પાસડિયા મોંઘા..દાટ રે રસિયા..
ઉપરથી પાર્કિંગના દોઢસો…
જાય છે મારી સાહેલી નો સાથ રે..
બેઘડીક નાચવા દે ને નાલાયક મોરલા ..
ચોથે નોરતે દૂર દૂર દેશાવર જવાને બદલે જરાક નજીક એક આંબાવાડીએ આંટો માર્યો , પાર્કિંગના રૂપિયા માંગે એટલે આપણે કીધું બાહર બંદૂક ટાંગો તો ખબર પડે કે તમે લૂંટારા છો .. પાણીની બાટલી સો રૂપિયાની …
માણસાઈની તો હમણાં કહું એ કરી નાખી છે , કેપિટલિઝમ બહુ વધી જાય ત્યારે જગતમાં અસંતોષની આગ ભડકે પછી કોઈ કારણ નથી હોતું માત્ર નિમિત્ત જોઈએ , સઘળું પડે..!!
સાવ ડાબેરી પણ ના ચાલે અને સાવ જમણેરી પણ નહીં , મિક્ષ્ચર જોઈએ..
ક્યાંક સાવ મફત એન્ટ્રી, ઉપરથી ખીચડીને છાશ આપે એ પણ મફત , સો ટકા ડાબેરી વિચાર થયો આ , જનસાધારણને ખૂબ અનુકૂળ ,પણ આવી દસબાર નવરાત્રી થાય તો પાણી પાર્કિંગના રૂપિયા તોડતી નવરાત્રી ઊઠી જાય , હકીકતે ધન્ના સેઠ એ ત્યાં સ્પોંસર શિપ આપી અને સો રૂપિયા ચાર્જ લઈને મોજ કરાવી દેવી જોઈએ, એની બદલે ધન્ના સેઠ એસી ગરબામાં ધરાશાયી થયા..!!
અતિ સર્વત્ર વર્જ્યતે..
સાવ મફત પણ નહીં અને ધોમ રૂપિયા ખર્ચે એ પણ નહીં ..!!
પણ હવે ગરીબ નું કીધું ભિખારી થોડો માને ?
રમઝટ બોલતી જાય છે, પરંપરા સાથે નવી પેઢી ને જોડવાનું અને તોડવાનું બંને કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે ,
ઘણા દિવસે શૈશવએ ટાયસોકોટો ઉપર ગરબા કર્યા..!!
એક નામ એનું ઇન્ડિયન બેન્જો અને બીજું નામ બુલબુલ તરંગ ..
સરકારી નામની ટ્યુનમાં વાગે , પણ પેલા દેશી ગરબા જ્યાં પંખીડા ઉડે અને પાવાગઢ જાય ,પાવલી લઈને જાય અને એમ પાછું એકાદું જૂનું ફિલ્મી આવે..વાગ્યું ના વાગ્યું ત્યાં ગરબો ચડે ..સૂર , અસૂર,બેસૂર બહુ બધું નહીં જોવાનું , ચાર કાળી મધ્ય સપ્તકથી તાણે એટલે ખેંચાય આગળ જતા, ટાયસોકોટો આગળની બાજી સંભાળી લ્યે..
તાલમાં પણ એવું , ઢોલીડો ખેંચ્યા કરે ક્યારેક કેહરવો , ક્યારેક ખેમટો, હીંચ કરીને રમ્યા કરે , જરૂર લાગે તો સ્ટીલના ગ્લાસમાં કાળું પાણી જતું રે એટલે પછી કલાક ખેંચે એક પવાલું પૂરું થાય એમાં..
“સમ” ક્યાં પડ્યો એવું બધું બહુ ખાસ નહીં અને ગરબા કરવાવાળા પણ સમ માં વધુ સમજે નહીં , અમારા જેવા ચોખલિયા નહીં કે પરથમ સમરું સરસ્વતી ને ગુણપત લાગુ પાય … એમાં પણ ધીન ધા ધા , તીન ના કત્તા શોધી અને સમ આવે તો પેહલી માત્રાએ ગરબો ઉપાડીએ .. ચાલે બધું ધમ્મ ,ધમ્મચકડ,ધમ્મ ધમ્મ ધમ્મચકડ..!!
આપણે પણ જોડાઈ જવાનું , કુંજલ ગામની માનીતી માનબા આ ઈ ઉ.. કરતા રહેવાનું …
અરે હા હવે માનબા એ એડ્રેસ બદલ્યું છે .. ક્યાંક મેહોણા ની માનબા થઈ ગઈ અને ક્યાંક બીજા ચાર પાંચ ગામની માનબા થઈ ગઈ છે…!!!
લોકગીતો ની આ મજા….!!!
કોઈના બાપની જાગીર નહીં ..! ગાવાવાળાને મન થાય તો માનબા ને મેહોણી કરી મૂકે અને મન થાય તો ખંભાળિયાની કરી મૂકે , બિલકુલ ચાલે કોઈ જ પ્રોબ્લેમ નહીં..!
સંગીત શીખતો ત્યારે આવા બેસૂરા સાંભળું ત્યારે બહુ દાઝ ચડે , એમાં પણ લગનમાં બેન્ડવાજા વાળા હાલો..હલો .. ચાલુ કરે ત્યારે ત્રાસ વર્તાય પણ પછી એકવાર ગુરુજી ને પૂછી લીધું કે આ બધું આવું કેમ ? અને તો પણ ચાલે કેમ ? ત્યારે સરસ જવાન મળ્યો હતો..
” બેટા શૈશવ , દરેક જગ્યાએ પરફેક્શનનો આગ્રહ નહીં રાખવાનો , સો ટકા સૂરીલો કોઈ નથી આપણે એની. નજીક જવાનો પ્રયત્ન કરવાનો , અને સંભાળવામાં તો આવો આગ્રહ જરાક પણ નહીં રાખવાનો , નહીં તો સંગીતનો આનંદ લેવાનું જ તું ચૂકી જઈશ , જે ચાલતું હોય એમાં ભળી જવાનું .. જોડે નાચી લેવાનું ગાઈ લેવાનું ..”
પછી તો પબ્લિકલી થયા ડાયરા , ઘીકાંટા રામાપીર ના મંદિરે અને બીજે જ્યાં દેખાય ત્યાં બાઇક ઉપર બેઠા સાંભળતો ,
જીવનમાં ગજે થી હેઠા ઉતરીએ તો ઘણી નિરાંત રહે , અહીંયા ગજ એ અહંકારનું પ્રતીક છે..
પાંચમે નોરતે આરામ લીધો અને છઠ્ઠે ફરી પાછા એક તાણતા ગરબામાં જ ગયા ,
એક ભયંકર વાત એ જોવા મળી રહી છે કે ચારેય બાજુ અમદાવાદની સો કિલોમીટરની પેરિફરી માંથી વસ્તી અમદાવાદ ગરબા કરવા આવી રહી છે…!! ગાડીઓના પાસિંગ જીજે 01 કે 27 હોય પણ મોડલો ઘણા જૂના હોય, પણ બોલી અને ગરબા કરવાની સ્ટાઇલ ઉપરથી પરખાય, એટલે લાગી રહ્યું છે કે જૂની ગાડીઓ ત્યાં જાય છે અને વાર તેહવારે અમદાવાદ આવી જવાનું ..
તો શું સમજવું ?????? ગામડા ભાંગી ચૂક્યા છે ? કદાચ હા..
બીજી વાત એ છે કે મૂળ અમદાવાદી કરતાં આ લોકોની એક રાતમાં સ્પેન્ડિંગ કેપેસિટી વધારે હોય છે ..કેમકે ત્રણચાર દિવસ જ આવે, પછી પાછા..
સાતમે નોરતે ટિપિકલ અમદાવાદી સમ આપીને ગાતા ગરબા માણ્યા , મજા આવી ગઈ પૂરા બે કલાક ગરબા કર્યા , ઝભ્ભો પૂરેપૂરો પલાળી દીધો પરસેવે , શૈશવ નો ટીએમટી ઉર્ફે ટ્રેડમિલ ટેસ્ટ થઈ ગયો , હાર્ટ ની કેપેસિટી ચેક થઈ ગઈ , થાક ના લાગ્યો ના છાતીમાં ધડધડ કે ચક્કર , જો કે અશક્તિ તો કોવિડમાં પોઝિટિવ આવ્યો એના ત્રીજા દિવસે ખબર પડી બાકી તો જીવનભર શક્તિ જ શક્તિ …
મોજો કરી … તમે પણ કરી લેજો હજી બબ્બે નોરતા બાકી છે , ઓરિજીનલ ટાયસોકોટો વાગે કે કી બોર્ડનો આપણે તો રમી લેવાનું અને બૂમ પાડી લેવાની ..
અસંખ્ય ગરબા અને ગાવામાં થતી રમતો , મોજ પડે..
જાજો અલ્યા જાજો.. અને હા છપ્પન પૂરા અને સત્તાવનમું જઈ રહ્યું છે , કંઈક લોકો શરીર સાથે રમે છે , પણ જો તમારે શરીર વડે ગરબા રમવા છે તો એને રોજ થોડું થોડું કષ્ટ આપો , શરીર ચોક્કસ સાથ આપશે..
શિવ શક્તિની કૃપા કાન, હાથ અને પગ બધુંય સાથ આપે અને ગરબા રમતા આંખ બંધ કરીએ ને ગબ્બરના ગોખવાળી દર્શન આપે..
મા’ડી તારા મંદિરીયામા ઘંટારવ ગાજે…
ઉંચા-ઉંચા ડુંગરિયામાં માડી તું બીરાજે…
જય અંબે બોલો અંબે, જગદંબે બોલો અંબે
જય અંબે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*