ગુરુ, સીસ્ટમ , ભણતર /ભાગ-બીજો
એન્જીનીયર થયેલો બેંક માં નોકરું કૂટતો હોય અને કોમર્સ ગ્રેજ્યુએટ એના બાપના કારખાનામાં ઝુડાવા જતો હોય ..!
ભણતર અને ડીગ્રી તો જાણે કોઈ`ક બીજી દુનિયામાં કામ લાગવા ના હોય એના માટે જ ભણવામાં આવતું હોય એવી પરિસ્થતિ છે..!
આજકાલ યુનિવર્સીટીઓમાં મોટા મોટા ભવનો બાંધવાની ફેશન ચાલી છે સામે છેડે બધા ઔદ્યોગિક એસોસીએશનો ને સેન્ટર ઓફ એકસેલન્સ કરી કરી ને ભવનો બનાવી આપ્યા , પણ પછી શું ?
તો કહે પછી પછ્વાડું અને આગળ જ્ખ્વાડું (વિરમગામ ની કેહવત છે )
ભણતર અને રીયલ પ્રેક્ટીકલ લાઈફ ને બંને ને કોઈ જ કનેક્શન નહિ ..!!
ટોટલ જંગલિયત ..!!
યુનિવર્સીટી ભણાવે એ જ ભણતરમાંથી ઉદ્યોગો કમાવરાવે એવું કૈક ગોઠવાવું જોઈતું હતું પણ આ તો આ બંને ને કોઈ લીંક જ નહિ..!!
ભણતર અને પ્રેક્ટીકલ લાઈફ ની વચ્ચે પડ્યા ગાંડા બાવળ ના વને વન ..!!
અને એમાં પણ બાકી હતું તો યુનિવર્સીટીઓના પણ ઢગલા કરી મુક્યા દરેક પોતાની રીતે ભણાવે અને રીઝલ્ટ આપે..!! ઘર નો ડાકલો ને ઘર નો ..!!
એમાં માંબાપ ના રૂપિયા ની ઘાણી બોલે ને બાળકના સમય ની ,
ચલો તો પણ આ બધું કર્યા પછી પણ ઘાણી નો બળદ ક્યાં ? તો કહે ઠેર નો ઠેર ..!
ત્રણ વત્તા બાર વત્તા પાંચ ટોટલ વીસ વીસ વર્ષ ભણ્યા પણ એક માસ્તર એવો ના મળ્યો કે જે પ્રેક્ટીકલી ઉદ્યોગ જગતમાં જઈ ને કારખાનામાં ઉભો રહી ને પ્રોડક્શન કાઢી આપવા ને સક્ષમ હોય..!
એકલા કાગળિયાં નો વાઘ ભિખારી..!!
ભારતીય સંસ્કૃતિ ની પત્તરફાડવામાં આવે છે પણ એને કેમ મોર્ડન એરામાં અમલમાં મુકવી એની કોઈ ને થેક લેતી નથી..!!
જુના જમાનામાં ગુરુઓ વિદ્યા અને શસ્ત્રો આપતા તો પ્રેક્ટીકલી લડાઈના મેદાનમાં લઇ જઈ ને લડતા શીખવાડતા જોડે રહી ને..!! કયો માસ્તર ઉદ્યોગ જગતમાં જઈ ને પ્રેક્ટીકલ જ્ઞાન આપે છે ? અરે લપોડશંખ બેંકમાં રૂપિયા ભારવની સ્લીપ ભરતા પણ નથી શીખવાડતા..!! ભલું થાજો ઓનલાઈનનું અને ગુગ્લા નું કે આજ ની પેઢી બધું જાત્તે શીખી ગઈ..!
બીજી મોટી કમબખ્તી દેશ આખાની..!!!
મોટા મોટા ભવનો બાંધી ને એમાં એસી ફીટ કર્યા અને ભાષણો ઠોક્યા થીયરીઓ શીખવાડી ને એમાં જે સૌથી પેહલા આવ્યા એ બધા ને અમેરિકા, કેનેડા ,ઓસ્ટ્રેલીયા મોકલી દીધા ..!!
પઢેગા ઇન્ડિયા તો બઢેગા કેનેડા ,અમેરિકા ,ઓસ્ટ્રેલીયા ..!!!
ફટ રે ભૂંડા મુઆ અભાગિયા..!! દુનિયા નો એક માત્ર દેશ એવો છે જેનું નામ ભારત કે જે પોતાના છોકરાવ ને વીસ વીસ વર્ષ ના કરે ,ભણાવી ભણાવી ને પરદેસ મોકલી દે..કાળી મજુરી કરવા, સ્કીલ્ડ લેબર બનવા ,સેકન્ડરી સીટીઝન બનવા , ઇમિગ્રન્ટ તરીકે ઓળખાવવા (પાકિસ્તાનમાં એને મોહાજીર કહે ) ..!!
જાવ જાવ હો બેટા ત્યાં સીસ્ટમ સરખી રાખજો અને નવી સીસ્ટમ ઉભી કરજો તમ તમારે ..!! સુખી થાવ..!!
અમે તો જ્યાં છીએ ત્યાં જ સારા ..!!
માંબાપો પણ પાછા અભાગિયા ,તમાચા મારી મારી ને ગાલ લાલ રાખે ..!
ઘઉં મોકલે પરદેશ અને કાંકરા પોતે રાખે..!!! પછી નર્યા ભાષણો .!
અલ્યા શરમ આવવી જોઈએ તારા કાળજા કેરા કટકા ને આટલા વ્હાલથી અને પ્રેમથી જન્મારો આખો જેની પાછળ ખર્ચ્યા એને તારે પરદેસ મોકલી દેવા પડ્યા , તે આ દેશમાં રહી ને કર્યું શું ? હા હા હી હી .. તાબોટા પાડ્યા કે તું તારા દેશમાં રહી શકે એવું વાતાવરણ ના બનાવી શક્યો ? અને પાછો ગુરા ને ગુરી કરે છે..!!
આખો દેશ નર્યા ભાષણો અને ચર્ચાઓ જ કર્યા કરે છે , માંડ કદાચ બે ચાર ટકા લોકો પ્રોડકશન કાઢતા હશે અને એમાંય પોતાના ભણતર ને ઉપયોગમાં લઇ ને પ્રોડક્શન કરતા હોય એવા તો કેટલા ??…!
પૂર્ણત: રાષ્ટ્રવાદ ને વરેલા લોકો ના સંતાનો પણ જ્યારે પરદેસ જતા હોય ત્યારે મોટે ઉપાડે સોશિઅલ મીડિયા ઉપર ફોટા મુકે અને પાછા સગર્વથી લખે પરદેશગમન પરિવાર નું ગૌરવ..!
કેવડો મોટો દંભ રાષ્ટ્રવાદ નો ..!!!
કેમ ભાઈ એવી યુનિવર્સીટી ઉભી ના કરી શક્યા કે જ્યાં તમારા જ પેટ ના જણ્યા ને ભણાવી ના શક્યા ,અરે પિત્તળ , બંબા દુનિયા આખી ઓનલાઈન છે અહી ની યુનીવર્સીટીના ત્યાના લોકો જોડે કૈક સેટિંગ ગોઠવો કે અહી બેઠા ઓનલાઈન ભણાવી દે, ઇન્ટર્નશિપ કરવા બે ચાર છ મહિના ત્યાં જાય ..!!
બેનીફીટ ઓફ ડાઉટ .. હા જે લોકો ના છોકરા પરદેશથી ભણી ગણી ને પાછા અહિયાં આવી ને દેશ માટે કઈ કામ કરવા ના હોય તો એમના માટે ચોક્કસ ગર્વ લેવા જેવી બાબત છે,
પણ એવું બહુ થતું નથી , થોડાક મહિના એકબીજા વગર ઝૂરે પછી ધીમે ધીમે સ્વતંત્રતા ફાવી જાય બંને બાજુ થી પછી માંબાપ ને છોકરું ના ખમાય અને છોકરા ને માંબાપ..!
લગભગ દરેક કિસ્સામાં રાષ્ટ્રવાદનું કરુણ મૃત્યુ થાય તે પરિવાર પુરતું..!!
ખુબ લડી મર્દાના શીખવાડીને મોટી કરેલી વસ્તી રાણીના ગુણ ગાતી થઇ જાય “સિટીજન” થઇ જાય ..!
અરે રે રે ..! ફક્ત અને ફક્ત રટ્ટા માર ભણતર ને પરદેશ જવાની હોડ ..!!
ખરેખર જો દેશ નો ઉદ્ધાર જ કરવો હોય તો સારું અને સરખું ભણેલી પેઢી ને અહિયાં ટકાવો ,ઝાલી રાખો ગમે તેમ કરી ને ..એને સ્પષ્ટતા આપો કે `આ` ભણવા થી આટલું કમાઈ શકીશ અને `આટલા` રૂપિયામાં તું તારા `તેટલા` સપના પુરા કરી શકીશ અને છતાં પણ તારા સપના વધારે મોટા હોય તો આગળ ભણ ,તો તને વધારે રૂપિયા કમાવા ની તક મળશે..!!! અંબાણી થતા થઇ ગયા હવે નહિ બનાય એટલે માપમાં રહે..! પણ તને અમે તક આપીશું..!!
ભવનો ઘણા થઇ ગયા ,હવે લેબોરેટરીઓ ઉભી કરો અને એ પણ ઉદ્યોગો ની વચ્ચોવચ , નવી ટેકનોલોજી નો ઉપયોગ કરો અને કરાવો..!!
શાકવાળી પણ કેલ્ક્યુલેટર વાપરતી થઇ ગઈ છે તો હવે છોકરાઓ ને ઘડિયા ગોખાવવાની જરૂર નથી , ઉંઠા તો હરગીઝ નહિ ,જોમેટ્રી ખપ પુરતી , બાયોલોજી ને થોડી રસપ્રદ બનાવી ને અને ઈતિહાસ ને ભૂગોળ સાથે જોડી ને શીખવાડાય તો કૈક જામે..!!
બાકી તો સિકંદર ને પોરસ કી થી લડાઈ તો મૈ ક્યા કરું ? એવું જ કહી ને લાલી લાલો ઉભો રેહશે..!!
ત્રીજી વાત હવે ..!! ખેતી કરતા હોય અને ભણેલા હોય એમાં પણ એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ થઇ ને ખેતી કરતા હોય એવા કેટલા ?
ખેતી પ્રધાન દેશ છે તો ભારત દેશમાં એગ્રીકલ્ચરિસ્ટ કેટલા હોવા જોઈએ ?
સિત્તેર ટકા વસ્તી ખેતી ઉપર નભે છે એવું કેહવાય છે તો કમ સે કમ સાત આઠ કરોડ લોકો ખેતીમાં ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ પણ શું આ આંકડા ની નજીકમાં પણ ક્યાય કશું ખરું ?
જેટલી જેટલી વાર કોઈ યુનિવર્સીટીના ભવનમાં જાઉં છું એટલી વાર કાળ ચડે છે , નકરા ઢોરાં જ પેદા થાય છે ..!
એમાં નો એક ઢોર હું પણ ખરો .. રૂપિયા જ કમાવા હતા કેટલા એની ખબર નોહતી બસ કારખાના કરવા , સાયન્સ અને આર્ટસ ના બેકગ્રાઉન્ડ લીધા અને જન્મારો કોમર્સમાં , ટેલી ના સોફ્ટવેર ઉપર ..!
સત્યનાશ ..!
શું ભણ્યા ને શું કામે લાગ્યું ..??!!!!!
ધરમૂળ થી આમૂલ પરિવર્તન શિક્ષણ પધ્ધતિમાં લાવશું ત્યારે વીસ વર્ષે રીઝલ્ટ મળશે ત્યારે પણ જો અમેરિકા ને કેનેડાવાળા એચ વન ની બદલે કૈક નવો ઝેડ વન લાવ્યા ને તૈયાર કરેલા ક્રીમ જેવા વીસ વીસ વર્ષ સુધી મેહનત કરી ને તૈયાર કરેલા છોકરા ગળી ગયા તો નશીબ તમારા ને મારા..!!
અભાગિયા ..!!
કર્યા કરો નમન અને પ્રણામ , જાત્તે કશું નહિ કરીએ ..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*