કોરોનાના કપરાં કાળમાં લોકતંત્રની ખામીઓ ઉજ્ગાર થઇ રહી છે, લગભગ દુનિયાભરમાં સેવક સ્વામી બની અને રાજ કરી રહ્યા છે, જ્યાં સગવડ છે ત્યાં અજેય થઇ ને જીવનભર રાજ કેવી રીતે થાય એની પાક્કી ગોઠવણી થઇ રહી છે..!!
જ્યાં લોકતંત્ર છે ત્યાં પેહલી સમજણ પ્રજા એ કેળવી લેવાની જરૂર છે કે મત આપો એ જ મીનીટે તમે રાજા પછી તમે પ્રજા છો, તમારો ચૂંટેલો વ્યક્તિ નક્કી કરશે કે તમારે ગાડી જમણી બાજુ ચલાવવાની છે કે ડાબી બાજુ ..
સદીઓથી ચાલી આવતી રાજાશાહી ને તિલાંજલિ દુનિયા એ આપી ને પોતે પોતાની રીતે ક્રાંતિઓ કરી કરી ને ક્યાંક લોકતંત્ર, તો ક્યાંક કેહવાતા લોકતંત્રો અને ક્યાંક બિલકુલ જ જટિલ પ્રક્રિયા, જ્યાં શાસક ને હટાવવો એ લોઢાના ચણા થઇ જાય,
શાસકનું મૃત્યુ એ શાસન પલટો કરી આપે એ સિવાય ઘણું લોહી રેડાય પછી શાસન પલટો થાય એવી વ્યવસ્થાઓ ઉભી કરી..!!
આજે સવાલ એ છે કે છેલ્લા સો વર્ષોમાં સંસ્થાનવાદના પતન પછી દુનિયા પામી શું ?
જુદા જુદા વર્ગોમાંથી આવતા શાસકો એ આપ્યું શું ?
બીજી વાત નો જવાબ પેહલા..આપવા માટે એકપણ શાસક પાસે નકદ કે ખજાનો હતો જ નહિ ,સપૂર્ણ સામાન્ય ઘરોમાંથી જે તે સમયની શાસન વ્યવસ્થાની સામે ઉપાડા
લઈને શાસક બન્યા, સામાન્ય ઘરોમાંથી આવતા શાસક એની પાસે વિચાર હતો અને વાત હતી, જેને પ્રજાએ સ્વીકારી ,વિચાર વાત બની ,વાત વિવાદ બની અને છેવટે મંથન થઇ ને વાદ બન્યો ..સામ્યવાદ ,જમણેરી વાદ વગેરે વગેરે..અને એમાંથી એક સીસ્ટમ ને જન્મ આપવામાં આવ્યો કે જે દેશ ચલાવે,
પણ ભારત જેવા ઘણા દેશમાં હજી બ્રિટીશરો ની ઉભી કરેલી જૂની સીસ્ટમમાં જ જીવી રહ્યા છે, એ વાત પાછળના ભાગમાં..!!
હવે પેહલી વાત નો જવાબ..જે તે દેશોમાં જ્યાં દસકાઓ સુધી એકહથ્થુ કે વંશ પરંપરાગત શાસનો આવ્યા ત્યાં બોલવાની આઝાદી છીનવાઈ..! એક બીબાઢાળ જિંદગી મળી પ્રજા ને , પ્રજા ને પોતના નક્કી કરેલા સુખ દુઃખ ને પ્રજા એ છોડવા પડ્યા અને શાસક જે કહે તે સુખ અને શાસક જે કહે તે દુઃખ..!
ઉદાહરણ રૂપે ક્યાંક ધાર્મિક આધાર પર નક્કી થયું કે ફક્ત આંખ દેખાય એવા વ્રસ્ત્રો સ્ત્રીઓ પેહરવા અને સુખ એમાં જ સમાયેલું છે ને દુનિયાના બીજા છેડે ક્યાંક એવું નક્કી થયું કે, ના એવું નહિ ,વાણી ની આઝાદી હોય કે ના હોય પણ વર્તનની આઝાદી તો જોઈએ જ એટલે એવા દેશો એ અમુક તમુક જગ્યા નક્કી કરી આપીએ કે નાગાપૂગા તમારી માં એ હમણાં જ તમને જણ્યા હોય એમ ઉઘાડા રખડો ને તમારું સુખ ઉઘાડા ફરવામાં છે એને તમે ભોગવો..!
અલ્ટીમેટલી સાવ સામાન્ય ઘરોમાંથી આવતા લોકોએ સંસ્થાનવાદના પતન પછી દુનિયા આખી ની શાસન ધુરા સાંભળી..!
પરિણામ અને ફળ એ મળ્યું કે પેહલા વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેનો જે સમય ગાળો હતો એ ત્રીજા વિશ્વયુદ્ધ માટે ઘણો વધી ગયો , પેહલું વિશ્વ યુદ્ધ થયું પછી લગભગ તરત જ બીજું વિશ્વયુદ્ધ થયું પણ ત્રીજું વિશ્વયુદ્ધ હજી થશે થશે થઇ રહ્યું છે પણ થયું નથી…!
પ્રજા સૌથી વધુ સારી વસ્તુ મળી એ શાંતિ મળી..!!
નાના મોટા છમકલા દુનિયાભરમાં થતા રહ્યા પણ આખે આખી દુનિયા જેમાં જોડાઈ જાય એવા વિશ્વયુદ્ધ લગભગ સિત્તેર વર્ષ થયા એ હજી સુધી થયું નથી..!!
જુના રાજવંશો ના પોતાના ઝઘડા અને સદીઓથી ચાલી આવતા વેર ને દુનિયા એ ભુલાવી દીધા, ઉદાહરણ રૂપે એવું કેહવાય છે કે રાણી એલીઝાબેથ ને હજી પણ રશિયા સામે ખાર ખરો , રશિયાના છેલ્લા શાસક ને જે રીતે રેહસી નાખ્યા હતા એ કારણે ,અને ઝાર એ રાણીના માસીયાઈ ભાઈ થતા..
લોકડાઉનમાં પેલી સીરીઝ ધ ક્રાઉન
મેં જોઈ, એમાં મહારાણી એલિઝાબેથના સાસુમાં ના મોઢે એક ડાયલોગ બોલાવ્યો છે “આપણે શાસક છીએ, કોઈ પણ દેશ આપણો હોતો જ નથી ,જે દેશ આપણને શાસન કરવા દે એ આપણો દેશ..!!”
બે ચાર વાર રીવાઈન્ડ કરી ને ડાયલોગ જોયો સાંભળ્યો અને પછી મારા જેવા ને મોઢામાંથી તો તરત નીકળે પત્તરફાડી આ ડોસી એ તો , ફક્ત અને ફક્ત શાસન કરવા જ આ પરિવારો જન્મતા હતા , એટલે મારો દેશ ને મારું રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ ,રાષ્ટ્રભક્તિ આ બધું શું ?
જો રજવાડા એમ માનતા હોય કે જે દેશ શાસન કરવા દે એ એમનો દેશ તો પ્રજાએ તો એમા જ સમજવું પડે કે જે દેશ સારી સુખ સુવિધા આપતો હોય એ દેશ મારો બાકી બધું ખોટું એવું જ ને ?
વિચારો, વિચારો …!!!
હવે આજ નો શાસક પણ એમ માનતો થઇ ગયો હોય કે જે રાજ કરવા દે એ પ્રજા આપણી બાકી બધું ખોટું તો ?
આ જમાનો ક્ષાત્રવટ નો નથી, કહી ને કશું થતું જ નથી હંમેશા એક દંભ નો અંચળો ઓઢી લેવામાં આવે છે અને એની પાછળ જ ના કરવાના બધા કામો દુનિયાભરના શાસકો કરે છે..!!
રણ ખેલવા કુરુક્ષેત્ર ઉપર ભેગા થવું એટલું પણ નક્કી નથી હોતું , ગમે તે જગ્યા કુરુક્ષેત્ર બની જાય અને ત્યાં રેહતી પ્રજા નો બે પાડા ની લડાઈમાં ખો નીકળી જાય..!!
કોરોના કાળ એ કપરો કાળ છે લગભગ યુદ્ધ જેવો જ સમય છે , દુનિયાભર કોરોનાની સામે જંગ ખેલાઈ રહ્યો છે , આપણા પૂર્વજોના નસીબમાં એમના જીવનકાળમાં યુધ્ધો જ યુધ્ધો હતા પણ મારી જેવી ૧૯૭૦ પછી જન્મેલી પ્રજા માટે આ પેહલું યુદ્ધ છે અને ત્યારે વિચારવા નો સમય છે કે આ યુદ્ધમાં ધ ક્રાઉન સીરીઝમાં બતાડેલા શાસક પેલા મહારાણી એલીઝાબેથના સાસુ જેવી વિચારસણી તો નથી લઈને બેઠાને ..?
અહિયાં આપણે ત્યાં ભારત દેશમાં બે શાસક છે એક બહુમતીથી ચૂંટાયેલી પાંખ અને બીજી બીજી અધિકારી નું બનેલું તંત્ર ..!
ચૂંટાયેલી પાંખ ને તો પ્રજા ઉલટ ફેર કરી મુકે ગમે ત્યારે , પણ પેલી અધિકારીઓ નું તંત્ર છે એ મહારાણી એલીઝાબેથ વડ-વડદાદી ના સમય નું છે અને એની માનસિકતા તો હજી એ જ છે વિક્ટોરિયન યુગની ..!!
રાણી વિક્ટોરિયાના યુગ ની માનસિકતા વિશે બહુ લખવું પડે એમ નથી ,
વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો..!
આજે તરભાણું અલગ અલગ રૂપે ભરવામાં આવે છે પબ્લીસીટી , માન સન્માન ,નકદ એવા ઘણા બીજા નવા નવા વ્યંજનો તરભાણામાં આવી ગયા છે..!!
ભારત દેશે લગભગ ચૂંટણી પ્રક્રિયા થકી પેલી સીરીઝમાં બતાવેલી મહારાણી એલીઝાબેથના સાસુ રાજકુમારી એલીસવાળી માનસિકતા ને મારી હટાવી છે..
પણ પેલી તમામ અધિકારીઓ ની જેમાં માનનીય
પણ આવી ગયા , એ બધી સીસ્ટમ ને ઉખાડી ફેંકવી પડશે અને નવી સીસ્ટમ દાખલ કરવી રહી..!!
શાસક ની સાદી વ્યાખ્યા એટલી જ કે જે તમારા મારા જીવન ને બદલવા માટે હુકમ કરી શકે અને તમારે અને મારે એના હુકમ ની તામિલ
કરવી પડે એ શાસક જ કેહવાય..!!
એટલે સરકારના તમામ તંત્ર આવી જ જાય એમાં..!! તમામ સરકારી ફરમાનની નીચે હજી રાજચિન્હ છે જ..જેને શાસકીય મોહર કેહવાય એટલે શાસક જ ગણવા જોઈએ દરેક ને..! દુનિયાભરમાં કોઈ સેવક કોઈ છે જ નહિ..!!
અને બંને પ્રકારના શાસકે સ્વીકારવું રહ્યું ફક્ત અને ફક્ત આ જ દેશ મારો દેશ છે શાસન કરવા મળે કે ના કરવા મળે..!! તરભાણા ભરવાની વૃતિ નો ત્યાગ કરવો રહ્યો અને ના કરે તો કરાવવો પડે..!
જય હિંદ
શુભ રાત્રી
શૈશવ વોરા