ઢોલકીની થાપ પડે ની ધીન.. ધા.. ધા.. તી ..ન્ ..ક્ત્તા
એની પાછળ ગરજે રામ ઢોલ ધ્રુબાંગ ધ્રુબાંગ..!!
હે મારી શેરીએ થી કાન કુંવર આવતા રે લોલ..!
મુખે થી મોરલી વગાડતા રે લોલ..!!
હે હું તો ઝબકી ને જોવા નીસરી રે લોલ..!!
શેરીઓ છલકાય જુવાની થી ને જોબનીયું હેલે ચડે ,
ડોહલાઓ સંસ્કૃતિની પરણે..ક્યાં હતું ? ને કેવું હતું ? શું નું શું થઇ ગયું ..?
ઉકલી જા ,વખત આવી ગયો તારો ડોહલા .. કોગળિયું ચાલે જ છે..!!
ત્યારે શું વળી..!!
અમદાવાદના દરેક રેડિયો સ્ટેશન ના આરજે મંડાણા છે ,
નવરાત્રી થશે એવા એંધાણ છે..!!
ડોશી નોમ નું શ્રાદ્ધ જાય એટલે ઢુંકડી દેખાય સર્વપિત્રી અમાસ ને પેહલું નોરતું..!!
લો ગાર્ડન, રાણી ના હજીરે બીજે જ્યાં જ્યાં ટ્રેડીશનલ કપડા વેચાય ત્યાં ભીડ જામવાની ચાલુ થાય ,પણ આ વખતે હજી આખો અધિક આસો વચ્ચે પડ્યો છે એટલે તરખાટ ઓછો છે બજારોમાં ,અને ઉપરથી કોગળિયું..!!!
ગામ ચોતરે સોશિઅલ મીડિયા ઉપર ચર્ચાઓ ચકડોળે ચડી છે , ચરરર ચરરર ચકડોળ ફેરવવું કે નહિ ?
સમસ્યા ગંભીર છે ..!!
બે દિવસ પેહલા કોવીડ ડ્યુટીમાં પીપીઈ કીટ પેહરી ને જતી મારી દીકરી સાથે એની સહાધ્યાયી ઇન્ટર્ન પોઝીટીવ આવી..?
હવે ..?
ઘરમાં જ સાપ ભરાણો ..!!
ડોકટરો એ શું ગધેડી પકડી છે ?
તમારે રેલીઓ કરવી ,ભીડભાડમાં ખાવા બેસવું , અને હવે ગરબા રમવા છે ,
તો આમાં કોવીડવાળા ની સારવાર કરવા માટે જતા રેસીડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર છોકરા છોકરીઓ એ શું તમારી સારવાર કરવાની ગધેડી પકડી છે ?
તમને અને મને સાજા કરવા એમણે પણ ભોગવવા નું ને ..?
રોજ ના પાંચસો રૂપરડી પરખાવે છે સરકાર, કઈ મેહલ મોલાત નથી બાંધી આપતા એટલે કોઈ ને એમ થાય કે રૂપિયા આપે છે તો ભૂલી જા ચલ તને પણ આપ્યા જા , હેન્ડ નાકમાં સળીઓ ઘાલવા અને કર ટેસ્ટ..!!!
જરાક તો સમજણ રાખવા ની કે નહિ ?
હવે સિક્કાની બીજી બાજુ…
નવરાત્રી એટલે એકલા ગરબા જ નહી પણ ગુજરાતની ઈકોનોમી ને મળતું એક બુસ્ટર , હજ્જારો નાના મોટા કલાકારો ઢોલીડા ,કી બોર્ડ ,મંજીરા , ટીમ્બાની ,ડ્રમ ,ગાયકો , સાઉન્ડ સીસ્ટમ ,લાઈટ થી ને ઝાંપે ઉભી સિક્યુરીટી કેટલાય ને દસ દિવસની રોજી મળે, કૈક એવા લોકો છે કે જે પાર્ટ ટાઈમ કલાકાર છે કોઈ નાનું મોટું કામ કાજ કરતા હોય અને પાર્ટ ટીમ નવરાત્રીમાં કોઈ વાજિંત્ર કે ગાવા જતા હોય અને જે રૂપિયા રળે દસ દિવસમાં એમાંથી બાર મહિનાના દાણાપાણી કે પછી નાની મોટી વસ્તુ ઘરમાં વસાવી લેતા હોય એ બધાનું શું ?
વીસેક વર્ષ પેહલા મારા જ દવાખાને એક કમ્પાઉન્ડર હતો , “લેડીજ” અને “જેન્ટ-સ” બંને અવાજમાં ગીતો ગરબા ગાતો ને નવરાત્રીમાં એ જમાનામાં એક રાતના બારસો પંદરસો કમાઈ લેતો અને બચત કરી ને બાજુ ઉપર મુકતો..!!
હવે ..?
છૂટ આપી તો કોગળિયું ફાટી નીકળવાનું એ નક્કી ,દિવાળી એ ઘરની બાહર કેમ પગ મુકવો એ વિચારવું પડે અને નાં આપી તો કૈક ભૂખ્યા રઝળશે દિવાળીએ દીવા નહિ થાય..!
ખરું કમઠાણ ..
બંને બાજુ તકલીફ છે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક..!!
ગુજરાતી શાણપણ અહિયાં જ દેખાડવું રહ્યું …
ઝાઝા તામઝામ બાજુ ઉપર મૂકી અને નાને નાને ગરબા રમી લેવા, ચાર મહિના ના લોકડાઉન એ પ્રજા ના ખિસ્સામાં કઈ એવા ખણખણીયા રેહવા નથી દીધા કે વસ્તી છાકટી થાય..!!
બહુ મોટા આયોજન થાય છે ત્યાં કેપેસીટી કરતા ત્રીજા ભાગની છૂટ અપાય એટલે પાસના ભાવ ચડે આસમાને, અને જરાક પણ સામાજિક અંતરનું ભંગ થતું દેખાય ત્યાં એક જ મીનીટે બંધ અને એ પણ નવે નવ દિવસ..!!
સોસાયટીમાં ગરબાની છૂટ પણ ખાણીપીણી અને નીચે બેસી ને પડારા નહિ..!!
જે સોસાયટીમાં કન્ટેન્ટમેન્ટ ઝોન આવે એ તો ગઈ કામથી..!
અરે એક આડ વાત .. આમારા વિસ્તારમાં એક ફ્લેટનો આખો બ્લોક કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુક્યો ,ત્યાં ના રહીશો ને સીટ્ટી પીટ્ટી બંધ પણ એ જ બ્લોકની બાહર રોડ સાઈડ ઉપર ની બધી દુકાનો ચાલુ અને ત્યાં પાણીપૂરીની અને ઢોંસાની દુકાનો ચાલુ..!!
બોલો કેવી અજબ જેવી વાત છે ભઈ…આ તો અજબ જેવી વાત છે ..!!
હરામખોરીઓ ના પાર નથી.. નોટી, નોટી હો ભઇ કોઈ કેસ ના ઠોકતા..!!
હરામખોરી નો ઘટસ્ફોટ કરું બીજો .. આમ તો રેહણાકવાળા ફ્લેટ્સમાં બાહરની બાજુ ઉપર આવેલી દુકાનોમાં ચૂલો સળગાવી ને વસ્તુ બનાવી ને પીરસવા માટે પ્રતિબંધ છે, એટલે બદમાશો પાણીપુરી ને ભેળ આપે , અને ઢોંસા હવે પેલી માઈક્રોવેવ તવી ઉપર બનાવી ને આપે..!!
બોલો કાયદો ગધેડો ? કે કાયદા ને ગધેડો બનાવ્યો ?
નવરાત્રી માટે કૈક સમજી વિચારી ને કાયદો કરવો રહ્યો..
જેથી કાયદામાં રહે એને ફાયદો થાય..!!
હમણાં એક આદેશ બાહર પડ્યો હતો કે કન્ટેન્ટમેન્ટવાળા ઘરમાંથી કોઈ બાહર નીકળી અને ભટકે તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી ને દંડો , અલ્યા પેલો ચેરમેન સેક્રેટરી ને કામધંધો ખરો કે નહિ ?
પણ નવરાત્રીના આયોજન માટે સોસાયટીના ચેરમેન સેક્રેટરી ને “સલવાડી” શકાય કે ભાઈ તારી જવાબદારી હો.. ટોળા ના થાય ..!
અને હા આખા કોગળિયામાં સેવકો ને રાજકીય પક્ષોના કાર્યકર્તા બહુ દેખાયા નથી હવે સમય આવ્યો છે કે બલિદાન માંગો..!
કોવિડ વોર્ડમાં ડ્યુટીથી લઈને નર્સિંગ સ્ટાફ ને ટેસ્ટીંગ માટે જોડે જાવ ડોક્ટર્સ ને રાહત આપો , કેમકે ડોક્ટર્સ બીમાર પડશે તો પછી કમઠાણ નહિ કઠણાઈ થઇ જશે..!!
રાજકીય પક્ષના કાર્યકર્તા ચૂંટણી સિવાય માંદા પડે તો કઈ બહુ ફેર પડે નહિ ..!!
તમતમારે ખભે ખેસ નાખી ને નીકળો અને જ્યાં સામાજિક અંતર ના જળવાતું દેખાય ત્યાં બુમ બરાડા કરો કાર્યકર્તાશ્રીઓ..!! નવરાત્રીમાં પણ ..!!
કરો નવરાત્રી પણ જાળવી ને , એટલી મોંઘી રાખો કે મારા જેવા હાલીમવાલી ને પોસાય જ નહિ અને કલાકારોના ખીસામાં કૈક પડે..!
બાકી તો ગરબે ઘુમવા નીકળતા પેહલા એટલું ચોક્કસ યાદ રાખવા નું કે
“જો પોજી
ટીવ આયો ને તો તારા
હંગાથેઆખું ઘર પંદર દિવસ માટે કોરોન્ટીન થ
યે ..દિવાળી બગડે હા ..” અને અત્યારે પણ ભટકવા નીકળો છો તે જરાક પેલા પીપીઈ કીટ પેહરી ને સેવા કરતા લોકો ની જરાક શરમ ભરજો , ત્રણ કલાકમાં બબ્બે લીટર પરસેવો નીકળે છે ..!! ડોકટરોએ અને બીજા કોવીડ ડ્યુટીમાં જીવતર ઝોંકી ને બેઠેલા સ્ટાફ એ ખરેખર ગધેડી નથી પકડી હો..!! પચાસ વર્ષની જિંદગીમાં પિસ્તાલીસ વર્ષથી ગરબે ઘૂમીએ છીએ પણ આ વખતે ..?! કોરોન્ટાઈન થવાની આપણી કોઈ જ ઈચ્છા નથી..!! શેરીએથી કાન કુંવર આવે ને તો શેરીમાં જ ઝાલી રાખવાના છે, બેઠા બેઠા મુખેથી મોરલી વગાડો કુંવર હો..! ઝબકી ને જોવા
કોવીડ` ના નીસરાય..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)