GST માટે કૈક લખો..
એટલા બધા સેમીનાર થયા..સેલ્સ ટેક્ષ,એક્સાઈઝ દરેક એસોસિએશન તમામએ તમામ જગ્યાએથી GST શું છે એ સમજવાના આમન્ત્રણ આવ્યા..
મને જેમ આમંત્રણ આવ્યા,એમ તમને પણ આવ્યા હશે અને મારી જેમ ક્યારેક તમે ગયા હશો અને ક્યારેક નહિ પણ ગયા હોવ..બહુ બધા વોટ્સએપ મેસેજથી લગભગ દરેકને કેવી સીસ્ટમ છે અને કેવા બીલો આખા GST કાયદાનો મુસદ્દો તો પીડીએફ ફોરમેટમાં બધાને મળી ગયા છે એટલે GSTનું જ્ઞાન તો લગભગ બધાને થઇ જ ગયું છે..
હું વર્ષોથી GSTની ફેવરમાં રહ્યો છું..મારા પપ્પાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેઓ લગભગ અત્યારે એશી વર્ષ ઉપર છે,અને નેવુંના દાયકામાં મારી ધંધાકીય કેરિયરની શરૂઆત ત્યારે એમણે મને કીધેલા શબ્દો યાદ છે “શૈશવ ભઈલા તમે કમાવ છો એનાપછી ટેક્ષ ભરવાનો છે ને,તારી આવક જ ના હોય તો સરકાર તારી પાસે ક્યાં ટેક્ષ માંગે છે..? કમાયા છો તો ટેક્ષ ભરી દેવાનો..! ”
જુવાની ના જોશમાં ક્યારેક મને પણ એમ થતું કે આ કોટ્યાધિપતિ લોકો “મોટા” ટેક્ષની ચોરી કરી કરીને જ થયા છે..!
પણ એવું નથી હોતું..અનુભવે એટલું શીખ્યો કે ટેક્ષની ચોરી એટલે ફીફા ખાંડવા બરાબર છે,એમાંથી ક્યારેય લોટના બને અને ના રોટલા મળે..!
ટેક્ષ ચોરીના જમાના હવે ગયા,એક જમાનામાં સિત્તેર ટકા સુધી ઇન્કમટેક્ષ અને સાહીઠ ટકા એક્સાઈઝ વત્તા..વત્તા..
ત્યારે બહુ ચોરીઓ કરી લોકોએ..
નેવુંના દાયકાથી આપડે જ્યારથી મેદાનમાં આવ્યા ત્યારથી સરદાર મનમોહનસિંહ એ બાજી હાથમાં લઇ લીધી હતી..પીવી નરસિંહરાવની સરકારમાં નાણામંત્રાલય ઉપર સરદાર મનમોહનસિંહ કાવિઝ થઇ ચુક્યા હતા અને એમના બજેટના ભાષણમાં બોલાયેલો શબ્દ આજે પણ મને યાદ છે “ઇન્સ્પેકટર રાજ”..!
અને એ “ઇન્સ્પેકટર રાજ” ખતમ કરવા ઉદારીકરણ અને સરળીકરણ ચાલુ થઇ ગયું હતું રાજા ટોડરમલની નીતિ લાગુ પડી ચુકી હતી ઓછો ટેક્ષ વધુ ટેક્ષ પેયર..! ઇનડાયરેકટ ટેક્ષમાં પણ આ નીતિ આવી ચુકી હતી..વધુને વધુ કોમોડીટીને ટેક્ષના દાયરામાં લઇ લેવામાં આવી,અને ઈમ્પોર્ટના દરવાજા ખોલી નાખવામાં આવ્યા..!
બીલ ઓફ લેડિંગના અને બીલ ઓફ એન્ટ્રીના થપ્પા ગયા અને એક બે પત્તામાં કામ થતુ થયુ..!
સેન્ટ્રલ એક્સાઈઝને ઘટાડતા ઘટાડતા દસ ટકા સુધી લઇ ગયા અને જે અત્યારે સાડા બાર ટકા છે..!
સેલ્સ ટેક્ષ જે રાજ્યોનો વિષય છે ત્યાં પણ ઈનપુટ ક્રેડીટ અપાવી..! ઓકટ્રોય અને એલબીટી જેવા ભયાનક અંગ્રેજી(બ્રિટીશ) ટેક્ષમાંથી મુક્તિ અપાવી..!
પનોલી થી નીકળેલી ગાડી અસલાલી પાંચ કલાકમાં પોહચે અને અસલાલીથી નારોલ પોહ્ચતા બીજા પાંચ કલાક..ઓકટ્રોયની બબાલમાં..!
આજે એ બધો ભૂતકાળ અને વર્તમાન તો વેટ, એક્સાઈઝ,સર્વિસટેક્ષ,ટીડીએસ, ઇન્કમટેક્ષ..ઈમ્પોર્ટના કેસમાં કસ્ટમ ડ્યુટી,કાઉન્ટર વેઇલ ડ્યુટી,સેસ અને સ્પેશિઅલ ડ્યુટી..!
GST લાગુ પડતાની સાથે લગભગ આ બધામાંથી મુક્તિ..!
ફક્ત અને ફક્ત GST..!
એક જ રીટર્ન ફાઈલ કરો અને ધંધામાં ધ્યાન આપો ખોટા વધારાના રીટર્ન ફાઈલ કરી અને ચોપડા પકડી રાખવાની ઝંઝટ નહિ..TDSને પણ ક્યાંક GSTમાં સેટ કર્યો હોત તો બીજી ઘણી “જધામણ” જતી રેહત..! તો અત્યારે વેપારી આલમ “અંધારે” અટવાયેલી છે અને એનું કારણ એક જ છે આપણી ગંદી આદત “પડશે એવા દેવાશે..!”
હજી ભરોસો નથી બેસતો કે પેહલી જુલાઈથી GST લાગુ પડશે..એટલી બધી વખત વાઘ આવ્યો વાઘ આવ્યો થયું છે કે કોઈ માનવા જ તૈયાર નથી કે GST આ પેહલી તારીખથી આવશે..!
હું તો માનું છું કે હવે જે થાય તે,પણ એકવાર મક્કમ થઈને લાગુ કરી દેવો જોઈએ..”નોટબંધી” થી મોટો કેઓસ તો નહી જ થાય..!
નવી સીસ્ટમ છે એટલે માર્કેટમાં સ્લો ડાઉન તો આવશે પણ પાછળથી પીક અપ લઇ લેશે..! પણ હવે જો મોડું થશે અને બીજું ક્વાર્ટર પણ જશે તો ત્રીજા ક્વાર્ટરમાં તો સપ્ટેમબરમાં દિવાળી માથે ગાજતી હશે,આ વર્ષે પણ દિવાળી ઓક્ટોબરમાં છે એટલે બજારો ઘરાકીથી ઉભરાતા થઇ ગયા હશે એટલે એમાં જો બ્રેક વાગે તો તકલીફના પાર નહિ રહે..!
ચોમાસુ સમયસર છે,વર્તારા ચોખ્ખા છે,એના લીધે બજારો દિવાળીએ તો ધમધમાટ દેખાડવાના એટલે પેહલી જુલાઈનું ચોઘડિયુ નીકળ્યું જ છે તો હવે પોંખી લ્યો..!
જેના ટર્નઓવર ઓછા છે નાના છે અને જે લોકો ઈનપુટ ક્રેડીટ લેવાની સીસ્ટમથી ટેવાયેલા નથી,એમના માટે GST થોડું અકળાવનારું રેહશે પણ આજે કોપ્યુટર અને મોબાઈલના જમાનામાં એ શીખવુ જરા પણ અઘરું નથી..
હા, જેમને હજી પણ “રોકડા” છાતીએથી છૂટતા નથી એમના માટે ધંધા બંધ કરવાના વારા છે..!
GSTના અમલ પછી જે ધંધા કરવા હોય એ કરો,પણ ચોપડે જ કરવા પડે બસ દુ:ખાવો અહિયા જ છે GST ની માટે..!
નોટબંધીએ લગભગ ત્રણથી ચાર મહિના રોકડાના ધંધાની કમ્મર તોડી નાખી અને આંગડીયા બહુ દિવસો બંધ રહ્યા અને GST ને જો પ્રોપરલી મેનેજ અને એપ્લાઇ કરવામાં આવે તો ગજબનો કન્ટ્રોલ આવે રોકડા ઉપર..!
દુનિયા આખી GST ઉપર મુસ્તાક છે અને આપણે છેલ્લા બચ્યા છીએ વેટ અને એક્સાઈઝ જેવો શબ્દ વાપરવામાં..
રાજકારણ અને પક્ષાપક્ષી બહુ થઇ, પણ હવે અટકવાની જરૂર છે GSTના મુદ્દે કમ સે કમ આ માટે તો બધાએ એક સ્વરમાં વાત કરવી જ રહી કે ૧ જુલાઈ ૨૦૧૭ એટલે GST દિવસ ..!
જેટલી જોરશોરથી યોગ દિવસના પ્રમોશન થાય છે એનાથી અડધા પ્રમોશન પણ ૧લી જુલાઈના GST દિવસના પ્રમોશન થાય તો પાછળથી તકલીફ ઓછી પડશે, સરકારે પણ જેમ શેરબજારના સર્વર અપગ્રેડ થાય છે,ત્યારે શનિવારે મોક ટેસ્ટીંગ માટે બજારો ખુલે છે,એમ જુનના છેલ્લા અઠવાડિયામાં GSTના મોક ટેસ્ટીંગ માટે GSTના સર્વર ખુલ્લા મૂકી અને અઠવાડિયું દસ દિવસની ટ્રાયલ કરી અને સીસ્ટમ વાપરતા વાપરતા જે કોઈ સજેશન આવે એને ઈમ્પલીમેન્ટ કરીને પેહલી જુલાઈથી ડંકો વગાડી જ દેવો જોઈએ..!
આજે આઝાદીને કેટલા વર્ષ થયા..! પાકિસ્તાન જેવા દેશ પણ GST વાપરે છે અને આપણે જરીપુરાણી પદ્ધતિ ઉપર મચેલા અને મચેલા રહ્યા છીએ..!
GSTની સાથે જ ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમ પણ જોડાઈ જાય તો સોનામાં સુગંધ ભળે,નોટબંધી વખતે કેશ ઉપાડવા ઉપર પ્રતિબંધ હતો તેમ હવે નોટ ભરવા ઉપર પણ ક્યાંક કન્ટ્રોલ કરવો જરૂરી છે,દરેક ખાતા ધારકને અમુકથી વધારે કેશ ડીપોઝીટ નહિ કરવા દેવાની..નહિ તો રોકડાનો કાળોતરો કન્ટ્રોલમાં નહિ આવે..!
ઘણું ઘણું કરવાનું બાકી છે, અને સૌથી પેહલા આખા દેશને માની લેવાની જરૂર છે કે દેશ મારો છે રાણી એલીઝાબેથનો નહિ..!
ટેક્ષ હું ભરીશ તો દેશ ચાલશે..આપણે ટેક્ષ ભરીએ છીએ ગબ્બરસિંગને ખંડણી નથી આપતા..!
અઘરું છે અત્યાર સુધી ટેક્ષ એટલે એક જ વાત “કે ભૈયા છૂટે લગાન..!”
શુભ રાત્રી
શૈશવ વોરા