જબરા ઘેલા કાઢતા વિડિઓ આવી રહ્યા છે , કોઈક ધનતેરસને દિવસે પોતાની દિકરીના પગલાં કરાવીને વિડિઓ મુકે છે , તો કોઈકે પોતાની દિકરીના પગના પૂજનનો વિડિઓ મૂક્યો ,
એક નંગે પોતાની પત્નીના પગનું પૂજન કરતો વિડિઓ મૂક્યો , તો એક ભાઈ રહી ગયેલા તો એમણે એમના દિકરાના પગલાં પાડતા વિડિઓ મૂક્યો …!!!
જય હો , જય હો…
શું છે આ બધું ?
સાદી ભાષામાં કહું તો છતના ચાળા અને અછતના ઉછાળા …!!!
દિકરીને વ્હાલ સૌ કરતા હોય , અને દિકરા કોઈને અળખામણા પણ ના હોય, પણ હવે ગજ્જ્બ નેરેટિવ સેટ થયો છે , કોઈ સ્ત્રીની માટેની વાત કરે તો તરત જ પુરુષ માટે બીજો કૂદી પડે..
અલ્યા પણ શું છે આ બધું ..??
મસ્ત ઘટના ઘટી , હું અને મારી મોટી દિકરી ગઈકાલે સાંજે નીકળ્યા, તેણી હમણાં બે દિવસ થયે પરદેશથી આવી છે એટલે એક્ટિવા સરખું ચલાવે છે કે નહીં એ જોવા એટલે હું એની પાછળ બેસી ગયો , ખાસ્સા પાંચ મહિના પરદેશમાં રહી ને આવી છે એટલે પેલું ડાબુ જમણું થોડાક લોચા પડે .. એટલે આપણો જીવ અધ્ધર રહે , ઘરમાં જે પરદેશથી આવે એણે અગ્નિ પરીક્ષા આપવી જ પડે મારી, પછી જ એને વેહિકલની ચાવી મળે ..
હવે અમે નીકળ્યા, દરેક ચાર રસ્તે લોકો કકળાટ મૂકીને ગયા છે , થોડાક લોકો દોડાદોડી કરતા દેખાય , કકળાટ કાઢવા માટે..
એમાં થયું એવું કે એક મારો ઓળખીતો બત્રીસ વર્ષનો બાબલો કકળાટ કાઢવા નીકળ્યો , એના ઘરમાં એની પત્ની અને માતા બંને છે , પણ કકળાટ કાઢવાનો વારો એનો આવ્યો , મારી દિકરીએ એને પકડ્યો.. એ રાજુ ભૈયા ( કાલ્પનિક નામ ) કકળાટ કાઢવા નીકળ્યા , હું જોરદાર હસી પડ્યો , મોટેભાગે કકળાટ કાઢવા સ્ત્રીઓ જ જતી હોય છે પણ રાજ્યાનો વારો આવ્યો એ જોઈને મને પણ હસવું આવી ગયું ..
મેં કીધું જવા દે એની નજીક જરા ..લઈએ વારો રાજ્યા નો..
દિકરીએ એક્ટિવા એની નજીક લીધું એટલે આપણે બૂમ પાડી.. અલ્યા મા ના અને બૈરી ના લોહી પીવાનું ઓછું રાખને તો આ કકળાટ કાઢવા જવાનો વારો ના આવે ..
રાજ્યો મોટા મોટા ડોળા કાઢી અને હસે, બોલવાની મનાઈ હતી એટલે ઇશારાથી સમજાવે હા , હા બોલી લો ભ’ઈ તમારો વારો આવી ગયો આજે..
પછી મોડી રાત્રે રાજ્યો મળ્યો.. ભ’ઈ એમાં એવું છે મમ્મીને ઘૂંટણ દુઃખતો હતો અને પેલી કહે હવે આ બધું ના હોય હવે, હું નથી માનતી એટલે ઘરમાં કકળાટ ના થાય એટલે આપણે કકળાટ કાઢી આવ્યા.. !!!!
બોલો હવે ..?? કોણે કોના પગ પૂજયા હોય આમાં ?
આ કામ સ્ત્રી કરે અને આ કામ પુરુષો કરે એ વાત જ હવે નથી રહી , બધા એ બધું કરવું પડે , એકબીજાને માન આપીએ પણ અતિરેકની ક્યાં જરૂર છે ?
ઘરની લક્ષ્મી દિકરી હોય કે વહુ હોય એને આગળ વધવા દઈએ એટલે ઘણું .. ગ્રો કરવા પડે .. ગ્રૉ થવા દેવા પડે ,
એમ પણ નહીં રસ લઈને ગ્રો કરવા પડે..
હું હંમેશા કહું છું અમારી પેઢીના ડોસલા ડોશીઓને અક્કલ લાવો ડફોળો..
હવે કોઈની છોકરી તમારા ઘરના છાણ વાસીદા કરવા નથી આવતી , એને પણ એની કેરિયર બનાવવાની હોય છે , તમે હાઉસ વાઇફ ( હોમ મેકર ને બીજા ગમ્મે તેટલા રૂપાળા નામ આપો તો કામ તો એના એ રહેવાના ) લાવ્યા અને તમારી હાઉસ વાઇફ થઈને રહી તો આવનારી સો ટકા હાઉસ વાઇફ કે હાઉસ મેનેજર થઈને નહીં રહે..
હાઉસ મેનેજર એટલે શું ? તો પેલું ફટાણું સાંભળ્યું છે ? ગરીબો …??? સુણો..
ઊંચા ઊંચા બંગલામાં ગરમ હવા વાય..બારે નીકળો તો બેની ઠંડક એવી થાય …
આવા ઊંચા ઊંચા બંગલામાં હવે સેન્ટ્રલી એસી વાળા ઘરમાં પાંચ સાત બેડરૂમ હોય અને બીજા સાત આઠ રૂમો હોય એ બંગલામાં ટોટલ પંદર વીસ માણસોનો સ્ટાફ હોય એટલે પછી ત્યાંની હાઉસ વાઇફ હાઉસ મેનેજર થઈ જાય , સ્ટાફને મેનેજ કર્યા કરે આખો દિવસ , કોઈક દયાળુ પતિ મળ્યો હોય તો એના માટે હાઉસ મેનેજર પણ લાવી આપે …
કોઈક ને હાઉસ મેનેજરમાં કરિયર બનાવવી હોય તો કરિયર ઓપ્શન એ પણ સારો છે હાઉસ મેનેજરનો પગાર લાખેક રૂપિયા આરામથી હોય છે હોં..
તો હવે આગળ વધીએ ..
સ્ત્રીની શારીરિક મર્યાદાઓ ઘણી હતી , મોટેભાગે સંતાનનો જન્મ એટલે સ્ત્રી મૃત્યુના મુખમાં , અને એમાંથી બહાર આવી એટલે બીજો જન્મ , હવે એ પરિસ્થિતિ નથી રહી , સિઝેરિયન એ બધું સરળ કરી નાખ્યું , બીજું હવે દર વર્ષે છોકરું જણવું જ પડે એવી પળોજણ પણ નથી રહી , રહી વાત શારીરિક ક્ષમતાની તો ધીમે ધીમે સ્ત્રીઓ પુરુષ સમોવડી આવતી જ જાય છે..
એક બીજો સવાલ કરું .. તમે કોઈ અડીખમ ડોશી જોઈ છે જુના જમાનામાં ? લગભગ દરેક ગામમાં એકાદી ડોશી હોય કે જે આખા ગામના ડોસાઓ ઉપર કડપ ધરાવતી હોય , લગભગ પુરુષ નહીં પણ સવાઈ પુરુષ બની ચૂકી હોય..
ક્રિટિકલ ડિસીશનમાં આવી મજબૂત અડીખમ ડોશીઓની જબરજસ્ત ભૂમિકા રહેતી ..
યાદ આવી ? કોઈ ફઇ,કાકી ,માસી ..??
બસ દસ બાર છોકરા જણી ચૂકેલી આવી સ્ત્રીઓ સમાજના ડફણાં ખાઇ ખાઈને પુરુષ થઈ ચૂકી હોય છે , અહીંયા પુરુષ એટલે નિર્ણય શક્તિ ગણવું ..
હવે જરાક આપણા પુરુષોની વાતો .. કોલેજકાળમાં ઘણી બધી બહેનપણીઓમાની એક બહેનપણી શૈશવની , આજની ભાષામાં આપણો બ્રો જ હતો , પણ જરાક છકેલી.. એને એ જમાનામાં સિગારેટ ફૂંકવાની ટેવ..! પણ ગલ્લે જઈને આજની છોકરીઓની જેમ ધડ્ડલાથી માંગી ના શકે.. એઈ શૈશવ્યા બે ચોકડી લાઇ આપ ..
હવે મારે અને ગલ્લાને યોજનોનું અંતર પડે , આપડે કહીએ છાનીમાની ઘર ભેગી થા આ બધા અવળા ધંધા કર્યા વિનાની..
બાયલો છે તું .. પૌરુષત્વ ને પડકાર કરે.. આદત પ્રમાણે જ્યાં ખોટું દેખાય તે જગ્યા ત્યજવું …!! આપણે નીકળી જઈએ ત્યાંથી, પણ આવા આદમ ટીઝીંગ પણ થતા અને થાય છે .. !!
બધું સરખું જ છે અને વધારે સરખું થવાનું ..!! સ્ત્રીનું જીવન વધ્યું છે , આયુષ્ય રેખા લંબાઈ છે , શારીરિક તાકાત પણ વધી છે અને વધતી રહેવાની ,
સમાજજીવન સમય સમય ઉપર નવા નવા પ્રયોગો કરતો રહેવાનો અને કાયદા પણ એ પ્રમાણે બદલાતા રહેવાના , યુગલ સ્વરૂપ ધીમે ધીમે કલ્પના થઈ જશે..!!
પશ્ચિમની જેમ અડધા ગાંડા અને અડધા વાંઢા જ રખડતા દેખાશે…!!
આમ તો આ કેહવત પાશ્ચાત્ય રંગે રંગાયેલી પારસી કોમ્યુનિટી માટે વપરાતી પણ હવે બહુધા ભારતીય સમાજને પણ જલ્દી લાગુ પડશે .. !!
દિવાળીમાં મજા કરજો ..
સહુને શુભ દિપાવલી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*