ત્રણેક દિવસ પેહલા મની કન્ટ્રોલ ઉપર સ્ટોરી આવી હતી , ચા ,નાસ્તો પાનના ગલ્લાવાળા એવા નાના નાના ધંધા વાળા કરોડપતિ નીકળ્યા , લગભગ અઢીસો લોકો એ પોણા ચારસો કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદી..!!
શું વિચાર આવ્યો ? કાળજડા બળી બળી જાય ને ..?
પઈ ની પેદાશ નથી ને ઘડી ની નવરાશ નહિ , ઈઝ ઓફ બીઝનેસના નામે નવી બાટલીમાં જુના માલ ભરી ભરી ને પીવડાવે અને ઉપરથી પોતાના મરી મસાલાના તડકા ,દર મહીને કોઈ ને કોઈ રીટર્ન ભરો અને કોઈ ને કોઈ લાયસન્સ રીન્યુ કરો પણ છે કોઈ ઝંઝટ પાણીપુરી ના ખુમચાવાળા ને ?
સાહેબ વકરો તો ગણો પાણીપુરી ,ભેળપુરી, પાનના ગલ્લા એવા નાના નાના ધંધા ના ..!
આંખો ફાટી જશે ..!
મોટેભાગે રોડ ઉપર ઉભા રહી ને થતા ધંધામાં કેપિટલ ઉર્ફે મૂડી ખાતું લગભગ ઝીરો જ હોય, કોઈ જ પ્રકાર ની ધંધો કરવા માટે મિલકત વસાવવા ની નહિ સરકાર માટે એની માં એ એને જણ્યો છે એટલે સરકારે વાહનો ચલાવવા માટે બનાવેલા રોડ ઉપર ક્યાંક નાનકડો ખૂણો શોધી ને ઉભા રહી જવાનું અને “ગરીબ” બની ને જિંદગી આખી રેહવાનું ..!
બહુ વર્ષો પેહલા અમે કીટલી ઉપર મધરાતે ચા પીવા જતા લો ગાર્ડન, ત્યાં તદ્દન મેલાઘેલા પણ `સફેદ` કપડામાં એકદમ જાડ્ડી ફ્રેમના ચશ્માં પેહરી અને એક ભિખારણ ડોશી ફરે , ડોશી ના ચશ્માં ચાડી ખાતા હતા કે એમને બે-તાળા ના ચશ્માં છે ,
મને એક સર્વ સામાન્ય નિયમ ખબર કે આ વર્ગ ના બૈરા ચશ્માં પેહરે નહિ ..! પૂછો કયું ?
તો વાંચતા લખતા આવડતું હોય તો બે-તાળા ની જરૂર પડે ને ?
તો પછી આ ભિખારણ ડોશી ચશ્માં કેમ પેહરે ..? મનમાં કીડો સળવળ્યો …!
લો ગાર્ડન ની એક સાઈડ ની અડધી લારીઓ ના માલિકો શૈશવ ને એ જમાનામાં આંખ ની ઓળખાણે ઓળખે , તરત જ પૂછ્યું કે બોસ્સ આ ડોશી કોણ ?
સામો સવાલ આવ્યો કેમ આવું પૂછો છો ? ભિખારણ છે ..!
મેં કીધું … ના લાગતી નથી ,દયામણું મોઢું છે પણ એની પાછળ એની આંખોમાં કૈક જુદો ભાવ છે , મક્કમતા છે ને ચારેબાજુ નજર રાખતી હોય એવું લાગે છે , અને અત્યારે રાત્રે દોઢ બે વાગે પણ કેમ રખડે છે અહિયાં ? કૈક લોચો છે..!
પેલો પીઝા ની લારીવાળો સમજી ગયો કે આ શૈશવ પાર્ટી ઓળખી ગઈ છે ભિખારણ ડોશી ને .. સાહેબ ડોશી તો કરોડપતિ છે અડધા લો ગાર્ડન ને માલ ભરવા વ્યાજે રૂપિયા આ ભિખારણ એ આપ્યા છે , ઘણીવાર તો આ ડોશી રોજના દસ ટકા વ્યાજ લે છે શાકભાજીની લારીઓ વાળા પાસેથી ..રોજ સવારે હજાર ને બદલે નવસો રૂપિયા જ આપે શાકભાજી ની લારીવાળા ને બકાલું ભરવા અને રાત્રે એક હજાર પુરા પાછા લ્યે છે ,અમારી પાસે મહીને ત્રણથી પાંચ ટકા વ્યાજ લે છે, પેલા મંદિરે બેઠા છે ને એ બધા એના છોકરા છે વ્યાજ અને મૂડી બંનેમાંથી આ ડોશી નું કશું પણ જો ડુબાડે તો ડોશીના છોકરા પેલા ને કાંકરિયામાં ડુબકા ખવડાવે..!!
પેહલા તો રોજના દસ ટકા સાંભળી ને આંખો ખુલ્લી રહી ગઈ વર્ષે કેટલા થાય ?
એ સમયે હર્ષદ મેહતાવાળા “તેજીબેન” લાલચોળ ચુંદડી ઓઢીને મુંબઈ ના જીજીભોય ટાવરમાં રાસડા લેતા ..! પણ આ ડોશી તો “તેજીબેન” ને પણ પાછળ રાખી દે એવું ગણિત બેસતું હતું ..
લારીવાળા એ આંખ નો ઈશારો કરીને દેખાડ્યું ..જુવો સાહેબ જેની આગળ આજે વ્યાજ કે હપ્તો લેવાનો હશે એની દુકાનની સામે જ ભીખ માંગ્યા કરશે ડોશી , એનો આજ નો બધ્ધો વકરો ડોશી લઈને ઘેર જશે..! પેલા ને જો રૂપિયા જોઇશે તો કાલે સવારે વ્યાજ કાપી ને માલ ભરવા રૂપિયા ફરી આપશે પણ ડોશી અને એના છોકરા રાત્રે મૂડી તો ઘર ભેગા કરી જ લે ,વ્યાજ તો ડોશી એ સવારે જ કાપી લીધું હોય..!!
ડોશી ભણેલી ગણેલી હતી ..! વ્યાજ ગણતા આવડતું હતું અને પોલકામાં ડાયરી રાખતી , વ્યાજખોર ડોશી ભિખારણ નો સ્વાંગ રચી ને ધંધો કરતી, ભીખની આવક લટકામાં ..!
હવે તો લો ગાર્ડન પણ મરી પરવાર્યું છે અને ડોશી પણ ઉકલી ગઈ હશે પણ વિચારવાનું એ પણ છે કે ડોશીના દસ ટકા રોજના વ્યાજ ભરતા પણ શાક બકાલું વેચનારો કમાતો ,લો ગાર્ડન ની લારી વાળો પણ કમાતો અને ત્યાંથી અમુક લોકો તો દુનિયાભરમાં ફ્રેન્ચાઈઝી આપતા થઇ ગયા છે ..!
આપણે ઘંટી ના બે પડ ની વચ્ચે પીસાતા મધ્યમ વર્ગ ના લોકો ક્યારેય દાળવડા, ઈડલીના ખીરા ,કે પંજાબી શાક ,સમોસા ના રો મટીરીયલ એક કિલો કેટલા રૂપિયા ના આવે અને ફીનીશ પ્રોડકટ કેટલા રૂપિયાની પડે એ વિષે તો વિચારતા જ નથી..!
ક્યારેય સિગારેટ નું વજન કેટલું એ વિચાર્યું છે ? એમાં કેટલા ગ્રામ તમાકુ ? રીવર્સ એન્જીનીયરીંગ કરી જોજો તો ખબર પડશે કે કેટલા રૂપિયે સિગરેટ કિલો પડે છે ..!
અરે ખાખરા જેવી વસ્તુ ના કિલો એ કેટલા વધારે ચૂકવો છો એ તો ગણજો ..!
એક મિત્રના પપ્પા મને હંમેશા કેહતા કે શૈશવ હોટેલમાં પાપડ ક્યારેય ના ખવાય ..!
દાકતર (મારા મમ્મી પપ્પા ) ને લઈને તમે છ જણા હોટેલમાં જાવ અને ત્યાં છ જણા નો એક એક પાપડ મંગાવો એટલા રૂપિયામાં તો પાપડ નું આખું પાપડ નું પેકેટ આવી જાય , અને પાપડમાં વળી એવી તે શી કરામત હોય ? શેકેલો કે તળેલો પાપડ તો ઘર નો હોય કે હોટેલ નો એક જ હોય ..! હોટેલ ની કમાણી જ આવા બધામાંથી છે..!
પાક્કો મારા જેવો અમદાવાદી જીવડો ..! બીજા ના માર્જીન જ ગણાતો ફરતો હોય આખ્ખો દિવસ ..!
નાના ધંધાના માર્જીન ઘણીવાર ઘણા મોટા છે અને દયા માયા અને ગરીબ રેહ્વાનો દેખાવ એને તમામ સરકારી એજન્સીઓ થી બચાવી ને રાખે છે ,
ફક્ત અને ફક્ત કેશલેસ ઈકોનોમી જ આનો ઈલાજ છે અને કેશલેસ નો પેહલો રસ્તો એ છે કે તમામ સેલેરી એકાઉન્ટમાંથી કેશ ઉપાડવા ની મર્યાદા મૂકી દો ,
જેમ જેમ કેશલેસ ટ્રાન્ઝેકશન વધશે તેમ તેમ આવા “ગરીબો” ટેક્ષ નેટમાં આવશે , અને બીજો મોટ્ટો ફાયદો એ કે કશું કર્યા વિના જ ઈકોનોમી પાંચ ટ્રિલિયન ની થઇ જશે..!!
સેલેરી એકાઉન્ટ ને કેશલેસ કરો અને સૌથી પેહલા સરકારી ..!!!
પછી પ્રાઈવેટ ..!!
“ગરીબો” તો જ પકડાશે ..!!
હોટેલમાં જઈને પાપડ ખાશો બોલો ?
હું તો લગભગ પચ્ચીસ વર્ષોથી નથી ખાતો ..અમદાવાદી જીવ રહ્યો ને ,!! એકવાર ખબર પડી જાય પછી તો કેમનો ખાઈએ ? સામેવાળા ને કમાવા દેવાય ? હરગીઝ નહિ ,શાક સરખું લાવવાનું હોય તો જમાલપુર અને ઓછું તો જીવરાજ , કરિયાણું કબુતરખાને ..!! બાપુજી આ બધ્ધું કરતા ,પણ હવે પત્નીજી ઓનલાઈન મંગાવે ડિસ્કાઉન્ટ વધારે ..!
સાચો ગરીબ ક્યારેક શોધવો પડે એવું છે..!!
કદાચ અડોશ પડોશમાં તમારી ને મારી સોસાયટીમાં જ ના મળી આવે એ જો જો ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*