ફ્રીઝ વિનાના ઘરની કલ્પના કરી છે ?
આજે શૈશવ એવા લોકોની વચ્ચે જીવી રહ્યો છે જ્યાં ફક્ત ફ્રીઝ નહીં માઇક્રોવેવ, ડીશ વોશર, એર ફ્રાયર , ચીમની અને બીજા અનહદ રમકડા ઘરમાં અને રસોડામાં રમી રહ્યા છે ..!!
મને ઘણા વર્ષોથી ફ્રીઝ ઉપર સખ્ખત ચીડ છે ..!! ચિલ્ડ પાણી અને આઇસક્રીમ મારી નબળાઈ છે , ડીપ ફ્રીઝમાં કિલો બે કિલો આઇસક્રીમ ગમ્મે ત્યારે મારા ઘરમાં હોય જ છે , અડધી રાત્રે ઊઠી અને આઇસક્રીમ ઝાપટવાની ટેવ પણ ખરી છતાંય ફ્રીઝ ને હું ગાળો દઉં છું .. ઘણા બધા રોગોનું ઘર આ ફ્રીઝ છે…!!
ફ્રીઝની કુથલી ચાલુ કરતા પેહલા ફ્રીઝ જે ઘરમાં નથી એ ઘરની વાત કરી લઉં…
નામ નથી લખતો પણ એક એવું ઘર છે જ્યાં આજે પણ ફ્રીઝ એન્ટ્રી નથી લઈ શક્યું ..!!
ઘરના ગૃહિણીને જ્યારે પૂછ્યું કે બા ફ્રીઝ કેમ ઘરમાં નહીં ??
શું જરૂર છે ? બહાર શેરીને નાકે તો શાકવાળો સવારે છ વાગે આવે છે, હું અને તારા કાકા બે જણને શું જોઈએ ? અઢીસો ગ્રામ શાક રોજ તમારા કાકા લઈ આવે સાથે ,દૂધની થેલી લાવે , અડધી થેલી દૂધમાંથી અમારી સવારની ચા થાય પછી હું નવ વાગે રસોડું માંડું અને સાડા દસ વાગે જમી લઈએ બપોરની ચા દોઢ વાગે ઓલી અડધી થેલીમાંથી થઈ જાય અને સાંજે અમે છ સાડા છ એ ખીચડી અને બટાકાનું શાક જોડે પાપડ હોય એટલે ઘણું …!
મારો સવાલ આવે બીજું કંઈ તમને ના જોઈએ ..??
લે અથાણા કરુંને, સાત આઠ અથાણા હોય .. એમ તો શીરો, સુખડી , કો’ક દી ખમણ તો કોક દી ઢોકળા એવું બધુંય કરી દઉં..
મને હજી ચેન ના પડે એટલે પૂછ્યું એમ નહીં તો આઇસક્રીમ ? બ્રેડ બટર ચીઝ ???
લે ઈ બધું અમને ડૂચા વળે .. જો શૈશવ બટા, હું ઓલું અમૂલનું ગોલ્ડ મંગાવું ઘણીવાર એનું દહીં પણ કરું અને માખણ વલોવી અને ઘી પણ ઘેર બનાવું .. બધું તાજું બનાવું અને તાજું ખાવાનું …
શૈશવને ગભરામણ થઈ ગઈ …!!
મને નહીં તમને બધાને થઈ જશે , ફકત વિચાર કરો કે ફ્રીઝ જીવનમાંથી અચાનક જતું રહે તો તમારા જીવનમાં શું થાય ? ભૂકંપ આવી જાય , જિંદગી કેવી થઈ જાય ?
અને એવું નક્કી કરીએ કે ફ્રીઝમાંથી નીકળેલી વસ્તુ નહીં ખાઉં તો …???
સાહેબજી સારામાં સારી હોટલોમાં ચણાપુરી ના ચણા બરફની પાટ સ્વરૂપે આવે છે , તમને અને મને ફક્ત ગરમ કરીને ખવડાવવામાં આવે છે, એની પૂરીનો લોટ ડીપ ફ્રીઝમાંથી નીકળે ગુંડલા તૈયાર જ હોય .. એ જ રીતે ઢોંસાના સંભારની બરફની પાટો આવે ,ચટણીની તો વાત ના થાય …!!!
અને ઘરોમાં ..???
આજકાલ મોટા ઘરોમાં આડા ફ્રીઝ પણ જોઈએ જ, અને ઊભા ફ્રીઝ તો જાણે મોટા કોલ્ડ સ્ટોરેજ જોઈ લ્યો..!!!
પેલા જે બા દાદાની વાત કરું છું એ બંને નેવું પાર કરી ચૂક્યા છે , બા ને એકપણ ગોળી હજી સુધી ગળવી નથી પડતી અને દાદાને બે ત્રણ ગોળીએ ચાલી જાય છે..!!
નેવું પાર…!!!
સ્વસ્થ જીવન …!!
રાઝ શું ? મને લાગે છે કે ઘરમાં ફ્રીઝની ગેરહાજરી….!!!!!!
એટલું બધું ફ્રોઝન ખાઇ જઈએ છીએ કે તાજુ શું કેહવાય એ કોન્સેપ્ટ જ નીકળી ગયો છે…!
મોટા ઘરોમાં સમોસા વાળી અને તૈયાર રાખવામાં આવે છે , કોઈ મેહમાન આવે કે તરત જ એર ફ્રાયર કે તળીને પીરસી દેવામાં આવે , સમોસા જેવા બીજા ઘણા ઓપ્શન બજારમાં તૈયાર પણ મળે છે જે ડીપ ફ્રીઝમાંથી કાઢી અને પીરસી દેવાય..
મને જરાક ના ગમે એના કરતાં ચા અને ખાખરો સારા..
ઘણા ઘરોમાં કેરી નો પલ્પ , કે બીજા ફ્લફ્લાદી ના પલ્પ ફીઝ થાય , પણ સાચ્ચું કહું એવો ટેસ્ટ ધરાર ના આવે , હમણાં ક્યાંક જાંબુ ના શોટ બહુ ચાલ્યા, પેલું ટકીલા નામના દારૂના શોટ મારતા હોય ને એમ પ્રજા જામુન શોટ મારે , ફ્રોઝન જાંબુના ..!!
ના મજા આવે ભાઈ , જાંબુ , ફાલસા , રાયણ આ બધા તો સીધા જ ખવાય પછી એને ફ્રીઝ કરીને ભરશિયાળે શોટ મારવા જાવ તો ઠીક મારા ભાઈ …
સુજલામ સુફલામ્ ધરતી છે ભારતની સમય સમયના ફળફૂલ અને શાકભાજી મળે પણ આપણને હવે ભરશિયાળે કેરીઓ ખાવી છે અને ઉનાળે લીલોતરી ..
આજે સાંભળ્યું છે કે નાળિયેર સો એકસો વીસ રૂપિયાના વેચાય છે , બોલો … મોંઘવારી ફાટી નીકળી છે ..
આવા જ હાલ તમારા સિંગતેલના થાય એવા એંધાણ છે , એટલા બધા પીનટ બટરના કારખાના આવે છે કે પી નટ ઉર્ફે મગફળી જોવા પણ નહીં મળે .. બધું એક્સપોર્ટ…!!
બેક ટુ ફ્રીઝ .. વટાણા, કેચઅપ , ચટણીઓ, પલ્પ વગેરે વગેરે વિના બાપ દાદાઓ જીવ્યા પણ પણ આપણે હવે ડીપ ફ્રીઝના રવાડે ચડી ગયા છીએ , ફ્રોઝન વસ્તુઓ…
ના ખવાય.. ડાહી ભલે સાસરે ના જતી હોય પણ ગાંડી શિખામણ તો સાચ્ચી જ આપે … બોન અહીં પિયર ના પડી રહેવાય ,માબાપ તો આજે છે ને કાલ નથી ,પછી ભાઈભાભી ના રાજમાં નહીં હખે જીવાય ,એટલે અત્યારથી જ સાસરે જતી રહે , સાસરું જ આપણું સાચું ઘર કે’વાય , માવતરે તો અઠવાડિયું દસ દિવસ પછી આપણે તો આપણા ઘેર સારા…
બસ એમ જ ..
૧૯૭૨ થી ઘરમાં ફ્રીઝ છે ,જ્યારે લોકો ફ્રીઝ ડ્રોઈંગ રૂમ માં મૂકતા પ્રદર્શનની વસ્તુ હતી અને આજુબાજુ વાળા બરફ માંગવા આવતા..!!
છતાંય એટલું ખરું કે ડીપ ફ્રીઝમાંથી નીકળેલું ભાણામાં આવે તો ના ખાઉં , બાહર જઈએ ત્યારે નખરા નહીં પણ ઘરમાં સ્ટ્રિક્ટ..
જૈન ધર્મ બહુ ગમે વાસી બિલકુલ ના ખપે…!!!
ફરી એકવાર ખાધાની ખબર રાખજો , કેટલા “વર્ષ” જૂનું ઓરી ગયા એની ભાળ રાખજો ..
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*