વિચારો ..સસ્તા લાવો છાજીયાવાળા .. આ કાકા કોરોનામાં ગયા છે તે પાછળ કાકી પણ કઈ બહુ નહિ ટકે ,હમણાં જ કાકીએ પણ બે છીંક ખાધી મેં સાંભળી..!! ઉપરા ઉપરી ખર્ચા ઉભા જ છે..!!
કુંજલ ગામની શેરી માનબા.. આ ..ઈ.. ઓ ..
રાતીબેન ગાય નો દીકરો ભૂરભાઈ હાય હાય..
માનીતી રે માનીતી માનબા આ ..ઈ .. ઓ .
કાળુંભાઈ આખલા નો દીકરો ભૂરભાઈ હાય હાય..
કેવું લાગે નહિ ? ગરબા અને છાજીયા ભેગા ગવાય તો ? નવ દિવસ ગરબા અને પછી તો છાજીયા જ છાજીયા .. બેસણા જ બેસણા..!!!
ધીન ધા ધા તી નાં ક્ત્તા ..!!
તાલ હીંચ પછી એના નવા નામ આવે તાલ છાજીયા ..!!
વિવેકબુદ્ધિ અને સમજણ આખો સમાજ ક્યારે કેળવશે ? એકબીજા પ્રત્યે સન્માન ની લાગણી ક્યારે આવશે ? ડોક્ટર્સ કલાકાર ને ભૂખ્યા મારવા માટે નવરાત્રી ની ના કહી રહ્યા છે ? કલાકાર ને ભૂખ્યા રાખી ને ક્યા ડોક્ટર નું પેટ ભરાશે ?
કપરો કાળ છે એકબીજા ના સામા થવાને બદલે પૂરક બનીએ, ડોક્ટર્સ ની સામે ગરબા ગાવા અને બદનામ કરવાને બદલે બાર કલાક પીપીઈ કીટ પેહરી કામ કરેલા ડોક્ટર ના મનને શાતા વળે એવા ગીત ગાય એ ખરો કલાકાર ..!!
સમાજ ને ઉપયોગી થાય એ કલાકાર..!!
વિચારજો .. આ સમય આંતરવિગ્રહ નો નથી ,જોડે રહી ને સાંકડેમુકડે નીકળશું તો કાલ સોના નો સૂરજ ઉગશે અને એ જ મેડીકલ કોલેજોના ગરબામાં તમારા ઢોલ ની થાપે ડોક્ટર્સ પણ નાચશે..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)