ટ્રાફિક ની સમસ્યાનો ઉકેલ
જવાબ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ,
પેહલા ઘણી બધી વાર ટ્રાફિકમાં સલવાઈને આ ટોપિક પર લખી ચુક્યો છું, હવે આજે થોડું વધારે..
આપણે અત્યારે સિત્તેર વર્ષે આપણી હેસિયત પ્રમાણેના થોડા ઘણા પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉભા કર્યા છે પણ મુદ્દો ત્યાં આવે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ને પેદા કર્યા પછી એનો સરખી રીતે ઉપયોગ થવો જોઈએ અને ઉપયોગ થાય પછી ઉપયોગ વધે એના માટે એ પબ્લિક ટ્રાન્સપોર્ટ એના નિર્ધારિત રૂટ ઉપર સરખી રીતે ચાલી શકે એવી પ્રોપર સીસ્ટમ પણ જોડે જોડે ડેવલપ થવી જોઈએ, અને એના પછી વારો આવે પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ એકબીજા સાથે વેલ કનેક્ટ કરવાનો..
એક જમાનામાં થાઈલેન્ડ જેવા નાના દેશે ટ્રાફિકને રાષ્ટ્રીય સમસ્યાનો દરજ્જો આપી અને યુદ્ધના ધોરણે ટ્રાફિકની સાથે લડાઈ લડી અને બેંગકોકનો ટ્રાફિક હળવો કર્યો હતો, જે ચાયનીઝ કંપનીએ શાંઘાઈ બનાવ્યું હતું એ જ કંપનીને બેંગકોક રીડેવલપમેન્ટ નો કોન્ટ્રકટ આપી અને આખું ઓપરેશન પાર પાડ્યું હતું.
હું અઢાર વર્ષ પેહલા “સપત્ની” બેંગકોક ગયો હતો, (બેંગકોક છે એટલે “સપત્ની” લખવું જરૂરી બને છે નહિ તો સીધી મારી ઉપર આવે… શૈશવભાઈ તમે પણ..તમે પણ..તમે પણ..!!) અને ત્યારે બેંગકોક થી પટાયાનો સીધો ફ્લાયઓવર એ લોકો એ બનાવેલો, જો કે આજે બેંગકોક થી પતાયા જવાના બીજા ઘણા ઓપ્શન એ લોકોએ આપી દીધા છે,
હવે આપણે ત્યાં ટ્રાફિક ઓછ કરવા બનેલા ફ્લાયઓવરની વાર્તા..
અમદાવાદના ત્રણ ફ્લાયઓવર ઉપરથી મારે વારંવાર પસાર થવાનું થાય છે, એક જશોદાનગર ઉર્ફે કેડીલાબ્રીજ, બીજો જીવરાજ ઉર્ફે શ્યામલબ્રીજ અને ત્રીજો સોલાબ્રીજ ઉર્ફે હાઈકોર્ટ ફ્લાયઓવર..
હવે આ ત્રણે ત્રણ ફ્લાયઓવર ઉપર મેં એટલી બધી વાર એક ગાડીની પાછળ બીજી એમ કરીને પાંચ-પાંચ, સાત-સાત ગાડીઓ ઘુસી જતી જોઈ છે..
શરુ શરૂમાં તો પેહલા મેં ઇગ્નોર કર્યું કે કોઈક ઓવર સ્પીડ કરતુ હશે એટલે બધું ઘૂસે છે,એકબીજામાં, પણ એક દિવસ મારો વારો આવી ગયો,માંડ વીસેકની સ્પીડ હતી અને મારી ગાડી આગળની ગાડીમાં, અને મારી પાછળ બીજી ગાડી,બબ્બે ધડાકા થયા એટલે મેં ડ્રાઈવરને ગાળ કાઢી એ તરત જ બોલ્યો “સા`યેબ મારો વાંક થોડો છે ઓ`લા ડોસી આ બાજુથી ઓ`લી બાજુ બસ પકડવા ધો`ડ્યા તે મારે બ્રેક નો મારવી પડે ..?”
અને ત્યારે મારી ઝબકી કે ફ્લાયઓવરની ઉપર એકદમ વચ્ચે AMTSનું બસસ્ટેન્ડ છે ?
હું તો “ધન્ય ધન્ય” થઇ ગયો ભારતભૂમીના આ આર્કીટેક્ચરો ઉપર..મારી ઉપર વીતેલી એટલે છા`લ નોહતી મુકવી..”મુનસીટાપલી”માં “છેડા” અડા`યા..
અલ્યા તમારો કયો અક્કરમી છે કે જેણે ફ્લાયઓવરની વચ્ચોવચ બસસ્ટોપ આપવાની બુદ્ધિ વાપરી છે ? તમે બે છેડે નથી રાખી શકતા બસસ્ટેન્ડ ?
સામે જવાબ આવ્યો બોલી લો હજી કઈ બાકી હોય તો …
અને કોઈ કહે કે બોલો એટલે આપડે છોડીએ..
તમારા ટાઉન પ્લાનારોમાં એટલી સાદી બુદ્ધિ નથી કે બસ પકડવા પેલો બિચારો અડધો ફ્લાયઓવર ટાંટીયા તોડતો તોડતો આવે અને એમાં બરાબર વચ્ચે આવીને “એ” રોડની એક સાઈડથી બીજી સાઈડ જાય એટલે આખો ટ્રાફિક અટવાય અને કોઈ સડન્લી બ્રેક મારે એટલે ગાડીઓની લાઈન એક બીજામાં ભરાય..!
સામેથી જવાબ આવ્યો ..ખબર છે ભાઈ
તો તમે કરો છો શું ?
કઈ નહિ ?
કેમ ?
અમારા આજ સુધીના બધા જ મેયરો અને કમિશનરોને અમદાવાદની સેપ્ટમાંથી અને એનાઈડીમાંથી લાંબી દાઢી,જીન્સ, ઝભ્ભો અને પગમાં જૂતા વિનાના “મહાત્માઓ” મળવા આવે છે, અને એ બધા એમનું જ સાંભળે છે,એમને પ્રેકટીકલ લાઈફ જોડે કોઈ કનેક્શન નથી હોતું..! અમારા હાથ બંધાયેલા છે.. તમારી એપોઇન્ટમેન્ટ લઉં ?
આપણે ફ્લાયઓવર બનીવીએ છીએ પણ ફ્લાયઓવરને ટ્રાફિકથી ભરી કેમ મુકવા એ આપણી પાસેથી દુનિયા “શીખે” છે..ફ્લાયઓવર ટ્રાફિક ભરી મુકવા કામે લગાડાય છે..!!
ઘણા લોકો એમ માને છે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપાયોગ કરો એટલે ટ્રાફિક સમસ્યા અડધી હળવી થઇ જાય,પણ એવું નથી..! પબ્લિક ટ્રાન્સપોર્ટનો વરવો,નફફટ અને હલકો “શો” જોવો એટલે અમદાવાદની BRTS.. દક્ષીણ કોરિયાની સિઓલની BRTSની એવરેજ સ્પીડ ૬૦ થી ૮૦ કિલોમીટરની છે,
આપડી અમદાવાદી ભાષામાં કહીએ તો “સપાસપ” જાય..અને આપણે ત્યાં તો BRTS બિચારી ભોં ભોં ભોં કરતી ડ્રાઈવર હજી ઉપાડે ત્યાં ગાય,ગધેડો કે ચાર રસ્તા અને આ ત્રણમાંથી કઈ ના આવે તો માણસ નામનું “જનાવર” વચ્ચે આવે અને ચોન…ચો …કરીને બ્રેક વાગે..! BRTS નું ગુજરાતી તો ખબર નથી પણ એનું અંગ્રેજી નામ ગુજરાતીમાં લખું તો “બસ “રેપિડ” ટ્રાન્ઝીટ સીસ્ટમ” થાય છે, આપણે “રેપીડ” કાઢી નખાવું જોઈએ..! મોટેભાગે દુનિયાભરમાં આવી સેપરેટ સીસ્ટમને એલીવેટ કરીને જ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વિકલ્પ અપાય છે,
અરે હા એલીવેટ કરવાની વાત છે તો આપણું એટલુ નસીબ છે કે મેટ્રોને તો કમ સે કમ એલીવેટ કરેલી છે..દિલ્લી ,ચેન્નાઈ બે એરપોર્ટ મેટ્રો જોડે કનેક્ટ કર્યા છે બેંગલોર અને મુંબઈની બે ચાર વર્ષમાં કનેક્ટિવિટી આવશે..
મેટ્રોને એલીવેટ કરીને કે ભોયારામાં ઘાલીને ચલાવીએ છીએ પણ મેટ્રોની કમબખ્તી એવી છે કે પીક અવર્સમાં છો`તરા ઉડાડી નખે એવી ભીડ થઇ જાય છે, હૈયે હૈયા દળાય એવી હાલત થઇ જાય છે..
તો રસ્તો શું ?
કોઈ જ નહિ,
આઝાદ થયા પછી આપણે એકપણ નવું શેહર બનાવી શક્યા નથી,જુના શેહરોમાં ટીપી(ટાઉન પ્લાનીગ સ્કીમ) મૂકી અને બિલ્ડર અને રાજકારણીની સગવડ સાચવતા સાચવવામાં બધું નખ્ખોદ વળી ગયું છે,
ટ્રાફિક એ પશ્ચિમની પ્રોડકટ છે કેમ કે વેહિકલ પણ એમની જ પ્રોડક્ટ છે, આપણે દાવો કરી શકીએ કે અમારી પાસે વિમાન હતું, પણ નથી એ હકીકત છે..HAL બહુ મથે છે સફળતા મળી છે પણ કોમર્શીયલ બનાવવાને વાર છે..એટલે ટ્રાફિકને પશ્ચિમ કેમ નાથી રહ્યું છે એ જોઇને નકલ કરવી જ રહી, અને એમાં ભારતીયપણું કે બુદ્ધિ વપરાય ત્યારે ફ્લાયઓવર બસસ્ટેન્ડ ઉભા થાય..!!
અત્યારે નારોલ ચોકડી છું અડધો કલાકથી સલવાયો છું, મારી જોડે બહુ માનીતી એવી ઘણી બધી BRTS પણ સલવાઈ ગઈ છે,
ચારે બાજુથી ઢોલ નગારાના ધમચકડ .. ધમચકડ .. ધમચકડ .. અવાજો આવી રહ્યા છે ગણપતી વિસર્જન માટે જનતા નીકળી છે..એમના નાચણ-કુદણ પુરા થાય તો ટ્રાફિક થોડો આગળ વધે તેમ છે..!!
સારું છે આખો દેશ એકવાત પર કાયમ છે કે ગાડી ડાબી બાજુ હાંકવી, હમણાં કોઈ મુલ્લ્લાજી કે બાવાજી “ફતવો” બહાર પાડે કે ડાબી બાજુ નહી જમણી બાજુ વાહન ચલવવાનું નહિ તો મર્યા પછી નર્ક કે દોજખ મળશે..!
થયું ત્યારે…!
શું કરું ?
વિસર્જન કરવા નીકળેલા લોકો પર ગુસ્સો આવે છે અને વિસર્જિત થવા નીકળેલા ગણપતિને સહજ ભાવથી પગે લગાઈ જાય છે..!
મારી જેમ સાચા ખોટાની વચ્ચે ફસતા બહાર નીકળતા તમે અને હું ..!!
વરસાદ સારો એવો છે,સાચવજો ..!
શુભ રાત્રી
શૈશવ વોરા