ગઈકાલે રાત્રે અમદાવાદ વિમાન પતન સ્થળ ઉર્ફે એરપોર્ટ ઉપર ગરબા રમાઈ ગયા એટલે એનો સીધો અર્થ એવો નીકળે કે અમદાવાદમાં નવરાત્રી જામી ગઈ ..!!
નેહરુનગરવાળો રોડ,૧૩૨ ફૂટ રોડ, એની પેરેલલ એસજી હાઇવે અને એનાથી આગળ બસ્સો ફૂટ નો રીંગ રોડ બધુય રાતના નવ થી લઈને એક વાગ્યા સુધી ચક્કાજામ થઇ જાય છે , પોલીસવાળા કાકા સીટીઓ મારી મારી ને થાકી જાય છે પણ ટ્રાફિક ખૂટવાનું નામ નથી લેતો ..
હેલ્મેટો ક્યાંય ભુલાઈ ગઈ છે અને કોઈ પૂછતું પણ નથી ,ગઈકાલે પીયુસી સેન્ટરો ખાલી પડ્યા હતા એટલે લાગે છે હવે “પ્રદુષણ મુક્ત” થઇ ગયું છે અમદાવાદ …!
કેવા કેવા દંભ ચાલે છે આ શેહરમાં ..!
અમારી જોડે ગરબા કરતા અમારા મિત્ર ને ગઈકાલે પ્રાઈઝ મળ્યું ..
બહુ દુઃખ થઇ ગયું .. પૂછો ક્યોં ?
તો એટલે કે ચાલીસ થી સાહીઠ વર્ષની કેટેગરીમાં મળ્યું..!!
બળ્યું આ ચાલીસ થી સાહીઠ ની કેટેગરી..!!
એ મિત્રનું નામ લખ્યું ત્યારે ઉંમર પૂછવામાં આવી એટલે મને ઝટકો લાગ્યો અને ગ્રાઉન્ડમાં નજર ફેરવી અને અમારી ઉંમરના શોધ્યા ગણ્યાગાંઠ્યા હતા ,
મનમાં નીકળ્યું કે અમારી “ઘરડી” પરજા નાચતા ભૂલી ગઈ છે..!! એમ અમે પણ ભૂલી જઈશું …?!!
પણ સાવ છેક એવું પણ નોહતું અમારું ટોળું નાચતું હતું ત્યાં જ લગોલગ એક એક્ચ્યુલી ઉંમરમાં ઘરડા, પણ એમનેમ નહિ , એવા ત્રણ આંટીઝ બિલકુલ બેકલેસ ટ્રેડીશનલ પેહરી અને ગરબા રમી રહ્યા હતા..!!
મારા મનનું દુખ ભુલાઈ ગયું ,એક મિનીટ તો એમ થઇ ગયું કે વિડીઓ ઉતારી ને “ફેમસ” કરી મુકું પણ પછી એમ થયું કે મને શું અધિકાર છે એમની પ્રાઈવસી છીનવી લેવાનો ?
પણ ચોક્કસ સાહીઠ ઉપરના આંટીઝ હતા .. બેકલેસ પેહર્યું હતું અને બધા જ શણગાર સજ્યા હતા .. ખરેખર શોભતા હતા ..!!!!
અને એક પછી એક જે સ્ટેપ બદલી બદલી ને ગરબા કરતા હતા દાદ આપવાનું મન થઇ ગયું ..!!
આ આવાનારા ત્રણ દિવસોમાં હવે નહિ નહિ તો અમદાવાદમાં બે ત્રણ લાખ લોકો ગરબે ઘૂમી લેશે ,રીતસરનું યૌવન હિલ્લોળા લ્યે છે ગરબામાં..
ગરબા ગ્રાઉન્ડ ઉપર થોડા ઘણા ઘાતકી વિચારો મને આવ્યા,
પેહલો વિચાર તો એ આવ્યો કે કેટલા બધા લોકો ને આ શેહરમાં નાચતા આવડે છે અને કેટલા બધાને નાચતા આવડે છે તો પણ ઊંઘરાટા ઘરમાં ઘોરી કેમ રહ્યા છે..?!!
બીજો વિચાર ..હવે જો આટલા બધાને નાચતા આવડે છે અને નાચી પણ શકે છે તો નવરાત્રી સિવાય પણ કેમ નાચી ના શકાય ?
હસવું ,ગાવું ,રમવું ,નાચવું આ બધી વસ્તુઓ જીવનને કેટલું ભર્યું ભર્યું રાખે છે ,અને પ્રજા ડીપ્રેશનથી દૂર રહે ,પણ લગભગ જંગલી અવસ્થામાં જીવતા આપણે કેમ આવા..?
હું જંગલી અવસ્થા એટલે કહું કેમકે જંગલમાં પ્રાણીઓ આમાંનું કશું જ નથી કરતા .. નથી ગાતા, નાચતા કે હસતા..!!
મોર કોયલ ગાય તો એક જ સ્વરમાં ષડજ અને પંચમ .. આપણી જેમ નહિ સાત વતા પાંચ બારેબાર સ્વરમાં..! મોર કળા કરે તો એક પ્રકારે, કઈ એ કથ્થક ,ગરબા ,ભરતનાટ્યમ ના કરે..!
જયારે માણસજાત ને તો કેટલું બધું આવડે છે અને ના આવડતું હોય તો શીખી પણ લેવાય
પણ કોણ જાણે આપણે આપણા જ કરમના દુશ્મન છીએ ..!!
નવ દિવસમાંથી માંડ છેલ્લા ચાર પાંચ દિવસ બહાર નીકળે અને એ પછી ના દિવસોમાં દારુ પીવે તો પગમાં તાકાત આવે નહિ તો નાચવાનું એટલે શું ???
અને ગુજરાતમાં રહી દારૂબંધી .. હેલ્મેટ ની જેમ બધું ય ભદ્ર્મ ભદ્ર્મ …!
સખ્ખત પોતાની જાત ને કોમ્પ્રેસ કરીને ગુજરાતી જીવી રહ્યો છે વર્ષોથી..
દારૂબંધી નામની એવી દંભ ની ચાદર ઓઢીને અંદર પોતાની જાત છુપાવી અને ઉપરથી પોતે પોતાના ને પોતાના વખાણ કર્યા કરે..!
એ જ ગુજરાતી આબુ ,દમણ કે મુંબઈમાં દારુ પી ને કેવો છાકટો થાય છે..!!
એશી ટકા દારૂબંધીના દંભ ને પોષતો ગુજરાતી એક ઉંમર પછી દારુ પીધા વિના નાચી શકતો નથી અને જે નાચી શકે છે એને દારુ પીવાની જરૂર નથી પડતી..!
કોઈ કારણ વિના પરફોર્મન્સ પ્રેશરમાં આવી જાય છે..
એવી કઈ જગ્યા અમદાવાદમાં છે કે જ્યાં નવરાત્રી સિવાય ખુલ્લા મને અમદાવાદી નાચી શકે ..?
કુતરા કરતા ખરાબ જિંદગી અમદાવાદી જીવી રહ્યો છે ,દરેક ચાર રસ્તે બીક નો માર્યો ફરે છે , ખુલ્લા મને હસવા માટે સુવ્વર લાફીંગ ક્લબમાં જાય છે ,પણ બૈરી જોડે બે ઘડી મજાક નથી કરી શકતો..
સાચું બોલજો બાજુના ફ્લેટમાંથી મુક્ત ખડખડાટ હાસ્ય ક્યારે સાંભળ્યું છેલ્લે તમે ..?
કોણ જાણે કેવા અને કેટલા સ્ટ્રેસ જિંદગી એ અમદાવાદી ઉપર નાખી દીધા છે કે કોલેજો છોડ્યા પછી જીવનના અસલી રસકસ અમદાવાદી માણસ ભૂલી ગયો છે..!!
ક્યાંક વાંચ્યું હતું કે શેહરોમાં ડાયાબીટીસ ના પેશન્ટ ખુબ વધી ગયા છે ..
તે વધે જ ને ..
સ્ટ્રેસ કાઢવાની કોઈ જગ્યા જ નથી બચી..હસવું ,નાચવું,ગાવું ,બોલવું ,”પીવું” આમાંનું કશું જ ગુજરાતી ને કરવા જ નથી મળતું..
કાજી દુબલે કયું તો કહે ફિકર સારે જહાંન કી..!!
અહી બેઠો બેઠો ટ્રમ્પ ની ચિંતા કર્યા કરે ,અલ્યા કોક દિવસ મલાનિયાભાભીના કપડા ના ડિસ્કશન મારા ભાભી જોડે કરી લે નહિ છૂટાછેડા આપી દે..!
દુનિયા આખી કરે છે..!!
થોડાક મહિના પેહલા ઉપરાઉપરી ગોવા જવાનું થયું હતું… અરે રે ગુજરાતણો જે છાક્ટી થઇ ને બીચ ઉપર ફરતી હતી..!!
અને કપડા પણ એવા ટૂંકા ટૂંકા અને પાછા કોન્ફિડન્સથી પેહરેલા .. મને તો ખરેખર આનંદ થઇ ગયો અને પછી દુઃખ ..
આ બિચારી ગુજરાતણો ને ટૂંકા કપડા પેહરી ને માહ્લવા છેક ગોવા આવવું પડે છે અમદાવાદમાં તો … મુઆ તાલેબાનો..!!
ઘણી હડકાઈ અને હલકી પ્રજા બેકલેસ બ્લાઉઝ જોઇને ગાંડી થતી હોય છે નવરાત્રીમાં,
પણ સમય ની સાથે હડકવા લગભગ નાબુદ થતો જઈ રહ્યો છે ,અને જેમને હડકવા છે એ જૂની પેઢીના ટાંટિયા હવે કબરમાં લટકી ગયા છે..
આપણે તો સ્પષ્ટ મત છે કે સ્ત્રી ને કપડા ક્યા પેહરવા એ એનો અબાધિત અધિકાર છે..!
ચાલો સમય થઇ ગયો છે તૈયાર થવાનો આઠમ અને નોમ બે જ બાકી રહ્યા છે..!!
શું કો` છો પબ ને ડિસ્ક ખુલવા જોઈએ કે નહિ અમદાવાદમાં હે ..?
નાચવું છે બારેય મહિના ? કે પછી ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની ગોળીઓ ખાવી છે ?
ગાંધી ને ગાળો આપવી છે પણ ગાંધીના દંભ ને પોષવો છે..!!
જુઠ્ઠા ની જમાતો સાલ્લી…
આજે જો લાખ બે લાખ અમદાવાદી નાચી શકતા હોય તો બસ્સો-ત્રણસો પબ કે ડિસ્કમાં રોજ વીસ પચ્ચીસ હજાર લોકો કેમ ના નાચે ..?
દંભી … ખા ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની ગોળીઓ અને “હળગ” ઇલેક્ટ્રિકમાં..!!
તારો ડો`હો અને ડો`હી બાર મહિનામાં પચાસ દિવસ રા`હડા લે`તા તા ..
ચાર નોરતા અને સાતમ આઠમ અને પુનમો જુદી …લુખેશ..!!
બોલ શ્રી અંબે મા`ત કી` જે`
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*