સૌથી પેહલા તો તમારા બધાનો ખુબ ખુબ આભાર..હેપી બર્થ ડે ના સંદેશાનો દિવસભર મારો ચલાવવા બદલ..
સોશિઅલ મીડિયાની આ પોઝીટીવ સાઈડ છે ..!
જો તમારી પાસે વાત, વિચાર અને અભિવ્યક્તિ છે તો દેશ વિદેશના સીમાડા તમને નડતા નથી અને દૂર દૂર તમને તમારા જેવા લોકો મળી રહે છે અને એ પણ પ્રેમ કરવાવાળા..!!
મને ખુબ નાનો હતો ત્યારે મારા જન્મદિવસે જેવી ફીલિંગ મને આવતી હતી એવી ફીલિંગ મને આજે આખો દિવસ રહી છે ..!!
સ્કુલના દિવસોમાં આખો ક્લાસ હેપી બર્થડે કેહવા આવે આજુબાજુ ના ક્લાસના મિત્રો ,આખી સોસાયટી ના કોણ જાણે કેટલા બધા લોકો હેપી બર્થ ડે કહી જાય અને એક હીરો જેવી ફીલિંગ દિવસ આખો તમને આપતો જાય..!!
પણ જયારે એ દિવસો યાદ કરીએ છીએ તો એવું લાગે છે કે જીવન ઘડતરમાં અત્યારે જે લોકો સંપર્કમાં નથી છતાં પણ એમનો કેટલો બધો ફાળો છે..
એક નાનકડી ઘટના ઘટી હતી થોડા સમય પેહલા ,કોઈ કામથી મમ્મી પપ્પા ના દવાખાને હું ગયો હતો ત્યાં સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો એક છોકરો દવા લેવા આવ્યો હતો ..મમ્મી ને કહે દાદી આખો દિવસ માથું દુખ્યા કરે છે દવા આપો , મમ્મી એ પૂછ્યું બીજું કશું થાય છે ? એ જુવાનીયો બોલ્યો ના ..એટલે મમ્મી એ ખખડાવ્યો એમ માથાના દુખાવા ની દવા ના ખાવાની હોય, ટાઈમસર જમી લ્યે બે ટાઈમ અને ચા ઓછી કર એસીડીટી છે..એ બોલ્યો પણ દુકાને બેઠા હોઈએ એટલે ચા તો ચાલ્યા કરે મમ્મી અકળાયા પેહલા ચા પી પી ને એસીડીટી કરવાની અને પછી ઉપરથી દવાઓ ખાવાની ..મમ્મી ને માથાકૂટ કરતી જોઈ એટલે મારી અંદર નો અડધો ડોક્ટર સળવળ્યો મેં કીધું મમ્મી આપને પણ એન્ટાસીડ ,મમ્મી બોલ્યા અરે આ રેખા નો છોકરો છે તને તેડી તેડી ને બહુ ફરતી હતી એકવાર તો તું અને રેખા બંને સીડી ઉપરથી પડ્યા હતા તો પણ એ તને મુકતી નોહતી .. મમ્મી ની આટલી વાત સાંભળી એટલે પેલો છોકરો બોલ્યો તમે શૈશવભાઈ ? મેં કીધું હા ..અરે મમ્મી તમારી એટલી બધી વાતો કરે છે તમે અમારા ઘેર કેમ નથી આવતા ..? એનો માથાનો દુખાવો બંધ થઇ ગયો ..લગભગ દસ મિનીટ વાતો કરી એ છોકરા એ મારા બાળપણ વિષે.. રેખાબેન મારાથી કદાચ દસ બાર વર્ષ મોટા અને મમ્મી કહે છે હું છ મહિના નો હતો ત્યારે મારું બાવીસ પાઉન્ડ વજન હતું ,એટલે કિલોમાં થાય લગભગ દસ કિલો ..હવે બાર વર્ષની નાનકડી છોકરી દસ કિલો નો મારા જેવો ભોટવો તેડી ને કેટલું ફરે એનું ગજું કેટલું ? પછી સીડીએ થી હેઠા જ પડે ને બંને ..
પણ એ જુનો સમય પ્રેમ અને માયા નો હતો ,પારકા ઘેર ખાઈ ને જ મોટા થવાનો હતો ,મોર ,કોયલ ,પોપટ ,ચકલી ,કાબર ,કબુતર કાગડાની ઓળખાણ લોહી સગાઇ થી પણ વધે એવી મોટી બેહનો કરાવતી અને પછી બાર તેર વર્ષના થાવ ત્યારે વધારા ના જ્ઞાન મોટા ભઈઓ આપતા..!
ઘરના વાતાવરણ પ્રમાણે ક્યારે શું જ્ઞાન લેવું કે મુકવું એ આપોઆપ નક્કી થઇ જતું ..
જો કે મધ્યમ વર્ગ નો એ સમય નો ભેગો ભેગો જીવવા સમાજ ધમાલ થાય ત્યારે પથ્થરમારો કરવા સિવાયની બીજી કોઈપણ જેને આપણે ક્રિમીનલ એક્ટીવીટી ની વ્યાખ્યામાં આવે એનાથી તમને બસ્સો ટકા દૂર રાખતો ..
આજે પણ યાદ કરું છું કે કેટલી ભીરુતાથી એ પેઢી જીવી ગઈ ..!! કાંદા લસણ અને બટાકા ખાવાથી પાપ લાગે એવું માનતી અને એનો ચુસ્ત રીતે અમલ કરતી પ્રજા શું ક્રાઈમ કરી કરી ને કરે ? હા એમાંથી થોડાક લોકો ઉંમર થઇ અને પાંખો આવી ત્યારે ફાઇનાન્શીયલ ક્રાઈમ કરી ગયા પણ ફોજદારી ગુન્હો તો ધરાર ના કરે..!!
એ જમાનામાં પણ માણસ ની કિંમત અને પ્રકૃતિ કેવી છે એ ક્યા પ્રકારની વાત કરે છે એના ઉપરથી નક્કી થતી અને આજે પણ જો કરવી હોય તો માણસ ક્યા પ્રકારના મેસેજ ફોરવર્ડ કરે છે એની ઉપરથી નક્કી કરી શકાય છે..
આજ ના મીલેનીયર્સ તો કોઇપણ પોસ્ટ ફોરવર્ડ કરવામાં બહુ જ ધ્યાન રાખે છે અને સાચવે છે એમને ખબર જ છે કે કોઈ આડીઅવળી પોસ્ટ ફોરવર્ડ થઇ તો એની કિંમત નક્કી થઇ જશે .. લોકો એને તરત જ “જજ” કરી લેશે અને આજ ની પ્રજા ને “જજ” નથી થવું ..તું મને જજ કરનારો કોણ ..?
જો કે મારા જેવી હવે ઓફીશીયલ આધેડ માં આવી ગયેલી અમારી પેઢીના ઘણા માટે સોશિઅલ મીડિયા એ હજી ટાઈમ પાસનું રમકડું છે એ સમજવા તૈયાર જ નથી કે આજ ની સોશિઅલ મીડિયાની તમારી ટાઈમ લાઈન એ તમારી પર્સનાલીટી નું દર્પણ છે , તમારા છોકરા છોકરીના મિત્રો પણ તમારી ટાઈમ લાઈન અને ફ્રેન્ડ લીસ્ટ ચેક કરી લ્યે છે અને તમે કેવા અક્કલમઠા કે તેજ અક્ક્ક્લ છો એનો અંદાજ ચોક્કસ બાંધી લ્યે છે..!!
એટલે મારી જેમ જેમની ઉંમર ની આગળ હવે પાંચડો કે એનાથી વધારે લાગેલું છે એ લોકો ફોરવર્ડીંગ જરાક સમજી ને કરો ..ભલે ફેમીલી ગ્રુપ હોય પણ એમાં પણ ઘુસપુસ થતી હોય છે .. પાંખો વાળું છોકરું જન્મ્યું છે અને ઉડતું થઇ ગયું છે એવા વિડીઓ ફેમીલી ગ્રુમમાં પણ મોકલો ત્યારે તમારા છોકરા જ તમને ટપારશે કે આ ફલાણા મુવી નો સીન છે ખોટા ખોટા ફોરવર્ડ ના કરો..!!
સોશિઅલ મીડિયા થકી આજે આખો દિવસ બાળપણ ની એ ફીલિંગ જીવતી થઇ ગઈ , અમેરિકા થી લઈને ઓસ્ટ્રેલીયા સુધીના મિત્રો-પરિવાર એ સતત ચોવીસ કલાક મેસેજીસ મોકલ્યા છે, અને ફોન આવ્યા છે ..ફોન ને એક મિનીટ હાથથી હેઠો મુકવાનું મન થયું નહિ..
સોશિઅલ મીડિયા એ આજ નો દિવસ યાદગાર કરી આપ્યો ..!!
છેલ્લા પાંચેક જન્મદિવસથી સતત એવું થાય છે કે ક્યાં તો સ્મશાન જવાનું થાય અથવા તો બેસણામાં ..
જીવનના પરમ સત્ય નો સામનો જન્મદિવસે જ કરવા નો આવે છે..!
એની વે આપણે તો માનીએ જ છીએ કે જનમ ,મરણ ને પરણ ત્રણે પ્રભુ ને શરણ..
ખુબ ખુબ સર્વે નો આભાર ..પ્રેમ અને આશીર્વાદ વરસાવતા રેહજો ..
અને હા એક બહુ પૂછાતા સવાલ નો જવાબ
લેખક કેમ નહિ બ્લોગર કેમ ?
લેખક ને ફેન્સ હોય ,બ્લોગર ને મિત્રો ..
મારે મિત્રો જોઈએ છે ફેન્સ નહિ ..
ફેન્સ તો આજે ઉપાડે અને કાલે પછાડે ,
પણ મિત્રો ઉપાડે પણ નહિ ,અને પછાડે પણ નહિ ,
જોડે જ રહે જીવનભર ચિંતા થી લઈને છેક ચિતા સુધી..!
મિત્રો ઉપાડે ત્યારે સમજવું કે આ છેલ્લો દિવસ .. મિત્રતા નો કે જીવનનો ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા