ગૌરી લંકેશ ની હત્યા ..
આપણા માટે આમ જોવો તો ઘણું અજાણ્યું નામ,મારા જેવા ગુજરાતી માણસને એમ થાય કે કોણ છે આ બેન ? અને એવું શું કરતા હતા કે એમને ગોળીઓ મારીને મારી નાખ્યા..? સીધો જવાબ આવે કે પત્રકાર હતા..આટલું સાંભળીએ એટલે મોઢાની ડાકલી ખુલી જાય અને આંખો પોહળી કરીને આપડે બોલીએ હેં ..! પછી દિમાગ દોડે..ના ના એકલા પત્રકાર તો ના હોય, જોડે જોડે કૈક બીજું કરતા હશે..! જવા દો આપડે શું ..?
વારતા પુરી કરી નાખીએ..!
બહુ ચાલ્યું છે સોશિઅલ મીડયામાં આજકાલ, મીડિયા પોતાની ટ્રાયલ લગભગ પતાવી ને બેઠું છે,હવે સોશિઅલ મીડિયાની ટ્રાયલ ચાલુ થઇ છે..અને “સીધા” નરેન્દ્ર મોદીને કઠેડામાં ઉભા કરી દીધા,અને સજા રૂપે નરેન્દ્ર મોદીને ટ્વીટર પર બ્લોક કરવાની ઝુંબેશ શરુ કરી દીધી..!
સરસ ..!
જજ પણ હું, વકીલ પણ હું,દલીલ પણ મારી અને દાખલો પણ મારો.સજા પણ હું નક્કી કરું ,માફ પણ હું કરું ,જેલ પણ હું જેલર પણ હું …
આ એક ખતરનાક ટ્રેન્ડ છે આ સોશિઅલ મીડિયા ટ્રાયલ નો ..!
બસ્સો,પાંચસો, હજાર, બે હજાર કે દસ હજાર, અરે ભાઈ લાખ રાખો, બધા ભેગા થઇને નક્કી કરે કે ભારતના પ્રધાનમંત્રી એ ગૌરી લંકેશના અપમૃત્યુ માટે કોઈક પ્રકારે જવાબ આપવો જોઈએ..!
કેમ જવાબ આપવો જોઈએ ? શું એ નરેન્દ્ર મોદીની જવાબદારી છે ?
ચોખ્ખી અને સ્પષ્ટ ના..
કાયદો અને વ્યવસ્થા માટે ની પેહલી જવાબદેહી રાજ્યસરકારની છે, અને એમાં થયેલી ચૂક ને અંતિમ સંસ્કાર વખતે હાજર રહી અને રાજકીય માનસન્માન સાથે અંત્યેષ્ઠી કરાવી ને સુધારી ના શકાય..
હવે વાત કરીએ ગુજરાતી દિમાગની તો આપણે તો એમ વિચારી લીધું કે બેહન એકલા પત્રકાર નહિ હોય બીજું કૈક જોડે કરતા હશે..
થોડું આગળ વિચારીએ કે જોડે બીજું કૈક શું થાય ? પત્રકારિતા કરતા હોવ તમે તો?
પેહલો જવાબ આવે કે એલઆઈસીના એજન્ટ થવાય કે પછી એમવે કે ઓરીફ્લેમ જેવી એમએલએમ માં જોડાવાય..
જોયો છે ખરો એકપણ પત્રકાર આવી સ્ટ્રગલ કે મેહનત કરતો ???
એક ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ..નેવું નેવું વારના પ્લોટ અને નેવુએ નેવું વારમાં એકબીજાને અડીઅડીને બાંધેલા કારખાના..બધાના ધાબા ખુલ્લા.. ઓરીજીનલ બાંધકામ થયું હતું લગભગ સાલ સિત્તેરની આજુબાજુમાં..વીસમી સદી પૂરી થઇ અને નવી પેઢી આવી કારખાને, એક માળ બીજો લઈએ તો કારખાનું મોટું કરાય અને સગવડ રહે, પેહલે માળે ઓફીસ કરી અને એ.સી. નાખીને બેસીએ..!
કોન્ટ્રકટર બોલાવ્યો, ચલો સાહેબ એક માળ ખેંચી કાઢીએ..! ઈંટ માટી સિમેન્ટ ઉતરી ગયા,પેહલા માળની સાત ફૂટની દીવાલ લેવાઈ ગઈ અને એક દિવસ એક વ્યક્તિ આવ્યો..સાહેબ મ્યુનીસીપાલીટી ની પરમીશન છે ? બાપા ઉવાચ્યા મારા કારખાનામાં માળ મારે લેવો એમાં મ્યુનિસિપલીટી ની પરમીશન ? હા લેવી પડે.. બાપા ની ઝબકી હા સાલું આપડે તો ૧૯૮૬થી મ્યુનિસિપલ લીમીટમાં આવી ગયા.. હવે છોડો ને એ બધુ પતાવો ને..સોદો થયો દસ હજારમાં (આશરે એમાઉન્ટ છે) પેલો ગયો..બારીઓ ના ચોકઠાં ફીટ થયા, અને બીજો આવ્યો, અધિકારી હતો સાહેબ તમારા વિરુદ્ધ ફરિયાદ આવી છે
કાકા બોલ્યા કોણે કરી ? રૂપિયા લઇ ગયો હતો એણે જ કરી, તાત્કાલિક બાંધકામ અટકાવો..
અરે સાહેબ વહીવટ પતાવો ને..
નહિ કરાય કાકા..હું જો પગલા નહિ લઉં તો પેલો આરટીઆઈ કરશે ,પત્રકારને કેહશે અને પછી મારી બદલી થશે..તમારે વહીવટ કરવો હોય તો બધાનો સામટો કરવો પડે પેલો ,આરટીઆઈવાળો, પત્રકાર અને મારો અને મારા ઉપરના બે સાહેબો..
ખર્ચો કેટલો ?
સાત આઠ લાખ ઉપર જાય..!
હેં .. કાકાને તમ્મર ચડી ગયા..! અને કાકા એ બુમ પાડી અલ્યા બંધ કરો કારખાનું રોજ ચાર રોટલી ખાવી એના માટે દસ કુતરાઓ ને આલવાની ..?
એક પત્રકારોના મેળાવડામાં ગયો હતો કકળાટ ચાલતો હતો કે અમારે લખવું હોય તો અમારા શેઠિયા લખવા નથી દેતા, મેં કીધું બ્લોગીગ કરો કોણ રોકશે..? જવાબ આવ્યો સાહેબ ઘર ચલાવવા રૂપિયા તો જોઈએ ને..!
પુરુષો અર્થસ્ય દાસ..!
આદર્શ પત્રકાર નારદને ગણ્યા છે જેના હૈયે હમેશા સમસ્ત બ્રહ્માંડ નું કલ્યાણનો ભાવ રેહતો અને જે ખોટો હોય એને મોઢા પર ખોટો કેહતા ,ભરી સભામાં રાવણને કહી શકતા કે તમે ખોટા છો,અને ખોટા ને ખોટો કે સાચાને સાચો કેહવામાં ક્યારેય કચાશ ના રાખી,અને સામે બંને દેવાસુર કમ્યુનીટીએ પણ નારદજીને અભય વરદાન આપ્યું હતું કે તમને કોઈ મારી નહિ શકે..!
આજે દેવાસુર બંને ને પોતપોતાના “નારદ” છે..! જા તું તારે લખને હું બેઠો છું..!
અને દેવાસુર ધરતી ઉપર બેઠેલા રહે, નારદ સ્વર્ગે પ્રયાણ કરી જાય..!
નીતિમત્તાના ધોરણો દરેકે દરેક વ્યવસાયમાં નીચે જતા જાય છે, પત્રકારિત્વ એમાંથી બાકાત નથી, ક્યારેક રાજકારણીઓ દ્વારા અપાઈ રહેલા વધારે પડતા મહત્વને લીધે પત્રકાર પોતાની જાતને રાજકારણી ને પેદા કરનારો સમજવા લાગે છે, ક્યારેક કોઈક સોશિઅલ મુવમેન્ટની સાથે પોતાને જોડી દે છે અને ક્યારેક કોઈક પોતાને એક ચોક્કસ વિચારધારા સાથે જોડી પોતાનો પત્રકારિત્વનો વ્યવસાય કરે છે..
હમેશા વ્યક્તિ કરતા વિષયને પકડીને લખતા લોકો પોતાની તટસ્થતા જાળવી જાય છે, ગૌરી લંકેશ કોણ છે અને શું કરતા હતા એ જોવા એમના ફેસબુક પેઈજ ને ખંખોળ્યુ, એમની જ વિચારધારા સાથે જોડાયેલા વિનોદ દુઆ ની એક કલીપ હાથ લાગી, એક જમાનામાં જયારે મને ફક્ત વિચારો આવતા ત્યારે વિનોદ દુઆથી હું ઘણો પ્રભાવિત હતો, આજે પણ ક્યારેક એમની કલીપો અને અભ્યાસ જોઈએ તો રિસ્પેક્ટ આવી જાય છે..
ગૌરી લંકેશના પેઈજ પર વિનોદ દુઆ બોલે છે કે હર્ષા ભોગલે નું ઉદાહરણ સૌથી સારું છે, હર્ષા ભોગલે ક્રિકેટની રમત વિષે નાનામાં નાની હકીકતોને ઓળખે છે અને એમની પાસે ક્રિકેટનો ઊંડો અભ્યાસ છે, પણ એનો મતલબ એવો નથી થતો કે હર્ષા ભોગલેને ઇન્ડિયન ક્રિકેટ ટીમ ના કેપ્ટન બનાવી દેવા..!
બહુ જ સારું ઉદાહરણ છે, ક્રિકેટ રમવું ,શોખ હોવો ,જોવું ,અભ્યાસ હોવો..જાણવું આ બધું ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન થવાની લાયકાતનો એક ભાગ હોઈ શકે પણ આ બધું જાણીએ એટલે આપડો કેપ્ટનસી પર હક્ક નથી બનતો..
કદાચ આ પાતળી લાઈન દોરી ગૌરી લંકેશ ચુકી ગયા,અને એમને સપોર્ટ કરનારા આ ધરતી પર છે અને એમને…
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા