મિત્ર દેવાંગ છાયાની વોલ એવું કહે છે કે વોકમેન ને ચાલીસ વર્ષ પુરા થયા..
ઓહોહો ..ઘણી બધી યાદો જોડાયેલી છે,
આજે સાંજે અમે જીમમાં થી સ્વચલિત નિસરણી દ્વારા નીચે મોલમાં ઉતર્યા ,અને `બોસ`ના સ્ટોરમાં અમે `ઘરી` ગયા..
ઓહ માય માય માય..!!
એક જબરજસ્ત પ્રોડક્ટ હાથમાં લાગી બોસ ના સનગ્લાસીસ વિથ સાઉન્ડ ટ્રેક..!!
અપુન કા ફોટો રખ્ખેલા હૈ બ્લોગ પે .!
ગોગલ્સમાં બોસના નાના નાના પણ રાઈ ના દાણા જેવા સ્પીકર્સ…!
અને હાય હાય ..બોસની પ્રોડક્ટ ,પછી તો પૂછવાનું જ શું ..?
પૂરા એકવીસ હજાર નવસો રૂપિયાની પ્રોડક્ટ છે..!!
જો કે આજકાલ કોઈ મોટી ચશ્માંની દુકાનમાં ઘૂસો તો પચીસ ત્રીસ હજાર ચશ્માંમાં તોડી લેતા દુકાનવાળા જરાય શરમાતા નથી, તો પછી આ તો `બોસ` છે ..!
અને ગોગલ્સની જોડે અલ્ટીમેટ સાઉન્ડ ઈફેક્ટ વાળી પ્રોડક્ટ આપે છે..!!
ખરેખર બાપુડી `બાપ` પ્રોડક્ટ છે..શું સરાઉન્ડ ઈફેક્ટ ..,
વોઈસ કલેરીટી તો `બોસ` છે એટલે કેહવાનું જ ના હોય ,અને અમે જઈએ એટલે પેલા સેલ્સવાળા ભાઈનું અંગ્રેજી ધડિમ..ધડીમ બંધ કરાવીએ અને શુદ્ધ શાસ્ત્રીય ભીમપલાસ વગાડીને `ચેક` કરીએ..
વોલેટ લીધા વિના ગયા હતા એટલે `તફ્મ` માં જ આનંદ લેવાનો હતો પછી અમદાવાદી જીવડો પાછો પડે એમાં ..?!! પચ્ચીસ ત્રીસ મિનીટ સુધી ટ્રેક બદલી બદલી ને સાંભળ્યું..!
અરે મજા તો ત્યાં આવી કે સેલ્સ પર્સન કહે સર સ્ટોરની બાહર મોલમાં જઈને સાંભળો..
મેં કીધું અલ્યા જો જે હો બોલતા બોલ્યો છે ..આ તારા ગોગલ્સ પેહરીને પાછો આવું પણ ખરો અને ના પણ આવું હો ..આનો અવાજ સાંભળતા એવું લાગે છે તારી નોકરીનું જોખમ છે..!!
પણ સ્ટોરની બાહર આવી અને મોલના કોલાહલમાં પણ એટલી જ ક્લીયર ઈફેક્ટ..!!
મારું હહારું પેહલીવાર ચશ્માં, સોરી ગોગલ્સમાં સ્પીકર દીઠાં, ફરી એકવાર સોરી ,ગોગલ્સમાં સ્પીકર સાંભળ્યા ..
ના કરે એટલું ઓછું છે આ દુનિયા..!
આવી જ રીતે અમને બોસની એક બીજી પ્રોડક્ટ ઉપર દિલ આવી ગયું હતું , નોઈસ કેન્સલેશન હેડફોન..!
કેરલામાં પૂર આવ્યું ત્યારે મોદી સાહેબ હવાઈ સર્વે કરવા હેલીકોપ્ટરમાં ગયા હતા અને ત્યારે એમને બોસના નોઈસ કેન્સલેશનવાળા હેડફોન પેહરાવવામાં આવ્યા હતા, અને ટીવી ઉપર અમે એ જોઈ ગયા હતા અને બીજા દિવસે તરત જ અમે ત્યાં સ્ટોરમાં પોહચી ગયા અને સીધું જ કીધું કાલે પેહરાવ્યા હતા ને એ આપો..!!
નોઈસ કેન્સલેશન હેડફોન પણ ગજબ પ્રોડક્ટ છે અને એરક્રાફ્ટમાં તો અત્યંત આશીર્વાદરૂપ છે, લગભગ માનસિક થાક ને ઝીરો કરી મુકે છે..!!
કેવી મજાની દુનિયા કરી મૂકી છે નહિ આવી નવી નવી શોધો એ ..!!
થાળી વાજું ,ટેપરેકોર્ડર ,સીડી પ્લેયર , આઈપોડ ,એમપી ૩ પ્લેયર થી લઈને મોબાઈલ અને લેટેસ્ટ ગોગલ્સમાં હેડફોન ..!!
મુઆ ટીવી જોડે લાગેલા હોમથિયેટર ની તો વાત થાય તેમ નથી..!!
જો કે આજકાલના નવા ટ્રેન્ડ પ્રમાણે થોડાક સાઈઝેબલ મોટા ઘરમાં ધાબામાં કે ભોયરાંમાં હોમથિયેટર લગભગ બનાવી ને મુકવામાં આવે છે,
એક મોટ્ટો સ્ક્રીન અને પ્રોજેક્ટર મૂકી અને એની જોડે તાતા સ્કાય કે બીજું કઈ લગાડીને જોવાની વાત હોય છે, પણ સાચ્ચી વાત કહું ટીવી ની જગ્યા ક્યારેય એ હોમથીયેટર લઇ શકતું નથી..!
મોટાભાગના ઘરોમાં હોમથીયેટર એ બાથટબ અને સ્વીમીંગપુલ જેવું હોય છે..!!
જેનાં ઘરમાં બાથટબ નાખેલા છે એને પૂછો કે વર્ષમાં કેટલીવાર બાથટબમાં પડ્યો ભઈલા ..? અને સ્વીમીંગપુલવાળા ને પણ આવો સવાલ પૂછો તો ..
જવાબ આવશે કે નવું નવું હતું ત્યારે બે ચાર વાર ,પછી તો `સદી`ઓથી એમનેમ પડી રહ્યા છે..
બિલકુલ એવું હોમથિયેટર નું થાય છે નવું નવું હોય ત્યાં સુધી જોવાય અને પછી બૈરા છોકરાં બુમ મારે તમે આ ઘરમાં હોમથિયેટર કર્યા તે હવે જિંદગીમાં થીયેટરમાં પિક્ચર જોવા જવાનું જ નહિ..!!??
અને પછી હોશે હોશે પ્રોજેક્ટર લાવી અને હોમથીયેટર બનાવનારા માલિક ને થાય કે અરે રે શું કરવા આ બધા `ધખારા` કર્યા ..?
શું વિચારો છો..?
હા ભાઈ ઘાયલની ગત છે..બાથટબ તોડાવી અને ફેંકવાના રૂપિયા આપ્યા છે, અને હોમથીયેટર છેલ્લા દોઢ એક વર્ષ થી ફક્ત સાફસૂફી કરવા ખુલે છે..!!!
એટલે કોઈ ને ચસ્કો હોય તો સેહજ ખમી ખાજો ..!!
નહિ તો રૂપિયાના આંધણ થશે, અને થીયેટરમાં તો જવું પડશે એટલે જવું `જ `પડશે..!!
જો કે બોસ જેટલી જ સારી મ્યુઝીકની સિસ્ટમો આજકાલ હર્મન કાર્ડન આપી રહ્યું છે..
વચ્ચે એક ચતુશ્ચ્કરી વાહન લેવું હતું ,અને ત્યારે પેલી તાતા ની નેક્સોન ને નવો નવો સેફટી એવોર્ડ મળ્યો હતો ત્યારે અમે એ ગાડીનો ટ્રાયલ લેવા પોહચી ગયા હતા અને આશ્ચર્યની વચ્ચે તેમાં સ્પીકર્સ હર્મન કાર્ડનના હતા..!!
દિલ બાગ બાગ થઇ ગયું હતું..!
સારું પ્લેયર અને સ્પીકર હોય ને તો એ સંગીત સાંભળવાની મજા અનેક ગણી વધારી ને મૂકી દે છે બિલકુલ એવી જ રીતે કે અમુક લોકોના ફોટોગ્રાફ્સ જરાય અને ક્યારેય સારા ના આવતા હોય પણ જો કોઈ સારો ફોટોગ્રાફર હોય તો એવા એંગલથી ફોટા પડે કે એકદમ પોપટિયા નાક વાળી પણ નમણી નાગરવેલ લાગે ,,!!
સંગીત સાંભળવામાં પણ એવું જ છે લાઉડનેસ કરતા સાઉન્ડની કલેરીટી મળે તો ઓરીજીનલ ગાયકે ગાયું હોય તેના કરતા પણ વધારે સારું સાંભળવામાં લાગે..!!
આજકાલ ટીવી માટેના સાઉન્ડબાર સારા નીકળ્યા છે, ટીવીની નીચે વોલમાઉન્ટ પણ થઇ જાય અને ઈફેક્ટ પણ લગભગ હોમથિયેટરની આપી દેતા હોય છે ..
એટલે સેહજ વધારે રૂપિયા ખર્ચી અને સારી કંપની નો સાઉન્ડબાર ટીવીનો જોડે લગાડી દઈએ ને તો પેલી બધી સંગીતની કોમ્પિટિશનને માણવાની મોજ આવે છે..!
બીજી ઘણી બધી કંપનીઓ અપર સેગ્મેન્ટમાં છે પણ હવે પછેડી જેટલી સોડ તાણવી ..
અને લોઅર સેગ્મેન્ટ પણ કઈ સાવ કાઢી નાખવા જેવો તો આજકાલ નથી જ આવતો..
એક જમાનામાં અમે કાર સ્પીકરને કાઢી ઘરમાં ટીવી જોડે કનેક્ટ કરી અને એ સ્પીકર્સને માટલામાં ઉતારી અને હોમથીયેટરની ઈફેક્ટ મેળવતા..!
એટલે અત્યારે અમારા માતૃશ્રી કહે છે તેમ છત ના ચાળા છે બધા ,બાકી વળી ટીવીના અવાજ પણ કઈ ખોટા નથી..
વાત તો બસ્સો ટકા સાચી ભાઈ ..
છત ના ચાળા ને અછતના ઉછાળા..!!
ચાલો આપનો દિન શુભ રહે અમેરિકાવાલો
અને ઇન્ડિયાવાલો શુભ રાત્રી ..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*