જીમ બંધ છે..!!
ભાઈ કૈક લખો..બરબાદ થઇ જઈશું..!
હવે આવું વધારે ચાલશે તો નારાયણ દાન લેવાનો વારો આવશે ,આજ સુધી હાથ લાંબો નથી કર્યો..!!
સર હોમ ટ્રેનીગમાં સોસાયટીવાળા ઘુસવા નથી દેતા, રેગ્યુલર ક્લાયન્ટ ના બ્લડપ્રેશર અને ડાયાબીટીસ માંડ કરી ને કંટ્રોલમાં લાવ્યા હતા, બધા ઠેર ના ઠેર આવી ગયા છે..!!
મારા એક બહુ જુના લગભગ તેર ચૌદ વર્ષ પેહલાના એક ટ્રેઈનર રોહિત(કાલ્પનિક નામ છે ) નો ફોન આવ્યો સર મળવું છે ..!! એના અવાજમાં કંપારી હતી
સ્વાભાવિક રીતે મોઢામાંથી નીકળી ગયું ને મેં કીધું આવી જા બેટા ..તું ક્યાં છે અત્યારે..?
સર ઘર પાસે,ચમનપુરા ..
મેં કીધું સાંજે મારે ઘેર આવી જા ..
રોહિત અચકાતા અચકાતા બોલ્યો ..સર પેટ્રોલ બહુ થશે વચ્ચે ક્યાંક..
સારું હું આવું છું આજકાલમાં ચમનપુરા બાજુ ..
અવાજ લગભગ રડવા જેવો રોહિત નો..સર અત્યારે જ પ્લીઝ..!
મેં સારથી ને કીધું ચલ રથ કાઢ..ચમનપુરા લઈ લે..એક નાનું અમથું બંડલ ખીસામાં નાખ્યું..!
ચમનપુરા ની નજીક પોહ્ચ્યો ફોન કરી ને બોલાવ્યો..
મારી આંખો એક મદમસ્ત સાંઢ ને શોધી રહી હતી, પણ એની જગ્યાએ સાવ ચીમળાઈ ગયેલું શરીર અને ઊંડી જતી રહેલી આંખો ..માથું મુંડાવેલુ ..
હું ગાડીમાંથી નીચે ઉતર્યો એ ભેગો રોહિત મને પગે લાગ્યો સર કેમ છો ..?
મેં કીધું બોલ બેટા..રોહિતની નજર આડી થઇ ગઈ..સોશિઅલ ડીસટન્સના જમાનામાં એના ખભા પકડવા પડ્યા મારે અને એનો માસ્ક એણે ઉતાર્યો..
નીચી નજર બે આંસુડા પાડી ગઈ ..
પરિસ્થિતિ નો અંદાજ આવી ગયો મને કૈક મોટી ગડબડ છે..
રોહિત બેટા બોલીશ નહિ તો મને કેમ ખબર પડશે..? સોળ વર્ષ નો હતો રોહિત ત્યારે એ મને ટ્રેનીગ આપતો હતો આજે ત્રીસ નો થયો છે રોહિત..પણ શરીર ઉતરી ગયું છે મસલ્સ છે પણ સાંઢ જેવો ફાટ્યો હતો એ મજુર જેવો લાગતો હતો..!!
હું ત્યારે એને કેહતો કે વજન ઉતાર મારું પેહલા ,મારે લીન બોડી
બનાવવું છે રોહીત્યા, અને રોહિત ત્યારે બોલતો ના હવે ,એવા તો મજુરીયા ના બોડી હોય, તમે તો ખાધે પીધે સુખી ઘરના છો એટલે લીન બોડી
ના બનાવાય..લીન બોડી
વાળા મજુરીયા કેહવાય..!!
મને એની વાત યાદ આવી ગઈ અને મારી સામે મદમસ્ત સાંઢ ની બદલે મજુરીયો નીચી નજરે ઉભો હતો..!
સર, બાપા ગયા..!
શું થયું કોવિડ ..?
ના સર, કેન્સર હતું..ત્રણ મહિનાથી બેઠા બેઠ છું છેલ્લે છેલ્લે બાઈક વેચી ને દવા કરી , બે મહિના થયા એમને ગયે ..!, જીમ બંધ છે ,ટ્રેનીંગ બધી બંધ છે , તમારા જેવા ત્રણ ક્લાયન્ટ એ રૂપિયા આપ્યા બાકીના બધાએ હાથ અદ્ધર કર્યા, હવે ક્લાયન્ટ ને ટ્રેનીગ આપ્યા વિના રૂપિયા માંગતા શરમ આવે છે ,એકાદી ટ્રેનીગ અપાવો..!
ચાર લીટીમાં ટુંકસાર આવી ગયો..!
મેં કીધું બાઈક વિના ટ્રેનીગ આપવા કેમનો જઈશ રોહિત.. ?
બનેવી એ કીધું છે સવાર સવારમાં ટ્રેનીગ આપી આવજે મારું બાઈક લઈને, એમને સરકારી નોકરી છે એટલે મેળ પડી ગયો છે , સાંજે પણ એમનું બાઈક લઇ જવાશે, પેટ્રોલ નખાવી દેવાનું ,અને સાહેબ તમને તો ખબર જ છે ને આપણે તો સાયકલ ઉપર જ આવતા હતા ને..!
ધર્મસંકટ ..મને એમ કે રૂપિયા માંગશે રોહિત , પણ ટ્રેનીગ માંગી એણે .. મેં કીધું મારો ટ્રેઈનર તો ઘેર આવે છે ..!
સર મને ખબર છે ,મારે એના પેટ ઉપર લાત ના મરાય પણ બીજા કોઈ ની એક બે ટ્રેનીગ અપાવો..! તમારો ટ્રેનર મારો ભઈ જ કેહવાય..! મેં કીધું સારું એક કામ કર અત્યારે “આટલા” રાખ હું ટ્રેનીગ નું ગોઠવું છું.. ના સર રૂપિયા નથી જોઈતા .. ટ્રેનીગ અપાવો..ખુદ્દારી અને ખુમારી બંને ઝળકી મેં કીધું તું આ રૂપિયા રાખ અત્યારે પછી ટ્રેનીગ નું ગોઠવું છું , ના સર, ના લેવાય મફતના.. મેં કીધું દિવાળીના સમજી ને લઇ લે.. ફિક્કું હસી ને રોહિત બોલ્યો હજી તો રથજાત્રા નથી ગઈ ને તમે દિવાળી દેખાડો છો સર.. મેં મુઠ્ઠીવાળી ને રૂપિયા એના હાથમાં પકડાવ્યા અને કીધું ચલ ભાગ નહિ તો ખબર છે ને સર ની કેવી પડે ..?!! સાડા સોળ નો બાય્સેપ હજી પણ છે હોં..ભાગ ..ચલ .. હસતી આંખે મુઠ્ઠીઓવાળી ને રોહિત ભાગ્યો..! અને બુમ પાડતો ગયો આ પાછા આપી દઈશ દિવાળીના જુદા આપજો..!! કેટલા રોહિત છે દેશભરમાં ..? અધધધ ..! મોટેભાગે લોકોના મગજમાં જીમ ટ્રેઈનર એટલે મસ્ત બોડીવાળો , ફૂલ ફટાક થઇ ને ફરતો .છોકરીઓ ફેરવતો ,આંટી ઓ પટાવતો , આગળ વધી ને પુરુષ વેશ્યા સુધી ઘણા વાર્તાકારો લઇ જાય જીમ ટ્રેઈનર ને..!! પણ સાવ એવું નથી..!! જે જીમ ટ્રેનર વર્ગ છાપામાં દેખાડવામાં આવે છે કે વાર્તામાં દેખાડવામાં આવે છે એ તો માંડ એક ટકો હોય છે, હા એમના શરીર ચુસ્ત હોય એટલે એમના શરીર ઉપર ફાટેલું મસોતું નાખો તો પણ દીપી ઉઠે..! મારી મારા ટ્રેઈનર ને સ્ટ્રીક્ટ સુચના હોય ટીશર્ટ પેહરીએ તો શોભવું જોઈએ..! થોડુક સુડોળ શરીર હોય એટલે કપડા શોભે અને ચોવીસ કલાકમાંથી બાર કલાક જીમના ગ્લેમરમાં રેહવા મળતું હોય એટલે ટ્રેઈનર ને થોડીક સ્ટાઈલ પકડાઈ જાય પણ એનો મતલબ એવો નહિ કે જીમ ટ્રેઈનર ને ઘેર રૂપિયા ની છોળો ઉડી રહી છે..!! મારા જેટલો જ પરસેવો લગભગ મારો દરેક ટ્રેઈનર મારી ટ્રેનીગ દરમ્યાન પાડે છે.. સખ્ખત મેહનત નું કામ છે ટ્રેઈનરનું , દુનિયા આખ્ખી ભરશિયાળામાં ગોદડામાં મોઢા ઘાલી ને પડી હોય છે ત્યારે જીમ નો ટ્રેઇનર બાઈક ઉપર સવારના પાંચ વાગ્યે લોકો ને ટ્રેનીગ આપવા ઘેર ઘેર દોડતો હોય છે..!! આખી જીમ જોડે જોડાયેલી કમ્યુનીટી સખ્ખત સંકટમાં આવી ગઈ છે , માલિકોથી લઈને ટ્રેઈનરો..! છેલ્લા બે દસકામાં જીમ એટલે બોડી બિલ્ડીંગ નહિ પણ ફીટનેસ આ કન્સેપ્ટ ને જનતા સુપેરે સમજી છે ને જીમ ઉદ્યોગ નો જબરદસ્ત વિકાસ થયો છે , જીમ ઉદ્યોગે આજ ના સમાજનો એવો ઘણો મોટ્ટો મારા જેવો વર્ગ છે જેને ફીટનેસ આપી છે, મેં એવી કેટલીય અદોદરી નર નારીઓ ને જોયા છે કે જે જીમ આવતા પેહલા બે દાદરા માંડ ચડી શકતા હોય ,પણ છ મહિનામાં
હરણી` ની જેમ ઉછળતી કુદતી થઇ ગઈ હોય..!
ઘણા ની કમ્પ્લેન હોય છે કે જીમ જઈએ છીએ પણ વજન નથી ઉતરતું પણ મારો જવાબ હોય છે સ્ફૂર્તિ આવે છે કે નહિ એ બોલો ? અને વજન તો તમારા મોઢાના કાબુથી જ ઉતરે , ભીમ ખાય ને શકુની હંગે એવું મહાભારતમાં થાય આપણે તો જે આપણે ખાઈએ એ જ આપણા શરીર પર આવે..!!
ઓવર ઓલ જીમ ફિટનેસ આપે જ છે , જો તમે મોઢા ઉપર કન્ટ્રોલ રાખો તો ,
અત્યારે કોવિડ કાળમાં સરકાર જો પ્રોપર સોશિઅલ ડીસટન્સ ની ગાઈડલાઈન્સ જાહેર કરે અને જો બહુ મોટા અધિકારીઓ ને ગાઈડલાઈન્સ બનાવવાનો સમય ના હોય અને એમના અહંકાર ને ઠેસ ના પોહચતી હોય તો બે ચાર જીમ માલિકો અને જીમ ફ્રિક ડોક્ટર્સ ને સાથે રાખી ને ગાઈડલાઈન્સ બનાવે તો ફીટ ઇન્ડિયા ની મુવમેન્ટ જબરજસ્ત સફળ થાય એમ છે..!
પ્રોપર ગાઈડલાઈન્સ સાથેનો જીમ ખોલવાનો રાઈટ ટાઈમ છે , જીમ સ્વાસ્થ્ય આપે છે લેતું તો ક્યારેય નથી..!!
મોટેભાગે હું બ્લોગ ફોરવર્ડ કરવાનું કેહતો નથી પણ આ બ્લોગ કરજો .. બહુ જ બધા રોહિત “છાપરા” માં રહે છે ને ખુદ્દારીથી રોજી રોટી કમાય છે, એમણે હાથ લાંબો નથી કર્યો ક્યારેય , મુઠ્ઠીવાળી ને આપીએ તો પણ પાછા આપી જઈશ એવી બાહેધરી આપે છે..
એવા રોહિત માટે ફોરવર્ડ કરજો..
સરકારશ્રી ને વિનંતી કે ઝટ “એસઓપી” બનાવી ને જીમ ખોલો ,ભૂખ્યા પેટ કોવિડ વધારે ફેલાવશે..!!
ફોરવર્ડ કરજો એટલે રોહિત ને ટ્રેઈનીગ મળે અને વાર્તાકારો ને એમનો પુરુષ વેશ્યા..!
જીમ બંધ રેહશે તો વાર્તાકારો પણ એમના “પાત્રો” ક્યાંથી લાવશે..???
એકાદ બે ના વાંકે બદનામ કરી મુક્યા છે બધા મારા છોકરાઓ ને બિચારા ને ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)