ગુજરાતી પ્રજા વિનાશને આરે આવીને ઉભી છે ?
મારો જવાબ હા છે ..!!
કારણ શું ?
તો કહે દંભની પરાકાષ્ટા વટાવી ચુકી છે આ પ્રજા જેનો હું એક ભાગ છું ..!
હવે આ વિનાશ ક્યારે વેરાશે ?
એવો સવાલ પૂછવામાં આવે તો એના જવાબમાં હું એવું કહી શકું કે વિનાશના પ્રકાર ઘણા હોય છે ક્યારેક સુનામીની જેમ આવે અને બધ્ધું સમાપ્ત થાય, ક્યારેક મહાભારત લડાય અને વિનાશ થાય, ઘણી વખત નાના નાના ટાંકણા વાગી રહ્યા હોય પણ ખબર જ ના પડે અને એક નાનકડી પવનની લેહરખી આવે ને પત્તાનો મેહલ તૂટી પડે..!!
હિન્દુત્વની લેબોરેટરી બનેલી આ ગુર્જર ભૂમિ આજે આખા દેશમાં હિન્દુત્વની લેહર પેદા કરવામાં સો એ સો ટકા સફળ રહી છે, આજે દેશભરની ચેનલોના મોરા ઘૂમ્યા છે, જે વાત ગુજરાતી દબાતે સ્વરે બોલતો હતો એ છડે ચોક એમનો એન્કર બોલી રહ્યો છે..
ગુજરાત અને ગુજરાતીને પોતાની જાત ઉપર અખતરા કરવાનો અનેરો આનંદ આવે છે, નવું નવું અને જુનું જુનું શોધી કાઢવાનો ગુર્જર પ્રજાને ચસ્કો છે અને એમાં પણ વેપલો ખેલવાનો હોય તો અવ્વલ ..!
પણ વેપલો ખેલવામાં એક બીજું સત્ય પણ સ્વીકારવું રહ્યું ..
સુમડીમાં વેપલો ખેલવો હોય છે એને ..!
મારો ધંધો શું ? અને હું શેમાંથી રૂપિયા બનાવું ?અને કેટલા બનાવી ગયો ? એની લોકો ખાલી ચર્ચા જ કરતા રેહવા જોઈએ કોઈ ને જરાક પણ ગંધ ના આવી જવી જોઈએ..!!
મિલકતો ઉભી કરી મુકો બાકીનું પછી જોયું જશે..!!
સાત પેઢીનું અરે ના ના ..સત્યાવીસ પેઢી સુધી ચાલવું જોઈએ અને તો પણ ખૂટવું ના જોઈએ ..!!
“ણી” લાગ્યો છે એ બધાએ કેટલાની અણી
કાઢી અને કેવી રીતે કાઢી એ ક્યારેય બાહર નહિ આવે ..!!
એકવાર એક બહુ મોટ્ટા માલેતુજાર અમેરિકનની આત્મકથા લખવાનો મને સંદેશો આવ્યો ..!
મારો જવાબ હતો સાચ્ચું બોલી શકશો ? લાસવેગાસમાં જઈને બ્રા માં બે ડોલર ભરાવ્યા અને પેન્ટીમાં પાંચ ડોલર ભરાવ્યા, કોસ્ટારિકામાં યોટ ભાડે કરી અને લાખ ડોલર એક રાતમાં ઉડાડ્યા એ રાતનું વર્ણન કરી શકો ?
તમારો વસ્તાર કેહવાતો સફળ રહ્યો, પણ સંસ્કારના નામે મીંડું ચીતરી ગયો એ કહી શકો ? તમારા દિકરા દીકરી એ જે ધંધા કર્યા, નશા કર્યા અને તમારા ડોલરને ઓછા કરવામાં એ કહી શકો જાહેરમાં ?
પાર્ટી એકવાર તૈયાર થઇ પણ પછી હિંમત હારી ગઈ .. ના જવા દો ..!
દંભના કોચલામાં જ જીવવું હતું અને એમાં જ મરવું છે..!!
સાચો ગુજરાતી મરી ગયો અને જુઠ્ઠો ગુજરાતી જીવી ગયો..!
પોતે પોતાની દિકરીને કહે બેટા ચલ આજે તું સોળ વર્ષની થઇ ગઈ તને કયું ડ્રીંક ફાવશે બોલ ..આપણે સાથે પીએ આજે તો ?
દીકરી ડ્રીંકનું નામ બોલે અને પછી પરમ પૂજ્ય પ્રાત:સ્મરણીય પિતાશ્રી તું સ્મોક પણ કરી શકે છે વાંધો નથી અને બન્ને એક જ પાકીટમાંથી સિગારેટ કાઢી અને ધુમાડા કાઢે …!!
હર હર મહાદેવ … શંભો શંભો …!!!!!!
આ વસ્તાર ક્યાં જઈને અટકે ?
આ તો થઇ ઉપલા વર્ગની વાતો કે જેમનાથી અમદાવાદ ઉર્ફે એએમડીથી ઉપડતી ફલાઈટોના બિઝનેસ ક્લાસ ભરેલા હોય છે પણ હવે રોડ સાઈડની વાત ..!!
ઝુપડું ..
એક જમાનામાં સાબરમતીના પટમાં હતું ,ચારેબાજુ ઝુંપડા હતા અને ત્યાં પીવાતી પોટલી ..!
બાપ પીને ટુન્ન .. બે રૂપિયાની પોટલી આવતી, ક્યારેક સા
પુરની અડ્ડાવાળી માસી પાંચની ત્રણ આપે એ દિવસે જલો જલો થાય આખું ઘર પી ને ટુન્ન ..!!
માં બાપ અને છોકરાંવ ..
હર હર શંભો ..હર હર શંભો ..!!!
મારપીટ પણ થતી સામસામે ,પણ બીજા દિવસે સવારે બધું ભુલાઈ જાય..!
દૈત્ય કીધો દારૂને,ગાંજાને પણ ..
દરેક નશાને ખોટો ઠેરવ્યો સામાજિક રીતે અને ધાર્મિક રીતે ગુજરાતે..!
એક નશેડી હતો નામ બદલું છું મ્હલો .. ઘરમાંથી એની માં એ કાઢી મુક્યો હતો ,ફ્લેટના ધાબે પડી રેહતો , અમે બાળક હતા ત્યારે બધાય મ્હલાથી દૂર ભાગે ચરસી છે ચરસી , એક ચોક્કસ સલામત અંતરે રહીને હું જોયા કરું કે આ શું કરે છે ? કોઈક ગોળી કે પાવડર જેવું સિગારેટમાં મ્હ્લો ભરાવતો અને કશ મારતો ,ફ્લેટના ધાબામાં ચાર પાંચ આંટા મારતો અને પછી ઊંઘી જતો ..
એક દિવસ ઊંઘમાંથી મ્હ્લો ઉઠ્યો જ નહી મ્હલાની માં ચોધાર રડી પણ બાકી ના એ હાશકારો અનુભવ્યો .. મને હજી સમજાતું નથી કે મ્હલાની માં કેમ ચોધાર રડી અને મ્હલાની પાછળ વર્ષ બે વર્ષમાં એ પણ મરી ..?
ગુજરાતની લેબોરેટરીમાં બીજો પણ એક પ્રયોગ મુકાયો દારૂબંધીનો ..!
સફળ થઇ ગઈ દારૂબંધી અને એના પ્રતાપે ગુજરાતમાં આજે સમૃદ્ધિનો છોળો ઉડે છે , સલામતી ચિક્કાર છે , ગુજરાત જીતી ગયું છે હવે ગુજરાતે આગળ વધવાનું આપણે હવે અહિયાં હોંગકોંગ ,શાંઘાઈ ,બેંગકોક , પેરીસ બનાવવાનું છે પણ એક નવી રીતે બનાવવાનું છે, નશા મુક્ત હોંગકોંગ ,શાંઘાઈ ,પેરીસ બેંગકોક ..!!
ચીલા ચાતરવાના છે ..
હર હર શંભો .. શંભો …
શું વાંચે છે બે ..??
લખોટા
રીલ્સ જો રીલ્સ.. તારા માટે તો દુનિયા આખી રીલ્સ બનાવે છે.. તને તો ગુજરાતી આવડે, હિન્દી પણ આવડે ..
કેવા કેવા રીલ્સ આવે મ્હલાની જેમ દિવસ રાત તારા ક્યાં જતા રેહશે એ ખબર જ નહિ પડે ..!
આજે ગુજરાત સફળતાના નશામાં ચૂર ચૂર છે, ગુજરાતી મ્હલો ગમ્મે ત્યારે મરશે અને ચોધાર રડશે એની માં ધરા ગુર્જરી ..!!
નશામુક્ત ગુજરાત અને નશામુક્ત જીવન શક્ય છે ..?
ખોટી ખોટી કોઈ જ પ્રકારની કોમેન્ટો ના ઠોકશો ,
જીવનમાં કોઈ ને કોઈક પ્રકારના નશા કરીને જ જીવન આગળ વધતા હોય છે, બંધન સેહજ ઢીલા કરીને ફરી કસવા હોય તો ક્યાં નથી કસાતા ?
બકી મ્હલાને આદત લાગી એ છૂટવાની નહિ ..!
રડવાની એની માં બાકી બધાને ભાર હળવો થયો..!!
હર હર શંભો શંભો ..!
રીલ્સ જો રીલ્સ ટણપા .. મ્હલા
ગુજરાતી માણસમાંથી ગુજરાતીપણું શોધવું પડે અને ફક્ત નૈતિકતાનો દંભ બચે એને વિનાશ જ કેહવાય..!!
હું પણ આવી ગયો એમાં..!
ફરી વાંચી જાવ આખો બ્લોગ ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)