રથયાત્રા..૨૦૨૦
મંદિરમાં કોણ છે ..? એવી બુમ પડે એટલે મારા જેવી અમદાવાદના કોટ વિસ્તારમાં જન્મેલી ને કોટની રાંગે ચડી-ઉતરી ને ઉછરેલી
પ્રજા ની બુમ સામેથી આવે…
રાજા રણછોડ છે..!!
આ બોલતી વખતે રાજા
શબ્દ ને ઝુલાલાવો પડે, એ ઝૂલો
ફક્ત ને ફક્ત ઓરીજીનલ સાબરમતીના પાણી પીધા હોય ને એ જ મારી શકે..!!
આટલું સાંભળી ને અમદાવાદી વળતી બુમ પાડે ..
હાથી ઘોડા પાલખી .. જવાબમાં પડઘો મળે.. જૈ કનૈયાલાલ કી..!!!
અહિયાં જય
ની બદલે જૈ
બોલાય અને એ પણ ટીપીકલ..
જેને અમદાવાદમાં રહી ને “ફલાણા ગામ મિત્ર મંડળ” ચલાવી ને પોતાના જુના ગામના લોકો ને ભેગા કરી ને મજા આવતી હોય ,કે પછી હજી વીસ વીસ વર્ષ અમદાવાદમાં રહ્યા પછી પણ પોતાનું ગામડું ભુલાતું ના હોય એવા “ઈમિગ્રન્ટ” ને ,
બીજા એવા લોકો કે જે અત્યારે ભર કોગળીયામાં અમદાવાદને છોડી ગામડે ભાગી ગયા છે એવા “માઈગ્રન્ટ” આ શબ્દ પ્રોપર રીતે ના બોલી શકે,
હા અમારા જેવી “ઈમિગ્રન્ટ” ની બીજી પેઢી જે કોટ વિસ્તારમાં ઉછરી હોય ને રથયાત્રા જોવા વર્ષો ના વર્ષો ગઈ હોય એ જ બોલી શકે..!!
આ ટોણો મારવો અત્યંત જરૂરી છે, કેમકે એવા ઘણા લોકો છે કે જે અમદાવાદમાં રહી ને અમદાવાદ ને આ કોગળિયા મદદ કરી શક્યા હોત એ લોકો ગામડે ભાગી છુટ્યા છે.!!
જેઠ મહિનાની પૂર્ણિમા ગઈ એટલે રથયાત્રા ઉર્ફે “રથજાત્રા” ની તડામાર તૈયારીઓ શરુ થઇ જાય..
મંદિર પોતાની પરંપરા પ્રમાણે કામે લાગે..!
અખાડાના પેહલવાનો ની કસરત પીક
ઉપર આવી જાય , મંદિરોમાં ભજન મંડળીના લીસ્ટ બનવા ના ચાલુ થાય..
અલી હેંડ ને હવે ,ઘૂંટણીયા તો દુખશે હવે..હેંડ બધા જોડે જોડે હેંડી કાઢશું..!
સરસપુર મોસાળાની તૈયારીમાં લાગે ,
ગુજરાત સરકાર પોતાની એન્યુઅલ એક્ઝામ આપવાની તૈયારી કરે..!!
દિલ્લીથી એલર્ટ આવી જ જાય અમદાવાદના ખૂણેખાંચરેથી કોમ્બિંગ કરી ને બે ચાર આતતાયી ને બોમ્બ બનાવવા ના સામાન સાથે પોલીસ ઝડપી લ્યે..!
હું હંમેશા કહું છું કે અમદાવાદની રથયાત્રા ગુજરાતના મુખ્યમંત્રીની એન્યુઅલ એક્ઝામ છે…!!!
કમ સે કમ સાલ ૧૯૮૫ પછી તો ચોક્કસ..!!
આ વર્ષે રથયાત્રા એકલા ગુજરાતના મુખ્યમંત્રી નહિ પણ જેમણે અનેકો વાર જમાલપુર મંદિરે પહિંદ વિધિ કરાવી છે એવા દિલ્લી ના અધિપતિ માટે પણ કસોટી છે..!!
મને પોતાને પરંપરાઓ પાળવી અને તેહવારો ઊજવવા ગમે, એમાં પણ આપણા હિંદુ તેહવારો તો દિલથી ગમે,
કારણ એટલુ જ કે ઋતુઓ સાથે તાલમેલ સાધી ને તેહવારો આપણા પૂર્વજો એ ડીઝાઈન કર્યા છે..!
રથયાત્રા ને બીજી રીતે લઈએ તો ઉનાળા ના અસહ્ય તાપ પછી અષાઢના પેહલા દિવસે મેઘ છડી પોકારે ને અષાઢી બીજે અમી છાંટણા થાય , થોડુક ખુલ્લામાં ફરી લઈએ તો મજા આવે અને જોડે જોડે ભક્તિ નો લાહવો..!
આમ જોવા જાવ તો અષાઢ શરુ થાય એટલે ક્યારે દિવાળી આવી ને ઉભી રહે એની ખબર ના પડે , મંદિરોમાં ઉત્સવ અને ઓછ્ચ્વ ની સીઝન અષાઢથી લઈને આસો સુધી..!!
તેહવારો ગમવાનું બીજું કારણ અમદાવાદી જીવડા ને ગમે એવું એ પણ ખરું કે જે તેહવારો સમૂહમાં રહી ને ઉજવાતા હોય એમાં ખર્ચા બિલકુલ ઓછા અને મજા સૌથી વધારે..!
ઉતરાયણ ,હોળી, રથયાત્રા, સાતમ-આઠમ ,નવરાત્રી, દિવાળી મોટેભાગે આટલા તેહવાર આપણે સમૂહમાં કરીએ અને બાકી બધા મંદિરોમાં..!
નવરાત્રીમાં ખર્ચા આપણે ઉભા કર્યા છે બાકી એક જમાનામાં એ તેહવાર પણ ખર્ચો નોહતો કરાવતો..દિવાળીમાં તો જે પ્રમાણે ખિસ્સું બોલે એ રીતે..!!
ઓવરઓલ તેહવારો જ આનંદ આપે ને સંસ્કૃતિ સાથે આપણને જોડી રાખે,
પાછલા ઘણા વર્ષોમાં હિંદુ તેહવારો ને જબરજસ્ત ટાર્ગેટ કરી ને ઘણા બધા અભિયાનો ચાલ્યા, ઘણા બધા રીત રીવાજો ને ટાર્ગેટ કર્યા ..છતાં પણ હિંદુ તેહવારો હજી ટકી ગયા છે ,તેહવારો જીવે છે ને પ્રજા હોંશે હોંશે ભાગ લ્યે છે..!
રથયાત્રા ૨૦૨૦ ની તૈયારીઓ શરુ થઇ ગઈ છે ત્યારે સરકારી ફરમાન એવું છે કે રથયાત્રા નીકળશે ભક્તો એ નહિ નીકળવાનું..!
બરાબર છે ,
ટેકનોલોજી નો ઉપયોગ કરી અને ભક્તો ને ભગવાન બતાડીને દર્શન કરાવી શકાય છે , અને જોડે જોડે એક બીજો સુધારો પણ કરવો હોય તો કરી શકાય..
રથ આ વખતે ખલાસી કોમના છોકરા ખેંચે છે એની બદલે રથ ને સીધા કોઈ વાહનમાં ચડાવી દેવાય ને વાહત નું સ્ટીયરીંગ ખલાસી કોમના હાથમાં અપાય જેથી એમનો કર
પણ સચવાઈ જાય..!
૨૦૨૦માં આતતાયી રૂપ બદલી ને આવ્યો છે વિષાણું બની ને આવ્યો છે , ભીડ કોઈપણ સંજોગોમાં ભેગી થવા ના દેવાય ,પછી એ પોલીસનો જમઘટ હોય કે પછી ભક્તો નો..!
જડબેસલાક વાહનોના બંદોબસ્તમાં પ્રભુ ને નગરયાત્રા કરાવી ને નિજ મંદિર હેમખેમ પોહચાડી દેવાય..!
આમ તો રથયાત્રા ના કાઢવી જોઈએ એવા સૂર ચારે બાજુથી ઉઠી રહ્યા છે પણ હું રહ્યો થોડો ગોચર અગોચર શક્તિથી ડરનારો માણસ ,
એલિસબ્રિજ પોહળો કરવા માણેક બુરજ તોડ્યો હતો અને પછી કેવી સતત એક પછી એક વર્ષે ભૂકંપ , વીસ ઇંચ વરસાદ , માધુપુરા નો ઝાટકો .. યાદ છે ને..!
વચન હતું માણેક બાવાનું મારો બુરજ સલામત ત્યાં સુધી શેહર સલામત..!!
ફરી રીપેર કરી અને એની અસ્મિતા કાયમ કરી પછી શેહર બેઠું થયું છે..!
આજે પણ મોટા મોટા શોરૂમ પશ્ચિમ ઝોન કે નવા પશ્ચિમ ઝોનમાં ભલે રહ્યા પણ એકાદી દુકાન તો કોટ વિસ્તારમાં રાખે જ છે શેઠીયાઓ..!
લક્ષ્મીજી વચને બંધાયા છે.. સિપાઈ જોડે અને અમદાવાદમાં ઉભા રહી ગયા છે..!!
ભગવાન જગન્નાથજી ને “આંખો આવશે”..!!
ભગવાનજી અમારા ડોક્ટર્સ એને “કંજકટીવાઈટીસ” કહે , એ પણ વાઈરસથી જ થાય , માઈલ્ડ વાઈરસ છે એટલે ઝટ જાય પણ આ કોવિડ-૧૯ છે ને એ ઝટ જતો નથી ,તમને ખબર હશે ને..!
અમે તો રહ્યા વૈષ્ણવ જીવ..મેહતા નરસિંહ એ કીધું એમ
કે હરિ ના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મજન્મ અવતાર રે ..
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નીરખવા નંદકુમાર રે..!!
કોઈ ઉતાવળ નથી તમને રૂબરૂ મળવાની પ્રભુ..!
મળ્યા પછી પણ પાછા આવતે જન્મ અવતાર જ જોઈએ છે એટલે પેહલા આ જન્મ માણી લઈએ પછી વાત..!!
નગર યાત્રા એ નીકળવાના પ્રભુ..આ વર્ષે ઘેર બેઠા દર્શન
એ ભલે ભલે નીકળો દેવ,,!
પણ ભક્તો એ ઘરમાં રહીને જ દર્શન કરવા રહ્યા..!
ભગવાનજી તમે પણ 20-20 રમી લેજો આ વર્ષે ..
બોલો લ્યા …
મંદિરમાં કોણ છે ..???
રાજા રણછોડ છે..!!
જય જગન્નાથ
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)