એક સરસ સમાચાર વાંચ્યા ગઈકાલે..ગંગાની સહાયક એવી એક સોણ નદીના પૂરના પાણી ઓસર્યા અને ઐતિહાસિક ઇસવીસન પૂર્વે ત્રીજી સદીમાં બનેલો ગ્રાન્ડ ટ્રંક રોડનો એક ભાગ બહાર આવ્યો..!
કઈ કેટલીએ વાર આ ગ્રાંડ ટ્રંક રોડ પરથી પસાર થયો હોઈશ પણ એનું નામ મને ખબર નોહતી..
દિલ્લીથી ચંડીગઢનો રોડ આ ગ્રાંડ ટ્રંક રોડનો એક ભાગ છે, દિલ્લીથી ચંડીગઢ જતા સોનેપત,પાનીપત.કરનાલ,કુરુક્ષેત્ર રસ્તામાં લગભગ દરેક જગ્યાએ શેહનશાહ શેરશાહ સૂરી દ્વારા બનાવડાવેલા નાના નાના મીનાર (ત્રિકોણ મીનાર લગભગ દસ થી લઈને ત્રીસેક ફૂટ ઊંચા હોય છે) જોવા મળતા અને એમાં કોઈ કોઈક તૂટેલા મીનારની ઇંટો જોઇને એટલી તો ચોક્કસ ખબર પડી જતી કે અંગ્રેજ સલ્તનતની પેહલાનું બાંધકામ છે,અને આજે ગ્રાંડ ટ્રંક રોડની ડીટેઇલ લેવા માટે વીકીપીડીયા ખોલ્યુ ત્યારે રોમાંચ ડબલ થઈ ગયો, કેમકે હું સાચો પુરવાર થયો દિલ્લીથી ચંડીગઢ જતા રસ્તામાં ઘણી બધી જગ્યાએ દેખાતા એ મીનાર શેરશાહ સૂરી એ બનાવડાવેલા અને ત્યાં એ જમાનામાં પાણી અને વિસામાની (સરાઈ)વ્યવસ્થા રેહતી..!!
ગ્રાંડ ટ્રંક રોડ લગભગ ૨૪૦૦ કિલોમીટર લાંબો રોડ હતો,શરુ થતો ખૈબરઘાટથી અને પૂરો થતો ચિત્તાગોંગ..આજે પણ ચાર દેશમાંથી પસાર થાય છે આ રોડ..!
૨૦૧૨માં મેં મારા જીવનમાં એક “મહાન ભૂલ” કરેલી, નૈનીતાલ અને કોર્બેટની ટ્રીપ કરી હતી અને ત્યારે નૈનીતાલથી બાય રોડ આગ્રા આવેલો..
બાપ રે બાપ આખું ઉત્તર પ્રદેશ વીંધીને આગ્રા આવ્યો હતો, ગુગલ મેપ એ મને ભરાવી દીધો હતો,
જે ગામોના નામ ખાલી અને ખાલી ઓલ ઇન્ડીયા રેડિયામાં સાંભળ્યા હતા, એવા એવા ગામોમાંથી ગાડી કાઢી હતી,, મારી ગાડીનો ડ્રાઈવર પાકો યુપીનો પંડિત હતો અને ત્યારે ૨૦૧૨માં યુપીની પરિસ્થિતિ ભયાનક હતી..એક સમયે એણે કાચ ઉપર દુપટ્ટા ઢંકાવી દીધા હતા..
ચારેબાજુ વસ્તી વસ્તી અને લગભગ બધી લુખ્ખા વસ્તી..ત્યારે ડ્રાઈવરને મેં પૂછ્યુ કે આ જેને તમે હાઈવે કહો છો એ તો નાલી રોડ છે પંડિત..!
ત્યારે એનો જવાબ હતો સરજી ઐસા હૈ કી પૂરે ઉત્તર ભારત મેં જો ભી રોડ હૈ વો સદીઓ પુરાને હૈ વહી બાદશાહો ઔર નવાબો કે ઝમાને કે રોડ હૈ, ઉસીકો થોડા બહોત યહાં વહાં ચૌડા કરકે આજભી ઇસ્તેમાલ કર રહે હૈ..!
અને ત્યારે મારા મગજમાં બત્તી ઝબકી હતી કે આખા હિન્દુસ્તાનમાં જે કોઈ મોટા મોટા હાઈવે કે રોડ છે એમાના મોટાભાગના હાઈવે તો સદીઓથી જે પરંપરાગત રોડ પર આપડા પૂર્વજો જેના પર આવતા જતા અને સફર કરતા એ જ રોડ પર આપડે જઈએ છીએ અને “સફર” કરીએ છીએ, આપણે તો સુધારામાં ખાલી ડામર પાથર્યો અને રસ્તાની પોહળાઈ વધારી અને જેમ જેમ શેહરો મોટા થતા ગયા તેમ તેમ દરેક શેહરને ફરતે રીંગ રોડ બનાવીને બાયપાસ આપતા ગયા..!
જેને આપડે બિલકુલ નવા જ રોડ કહીએ કે જેમાં ખેતરો કે ગામોની જમીન કબજે લઈને સંપૂર્ણ રીતે નવો રોડ પાડવાનો એ તો છેક રાજીવ ગાંધીના જમાનામાં નકશામાં આવ્યા, અને એ પ્લાનિંગને હજી પણ જમીન પર લાવવાની ગડમથલ ચાલી રહી છે..!
ગ્રાંડ ટ્રંક રોડ જેનુ ઈસા પૂર્વે ત્રીજી સદીનું અસ્તિત્વ પુરવાર થયેલું છે એનું એ જમાનામાં નામ “ઉત્તર પથ” હતુ અને એ છેક ખૈબર ઘાટથી શરુ થતો, અને ત્યાંથી ઉત્તર ભારતના દરેક જમાનાના મહત્વના શેહરોને કવર કરતો કરતો આગળ વધતો હતો આ જ રોડ થકી હિન્દુસ્તાન મધ્ય એશિયા જોડે જોડાતું હતુ..
ચંદ્રગુપ્ત મૌર્યએ એ જમાનામાં આ રોડના રખ રખાવ માટે કોન્ટ્રકટ આપેલા હતા..!
ત્યારે આ ગ્રાંડ ટ્રંક રોડ પુરષપુર(પેશાવર), તક્ષશિલા, હસ્તિનાપુર, કનૌજ, પ્રયાગ, પાટલીપુત્ર અને તામ્રલિપ્ત ને જોડતો હતો, મૌર્ય સામ્રાજ્ય એ ગ્રાંડ ટ્રંક રોડને વિસ્તાર્યો હતો..
ટોટલ ૨૪૦૦ કિલોમીટર લાંબો રોડ ગુપ્તકાળમાં હાથી ઘોડા ગધેડા અને ખચ્ચર નામના વેહીકલ્સ માટે બનાવ્યો હતો..!
અત્યારે નામ લો તે ફેસેલીટી હાજર છે છતાં પણ ગડકરી સાહેબને મોઢે નવા હાઈવે બનાવતા ફીણ પડી ગયા છે..! અને સરકાર તરફથી હાઈવે ઉપર ફેસેલીટીના નામે ઝીરો સગવડ છે દરેક સરકાર ડામર અને કાર્પેટીંગ કરતા જ હાંફી જાય છે ત્યાં વિસામો કે સરાઈ જેવી સરકારી ફેસેલીટી જેવી વાત ક્યાં કરવી..? પ્રાઈવેટ ધાબા જોઈએ તેટલા મળે..
મૌર્યકાળ પછી અફઘાની રાજા શેરશાહ એ આ ગ્રાંડ ટ્રંક રોડને સડક – એ –આઝમ નામ આપીને ખૈબર(અફઘાનિસ્તાન)થી ચાલુ કરીને ચિત્તાગોંગ (બાંગ્લાદેશ) સુધી ખેંચ્યો અને બંગાળની ખાડી સુધીના બંદરોનો એક્સેસ મેળવ્યો..
આજે પણ જોવા જાવ તો એ ૨૪૦૦ કિલોમીટરના રોડની સો કિલોમીટર ઉત્તર અને સો કિલોમીટર દક્ષિણ એમ કુલ ૨૦૦*૨૪૦૦ કિલોમીટર કરો તો ૪,૮૦,૦૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ઓછામાં ઓછી ઉપમહાદ્વીપની ચાલીસ ટકાથી વધારે વસ્તી વસી રહી છે..! સો કરોડ એ આંકડો પોહચે..!
ભારતના જુના રૂટમાં બીજુ નામ પડે સિલ્ક રૂટનું,અને દરિયાઈ માર્ગો જેમાં પોર્ટુગીઝ એ શોધેલો રૂટ આવે,પણ પાંચેક હજાર વર્ષ જૂની હડપ્પા ના અવશેષો, બગદાદની બેબીલોનના અવશેષો અને ઈજીપ્ત મિસરના અવશેષોમાં અમુક અમુક જગ્યાએ ઘણી બધી સમાનતા મળે છે,એટલે એ સમયગાળામાં પણ ધોલેરાથી આફ્રિકા સુધીના દરિયાઈ રૂટ વાયા ગલ્ફ અને મિડલ ઇસ્ટ ડેવલપ કર્યા હશે અને ઓપરેશનલ પણ હશે..
બેક ટુ સરફેસ..મજાની વાત તો એ છે કે જયપુર-આગ્રા રૂટ પર રાજા માનસિંગ અને અકબર હાથી-ઘોડા દોડાવતા એ જ રોડ અને રૂટ પર આજે પણ આપણે ખટારા અને ગાડીઓ દોડાવીએ છીએ..!
ગ્રાંડ ટ્રંક રોડ પર અંબાલા થી આગળ વધીએ એટલે લાહોરના પાટિયા આવતા જાય અને મારા જેવાને ચટપટી ઉપડે હેંડ ત્યારે આંટો મારતા આવીએ..પણ આજે ગ્રાંડ ટ્રંક રોડનો આપણો એક્સેસ વાઘા બોર્ડર પર પૂરો થાય છે..
હજી પણ મોડું નથી થયુ જુના જમાનાનો એશી ટકા ઉત્તરપથ આજે પણ જીવિત અવસ્થામાં છે, અને છેકે છેકથી ચારે દેશ ભેગા મળીને આ ગ્રાંડ ટ્રંક રોડને આઠ દસ લેનના હાઈવેમાં ફેરવી નાખે તો સેન્ટ્લ એશિયા સુધીના સરફેસ એક્સેસ ચારે દેશને જબરજસ્ત રૂપિયા કમાવી આપે એમ છે..
ચીન ગ્વાદરથી ગીલગીટ ચીરીને પોતાના ઘર સુધીનો નવો રૂટ પેદા કરી રહ્યું છે, ચીનની એક જ લાલચ છે ખાડીના દેશમાંથી મળતું ક્રુડઓઈલ આખો હિન્દ મહાસાગર અને ચીની સમુદ્ર વીંધી અને એમના ઘરમાં આવે છે એની બદલે સીધું જ ૨૫૦૦ કિલોમીટરનો રોડ બનાવીને પોતાના ઘરમાં ઘાલી દેવુ..!
ચીનના આ નવા રોડમાં સદીઓ પુરાણા ગ્રાંડ ટ્રંક રોડ બિલકુલ ચોકડી પડે અને એ પણ લગભગ લાહોર અને અમૃતસરથી એકદમ નજીક..
આપણે પણ આપણુ કૈક લટકણીયુ વચ્ચે ઘાલી દઈએ તો કામ થઇ જાય..!
સમયની માંગ છે કે રોડ રસ્તાના પ્રોજેક્ટમાં દેશ દેશની સીમાઓને બાજુપર મુકીને રોડના એક મહાકાય જાળા ગુંથી નાખવાનો,
ઉત્તરપથ કે સડક-એ-આઝમ એ જમાનામાં ટાંચા સાધનોથી બનતા હોય તો અત્યારે તો શું શક્ય નથી..?
ચાલો અમારો ફેક્ટરી જવાનો “દક્ષીણ-પૂર્વ પથ” રાહ જોઈ રહ્યો છે, એક ઘોડો રાખવાનું મન થયું છે.. ગાડીમાં કે ઘોડા પર ઝાટકા અને આંચકા તો સરખા જ આવે છે હમણા જ વેજલપુરના ધારાસભ્ય ફેસબુક ફ્રેન્ડ બન્યા છે,
વાંચતા હો તો રીસરફેસિંગ કરવો સાહેબ..
આપ સૌનો દિવસ શુભ રહે અને સૌને હનુમાન જન્મોત્સવના વધામણા..
શૈશવ વોરા