લોકડાઉન એક થી ચાર આવ્યા અને હવે અનલોક એક ચાલુ થયું છે..
વાતમાં મોણ ઘાલ્યા વિના સીધું જ પૂછું જીવવું છે કે મરવું છે..?
જો મારા ભાઈ ને મરવું છે તો પછી ભાભી માટે સારી ગોઠવણ કરતા જજો ,પણ તમારા જેવો મુર્ખ નવો ના શોધશો…!!
અને જો મારા ભાભી આ વાંચી રહ્યા છે અને એમને મરવું છે તો મારા ભાઈ માટે કોઈક બીજી સારી શોધતા જજો , તમારા જેવી અક્કલમઠી ના શોધશો..!!
શું કેહવું ? જેને અડધી જિંદગી એ મરવાની ઈચ્છા થાય એમને..
હવે જેમને જીવવું છે અને સારી રીતે જીવવું છે એમની વાત..
તો લોકડાઉનમાં મોટાભાગના લોકોના આરોગ્ય સુધર્યા છે ,ઘણા બધા ના વજન કશું પણ વધારે પડતું કર્યા વિના જ ઉતરી ગયા છે , અને કેટલાક તો એવા પણ છે કે જેમના બ્લડ પ્રેશર અને ડાયાબીટીસ સંપૂર્ણ નોર્મલ થયા છે ને ડોક્ટર ની સલાહ લઇ ને ગોળીઓ ઓછી થઇ છે ક્યા તો બંધ પણ થઇ છે..!!
ખરેખર શાબાશી ના હક્કદાર છે ..!!
આજ થી હોટેલો ખુલવાની છે …!!
પાર્સલ ચાલુ થઇ ગયા છે પણ હોટેલો ખુલવાની છે..!
થઇ બત્તી ?
કેવા ચાર હાથે જે ભચડતા હતા..,
યાદ છે ને ..? લોકડાઉન પેહલા ?
હું એવા કેટલા બધા ને ઓળખું છું કે જે લોકો ઝેર ખાય પણ ઘેર ના ખાય
,
અને ભૂલથી જો ઘેર ખાય તો પણ બાહરથી ઝેર લાવી ને ઘેર ખાય ..!
પેલા ઓન લાઈન ફૂડ ડીલીવરીવાળા દિવસમાં પાંચથી છ વાર એમના ઘેર આવે..
ઘરના મેમ્બર ચાર હોય પણ દરેક પોતાના ફોનમાંથી જુદું જુદું અને જુદા જુદા સમયે મંગાવે..!
કેટલાય માવા મસાલા ખાનારા “ભાયડા” અઢીસો ગ્રામ ગાંઠિયા ખાવા તડપતા હતા..!
હવે વારો સરકાર નો ..!
પડીકા ફૂડમાં નાખવામાં આવતા ઇન્ગ્રેડીયન્ટ ને તો તમે ગોળ ગોળ ભાષામાં બહાર છપાવો છો પણ હોટેલના રસોડામાંથી “મઘમઘતું” જે આવે છે બહાર એમાં શું નાખ્યું છે એ ક્યાંય કોઇપણ જગ્યાએ છાપ્યું છે ..?
એક પણ શ્રમ મંત્રાલય નો ઓફિસર હોટેલોના વેઈટરથી લઈને બીજો બધો સ્ટાફ કઈ અવસ્થામાં હોટેલમાં રહે છે અને શું ખાય પીવે છે એ જોવા ગયો છે ? કારખાના ના કારીગરો ના હેલ્થ ચેક અપ થાય છે તો હોટેલના સ્ટાફના હેલ્થ ચેક અપ ક્યારેય થયા છે..?
ભઈલા, તું જ કહે કોવિડ-૧૯ નો કેરિયર વેઈટર કે રસોઈયો તને કોગળિયું લગાડી ગયો અને તું ઉકલી ગયો તો..?
લોકડાઉન બે માં ખુમચાવાળા કદાચ સરકાર ખોલે તો ભાભી તું જ કહે તારો હટ્ટોકટ્ટો ભૈયો તને કોગળિયું લગાડી જશે અને ન કરે નારાયણ અને કઈ થયું તો આ મારા ભાઈ નો સંસાર તો અડધે રખડે ને..?
હવે એનાથી અંદર જઈએ ,
પૂછો હોટેલવાળા ને કે “આજીનો મોટો” તમે એક મહિનામાં કેટલો વાપરો ..? ફૂડ કલર કેટલા વપરાય ? બીજા કેમિકલ્સ કેટલા વપરાય ?
રસોડામાં એસી ખરા ? તો આ પિસ્તાલીસ ડીગ્રીની ગરમીમાં રાંધનારા ને પરસેવા નહિ થતા હોય ?
કેટલી હોટેલના કિચન તમે જોઈ શકો તેમ સીસી ટીવી લગાડેલા છે..?
આજીનો મોટો
ની વાત .. આજીનો મોટો ઉર્ફે મોનોસોડીયમ ગ્લુકોમેટ ..!
યાદ આવે છે પેલો મેગી નો વિવાદ .. હા એ જ એમએસજી..!
ગુગલ ઉપર મોનોસોડીયમ ગ્લુકોમેટ ની ટોકસીસીટી ઉર્ફે ઝેરી અસરના કેટલા બધા પેપર્સ પડ્યા છે અને એની મોટામાં મોટી સાઈડ ઈફેક્ટ તમારા અને મારા બ્લડ પ્રેશર ઉપર થાય..!
ફક્ત ૦.૩ ગ્રામ એટલે ચપટી નો ત્રીજો ભાગ એમએસજી પણ બ્લડ પ્રેશર વધારે ..!!
એમ નેમ નથી લખતો કે ઝેર ખાવ છો ..!!
આખા લોકડાઉનમાં ઘેર બનાવી બનાવી ને જે ખાધું એમાં આજી નો મોટો વાપર્યો હતો..?
બીજા કોઈ કેમિકલ્સ નાખ્યા હતા ?
ના ..!
તો તબિયત કેવી રહી ?
હવે અઢીસો ગ્રામ ગાંઠિયા ..
મારો સારથી
કોઈ દિવસ ગાંઠિયા ના ખાય, કેમ નથી ખાતો નહિ પચતા ચક્કર ચડે..!! તરત ઝબકી બ્લડ પ્રેશર તો નથી વધી જતું ને આનું ? ચેક કર્યું ૧૩૦-૯૦ તરત જ પપ્પા ને ફોન કર્યો કે આનું નોર્મલ ૧૩૦-૯૦ છે પેહલો સવાલ પપ્પા નો તે દાકતરી નથી કરી ને ? મેં કીધું ના, તો સીધો દવાખાને મોકલ..!! ગાંઠિયામાં ભરપુર ખાવાનો સોડા પડે અને એના લીધે અમારા સારથી નું બ્લડ પ્રેશર વધે કોઇપણ ચડિયાતા મીઠાવાળી વસ્તુ એ ના ખાય ,અને એવા ઘણા લોકો હોય છે કે જેમને બ્લડ પ્રેશરમાં જરાક પણ ફેરફાર થાય તો તરત જ સિમ્પટમ આવી જાય .. આમ તો એ આશીર્વાદ રૂપ છે કે શરીર તરત જ બોલે કે આ
નાકરતો.. પણ ઘણા બધા કેસમાં શરીર પોતાની સેન્સીટીવીટી નથી બતાડતું અને એ બહાદુર ફોર્મમાં આવી જાય આપણને તો કઈ ના થાય ,પથરા ખાઈએ એ પણ પચી જાય ..! અને પછી ક્યારેક પથરા ની બદલે સીધા લાકડા મળે..!! એક વાત મેં માર્ક કરી છે બહુ સાધન સંપન્ન વર્ગના મોઢા ઉપર જડબેસલાક તાળું મારેલું હોય છે ,ખુબ જ મર્યાદિત વસ્તુ ખાતા હોય છે અને બીજો એવો વર્ગ કે જેમનું કોઈ કરનાર નથી એ લોકો સારી વસ્તુ પણ મર્યાદિત ખાઈ અને સ્વસ્થ રેહતા હોય છે..! ખાટલે ખોડ એના પછી જ ચાલુ થાય..!! મધ્યમ વર્ગ શબ્દ જ્યાં આવે ત્યાં મોઢાની ગટરો ના ઢાંકણા બેફામ ખુલી જતા હોય છે..!! એ પછી પશ્ચિમ કે નવા પશ્ચિમ ઝોન નો ઉપલો મધ્યમ વર્ગ હોય કે પૂર્વ અમદાવાદ નો નીચલો મધ્યમ વર્ગ..! નથી ખાવા જેવું બાહરનું અત્યારે આ કોગળિયું ચાલે ત્યાં સુધીમાં , ત્રણ મહિનાના લોકડાઉનમાં ઘરનું સારું ખાઈ ને જે હેલ્થ અને ઇમ્યુનિટી ડેવલપ કરી છે એને જાળવી રાખવા જેવું છે..! ભાજીપાંવ ઘેર મારા ભાભી બનાવે એ ખાઈ લ્યો ને ભઈલા તું જે યુ ટ્યુબ ઉપર જોઇને રાંધતા શીખ્યો ને એનો રવિવારે રવિવારે અભ્યાસ ચાલુ રાખ..!! સિંધુ ભવન રોડ ઉપર એક કોફીવાળો ખુલ્યો છે ,ગઈકાલે ચતુશ્ચક્રી એ બાજુ વાળી હતી, પણ ગાડીઓ ની લાઈન જોઈ ને તમ્મર ચડી ગયા ..!!! ઘેર આવી ને જાતે બનાવી ને ફોફી પી લીધી..!! જીવતો નર ભદ્રા પામે ..!! હવે એક કામ કર બકા તું જેને પ્રેમ કરતો હોય પણ મોઢા મોઢ કહી ના શકતો હોય કે આ બધા ચસકા છોડો એને આ બ્લોગ ફોરવર્ડ કરી દે ..ભાભી તું પણ હો , કરી જ દે તારી સાસુ ને ફોરવર્ડ ..મને ખબર છે ડોશી ને પણ ચસકા ઘણા છે..!! એવું ના થાય નહિ , પાછળથી ખાર રાખે પછી માજી ..!! પણ એક કામ કર ફેમીલી ગ્રુપમાં મોકલી દે એટલે
બધુંય` સમજી જશે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)