પેહલા બે દિવસના વરસાદી “ઉપવાસ” પછી છેલ્લા બે દિવસથી અમદાવાદી યૌવન ધન હેલે ચડ્યું છે, જ્યાં પાસ `વેહચાય` છે ત્યાં હૈયે હૈયા દળાય છે અને જ્યાં પાસ `વેચાય` છે અને એ પણ પાંચસો સાતસો ની ઉપરના ત્યાં લીમીટેડ ક્રાઉડ થાય છે..!
અમુક ઘેર બેસીને આઘીપાછી કરી ખાતી પ્રજા મફતિયા પાસ ની ભીડ જોઈ ને એમ પૂછે કે ક્યાં છે મંદી ?
અલ્યા મંદી છે, કર્ફ્યું નહિ કે કોઈ ઘરની બાહર ના નીકળે ,પણ જેમને આંકડા જોવા નથી અને સમજવું જ નથી એમને માટે તેજી જ છે ..
સરકાર નક્કર પગલા લઇ રહી છે અને ધીમે ધીમે મંદીના મોજા ને ખાળવા ના પ્રયત્નો પુરજોશમાં ચાલી રહ્યા છે, આવામાં જેમને બેન્કિંગ ઓછું છે એવા ઉદ્યોગકારો નિરાંતે બેઠા છે અને બેન્કિંગ લઈને બેઠા છે એમને દિવાળી બહુ કાઠી દેખાઈ રહી છે..!!
એમેઝોન ના ફોન વેચાયા ના આંકડા સારા છે ,પણ એના લીધે શો રૂમ વાળા ના ખો નીકળી જશે ..આટલા જ રૂપિયાના મોબાઈલ જો મોબાઈલની દુકાનેથી વેચાયા હોત તો ચિત્ર જુદું જ જોવા મળતે ,પણ ઈ કોમર્સ હવે પોતાની જડ ઘાલી ચુક્યું છે એટલે દુકાનો ચલાવવી અઘરી તો પડવાની ..!!
ઘણા અબુધો ની દલીલ છે કે મંદી છે તો પછી જમીન,મકાન કે દુકાનોના ભાવ કેમ નથી ઘટતા..?
મંદી એટલે રીયલ એસ્ટેટમાં ભાવ વધતા અટકે, નહિ કે ઘટવાના ચાલુ થાય, એપ્રીશેશન બંધ થઇ જાય …
જે દિવસથી ભાવ ઘટવા ના ચાલુ થાય અને સો નો માલ સાહીઠમાં મળે એના બીજા જ દિવસથી તો તેજી નો વક્કર પકડાય..!
અત્યારે તો નફાની નુકસાની છે હજી બધાને , આર.કોમ. ની જેમ મૂડી તૂટે ત્યારે કાળો કેર મચે..
જોયા ફોટા અનિલ અંબાણીના અને એમના બે દીકરાના પોતાના નખ કરડી ખાતા ફોટા ..? એજીએમ ના ?
ઉપરથી રિલાયન્સ કેપિટલ એ ધિરાણ નીતિમાં ફેરફાર કર્યા ,એમાં શેર વધારે દબાઈ ગયો, એક જમાનો હતો જયારે જોરદાર હવા ચાલી હતી બજારમાં કે રિલાયન્સ કેપિટલ ને બેન્કિંગ નું લાયસન્સ મળશે અને ત્યારે કેપિટલ નો શેર ઇન્ડસ્ટ્રી ને લગોલગ આવી ને ઉભો રહ્યો હતો ..!! આજે જુવો ..!!!
સગાં દીઠાં શાહે આલમ ના .. જેવા ઘાટ છે..!
બજારોમાં આંટો મારીએ ત્યારે સન્નાટા વાગે છે , રીતસર ચચરે છે .. એક્સપોર્ટ કરતા યુનિટો પોતાની પોઝીશન લઈને બેઠા છે અને બેન્કિંગ વિનાનાના વેહપારીઓ જરાક ભાવમાં આઘુંપાછુ કરીને પોતાના સેલ્સ એચીવ કરી લ્યે છે પણ નવો ધંધો નથી એટલે અંદર અંદર જ કોઈ નો ધંધો કાપી અને પોતાના આંકડા સેટ કરી લ્યે છે..!
સરવાળે નફા નું નુકસાન કરી લે..!!
બાકી તો રહી વાત ખાણીપીણી ના બજારો ની તો ગઈકાલે રાત્રે લગભગ દોઢ બે સુધી બધું ખુલ્લું હતું,
એક રોડસાઈડ ના બજારો જામપેક હતા અને બીજા પાંચ સિતારા ..
વચ્ચેવાળા દોઢસો બસ્સોના ઢોંસા અને ભાજીપાંવ વેચવાવાળાને ત્યાં ચાર ટેબલ ભરાય અને પાંચ ખાલી જાય એટલે માલિક રોડ રસ્તા ઉપર નજર રાખતો હતો અને ગણતરી મૂકી રહ્યો હતો કે `લૂખા` કેટલા ?અને `ખરચવા` વાળા કેટલા..?!
અમદાવાદમાં લુખી-લાટો પણ ઘણી ..અને નવરાત્રીમાં બધી લાટો રોડ ઉપર આવે એક બાઈક ઉપર બે હોય અને બંને ભાગમાં એક એક લીટર પેટ્રોલ નખાવે અને પછી ભટકે રાત આખી સવાસો કિલોમીટર પુરા..છેલ્લે રોડસાઈડ કીટલી કે વડાપાઉં વાળા ને ત્યાં ધામો નાખે અને પોલીસ સીટીઓ મારે અને પ્લાસ્ટિકનો દંડો અડાડે એટલે લાટ ઘર ભેગી થાય..!!
ગઈકાલે રાત્રે પ્રહલાદનગરની ખૂણાખાંચરાની ગલીઓમાં ફૂલ ચેકિંગ હતું અને આવી રખડતી લાટો ને “માપ”માં રાખી હતી..!!
ગઈકાલે એક ઘણા મોટા ગજાના ઉદ્યોગપતિ જોડે બેઠો હતો , બે-એક વર્ષમાં ભડકે બળશે બજારો એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા હતા એટલે અમે સ્વાભાવિક સવાલ કર્યો કે તો પછી આ સમય માલ લેવાનો કેહવાય કે નહિ..?
એમનો જવાબ સરસ હતો માલ લેવાની જરૂર નથી પણ બધું સરખું ગોઠવી નાખો , એડમિનિસ્ટ્રેશન થઇ લઇ ને પ્રોડક્શન ને વ્યવસ્થિત કરો , આ સમય મળ્યો છે ત્યારે ગોઠવીને મૂકી દો કેમકે જયારે ચારે બાજુ લાવ-લાવ થતું હોય ત્યારે પ્રોડક્શન એના ચકરડા ફેરવવામાં બીઝી હોય અને એડમિનિસ્ટ્રેશન સેલ્સ અને કલેક્શનમાં
એટલે અત્યારે નિરાંત આવી છે તો બધું ગોઠવી લેવાય અને જેટલી ઉઘરાણી આવે એ બધું ઘરભેગું કરી અને એકવાર બેંક બેલેન્સ જોઈ ને હરખાઈ લેવું .. બાકી તો સંદ્રી ડેટર્સમાં એ બધી ફીગર્સ પડી હોય છે..!!
વાતમાં દમ ખરો પણ એવું કરતા તો નેવાના પાણી મોભે ચડે .. સંદ્રી ડેટર્સ ની અડધી ફીગર્સ પણ જો બેંક બેલેન્સમાં દેખાઈ જાય તો તો શેઠીયાઓ ભરબપોરે ચાલુ બજારે રોડ ઉપર જઈને ગરબા કરે ..મને વનરાવન તે વહાલું રે અમેરિકા નહિ રે જાવું ..!!
પેલો ઇબી-૫ વિઝા આજકાલ હોટ છે અમદાવાદમાં ..નાના નાના તીનપંચુકીયા પણ તપાસ કરતા થઇ ગયા છે.. હેં પાંચ કરોડમાં અમેરિકાના “વીજા” મળે અને એ પણ આખા ઘરના ..? કેવી રીતે મળે? કૈક સલાહ આપો ને .. એજન્ટ ને મળવા જા ભાઈ .. સલાહમાં એટલું જ ..!
ખરું ચાલ્યું છે નહિ .. ભણાવે ગણાવે ઇન્ડિયા અને આગળ વધે કેનેડા ને અમેરિકા..
પઢેગા ઇન્ડિયા ને બઢેગા કેનેડા ..
માલ મિલકત વેચવાની ઇન્ડિયામાંથી અને દા`ડીએ જવાનું અમેરિકામાં ..!!
ઉચાટ છે અહિયાં અને ત્યાં શાંતિ છે..!
ભવિષ્ય સેઈફ લાગે છે ,પોતાનું અને આવનારી પેઢીઓ નું ..અહિયાં અનિશ્ચિતતા..!!
૯૯ ટકા પ્રજા ને બ્રિટીશ ઇંગલીશ નથી આવડતું છતાય લગભગ કાયદા બ્રિટીશ ઇંગલીશમાં છે, સાદી અને સરળ ભાષા હજી પણ થઇ નથી અને એના કારણે મન ફાવે તેવા અર્થઘટન કરી અને ક્યારે કયો અમલદાર કોને આંટીમાં લઇ લેશે એની બીક પ્રજા ને રહ્યા કરે છે..!
સલ્તનતે બ્રતાનીયાના હાકેમો જેવા જ વર્તન હજી પણ જોવા મળી રહ્યા છે .. ૨૦૧૪ પછી કાયદા ઘણા સ્ક્રેપ કર્યા પણ હવે એક ઘરેડમાં પ્રજા ને બાંધી અને હૈયામાંથી ઉચાટ ને દૂર કરવાની જરૂર છે .. કે ભાઈ અને બેન તું “આટલું” કરીશ તો તું સન્માનીય નાગરિક કાલે સવારે એવો કોઈ કાયદો નહિ લાવીએ કે તું ફરી “ચોર” ઠરે ..!!
રૂપિયાવાળા ચોરી કરી ને રૂપિયાવાળા થયા છે એવી સર્વસાધારણ ધારણા ને ભાંગવા નો સમય છે અને વિશ્વાસ ઉભો કરવાનો સમય છે કે તું પણ બે નહિ ચાર પાંદડે થઇ શકીશ..
તારી બુદ્ધિ ચલાવ અને સ્ટાર્ટ અપ ખોલ ,નવા વિચારો ને સ્વીકારવાનો સમય છે..!!
એલન મસ્ક ખૂટે છે દેશમાં ..!!
ચાલો આજે અહિયાં અટકું ..
ફરતા રેહજો ગરબે અને રમતા રેહજો..મારા ભાભી ની જોડે..!! અને ભાભીઓ ભાઈ જાગે નહિ તો ખેંચી ને લઇ જજો .. ના શેનો આવે આજે તું ? પરણી ને આવી છું ત્યાર નો ઊંઘ ઊંઘ કરે છે ,જાગતા તો આખો દિવસ મોબાઈલમાં ચોંટી રહો છો..!
એટલે ભાઈઓ સોશિઅલ મીડિયા ઉપર ચોંટી ના રેહતા હવે બહુ ,ઓછી રાત બાકી રહી છે આ આનંદ ની ..!!
જય અંબે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*