સમય ભાગતો જાય છે, ગઈકાલે સાંજે જીમ તરફ જતા રસ્તામાં વ્રજધામ આવ્યું એટલે અચાનક યાદ આવ્યું કે હિંડોળા શરુ થઇ ગયા છે ,
ઝરમરથી સેહજ વધારે ચાલુ હતો, ભીડ ના દેખાઈ એટલે ગાડી ઉભી રાખીને શ્યામસુંદરની ઝાંખી કરી લીધી,
પણ પછી મન વિચારે ચડ્યું કે હિંડોળા શરુ થઇ ગયા એટલે અષાઢ વદ બીજ પણ ગઈ ને સામે શ્રાવણ ઢુંકડો,
એકવાર શ્રાવણ ચાલુ થાય એટલે દિવાળી સામે આવીને ઉભી રહી જાય અને દિવાળી જાય એટલે સાલ ગઈ પૂરી..!!
જબ્બર ઝડપ પકડી લીધી છે જિંદગીએ કોઈને પાછું વળીને જોવાની ફુરસત નથી ,
મને પણ નથી,
જો કે શરીર હવે ગાંઠતું નથી,
અમદાવાદ જેવા ખાઉધરા શેહરમાં જન્મીને મોટા થયા હોઈએ એટલે શરુ શરુમાં ખબર રાખ્યા વિના ખાધું હોય ,પછી ખાધાની ખબર રાખીએ ,અને હવે ખબરદાર રહીને ખાવાનું..!
લગભગ જેમ ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવાય અને પછી ભક્તો આરોગે પ્રસાદ સ્વરૂપે એવી અવસ્થા આવી ચુકી છે, છપ્પનભોગ સામ પડ્યા હોય પણ મોઢામાં નાખીએ એ ભેગા રીપોર્ટસ આઘાપાછા થઇ જાય, એટલે સામે પડેલા ભોગને આરોગી લીધો એમ માની લેવાનું..!
કોવીડ પછી ઘૂસેલો ડાયાબીટીસ કેડો મુકતો નથી અને હવે એની જોડે કોલેસ્ટ્રોલ લોહી પીવા આવી ગયો છે ..!
નવું નવું ઘુસતું જાય છે અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરતા રેહવું પડે છે ..
જો કે મને આ લાઈફ સ્ટાઈલ
શબ્દ જોડે જ વાંધો છે, મેં વળી કઈ લાઈફમાં સ્ટાઈલ
નાખી છે કે મારે આ બધું આવે ? ના દારુ પીધા ,ક્યારેય કે ના સિગારેટ , ગાંજો ફૂંક્યા પણ બધુય સાગમટે આવ્યું છે , પણ ઠીક છે આવે, જે આવે એનો સ્વીકાર ..
સહજ ભાવે કરો કે સામા પડીને કરો પણ સ્વીકાર સિવાય કોઈ રસ્તો છે નહિ..!
પણ ખાધાની ખબર જ નહિ ,હવે તો ખબરદાર રહીને ખાવાનું ..!!
પણ અમદાવાદની વાત કરું તો અમદાવાદ હવે અંક્રાન્તીયું થઇ ગયું છે,
પબ્લિક ઝેર ખાય છે પણ ઘેર નથી ખાતી, ચારેબાજુ બિલાડીના ટોપની જેમ ખાવા ખવડાવવાના લારી ગલ્લા ફૂટી નીકળ્યા છે અને કોઈ રોકનાર ટોકનાર નથી ..!
હમણાં ક્યાંક વાંચ્યું કે બળેલા તેલ વાપરવાથી કેન્સર થાય છે એટલે બળેલું તેલ વાપરવા ઉપર પ્રતિબંધ ..!
હવે ખાટલે મોટી ખોડ કે જોવા કોણ જાય છે કે ક્યા તેલમાં તળેલા સમોસા કચોરી ગીતા,સીતા ,મીતા ,નીતા એ આપી છે..???
અહીં તો હાથમાં આવે એ ભેગી ઓહિયા ..!
ગટરમાં નાખતા હોય એમ પેટની ગટરમાં
પધરાવી દેવામાં આવે છે..!!
ખાવા ખવડાવા જોડે જોડે એક બીજો ત્રાસ વધ્યો છે બે ચાર નવા શબ્દો ગુજરાતી શબ્દકોષમાં ઉમેરવાનું મન થાય છે ..!
“ભાજીપાઉં માફિયા” , “પાણીપુરી માફિયા” , “ગાંઠિયા માફિયા” , “કીટલી માફિયા” , “દાળવડા માફિયા” … આવા અનેક માફિયા પેદા થયા છે અમદાવાદ શેહરમાં ,
પણ એ લોકો એટલા લો પ્રોફાઈલ રહીને આ બધા માફિયા જીવે છે કે જાહેર જનતાની આંખમાં ક્યાંય આવતું નથી, એટલે પેલા એક કલાકમાં એક ઇંચ વરસાદ કહીને જેમ છટકી જાય એમ આ બધા માફિયા છટકી જાય છે..!
અનહદ મિલકતો ઉભી કરી છે, કેટલા ટેક્ષ ભરતા હશે અને કેટલા ઉધડું ચલવતા હશે એ તો રામ જાણે , બાકી ધંધા જોરદાર છે અત્યારે ખાણીપીણીમાં ,અને હા એક મોટો માફીયો ઉમેરવાનો રહી ગયો “કોફી માફીયો” ..
ક્યારેક શુક્ર- શનિવારે રાત્રે અમદાવાદ એસજી હાઈવે ઉપર રાત પડ્યે આંટો મારવા જજો એમ લાગશે કે સાલું કામરૂપ દેશે આવી ગયા..”કોફી માફિયા”ને ત્યાં ..
અહિયાં તો બધી અપ્સરાઓ જ છે સ્ત્રી છે જ નહિ..!!! અને હેઈ મજાના ધુમાડા ઉડતા હોય ..!
એક મારા જેવો નવો નવો આધેડ એમાં ભરાઈ ગયો હતો ,બીજા દિવસે મારું લોહી પી ગયો ..પણ શૈશવભાઈ પણ તમે જુવો ..જુવો.. કેટલી નાની નાની ઉંમરની દીકરીઓ સિગારેટો ફૂંકે ,લઠ્ઠાઓ તો પીવે પણ દીકરીઓ ..પણ શૈશવભાઈ..પણ
મારે કેહવું પડ્યું કે ભાઈ તમે જે ઇલાકામાં ગયાને એને સ્વર્ગ કેહવાય ત્યાં દીકરીઓના હોય અપ્સરાઓ હોય, એ સિગારેટમાં ગોળી ભરાવે એટલે એ લોકો સાતમાં સ્વર્ગમાં જીવતા હતા, તમે અને હું ધરતી ઉપર જીવી રહ્યા છીએ વાહલા.. પણ પાર્ટી એટલી બધી ડોફરાઈ ગઈ હતી ..પણ શૈશવભાઈ આવું કેવું ,નાની નાની દીકરીઓ ..પણ …
છેવટે મારે કેહવું પડ્યું …અલ્યા એ ઈ મેં કોઈને મઉં નથી કરી .. હવે જે જોયું એનો સ્વીકાર કરી લે ,અને તું ઘરડો થઇ ગયો બાકી હજી આગળ વધશે આ બધું .. તું દમ મારો દમ પિક્ચરમાં જોતો હવે નજર સામે જો…અને ઘરડો થાય તો તારા ઘરમાં આવે તો પણ નવાઈ નહિ .. હેન્ડ મારું માથું નાં ખા`યે..!!
આજે અમદાવાદના લગભગ તમામ એ તમામ ખાણીપીણીના લારી ગલ્લા કે કોફા બાર કોઈ ને કોઈ કાયદાનો ચોક્કસ ભંગ કરીને દુકાનો ઉભી કરે છે પણ મૂક બધિર તંત્ર કશું જ કરતુ નથી ,અને જનતાને પણ પેહલા કીધું એમ ઝેર ખાવું છે પણ ઘેર નથી ખાવું..!
ઢોકળા સુધ્ધા ઘેર રાંધવામાં આજકાલ તકલીફ પડે છે,
એવા કુથા કોણ કરે ..!! ખાવા ચાર ઢોકળા એમાં એટલા વાસણો કોણ બગાડે ..? જા બાજુવાળા સૌરાષ્ટ્ર કે સુરતીમાં જઈને લેતો આવા પચાસના ..!!
ગુજરાતણનો હુકમ થયો અને માટીડો ઉપડે ..!! , બીજી ચાર વસ્તુ વધારાની ઘાલતો આવે..!!
ઉપરથી પાછો શ્રાવણ આવે .. ભક્તિના ઘોડાપૂર ..!!
હેઈ મજાની ડિઝલના ભઠ્ઠા ઉપર તળેલી બટાકા ,કેળા ની વેફરો અને ફરાળી ચેવડા ઝાપટશે ..!! હું પણ બાકાત નથી..!!
બાળપણમાં અમારા એક મિત્રના દાદી અમને ઉક્સવતા,અલ્યા છોકરાંવ પેલી અંબાને ત્યાં કેળ ઉપર લૂમ બેઠેલી તે હવે મોટી થઇ ગઈ હશે જાવ તોડી આવો અને રાત પડ્યે ઓપરેશન ગોઠવાય આખી વાનરસેના પ્લાનિંગ ગોઠવી અને કેળ ઉપરથી વીસ પચ્ચીસ કિલોની કેળાની લૂમ અંબા ડોશીના બંગલે ધાડ પાડીને તોડી લાવે ,
એ કેળ ઉપરથી ઉતારી આણેલા તાજ્જા કેળાની તાજ્જી વેફર પાડે અને ઉપર ઘેર કુટેલા મસાલા નાખે ,અને એ જે ખાવાની મજા હતી ..અને વધારે મજા ત્યાં આવે કે અંબા બા પણ બીજે દિવસે એકાદા વાંદરાને પકડીને કહે …ડોબાઓ એ કેળ નોહતી ઉતારવાની પેલી પાછળ થઇ છે એ ઉતારવાની હતી જાવ એ તોડી જાવ ..!!!
શૈશવ બાળપણથી ઘણા બધા લાડકો રહ્યો છે ,ઘેર ઘેર ખાઈ ખાઈને મોટો થયો છે અને કેટલીબધી દાદી અને બા ના હાથની રસોઈ ખાઈ ખાઈને આ અલમસ્ત શરીર બનાવ્યું છે ..!
છેલ્લે ત્રણ વર્ષ પેહલા એક મિત્રના નેવું વર્ષના મમ્મી મારા માટે હંમેશા દિવાળીએ દૂધનો હલવો બનાવીને રાખતા, આખું ગ્રુપ ભેગું થયું હોય અને એમાં એ કાકી આપણા માટે સંતાડીને રાખેલો સ્પેશિઅલ હલવો ખૂણામાં બેસાડીને ખવડાવે ..!!
હું સવાદિયો ચમચી ચમચી કરીને ખાતો જાઉં અને એવા હરખથી કાકી મને જોતા જાય..!!
સાલી એ મજા હતી, દિવસો હતા ..!!!
નથી એ કાકી હવે દુનિયામાં , નથી ખૂણામાં બેસવાનું ..!!
ખાવ ખાવ હડકાયાની જેમ રોડ રસ્તા ઉપર ઉભા ઉભા ,નથી અભાગીયાઓ તમારા નસીબમાં એ માં ના પ્રેમ ..!! અને એમના હાથમાં વસેલી માં અન્નપુર્ણાના આશીર્વાદ..!!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)