ગરબા ગ્રાઉન્ડની બબાલ .. *દરેક ક્લબ મેમ્બર , ઊંઘરેટાની જેમ ઘોરતા અને પોતાના છોકરા ને ગરબા રમવા એકલા મૂકી દેતા માંબાપો માટે ખાસ..*
ગઈકાલે રાત્રે એક બહુ જાણીતી ક્લબમાં અમે સપરિવાર ગરબે ઘૂમી રહ્યા હતા ,અમારી સાથે લગભગ બીજા બસ્સો ત્રણસો હણહણતા જુવાનીયા અને જુવાનડી ગરબે ઘૂમી રહ્યા હતા અને ધીમે ધીમે બીજા થોડાક જોડાઈ રહ્યા હતા ..
સર્કલ ઘણું મોટું થતું ગયું ..અમે બિલકુલ સ્ટેજની સામે જ ચકરડી ભમરડીમાં રમતા હતા..
હવે અમારી એકદમ અડોઅડ પેલા “નટ ના ખેલ” બતાડતું એક ટોળું ગરબા કરી રહ્યું હતું..અને વધેલી ભીડને લીધે અમે પીસાતા ગયા ..
એક બાજુ પચાસનું “નટ ના ખેલ” કરતુ ટોળું જેટલી જગ્યામાં રમે એટલી જ જગ્યામાં બીજા બીચાર ચારસો પાંચસો..!!
“નટ ના ખેલ” કરતુ ટોળું એટલે શું એ જે લોકો ને ના સમજાયું હોય એ લોકો ને સમજણ પાડું ..
પાછલા થોડાક વર્ષોથી ઓડીટોરીયમમાં થતા ગરબા શો નો ખો નીકળી ગયો છે એ આપ સર્વે ને વિદિત હશે, પણ એ ઓડીટોરીયમમાં થતા ગરબા આજકાલ નવા રૂપે ગરબાના ગ્રાઉન્ડમાં થાય છે અને હું એને “નટ ના ખેલ” એટલા માટે કહું છું કે એમાં ગરબાની જોડાજોડ બીજા ખેલ ચાલતા હોય છે ..
જેવા કે મોઢામાં કેરોસીન ભરી અને મશાલ ઉપર કોગળો કરવો ,જેથી એમ લાગે કે મોઢામાંથી `પાર્ટી` આગ ઓકી રહી છે ,સાયકલના ટાયરની રીમ સળગતી લઈને દાઢીની ચિબુક ઉપર ફેરવવી , એક ઉભી લાકડી ઉપર બે ત્રણ ચાર ચડી જાય વગેરે વગેરે પ્રકારના ખેલ થતા હોય છે..!!
હવે આ “ખેલ” બતાડતી પ્રજા જે ચાલીસ પચાસથી લઈને સો લોકો ના ટોળામાં હોય છે તે મોટેભાગે ગરબાના સ્થળ ઉપર લગભગ સાંજે સાત વાગ્યાની પોહચી જાય છે, આખ્ખે આખ્ખી બસ કરીને આવે છે અને એક એક જણના ડ્રેસ મીનીમમ વીસ હજારથી લઈને ચાલીસ હજાર સુધીના હોય છે..
એ બધામાં અમુક નો માથા કરતા મોટા મનોહર ,એટલે કે ચિત્ર વિચિત્ર પાઘડી પેહરી કે ગોગલ્સ પેહરી ને રખડતી હોય છે..
ઘણા બીજા નાચ નખરા થાય છે વર્ણનો નથી કરતો પણ તમે તમારા બાળક ને શાંતિથી તમારી પાસે બેસાડી ને પુછજો કે તું ગરબા કરવા માટે જાય છે ત્યાં આ પ્રકારની પ્રજા આવે છે ખરી ..?
એક્ચ્યુલી આ પ્રજા ગરબા અને ભવાઈ નો ફર્ક ભૂલી ને ગરબા ગ્રાઉન્ડ ઉપર ભવાઈ આદરે છે..!!!
ગરબાનો તાલ છે તાલ હીંચ ..જેના બોલ છે.. ધીન ધા ધા ,તીન નાં ક્ત્તા .. જયારે ભવાઈ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં હોય અને એમાં… તા થૈયા થૈયા તા થઇ..
આ “નટ ના ખેલ” કરતી પ્રજા તા થૈયા થૈયા તા થઇ.. ને ધીન ધા ધા ,તીન નાં ક્ત્તા .. માં બેસાડવાની ભરપુર કોશિશ કરતી હોય છે પછી નથી રેહતી ભવાઈ કે નથી રેહતા ગરબા ..
અને આ કોશિશ દરમ્યાન જો ટોળું પચાસ જણા નું હોય અને ગરબા ગ્રાઉન્ડ માની લ્યો કે બે હજાર વાર નું હોય તો પાંચસો વાર જેટલી જગ્યા રોકી લ્યે છે અને એમને પ્રોટેક્ટ કરવા માટે એમના પોત્તાના માણસો આજુબાજુ ઉભા રહી જાય છે…!
આવા નટ ના ખેલ કરતા બે ટોળા જ્યારે ગરબા ગ્રાઉન્ડમાં આવે છે ત્યારે અડધું ગરબા ગ્રાઉન્ડ રોકી લ્યે છે..તે સમયે તમારા અને મારા લાડકા-લાડકી ને બાકી બચેલા હજાર સ્કેવર યાર્ડના ગ્રાઉન્ડમાં લગભગ `પિસાવા`નું આવે છે..
કેમકે ગરબા ઓર્ગેનાઈઝર એ માની લઈએ કે બે હજાર વાર નું ગ્રાઉન્ડ છે તો પંદરસો પાસ ચોક્કસ વેચ્યા હશે, અને એમાં અડધું ગ્રાઉન્ડ પેલા નટ ના ખેલ કરવા વાળા એમના બાપુજી નું ગ્રાઉન્ડ હોય તેમ કવર કરીને બેસે છે અને પછી તેરસો જણા ની વચ્ચે અડધી જગ્યામાં ભીડ ભીડના ભડાકા..!!
*ક્લબ મેમ્બર્સ અને ગરબા આયોજકો નો રોલ અહિયાં જ આવે છે…*
*પેહલી વાત તો એ કે આવી રીતે કોઈ એક કે બે ગ્રુપ ને અડધા ગરબા ગ્રાઉન્ડ નું પઝેશન શા માટે આપી દેવાય છે ?*
*શું આવા ગ્રુપ્સ કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ ક્લબો ને ગરબા આયોજકો ને આપે છે ?*
*જો નથી આપતા તો આવો બિલકુલ ગેરકાયદેસર કબજો કેમ કરવા દેવાય ?*
*સામાન્ય ઝભ્ભા લેંઘા અને ચણીયા ચોળીમાં આવેલા ગુજરાતી છોકરા છોકરીઓનો શું વાંક છે કે તમે એમને આવી ભીડમાં ગરબા કરવા મજબુર કરો છો ?*
*આ પોઈન્ટ ઉપર સરકાર ને પોલીસતંત્ર એ જાગવાની જરૂર છે , કોઈપણ જાત ની ફાયર સેફટી વિના મોઢામાંથી દોઢ બે હજાર માણસોની વચ્ચે કઈ રીતે આગ ના ભડકા થવા દેવાય ?*
*ન કરે નારાયણ ને ચાર જણ સળગ્યા ને તો તમારી જ પાછળ પડી જશે જનતા અને ગરબા આયોજકો જશે જેલમાં એ જુદા ..*
છતાંય જો ગરબા આયોજકો ને એ “નટ ના ખેલ” કરતી પ્રજા એટલી જ વહાલી છે અને પોતાના ગ્રાઉન્ડ નો મોટ્ટો ભાગ એમને હવાલે કરવો છે તો પછી એમની પાસેથી ચાર્જ ચાર પાંચ ગણો વસુલ કરો અને એની સામે એટલા પાસ ઓછા વેચો જેથી કરી ને રૂપિયા ખર્ચી ને આવતા લોકો ને ભીડભાડમાં દુખી ના થવું પડે..!!
નવરાત્રી નો તેહવાર બહુ બધા લોકો માટે છે નહિ કે થોડાક ..!!!
ગરબા આયોજકો એ “નટ ના ખેલ” કરતા લોકો પાસેથી વધારે રૂપિયા ચોક્કસ લઇ શકે છે, કેમકે જેમને વીસ થી લઈને પચાસ હજાર સુધી ના ડ્રેસ પોસાય છે અને જોડે વ્યક્તિ દીઠ બે પાંચ હજારની લાકડીઓ , દાંડિયા ,ઝાલર અને મંજીરા ક્યારેક તિરંગો ..વગેરે પોસાય છે તેવા લોકો પાસેથી એક રાતના વ્યક્તિ દીઠ બે-પાંચ હજાર રૂપિયા લઈને એટલા પાસ સામે ઓછા વેચશો તો તમને પણ વ્યવસ્થા જાળવવામાં સરળતા રેહશે..!!
*પાંચસો રૂપિયાના બે હજાર પાસ વેચતા હો તો આવા ગ્રુપના સો જણ ને એન્ટ્રી આપી અને પાંચ લાખ રૂપિયા એક સાથે એક રાત ના લઇ લ્યો અને સામે એટલા પાસીસ ઓછા વેચજો ..!!*
જે લોકો ને આવા પાંચ લાખ ના પોસાય એ બધા જાય રીવરફ્રન્ટ એમ્ફીથીયેટર જેવું કૈક બનાવેલું છે ત્યાં કરે ..!! કે પછી સરકાર બીજી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે..!!
*આ વર્ષે તો હવે એક જ રાત બાકી છે પણ તમારી ક્લબ ની એજીએમ માં આ મુદ્દો ચોક્કસ ઉઠાવજો અને એ પેહલા તમારા બાળક ને પુછજો કે તું “આપણી” કલબમાં ગરબા ગાવા જાય છે ત્યારે ત્યાં આવું બને છે બેટા ..?*
*બંધ કરાવો આ “નટ ના ખેલ” ને નવરાત્રીમાં ખેલ કરતા, અને બચાવી લ્યો તમારા બાળકો ને ભીડમાં પીસાતા..!!*
કરો ફોરવર્ડ જો તમે પણ આવી રીતે “નટ ના ખેલ” કરતા ગ્રુપ્સ ને લીધે આ નવરાત્રીમાં પીસાયા હોઉં તો અને પોહચાડો સબંધિત અધિકારી અને ગરબા આયોજકો સુધી આ વાત..!!
રૂપિયા ખર્ચો છો તો સામે હક્ક માંગો ગુર્જર બાળ ..!!
ગરબે છૂટથી રમવા નો ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*