આજનો બ્લોગ થોડો લાંબો છે એટલે વોટ્સએપ કે ફેસબુક પર આખો બ્લોગ મુકવો એ ફેસબુક કે વોટ્સએપની મર્યાદાનું ઉલ્લઘન કર્યું કેહવાશે એટલે સમય હોય અને આખો બ્લોગ વાંચવો હોય તો પેહલેથી જ ઉપરની લીંક પર ક્લિક કરીને બ્લોગ પર જતા રેહજો જેથી રસક્ષતિ ના થાય..!
બે દિવસ પેહલા રાત્રે આગિયાર વાગ્યે બ્લોગ લખીને જસ્ટ પોસ્ટીંગ પતાવ્યું,અને મોબાઈલમાં એક નામ દેખાયુ..ફોન લીધો,સીધો હુકમ આવ્યો “બહાર આવો” મારી ટેણીયા ગેંગ(૧૯થી૨૪ વર્ષના હણહણતા તોફાની)મારા ઘરની બહાર આવી ગઈ હતી..
આ નાલાયકોને હમેશા રાત પડ્યે જ દિવસ ઉગે છે,અને તુ એમનો સરદાર..કોના શબ્દો હોય આ?સમજી જાવ ભાઈ..!
આપડે તો જીન્સ,ટીશર્ટ અને ઉપર ઓરીજીનલ ૮૦૦ ડોલરનું અને સેલમાં ૪૦૦ ડોલરમાં ભાઈએ કેનેડાથી લાવી આપેલું લેધર જેકેટ ઠઠાડ્યુ,અને ઉપડ્યા અમદાવાદની ચોકીદારીએ..!
મસ્ત હેવી ચેસ્ટ મારી હતી જીમમાં અને પેટ થોડું ખાલી હતુ,બોડી બિલકુલ જોરદાર પમ્પ હતુ…અને ઠંડી મસ્ત મસ્ત..મને પણ રખડી ખાવાની ઈચ્છા પૂરે પૂરી હતી,મને ગાડીમાં નાખી અને ગેંગ પાછલી બીજી બે ગાડીઓમાં ગોઠવાઈ અને નીકળી..!!
આખી ફુલ્લ સાઈઝની મોટી ગેંગને જોઈને મને હતું કે આજે તો રાતના ત્રણ તો પાક્કા અને ક્યાંક હયાત કે મેરીયટની જાવા+માં જઈને ગાડીઓની બ્રેક વાગશે, પણ એની બદલે એસ.જી. ઉપર સીધી ગ્રાન્ડ ભગવતીવાળા શમ્ભુડા પર બધી ગાડીઓની બ્રેક્સ વાગી..ત્યાં બીજા બે ચાર સુપર બાઈક્સ અને બાઈકરસ હતા..!
મારા પેટમાં ફાળ પડી કે રેસિંગ નો કારસો ગોઠવાયો લાગે છે..એટલે એક આપણા બિલકુલ પાળેલા પોપટને સેહજ સાઈડ પર લઇ ગયો અને પૂછ્યું શું પ્લાન છે બે.? પેલો પોપટ એકદમ માસુમિયતથી બોલ્યો કઈ નહિ ભાઈ,મેં કીધું તો અહિયાં કેમ આવ્યા..? અરે ભાઈ પેલા yyyની બધી ફ્રેન્ડસ ગાંધીનગર હોસ્ટેલમાં છે ને, yyy એ બધીને લઈને આવે છે..મેં આંખો ઝીણી કરીને પૂછ્યું કેટલી છે..? ખબર નહિ .. અને પછી તમે ક્યાં જવાના..?
મારા દિમાગમાં આડાઅવળા વિચારો આવ્યા,કેમકે વીસ પચ્ચીસનું ટોળું અને હું એમાંથી દસ બારને ઓળખું બાકીના નવા ચેહરા અને ગાંધીનગર હોસ્ટેલથી છોકરીઓને લઇને yyy નીકળ્યો છે..!
હવે yyy પાસે તો મોટી એસયુવી, એટલે મને લાગ્યું કે નાખી દેતા આઠદસ ચકલીઓ ભરીને આવશે આ yyy, અને આ તો પેલી રેસિંગ કરતા પણ ખતરનાક સિચ્યુએશન થઇ..મેં મારા પાળેલા પોપટને કીધું એ ચલ અહીંથી સરક..મારો પાળેલો પોપટ મારા જેવો જ ગભરુ, મને કહે ટેન્શન ના લો, તમે મારી કોરોલામાં જ બેસજો મારે બાર વાગે એટલે મોમનો ફોન આવશે જ ,હું તમને ડ્રોપ કરીને નીકળી જઈશ..!મારો શ્વાસ હેઠો બેઠો..
yyy આવ્યો, મારતી એસયુવીએ આવ્યો અને મારા અંદાજ પ્રમાણે એમાં ખરેખર આઠદસ ચકલીઓ હતી એની ગાડીમાં..અને yyyની જોડે એક મારો થોડો બીજો એક પાળેલો ઓળખીતો કાગડો, કાગડો સીધો મારી પાસે આવ્યો આવ્યો અને આજકાલની રૂટીન મેથડ પ્રમાણે કાગડા અને yyy જોડે હગ કરી વોટ્સ અપ, ઓલ ઓકે, લવ યુ થયુ..
ચારે ગાડીઓની આજુબાજુ બધું ગોઠવાયું અને સિગારેટના પેકેટ્સ ખુલ્યા અને રાતની સાડા અગિયાર પોણા બાર વાગ્યાની ઠંડીમાં ધુમાડા ચાલુ થયા..!
યારો શું મોજથી એ yyy જોડે આવેલી છોડીઓ સિગારેટ સળગાવતી અને પીતી હતી..! સેલ્ફીઓ લેવાતી અને કોઈ જ જેન્ડર ડીફરન્સ નહિ..! બિલકુલ રોડ પર જ પાર્ટી માહોલ જામી ગયો..!
વન બાય ટુ કરાવેલી આપણી કોફી આવી, અને મારા ઓળખીતા ટેણીયાઓ જોડે મારા પોપટની કોરલાને ચોંટીને હું ઉભો રહ્યો..સાલો એ પોપટ છટકી જાય તો ક્યાં તો રાતે આ બધી ચકલીઓ જોડે રમારે ખડવું પડે, નહિ તો મારે ઉબેર કરવાના વારા આવે..! અને આપડે તો શીંગડા કાપીને વાછરડા બનેલા છીએ,એટલે આપડી અંદરના સાંઢને રોડ ઉપરના માહોલ ઉપરથી એટલો તો અંદાજ આવી ગયો હતો કે કલાકમાં તો આ બધું yyy ના શીલજના ફાર્મ પર જવાનું અને ગાંધીનગરવાળી બધી વેહલી પરોઢે જ ઘર ભેગી થવાની..!
શમ્ભુની આજુબાજુ પચાસેક ગાડીઓ પાર્ક હતી..પણ અમારી ગાડીઓ થોડી મોટી અને મોંઘી અને છોકરા બધા જીમવાળા,દેખાવે બધા એકદમ હેન્ડસમ પ્લસ સાંજ પડ્યે જ જીમમાંથી નીકળ્યા હોય, એટલે બધાના બોડી મારી જેમ ફુલ્લી પમ્પ હોય ઉપરથી વધારામાં પેલી ગાંધીનગરથી આવેલી ચકલીઓનો કલબલાટ અને બધી ચકલીઓ બિન્દાસ્ત સિગારેટના ધુમાડા કાઢતી એટલે બીજી બધી ગાડીઓના છોકરાઓ સ્વાભાવિક રીતે અમારી ગાડી તરફ જોતા અને આડું જોઈ જતા..!
મેં મારા પોપટને કીધું ચલ ગલ્લે મને એક વિકસ જોઈએ છે..અમે બંને ચાલતા ચાલતા એ હુસ્ન અને જવાનીના મેળામાંથી રસ્તો કરતા કરતા ગલ્લા સુધી આગળ ગયા,બે છોકરી એકટીવા પર ગલ્લે આવી કશું બોલી નહિ, બે પેકેટ સિગારેટ લઈને નીકળી ગઈ..! મેં મારા પોપટને કીધું બે યાર આજકાલની છોકરીઓ સિગારેટ બહુ પીતી થઇ ગઈ લાગે છે..!
મારી સામું જોઇને એ મોઢું વાંકુ કરીને હસ્યો અને બોલ્યો જાણે તમારા જમાનામાં તો કોઈ સિગારેટ પીતું જ નોહતું..!
વાત તો વિચરવા જેવી લાગી મને મારી જ ક્લાસની એક છોકરી યાદ આવી ગઈ જેણે મારી પાસે વિલ્સ જેને કોડવર્ડમાં ચોકડી કેહવાય એ મંગાવતી હતી, અને હું એને લાવી પણ આપતો, મજાની વાત તો એ હતી કે મને એ છોકરીએ જ જ્ઞાન આપ્યું કે ગલ્લે જઈને કેહ્જે કે ચોકડી આપો એટલે આપી દેશે તને..!
મારો ગલ્લાનો કોઈ છોકરી માટે સિગારેટ લાવવાનો પેહલો એક્સપીરીયંસ..! મેં તરત જ મારા પોપટ જોડે શેર કર્યું કે યાર અમારા જમાનામાં અમે છોકરીઓને સિગારેટ લાવી આપતા પણ આ તો બિન્દાસ્ત ગલ્લે ઉભા રહીને..પોપટ કંટાળાથી બોલ્યો યાર તમે નાઈનટીન્સ ની વાતો કરો છો, હવે ની છોકરીઓ એટલી તો આગળ આવે ને..! અને હા ભાઈ તમે તમારા “ચિઠ્ઠા” ના ખોલશો અત્યારે..!
વાત તો સાચી હતી એ બાવીસ વર્ષના પોપટને એના જન્મ પેહલાના મારા “ચિઠ્ઠા”માં રસ ના જ હોય,
પણ સિગારેટના ધુમાડાથી શિયાળાની મેહ્કતી મઘમઘતી રાતમાં હજી હમણાં જ આંખો ખુલી હોય એવા નાના નાના ઉછળતા કુદતા જવાનીના મેળામાં મારું મન ક્યાંક વિચારે ચડી ગયું..!
આ આજકાલની છોકરીઓ સિગારેટના રવાડે કેમ ચડી ગઈ છે..? મારા જમાનામાં પણ છોકરીઓ સિગારેટ પીતી,અને મારા પપ્પાના જમાનામાં પણ છોકરીઓ સિગારેટ પીતી..પણ આજકાલ થોડું વધી નથી ગયું..?
ક્યાંક કઈ ખોટું થયું છે કે જેથી બધું વધી ગયું..? મારા મનમાં મેં મારો ચિઠ્ઠો ખોલ્યો મારા જમાનાની છોકરીઓ સિગારેટ ફક્ત અને ફક્ત ક્રાઈમ કર્યાનો આનંદ લેવા કે પોતે છોકરા જેવી જ છે, અને બહુ બહુ તો ખરેખર મોજ કરવા સ્મોકિંગ કરતી, અને એમાં પણ મને ગલ્લે મોકલનારી છોકરીએ ત્રણ ચાર મહિનામાં તો મારી સામે સ્મોકિંગ કરવાનુ છોડી દીધુ..એ મને સિગારેટ ઓફર કરતી અને હું હમેશા ના પાડતો,મને સામુ એક સ્ટેટમેન્ટ આવતુ, મર્દને કોઈને કોઈ વ્યસન તો હોય જ, અને હું એને જવાબ આપતો, (ત્યારે હેશ ટેગ નોહતું ચાલતું સ્ટાર ચાલતો *ફુદરડી ) હું હમેશા એના સ્ટેટમેન્ટની પેહલા સ્ટાર * લગાવતો, “નબળા” મનના મર્દ ને કોઈ ને કોઈ વ્યસન હોય, અને એ મારી સામે આંખો નચાવતી બોલતી અચ્છા..! અને એની નાચતી આંખોનો જવાબ પણ હું આપતો, તું જે વિચારી રહી છે એને હું વ્યસન નથી ગણાતો એટલે તારા ઇન્વીટેશનને હું ના નહિ પાડુ.. અને હાથમાં જે હોય તે છુટ્ટું મારા તરફ ફેંકવામાં આવતું..! હલકટ તમે છોકરાની જાત બસ એક જ વાત, આખરે અમે વિજાતીય મિત્રો હતા..! એ ખાલીને ખાલી શોખથી સ્મોકિંગ કરતી..!
મને મારા પોપટે ખભેથી પકડીને હલાવ્યો એ હલો.. લૌટ આઓ..! મોમનો ફોન આવ્યો છે બાર વાગી ગયા ચાલો,અમે દસેક મિનીટ બધાને બાય બાય, હગ આપી અને ફરી લવ યુ લવ યુ કરતા છુટા પડ્યા, હું એની કોરોલામાં ગોઠવાયો જોડે પેલો yyy ની જોડે ગાંધીનગર ગયેલો એ કાગડો પણ આવ્યો,રસ્તામાં એને એના ઘેર નાખવાનો હતો..શ્મ્ભુડેથી હજી પકવાન ચાર રસ્તા પોહ્ચ્યા અને મારા પોપટે કાગડાને કીધું આ શૈશવભાઈ પૂછે કે આજકાલની છોકરીઓ કેમ સ્મોક વધારે કરે છે..? પેલો કાગડો બોલ્યો સહી બાત હૈ.. પ્રેશર કિતના હોતા હૈ ઉનકે ઉપર, ઔર ઉપર સે ઉન લોગો કો સંભાલનેવાળા ભી યહાં કોઈ નહિ હૈ, તો ફિર સ્મોકિગ ઔર દારુ હી બચાના.. ઉનકે લિયે, કિસી કિસી કો ઔર થોડા ઝ્યાદા એન્જોય કરના હૈ તો yyy જેસે લોગ વો પકડ લેતી હૈ,આજ yyy ઉનકો ફાર્મ પે લે જાકે એન્જોય કરવાયેંગે ઔર પાર્ટી કરેંગે..મેં કાગડાને પૂછ્યું તું કયું નહિ ગયા પાર્ટીમેં ..કાગડો બોલ્યો અરે નહિ રોજ રોજ નહિ જાતા મૈ, કલ હી તો ગયા થા..! મને એને ખોતરવાનું મન થયું મેં મારા પોપટને કીધું પાલડી ચાર રસ્તા લઈ લે મસ્કાબન ખાવો છે..પોપટ ઉછળ્યો અરે મારા ઘરે.. મેં કીધું લવ યુ યાર લઇ લે ને..તમે બી શૈશવભાઈ મને મરાવશો એણે કીધું,અને ચુપચાપ કોરોલા પાલડી તરફ વાળી..મેં કાગડા જોડે ચાલુ કર્યું ..ક્યા કિયા પાર્ટીમેં કલ..? મારો પોપટ અકળાયેલો હતો શું ક્યા કિયા કિયા કરો છો?હજારવાર કીધું ચાલો પાર્ટીમાં પણ તમારે તો ભાભીથી તમારી ફ…પડે છે,અને અમારી સ્ટોરીઓ સાંભળવી છે..! મેં કીધું બંધ થાને..ગાડી ચલાવતો પોપટ બોલ્યો બોલ..બે એ કૌએ બોલ, હવે આ તને આખો ખંખેરશે નહિ ત્યાં સુધી નહિ છોડે..અને ફટાફટ બોલ મારે મોડું થાય છે..મારો બાપો સવારે મારી ..xxx , મેં પોપટને ઇગ્નોર કર્યો મેં કાગડાને પૂછ્યું આ બધી ને કોઈ હોસ્ટેલમાં કે એમના ઘરમાં કોઈ રોક્નાર નથી?આખી આખી રાત ઘરની બહાર રહે છે.. કાગડો બોલ્યો દેખો ભાઈ ઇનકે માબાપ સબ અપની અપની દુનિયામેં મસ્ત હૈ ઔર હોસ્ટેલમેં yyy ઇતને રૂપિયે ખર્ચ કરતા હૈ કી કોઈ બોલનેવાલા નહિ હૈ..પોપટ બોલ્યો સ્મોકિંગની વાત કરને.. કાગડો બોલ્યો સ્મોકિંગ થોડીના બડી બાત હૈ,હમ લોગ જૈસે સ્મોક કરતે હૈ વૈસે વો લોગ ભી કરતી હૈ ઉસમેં કોનસી ઝ્યાદા સોચને કી બાત હૈ..?મેં કીધું એમના માંબાપને ખબર છે..? કાગડો બોલ્યો મેરે બાપ કો ભી કહાં પતા હૈ..? દેખો ભૈયા આપ બહોત ઝ્યાદા સેન્સીટીવ મત હો યે સબ અબ નોર્મલ હૈ, મૈને ભી માંબાપ કો બોલા હૈ કી પ્રોજેક્ટ હૈ ઇસીલીએ કલ રાત કો ઘર સે બહાર થા, ઔર આજ ભી લેઇટ હોગા ઔર જબ ભી મેરે કપડો મેં સે સ્મેલ આતી હૈ તો મૈ બોલ દેતા હું કી મેરે દોસ્ત લોગ પીતે હૈ ઔર બંધ ગાડીમેં તો કપડોમેં સ્મેલ તો ઘૂસ જાતી હૈ..!
એકદમ સાહજિક અને નિર્દોષતા, કોઈ જ અપરાધભાવ નહિ બસ હું સવાલ પૂછતો ગયો અને એ જવાબ આપતો ગયો રાતના અઢી થઇ ગયા..એક જ વાત નીકળીને આવતી હતી અમારી જનરેશન પર પ્રેશર બહુ છે અને પ્રેશર રીલીઝ કરનાર કે સધિયારો આપવાવાળુ કોઈ નથી,માંબાપની પોતાની જિંદગી કમાવવામાંથી બહાર નથી આવતા, એમની સવાર અને સાંજ ક્યા થાય છે એની એમને ખુદને ખબર નથી દિવસના દસ વોટ્સએપ અને પાંચ ફોન કોલેજ અને હોસ્ટેલની ફી ભરીને માંબાપની જવાબદારી પૂરી થાય છે..!
સાચી વાત લાગી મને ..આજ ની નવી પેઢી આજે ભયંકર એકલી અટૂલી છે ભરી દુનિયામાં ન્યુક્લીયર ફેમીલીના કન્સેપ્ટ એ દાટ વળ્યો છે, આજે વ્યસન છે ,મોજ મસ્તી છે અને એના પછી એમની પાસે કઈ નથી, માટે એમને કાલે સો ટકા સાયક્યાટ્રીસ્ટ પાસે જવાના દિવસો આવશે..
મારા સંતાનોની ઉંમરના ટેણીયા મારી સાથે દોસ્તી કરે છે,પણ છેલ્લે તો દોસ્તી નહિ પણ એ લોકો મારી પાસેથી હુંફ શોધતા હોય છે, જે કદાચ મારાથી બે પાંચ વર્ષ મોટા એમના માતાપિતા નથી આપી શક્યા, એક સરદાર છોકરો લગભગ વીસેક વર્ષનો છે અને ઘણી બધીવાર જીમમાં મને આવીને ચોંટે છે અને બોલે છે અંકલ આપ મેરે પાપા કયો નહિ હો..પ્લીઝ મેરે પાપા બનજાઓ ના..! એકદમ દયામણી આંખે ,મારી સામે જોવે છે અને હું મજાકમાં આખી વાત ઉડાવી દઉં છું..
વાંક નવી પેઢીનો નથી, અમારી જૂની પેઢીનો જ છે, અમે સમય નથી આપી શકતા, એ સરદાર છોકરાને એના બાપ સાથે રમવું છે જીમ કરવું છે અને એના બાપે એને બિલકુલ સમય નથી આપતો, કે નથી આપ્યો,
અમારી પેઢીની મહત્વકાન્ક્ષા ખુબ વધી ગઈ દુનિયાભરની લોનો લીધી અને બાળકોને દુનિયાભરની ખુશી ખરીદીને આપવા ગયા, એટલો બધો છાંયડો ધરી દીધો કે તડકો શું એની ખબર નથી, મને જે નથી મળ્યું એ મારે મારા સંતાનને આપવું છે, સારામાં સારી રીતે મારે મારા સંતાનને ઉછેરવું છે અને એ લાહ્યમાં એક કે બે છોકરા માંડ માંડ થવા દીધા, ભાઈ બેહનનો ઝઘડો અને ઝઘડા પછીનો પ્રેમ, દસ વખત ના પાડે પપ્પા, અને મમ્મી એમને મનાવે અને પછી જે વસ્તુ મળે એનો આનંદ આ પેઢીને ખબર નથી,એમના માટે એમના મિત્રો અને એમનો ફોન જ સર્વસ્વ છે..!
કાચી ઉમર અને એના સપના,વ્યસનો ક્યારે એમને જકડીને પકડી લે એની ખબર જ નથી પડતી,ઘણા કેસમાં માંબાપ એડલ્ટ દીકરા કે દીકરીની સામે બેસીને દારૂ સિગારેટ અને લુઝ ટોક કરે, અને છોકરા છોકરી પછી એ બધું પ્રેક્ટીકલી કરે.. રૂપિયાની કમી નથી એ લોકો અને રૂપિયાની ભયંકર કમી છે એ લોકો પણ બસ ખાલી મોજ મજા અને પાર્ટી, અને એના બદલામાં શું ખોવે છે એની ખબર કે પરવા બિલકુલ જ નથી.!
માવરુઓ કેહતી થઇ કે દીકરીને રોકવી એના કરતા પ્રીકોશન કેવી રીતે લેવાના એ શીખવાડવું વધારે સારું, આપણા રોકે ક્યાં સુધી રોકાશે..? એના કરતા સમજણ આપડે જ આપી દેવી જેથી ક્યાય ખોટી ભરાઈના જાય..!
મારો કાગડો ગાડીમાં બેઠો બેઠો આગળ બોલ્યો ક્યા જાનના હૈ ભૈયા આપકો બોલો..? મેં કીધું કઈ નહિ છોડ ભાઈ મને ઘેર ઉતાર..
મારા વગર કીધે કાગડો બોલતો ગયો ભૈયા યે દુનિયા આપકી નહિ હૈ,આપ ભલે હમારે સાથ ઘૂમ લો, લેકિન અગર હમારે જૈસે કાંડ આપને કર લિયેના તો બહોત હી ગીલ્ટ આયેગા આપકો..ઔર હમ લોગો કે લીયી તો યે સબ પાર્ટ ઓફ લાઈફ હૈ..
મેં કીધું આપકી જનરેશન પૂરી ઐસી હૈ..? અરે નહિ નહિ ભાઈ એસા નહિ હૈ, બટ ઉસમેં ક્યાં હૈ ચાન્સ સબ કો નહિ મિલતા બસ મૌકે કી બાત હોતી હૈ..આપ મેરી બાત કો સમજો જીસકો ચાન્સ મિલા વો મસ્તી માર લેગા..
હું મૌન થઇ ગયો મારી મુઠ્ઠી માટી રેતી સરી ગઈ છે,હું બચી ગયો છું પણ આ લોકો માટે, સ્મોકિંગ દારુ અને શરીર ફક્ત અને ફકત આટલા જ રસ્તા છે એમને હવે એન્ટરટેઈન થવાના..!
લાગણીઓ મારી પરવારી છે લવ યુ શબ્દ અર્થ વિનાનો થઇ ગયો છે..!
મારું ઘર આવ્યું રાતના અઢી થયા હતા..હું કોરોલામાંથી ઉતર્યો મારા પોપટે મારા મોઢા પર કૈક વાંચી લીધું ગાડી બંધ કરી અને બહાર આવ્યો અને મને ભેટી પડ્યો મેં કીધું અલ્યા શું છે..? એણે મારી સામે આંખમાં આંખ નાખી ને જોયુ અને મને લાગ્યું એને કૈક કેહવું છે..મેં એના માથે હાથ ફેરવ્યો મેં કીધું બોલ તારે કઈ કેહવુ છે..? એ બોલ્યો હા હું પણ હમણા એક જોડે બે નાઈટ ઉદેપુર જઈ આવ્યો..કાગડો ગાડીમાંથી બહાર આવ્યો અને મારા ખભે હાથ મૂકી ને બોલ્યો ભૈયા કયું લોડ લેતે હો સબકા આપ..? છોડોના આપભી એન્જોય કરો ના..!
મેં મારી આંખો બંધ કરીને ને નિસાસો નાખી મેં ખોલી હા યાર સહી બાત હૈ..! મારા જેવો ગભરુ પોપટ..બે નાઈટ ઉદેપુર..!
લેધર જેકેટની ચેઈન બંધ કરી અને મેં કીધું ચલો ગાયસ ગુડ નાઈટ સ્લીપ ટાઈટ..!
કોરોલા સડસડાટ આગળ નીકળી ગઈ..
શુભ રાત્રી
શૈશવ વોરા