જાપાનીઝ પ્રધાનમન્ત્રી નું સ્વાગત કરવા માટે અમદાવાદ દુલ્હનની જેમ સજી રહ્યું છે..
આવું ક્યાંક છાપામાં વાચ્યું…
હવે શું કેહવું ..?
ચાઇનીઝ પ્રીમિયર શી પીંગ આવ્યા ત્યારે પણ આવો જ ખેલ, અને એ પેહલા મહોત્સવના નામે આવો જ ખેલ.. દુલ્હનની જેમ સજવાનો..!
તે હે ભાઈ આ એક રાતની દુલ્હનની જેમ દર વર્ષે બે વર્ષે “ઘરાક” આવે એટલે સજવાનું છોડીને સોહાગણની જેમ કાયમ સજી ધજીને તૈયાર થઇ ને “ચોખ્ખા” ના રેહવાય ..?
જે ખર્ચો થઇ રહ્યો છે બાગ-બગીચા,રીવર ફ્રન્ટ,બધા જ અન્ડરપાસ, બ્રિજીસ બધાને ઝગમગાટ કરાવી દીધો છે..બાપરે..!
ઓછામાં ઓછું આઠ દસ કરોડ રૂપિયાનું આંધણ થઇ જશે..! ત્રણ ચારવાર આવો ખર્ચો કરો તો એટલા રૂપિયામાં તો પરમેનેન્ટ ડેકોરેશન થાય..!!
જૂની કોંગ્રેસી સરકારો શીખવાડી ગઈ છે કે રૂપિયા હોય છે જ વાપરવા,એટલે કેમ આવા બેફામ રૂપિયા વાપરો છો એ તો પૂછવું જ ખોટું છે, પણ હવે દર વર્ષે આવું જ કરવાનું હોય તો પછી આટલા રૂપિયામાં તો પરમેનેન્ટ ખર્ચો કરોને..!
દર વર્ષે આવા થુંક ના સાંધા કરી અને શું કામ ખોટા ખર્ચા કર-કર કરો છો ..?
આમ પણ રીવરફ્રન્ટની જમીનો કેટલીવાર ટેન્ડર બહાર પાડ્યા ?
પણ વેચાતી તો છે નહી, તો પછી થોડો સરખો કાયમી શણગાર કરો તો વેચાઈ જાય કદાચ..!
(ટેકનીકલ પ્રોબ્લેમ છે લાખ રૂપિયે વાર ભાવ રાખ્યો છે અને એ જમીન નદીની રેતાળ અને પોચી જમીન છે ત્યાં બાંધકામ કરવું હોય તો પાઈલિંગ કરવું પડે અને એનો ખર્ચો બીજો વારે લાખ રૂપિયા આવે, એટલે આખો પ્રોજેક્ટ ફેઈલ છે )
ગઈ વખતે જાપાનીઝ પ્રીમિયર આવ્યા ત્યારે એમને ચાર કલાક ગંગા આરતી કરવા બેસાડી રાખ્યા..!
અલ્યા જાપાનવાળો ચાર કલાકની આરતી કરે..?
મારે ત્યાં એક જાપલો આવો હતો, એણે અમદાવાદમાં પગ મુક્યો એની પેહલા એણે મને એનો અને મારો મીનીટે મિનીટનો પ્લાન મેઈલ કરી દીધો હતો..
એની હોટેલથી ફેક્ટરી નો ટ્રાફિક પણ એણે કેટલો હશે એ એણે ટોક્યો બેઠા ગણી લીધો હતો અને એ પ્રમાણે એણે પ્લાનિંગ કરેલુ..અને આવ્યા પછી એક એક મિનીટને પ્રોપરલી વાપરતો હતો..!
અને હવે આ તો આખા જાપાન ના પ્રાઈમ મીનીસ્ટર..!
જોઈએ બે દિવસ અમદાવાદમાં રાખી અને એમના સમયનો કેવો સદુઉપયોગ આપણે કરી શકીએ છીએ..??
એક વાત નક્કી છે કે રૂપિયા જાપાન પાસે અઢળક છે,બારેક વર્ષ પેહલા એ લોકો ને ઇન્ડીયામાં જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ કરવા ના હતા પણ મનમોહનસિંહની લેથાર્જી એ એ ગાડી છોડાવી દીધી અને લગભગ બધું બ્રાઝીલ જતું રહ્યું..
વર્ષો થી દુનિયા ભારતમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર છે, એક બીજું તાઈવાનીઝ ડેલીગેશન પણ અમારી ઇન્ડસ્ટ્રીઝમાં “નોટો” નાખવા આવવાનું છે, પણ આમ ને આમ દર વર્ષે લોકો આવે છે અને જાય છે..
ક્યારેક તો પેલું કુલી પિક્ચરનું ગીત યાદ આવે છે “લોગ આતે હૈ જાતે હૈ હમ યહીં કે યહીં રે`હ જાતે હૈ..”
“વિઝન” બોલો કે મેહસાણીયા ગુજરાતીમાં “વિજન” બોલો પણ એની મોટ્ટી કમી વર્તાય છે, ટ્રેડ કે ગવર્મેન્ટ..બંને નાના નાના ફાંદાફૂન્દીમાંથી જ ઊંચા નથી આવતા..
બુલેટ ટ્રેઈન ખરેખર જો ૧૦૦ પર્સન્ટ જાપાનીઝ ને હેન્ડ ઓવર કરશો તો તો ૨૦૨૨માં ચોક્કસ અમદાવાદથી લીલી ઝંડી છૂટશે, પણ એમાં જો એકપણ આપણો ઢોર ઘુસ્યો તો પેહલા પાણી માંથી પો`રા શોધશે અને પછી એની ઉપર નિબંધ લખશે, પછી કોર્ટમાં જશે અને કોર્ટ એ નિબંધ ઉપર મહાનિબંધ, શોધનિબંધ આવું બધું કૈક લખશે અને પછી સામસામે ચાલશે ચાલશે અને ૨૦૫૨ આવી જશે..!
ઇસવીસન ૨૦૫૨ની વાત કરું છું..!
ઘણા એસએમએસ ફર્યા કે જે દેશના લોકો ને “હંગ્વા” માટે જાજરૂમાં જવું જોઈએ એ શીખવાડવું પડે છે એ દેશને બુલેટ ટ્રેઈનની ક્યાં જરૂર છે ..?
લોજીકલી વાત સાચી છે..પણ બુલેટ ટ્રેઈનની જરૂરીયાત બીજી પણ છે..
હકીકતે અમદાવાદ મુંબઈનું ડીસટન્સ કોઈપણ સંજોગોમાં ઘટાડવું પડે તેમ છે, ફલાઈટો વધાર્યે મેળ નહી પડે મુંબઈ એરપોર્ટ પર એરટ્રાફિક કન્જેશન અત્યારે પણ ભયંકર છે,બાર મહિનામાં ઓછામાં ઓછું દસ વાર મુંબઈ એરપોર્ટ પર લેન્ડીંગ પરમીશન ના હોય એટલે એક એક કલાક હવામાં હું લટકી રહ્યો છું..મુંબઈ એરપોર્ટનો રનવે વધે તેમ નથી અને પુના નું એરપોર્ટ એરફોર્સ પાસેથી લેવાય તેમ નથી,નહિ તો યુદ્ધના સંજોગોમાં મુંબઈ સાચવવું ભારે પડી જાય..
એટલે નજીકના ઓપ્શનમાં અમદાવાદ જ આવે..
અમદાવાદની બીજી એક ભૌગોલિક ખાસીયત એ છે કે અમદાવાદ બિલકુલ કર્કવૃત્ત પર આવેલું છે અને દુનિયાની મોટાભાગની વસ્તી કર્કવૃત્તની થોડે ઉપર કે નીચે વસે છે, નીચલા ગોળાર્ધમાં વસ્તી ઘણી ઓછી છે,કર્કવૃત્ત પર આવેલા શેહરો ખુબ જ વિકસ્યા છે, બીજું એક પ્લસ એ છે કે અમદાવાદ ટોકિયો અને લંડનથી લગભગ સરખા અંતરે છે જો કે એકલુ અમદાવાદ જ નથી કરાંચી પણ લગભગ એ જ દબદબો ભોગવે છે..પણ કરાંચીની હાલત પણ મુંબઈ જેવી જ છે, જગ્યા નથી..
જો નરેન્દ્ર મોદી સરકાર ખરેખરા અને ઈમાનદાર પ્રયત્નો કરશે તો અમદાવાદને આગળ આવવાના ઘણા બધા ચાન્સ છે..
ભારતની વિકાસ .. યાર વિકાસ આવ્યો … છોડને યાર ચલો બદલી નાખીએ..
ભારતના ડેવલપમેન્ટની વાત કરીએ તો દિલ્લી જયપુર અમદાવાદ મુંબઈ પુના અને બેંગ્લોર આ એક પટ્ટો ગોલ્ડન બેલ્ટ છે..આ પટ્ટો બહુ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે,અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેઈન કદાચ પોલીટીકલ ગીમિક વધારે લાગે પણ એને જો પુના સુધી લંબાવો તો આ જ ગીમિક જબરજસ્ત ડેવલપમેન્ટ નો એક ભાગ બની જાય..!
અને છેલ્લે
છેક સાબરમતી પાવર પ્લાન્ટથી બુલેટ ટ્રેઈન ઉપડે છે એટલે ગાંધીનગર ગીફ્ટ સીટીની મેટ્રો સાથેની કનેક્ટિવિટી મસ્ત મળી જાય..!
ગીફ્ટ સીટીનો પાયો નાખ્યો હતો ત્યારે એક અંગ્રેજી છાપાએ લખ્યું હતું કે મિસાઈલ ટુ નરીમાન પોઈન્ટ.. મારા તો રૂંવાડા ઉભા થઇ ગયા હતા કે શું ગીફ્ટ સીટી નરીમાન પોઈન્ટ ની જેમ ડેવલપ થશે ..?
કદાચ એ અંગ્રેજી છાપાએ એ સમયે મહારાષ્ટ્રના રાજકીય પક્ષોને ભડકાવવા આવું મથાળું માર્યું હશે, પણ જો ખરેખર બુલેટ ટ્રેઈન અને ગીફ્ટ સીટી પેરેલલ ઉભા થાય તો ભારતને આઝાદી પછી પેહલુ વેલ પ્લાન્ડ અને ઓર્ગેનાઈઝ સીટી મળે..!
અત્યારે તો જે કંપની એ શાંઘાઈ બનાવ્યું હતું એમને ગીફ્ટ સીટીનો કોન્ટ્રકટ અપાયો હતો પણ “ઘરાકી” ના થઇ એટલે અડધેથી ચીનો ભાગી ગયો છે..!
નાના મોઢે મોટી વાત પણ સાહેબ અગાશીએમાં નાસ્તો કરાવી અને સીદી સૈયદની જાળી બતાડો છો એના કરતા મંદ મંદ ગતિએ ચાલતું ગીફ્ટ સીટીનું બાંધકામ દેખાડો જાપાનીઝ પ્રીમિયરને તો કદાચ એમને હૈયે વસે અને કોન્ટ્રાક્ટ ઉપાડી લે તો પાસા પોબાર થઇ જાય..!
નરીમાન પોઈન્ટ તો છોડો સૌથી મોટો ઝાટકો દુબઈને લાગે..
નાની આંખે સપના તો મોટા જોવા જ રહ્યા ..!
આ દેશમાં ચા વેચતો છોકરડો પ્રધાનમંત્રી બની શકતો હોય તો ગીફ્ટ સીટીના ડાયમંડ ટાવરના અડતાલીસમાં માળે મારી ઓફીસ કેમ ના હોય..?
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા