ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોની ટોટલ ૨૩૦૦ પેમેન્ટ સીટ્સના એડમીશનના આ વર્ષનું પ્રાઈસલીસ્ટ(ભાવપત્રક) બહાર પડી ગયુ..!!
બાપ રે બાપ…!
સામાન્ય માણસને માટે છોકરાને ડોકટર કરવો એ કોઈપણ રીતે આ પ્રોજેક્ટ વાયેબલ થાય તેમ નથી આ ભાવે..!
સરકારી ક્વોટામાં પણ તમે આવો તો પચીસથી પચાસ લાખ,નહિ તો પંચોતર લાખથી એક કરોડની ફી એમબીબીએસની..!
હે માં માતાજી આ શું છે બધુ..?
પેમેન્ટ સીટ પર પંચોતેર લાખની ફી ભરો એમબીબીએસની,પછી વારો આવે એમ.ડી.નો,અને પછી વારો આવે સુપરસ્પેશ્યલાઝેશન,બધું ટોટલ મારો તો છોકરું ૩૫ વર્ષનું થાય ત્યાં સુધી ભણે અને રૂપિયા પુરા થાય લગભગ બે થી અઢી કરોડ..!
અઢી કરોડ રૂપિયા નાખ્યા પછી ડોક્ટર થઇને વૈતરાં તો એટલાને એટલા જ કરવાના,દિવસના બાર કલાક તો તમારે ઓછામાં ઓછું કામ કરવું પડે,ત્યારે મહીને દા`ડે ત્રણ ચાર લાખ રૂપિયા તમારું કરોડો ખર્ચીને ડોક્ટર થયેલુ છોકરું પામે,
અને જો મહીને દસ લાખ ઉપર “પાડવા” હોય તો બીજા વધારાના પાંચ સાત કરોડ રેડો એટલે છોકરાની હોસ્પિટલ ઉભી થાય,બાકી તો નોકરા કુટવાના વારા આવે..!
ટૂંકમાં કહું તો હોસ્પિટલ ઉભી કરી અને “ગરમ ગાદી” થતા થતા તો દસ કરોડ રૂપિયા અને પંદર વર્ષ જતા રહે..!
બોલો હવે આટલા જ દસ કરોડ રૂપિયા ધંધામાં નાખો તો..?અને ડોકટર થાય પછી જે બુદ્ધિ વાપરવી પડે એ બુદ્ધિ વત્તા પંદર વર્ષ ધંધાને આપો તો..?અરે ખાલી વ્યાજ ગણો તો?
સત્તર અઢાર વર્ષે ટીનએજમાં મેડીકલ કોલેજમાં દાખલ થયેલું છોકરું જયારે ડોકટર બનીને બહાર નીકળે ત્યારે લગભગ માનસિક રીતે પ્રૌઢ અવસ્થામાં આવી ગયું હોય,મૃત્યુ અને જીવનને એટલા નજીકથી જોયા હોય છે એટલે જીવનના જીવવાના રંગરસ બિલકુલ ઉડી ગયા હોય છે, અને એની ઉપર માબાપે ખર્ચેલા જબરજસ્ત રૂપિયા રીકવર કરવાનું પ્રેશર હોય.
સુંદર જીવન અને કોલેજ લાઈફના મોજમસ્તી આ બધું સપના બરાબર થઇ જાય છે બાળક માટે..!
હું જન્મ્યો ત્યારથી ડોકટરોની વચ્ચે મોટો થયો છું,માં અને બાપ બંને ડોકટર હોય એટલે જીવનભર ડોકટરોને મળ્યો અને એમની વચ્ચે જ આખી જિંદગી કાઢી, પપ્પા મમ્મીની સ્ટ્રગલ (એમની ભાષામાં ધગશ) જોઇને મેં મનમાં ગાંઠ મારી હતી કે ડોકટર ધોળે ધર્મે નહિ થાઉં,અને બારમાં ધોરણમાં પ્રેમથી રખડી ખાધું,અને ત્યારે એ જમાનામાં પેમેન્ટ સીટનો ઓપ્શન જ નોહતો,
એટલે આજકાલના ડોકટરો રૂપિયા રેડીને જેમ એમના છોકરાને કાનપટ્ટીયા ઝાલીને મેડીકલ કોલેજમાં નાખી આવે છે એમ મને રૂપિયા ખર્ચીને મેડીકલ કોલેજમાં નાખવાનો સવાલ નોહતો,અને સાથે સાથે મારા મમ્મી પપ્પાએ મને ફ્રીડમ આપેલી હતી કે તારે જે ભણવું હોય તે ભણ..! એટલે હું તો બિલકુલ બચી ગયો..!
આ ૨૦૧૭નું વર્ષ મારા પપ્પા-મમ્મીની મેડીકલ પ્રેક્ટીસનું ૫૦મુ વર્ષ છે અને આ પચાસ વર્ષમાં મમ્મી-પપ્પાએ ક્યારેય કન્સલ્ટન્ટેશન ફી કે પ્રિસ્ક્રીપ્શન લખવાનો ચાર્જ લીધો નથી..!
જરૂર પડ્યે ગાંઠના રૂપિયા પેશન્ટને મદદ કરી છે..!
હજી હમણા છ-એક મહિના પેહલા એક સાંજે મમ્મી હિંચકે દુઃખી બેઠા હતા, મેં કીધું શું થયું ? તો કઈ બોલ્યા નહિ, મેં થોડું જોર કર્યું એટલે બોલ્યા એક દુ:ખીયારી બાઈ આવી હતી દવાખાને એની પાસે પચાસ રૂપિયા હતા,અને એને દવા લેવી હતી બે દિવસની, મેં એને કીધું કે દવા લઇ જા પચાસ પણ ના આપતી જા..પણ એ બાઈ માની નહિ એણે દવા લીધી અને ત્રીજા દિવસે બીજા પચાસ રૂપિયા આપી ગઈ..
મેં કીધું તો હવે તને દુઃખ શેનું છે..? એ ગઈકાલે ફરી આવી હતી ત્રણ કલાક બેઠી રહી કઈ બોલતી નોહતી..! છેવટે અમે દવાખાનું બંધ કરતા હતા એટલે બોલી કે મને એક સંસ્થા ૧૫૦૦ રૂપિયામાં એક મહિનો બે ટાઈમ જમવાનું આપે છે અને મારી પાસે ૫૦૦ રૂપિયા જ છે.. મેં મમ્મીને કીધું તારે આપી દેવા હતાને.. તો મમ્મીએ કીધું આપી દીધા.. એટલે થોડા અણગમા સાથે મેં પૂછ્યું કે તો પછી તને દુઃખ ક્યાં છે મમ્મી યાર..!
મારાથી મારા ઘરના માણસોના દુઃખી ચેહરા નથી જોવાતા..મમ્મી બોલ્યા આ મહિનો તો એનો ગયો આવતો મહિનો બિચારીનો..મારી છટકી મેં કીધું મમ્મી તું પણ ત્રાસ છે કાલે સુરેશ(મોમ-ડેડ નો કમ્પાઉન્ડર)જોડે ૧૮,૦૦૦ રૂપિયા મોકલી દેજે એ સંસ્થામાં એટલે આખા વર્ષની શાંતિ એને બસ..
મમ્મી બોલ્યા મોકલી દીધા..પછી તો મારું મગજ બરાબરનું છટક્યું કે તો હવે શું છે તારે..? મમ્મી બોલ્યા સુરેશ કેહતો હતો કે બા આવા તો બહુ બધાને એ લોકો ખવડાવે છે..
મેં મમ્મીને કીધું હા બરાબર છે પણ તને અત્યારે શું દુઃખ છે..? મમ્મી બોલ્યા ભગવાન આટલા દુઃખ લોકોને કેમ આપતો હશે..? અને મારા દિમાગનું બોઈલર ફાટ્યું ..મમ્મી તું ડોક્ટર છે ભગવાન નહિ મેહરબાની કરીને તું લાઈન ક્રોસના કર યુ આર નેક્સ્ટ ટુ ગોડ બટ નોટ ગોડ, દુનિયા આખીના દુઃખ તું દૂર નહિ કરી શકે, તારું કામ પેશન્ટ ને દવા આપવાનું છે અને સાજા કરવાનું છે છતાં પણ તું ઉપરવટ થઈને એમને ખાવાનું પોહચાડે છે હવે એ બધાને ઘેરના લાવ..
મમ્મી બોલ્યા ક્યાં ઘેર લાવી છું..? મેં કીધું તારા મગજમાં ભરીને દવાખાને થી ઘેર તો લાવી છે..ચલ ઉઠ અને કામે લાગ..!
મમ્મી મારા છણકાથી ઉભા થઇને ટીવી જોવા બેસી ગયા,
પણ મમ્મી-પાપા એ નિયમ રાખ્યો છે જીવનભર..
“સમાજના ખર્ચે ભણ્યા છીએ સમાજને પાછું તો આપવું જ રહ્યું..!”
ફકત અને ફક્ત સમાજના રૂપિયે ભણેલા અને એથીકલ પ્રેક્ટીસ કરતા મારા પપ્પા-મમ્મી જેવા “મુર્ખાઓ” ને મુર્ખ કે વેદિયા ગણવાની શરૂઆત એટલે “માલ પ્રેકટીસ”,
અમદાવાદમાં “માલ પ્રેક્ટીસ” ની શરૂઆત આમ જોવા જાવ તો એશીના દાયકામાં થઇ, પણ મેડીકલેઇમ ના આવ્યા પછી “માલ પ્રેક્ટીસ” એ માઝા મૂકી,એશીના દાયકા પેહલા એક ડોકટર કરોડ રૂપિયા કમાઈ શકે એ વાત દિવાસ્વપ્ન સમાન હતી,પણ “માલ પ્રેક્ટીસ”ના આવ્યા પછી વાત હકીકત બની..!
ડોકટરો કરોડ કમાતા થયા અને કરોડોની હોસ્પિટલો ઉભી થઇ..લાખ્ખોમાં પગાર થયા..નવી નવી બ્રાંચ ખુલી સ્પેશાલાઈઝેશન જુનું થયું અને સુપર સ્પેશાલાઈઝેશન આવ્યુ..
દેશ આખામાં નેવુંના દાયકા પછી તેજીનો પવન ફૂંકાયો અને મેડીકલ ફિલ્ડ પણ એમાંથી બાકાતના રહ્યું, પણ ડોકટરોની જિંદગીની કમબખ્તી છે કે પોતે કમાયેલા રૂપિયા પોતે ક્યારેય વાપરી કે એન્જોય કરી શકતો નથી..!
ડોકટરો નેવું ના દાયકામાં સારા એવા ઇન્વેસ્ટર થઇને બહાર આવ્યા,કોઈ જમીનોમાં તો કોઈએ શેરબજારમાં રોકાણ કર્યા અને એ રોકાણો ઉગી નીકળ્યા જોડે જોડે એમની પ્રેક્ટીસ પણ ચાલુ હતી અને રૂપિયા વાપરવાનો સમય નોહતો..!
નોટોનો “અંબાર” થયો અને એ અંબાર ખાલી થયો “ફાઈવ સ્ટાર હોસ્પિટલો”ના રૂપમાં..!
સામ્રાજ્ય ઉભા થયા હોસ્પિટલોના..!
સરકાર સફાળી જાગી કે લુંટ ચાલી રહી છે મેડીકલેઈમમાં..!
ભાવ બહાર પડ્યા,મોતિયાના બાર હજાર,એપેન્ડીક્સના પંદર..પણ એમાં દલા-તરવાડીની વાડી થઇ, રીગણ લઉં બે ચાર અરે લે દસ બાર..!
ફેરવી ફેરવીને લોકોને અને ઇન્શ્યોરન્સ કંપનીને ખાટલાની વચ્ચે જ નાખ્યા..!
પેટન્ટ લો ને ભારત સરકારે બહુ વર્ષો સુધી માન્યો નહિ અને ગુજરાતી ફાર્મા કંપનીના માલિકોને દોડવું હતું ને ઢાળ મળ્યો..!
ડોકટરો જોડે ફાર્મા કંપનીના જબરજસ્ત સેટિંગ થયા, એક એક કન્સલ્ટન્ટના પ્રિસ્ક્રીપ્શનમાં બબ્બે એન્ટીબાયોટીક,એન્ટાસીડ,મલ્ટીવિટામીન,સ્ટીરોઇડએમ કરીને ઓછામાં ઓછી ચારથી પાંચ દવાઓ આવી..
કોઈને યાદ હોય તો યાદ કરો કે સાહીઠના દાયકા પેહલા ના એકદમ જુના કન્સલ્ટન્ટના પ્રિસ્ક્રીપ્શન ફક્ત એક ચબરખીમાં આવતા,અને એકાદી દવા માંડ લખતા..!
અને અત્યારવાળા કન્સલ્ટન્ટ A-4 સાઈઝના પેપરમાં પ્રિસ્ક્રીપ્શન લખે અને તમને આખી ફાઈલ બનાવી ને આપે..! અને ફાઈલ પણ એટલી જાડી થાય કે આપણને એમ થાય કે સાલો ડોક્ટર છે કે વકીલ..?આટલું બધું લખે છે અલ્યા તું..?
ફાર્મા કંપનીઓ એ એમના અઢળક નફાના રૂપિયા વેર્યા ડોકટરો પાછળ,અને હરામના રૂપિયાએ એમનો રંગ દેખાડ્યો અમુક ડોકટરો દારુના રવાડે ચડ્યા..અમુકનો વસ્તાર વંઠયો..!
જે સાન ભાનમાં રહ્યા એમણે એમની “કોર્પોરેટ હોસ્પિટલ” ઉભી કરી અને ફાર્મા કંપની “કોર્પોરેટ હોસ્પિટલ”માં નવા નવા ડોકટરો ને અને જુના ડોકટરો ને એમની હોસ્પિટલના પુરા રૂપિયા આપીને ખરીદતી થઇ ગઈ..!
આજે એક નવું જ કલ્ચર ઉભું થયું છે ગુજરાતમાં મેડીકલ ટુરીઝમ થાય છે, બહારથી પણ એટલા લોકો આવે છે ખુશ્બુ ગુજરાતની હોસ્પિટલની લેવા અને લોકલ ગુજરાતી પણ ખુશ્બુ હોસ્પિટલની લેવા જાય છે..!
નીતિમત્તાના ધોરણો પાપના દરિયાના તળિયે પડ્યા છે નવા નવા રૂપિયા ખર્ચીને ડોક્ટર થયેલા અને જબરજસ્ત લોનો લઈને હોસ્પિટલ ઉભી કરેલા ડોકટરો રીતસર પીસાય છે જેટલો હોય એટલો મેડીકલેઇમ પૂરો કરાવે જ છે..!
સમાજના દરેક સ્તરમાંથી સમાજ તારું તને અર્પણની ભાવના જતી રહી છે અને સમાજનું કશું છે જ નહિ, બધું મારું છે અને મારા રૂપિયાના જોરે હું બધું જ ખરીદી લઈશ અને ખરીદી શકું છું આવી ભાવના બળવત્તર થઇ ગઈ છે..!
મને પણ મારા જીવનના કપરા કાળે મારા માંબાપ “મૂરખા” લાગ્યા હતા પણ દસેક દિવસ પેહલા પાપાને દવાખાનામાં પેશન્ટ જોતા જોતા જ થોડી તકલીફ થઇ હતી અને હોસ્પિટલાઈઝડ કર્યા હતા,રમઝાનની શરૂઆત હતી અને પાપા માટે મસ્જીદમાં નમાજ થઇ,દેરાસરમાં નવકાર ગણાયા,મંદિરમાં પૂજા થઇ અને કેટલાય પેશન્ટે દોરાધાગા અને માનતાઓ માની લીધી અમારા વોરા સાહેબને કઈ ના થવું જોઈએ,ચાહે તો હમારી ઉમર લે લો..!
આ પ્રેમ અને માન દસ કરોડ ખર્ચ્યા પછી ચોક્કસ નથી મળવાના..!
આજે નવી પેઢીના ડોક્ટર પેશન્ટ ગુજરી ગયું નહી,પણ પેશન્ટ “ઉડી” ગયું બોલે છે..!
ધન્ય ધન્ય ભગવાન ધન્વન્તરીના સંતાનોને,
ક્યારેક પ્રભુ ધન્વન્તરીને સાક્ષાત પણ જો એકાદા આઈસીયુમાં રાખવાના થાય તો એમને પણ જરૂર હોય કે નહિ પણ બેચાર લાખ રૂપિયામાં તો પ્રેમ થી..!
દસ ખોખા “રીકવર” કરવાના છે ભાઈ “ભગવાન” હોય તો શું થયુ..?
દસ ખોખા આવે એટલે બંગલો ઓડી,બીએમડબલ્યુ,વોલ્વો..યુરોપમાં વેકેશન અને પછી મારે મારા છોકરાને પણ આ “ગરમ ગાદી”એ બેસાડવાનો છે દોઢ બે ખોખા તો કઈ ના કેહવાય ખેંચી પાડો ત્યારે..! લઇ લ્યો એડમીશન ..!
નમઃપારવતી પતે હર હર મહાદેવ
શુભ રાત્રી
શૈશવ વોરા
સહમત હો તો ફોરવર્ડ કરજો વાંચીને કોઈક હૈયે રામ વસે..!