“કેમ અલ્યા પોપટ કેમ બહુ સ્ટ્રેસમાં છે ?”
એક વીસેક વર્ષનો પોપટ બેંચપ્રેસ મશીન ઉપર બેઠો બેઠો નખ ચાવતો હતો અને વારે ઘડીએ મોબાઈલ ખોલે અને બંધ કરે ,એકાદો મેસેજ આવે અને ફટાફટ ટાઈપ કરે અને પાછો જવાબની રાહ જોવે..આપણી ત્રેપ્પન વર્ષની આંખોએ પકડી લીધું એટલે સીધો બોલ ફેંક્યો ..
સામે પોપટ ઉવાચ .. “એ તમને કેવી રીતે ખબર પડી ગઈ કે હું સ્ટ્રેસમાં છું ?”
આપણે કલર ચાલુ રાખ્યો.. “શું થયું ? તારું ફન્ટર ગોવા ગયું છે ?”
પોપટની આંખો ફાટી ગઈ “ એ ..ઈ તમે કોણ છો ?તમને કેવી રીતે બધી ખબર પડી જાય છે ?”
આપણે આગળ બાઉન્સર નાખ્યો “બીજા તારા સૌતનને લઈને ગઈ લાગે છે જોડે ..”
પોપટ ઉભો થઇને સાષ્ટાંગ દંડવત્ કરી ગયો .. “શૈશવભાઈ યાર તમને આટલી બધી કેવી રીતે ખબર પડી જાય છે , હવે પ્લીઝ એટલું કહી દો કે એ મારી જ છે ને કે પાછો પેલો (ગાળ ,ગાળ ,ગાળ ) એને લઇ ગયો કે હજી મારી છે ..?”
મેં કીધું “ હજી હમણાં બે દિવસ ઉપર તો પરણવાની વાતો કરતો હતો , હું ચીટીંગ નથી કરતો એ પણ નથી કરતી લોયલ ..લોયલ ..એવી બધી વાતો કરતો હતો અને હવે પેલી જરાક ક્યાંક બહાર ગઈ તો કેમની હલી પોપટ ?”
“શૈશવભાઈ ,શું કહું યાર તમે જ મને સમજી શકો એમ છો .. એના પ્રોજેક્ટ માટે ચાલીસ જણા ગોવા ગયા છે અને આખી રાત જાગે છે બધા રખડે છે, કાલે રાત્રે આખી ત્યાં બધા ભટક્યા છે છેક સવારે સાડા સાત વાગ્યે ઊંઘી છે અને ટુન્ન થઈને પડી છે, અત્યારે સાંજના સાત થયા પણ ઉઠતી જ નથી ,કોણ જાણે આખી રાત શું કર્યું હશે ?”
મેં કીધું .. “તું પણ આખી રાત જાગ્યો જ છે ને .. તો પછી તું કેમનો ઉઠી ગયો તો ?”
પોપટ ફરી પાછો અવાચક થઇ ગયો .. “તમને યાર ખબર કેવી રીતે પડી જાય છે કે હું આખી રાત જાગ્યો છું ?”
પોપટની આંખો લાલ લાલ હતી ,આખું શરીર થાકેલું અને મન હારેલું બધું ચોખ્ખું પોપટના દેદાર ઉપરથી દેખાતું હતું ..
આપણે વડીલની અદાથી એના માથે હાથ મુક્યો .. પોપટ ભેટી પડ્યો .. “યાર આવી લાઈફની મેં તો કલ્પના જ નોહતી કરી ..!!”
હવે ચોંકવાનો વારો મારો હતો .. મારો ડાયલોગ હતો આ તો ..!!
હું બોલતો હોઉં છું કે આવી લાઈફની તો મેં કલ્પના જ નથી કરી..
મેં કીધું “ જો બાબા ..વિશ્વાસ મુક્યો હોય તો વિશ્વાસ રાખવાનો પછી ચોવીસ કલાક એની પાછળ જ નહિ પડી રેહવાનું , તું લગન કરીશ અને એ તારે ઘેર આવશે , તું એને ઓઝલ પડદામાં થોડો રાખવાનો ? એ ક્યાંક કોઈક શાકવાળા જોડે વાત કરશે તો પણ તને શંકા જશે ..”
“ ના ..ના શૈશવભાઈ મને એની ઉપર પૂરો ભરોસો છે પણ પ્રોબ્લેમ પેલો લઠ્ઠો છે ,હાથ ધોઈને પડ્યો છે એની પાછળ ,અને ગોવા છે આ તો, તમને ખબર છે ને દારુ અને ધુમાડા ..બાર કલાકથી પડી છે પથારીમાં હવે એ ટાઈમમાં પેલા એ લાભ લઇ લીધો તો ?”
મેં કીધું “ દારુ અને ધુમાડા કાઢતા કોણે શીખવાડ્યું એને ?”
પોપટ આંખોમાં ગર્વ લાવીને બોલ્યો “મેં જ તો ..”
એટલે આપણે ફટાક કરતુ ચોંટાડ્યુ .. “તો પછી કર્યા ભોગવવા પડે ને ?”
પોપટ અચાનક સેડ .. દુઃખ દુઃખ ના પહાડ .. “ તો ..તો ગઈ .. હવે ..મેં તો બીજું ઘણું બધું શીખવાડ્યું છે ..”
મેં કીધું “પેલો એનો એક્સ છે ?”
પોપટ લગભગ રડવા સુધી આવી ગયો .. “ બે હા યાર પણ તમને કેવી રીતે આટલી બધી ખબર છે ? અમને ત્રણ જણને જ ખબર છે આ વાતની તો અને અમારે ચોખ્ખી ડીલ થઇ છે કે હવે એ લોકો ખાલી ફ્રેન્ડસ બીજું કઈ નહિ અને પેલાની પણ ગર્લફ્રેન્ડ છે હવે તો ..”
મેં બોલિંગ ચાલુ રાખી .. “એની ગર્લફ્રેન્ડ જોડે કાલના દિવસ અને રાતમાં તે કેટલી વાર વાત કરી ?”
પોપટ .. “હે ભગવાન ..અંતર્યામી છો તમે, અમે બંને જણા ત્યાં કોન્સ્ટન્ટ ફોનથી એ લોકો ઉપર નજર રાખીએ છીએ પણ બે કલાકથી જવાબ નથી આપતા બંને ..”
“એટલે તું હમણાં પેલાની ગર્લફ્રેન્ડ જોડે ચેટીંગ કરતો હતો ?”
“ભગવાન ભગવાન ..તમે મને દત્તક લઇ લો અને મને આવી વિદ્યા શીખવાડો એટલે હું અહિયાં બેઠો ગોવા સુ ચાલે છે એ જોઈ લઉં..”
“ફાઈનલી શું નક્કી કર્યું તમે લોકોએ ?”
પોપટ ચોંક્યો .. “એટલે ?”
“તેં અને પેલાની ગર્લફ્રેન્ડ એ ?”
પોપટ ભડક્યો … “તમે ભગવાન થઇ ગયા છો અને તમને બધી ખબર જ છે તો પૂછો શું કામ ?”
હું ખડખડ હસ્યો ..અને બોલ્યો “ચીટીંગ થયું હોય તો ચીટીંગ કરવાની ઈચ્છા થઇ ગઈ છે ને તમને બંને ને ?”
પોપટ આંખો ફાડીને ગળામાંથી ઘસાતા અવાજે બોલ્યો “શૈશવ..ભા…ઈ .. આટલું બધું તમને કેમ ખબર પડે ..પેલાની ગર્લફ્રેન્ડ મને અત્યારે બોલાવે છે અને એમ કહે છે કે વિડીઓ કોલ કરીએ સાથે બેસીને અને પછી જો એવું લાગે કે ચીટીંગ થયું છે તો ચીટીંગ આજે જ આપણે કરી નાખીએ એમની નજર સામે.. હવે ભગવાન, તમે જ કહો કે શું થયું હશે અને અમારે શું કરવાનું ?”
મેં જોરદાર હસતા હસતા કીધું .. “ પેલાની પેલી તૈયાર છે તો તેં કેમ ના પાડી ? એમણે ના કર્યું હોય ચીટીંગ તો તમે શરુ કરો, અને એ લોકો ત્યાં ચીટીંગ કરી લેશે ..”
પોપટ સીરીયસ થઈને બોલ્યો .. “તમારી પાસેથી આવું એક્સ્પેકટેશન નોહતું , હું તમને છેક ભગવાન સુધી લઇ જાઉં છું અને તમે મને આવું શીખવાડો છો ?”
મેં કીધું .. “ જો પોપટ ભરોસો છે તો આ જાસુસી કરવાનું મૂકી દે , અને નથી તો તું તારી મેનાને મૂકી અને કોઈક બીજી પોપટી જોડે જતો રહે”
“એમ નહિ પણ તમે તો અંતર્યામી છો તો કહી દો ને કે મારે શું કરવાનું ?”
અમે રણમધ્યે રથ ઉપર આવી ગયા અને જ્ઞાન આપ્યું “ જો બેટા પોપટ, જેની સાથે એટલો પ્રેમ થાય કે ભલે સાત સમંદર દૂર હોઈએ પણ આપણને ખબર પડી જતી હોય કે અત્યારે એ શું કરતી હશે અને એ પણ ફોન લગાડ્યા વિના કે વિડીઓ કોલ વગર, એની સાથે લગ્ન કરજે અથવા જેની સાથે લગ્ન થાય એને એટલો પ્રેમ કરજે કે આપણે સાત સમંદર દૂર હોઈએ તો પણ આપણને ખબર હોય કે એ શું કરતી હશે જે તે મીનીટે ..”
પોપટાર્જુન .. “પણ એવું થાય કેવી રીતે ..?”
અમે “થાય .. વિશ્વાસ એ એનું પેહલું પગથીયું છે .. તારા કેસમાં તારે પેલાની ગર્લફ્રેન્ડનો કોન્ટેક્ટ જ નોહ્તો કરવાનો , ખોટા ખોટા ફોન અને મેસેજ નોહતા કરવાના ,ગોવા જઈને આવે એટલે મળવાનું ,દિવસમાં એક બે વખત વાત કરવાની અને પછી એને એનું કામ કરવા દેવાનું અને ભરોસો આપવાનો કે તને કઈ તકલીફ હોય તો મને ફોન કરજે અને તારો એક્સ લાઈન ક્રોસ કરવાની કોશિશ કરે તો મને કેહજે .. બસ સિમ્પલ વાત પૂરી ..”
બે દિવસ પછી પોપટાર્જુન પધાર્યો .. પચીસ જણની વચ્ચે વળગીને કિસ કરી કરીને મારા ગાલ ચાટવા લાગ્યો.. “ભગવાન મારા ભગવાન..!!”
મેં હસીને કીધું “ આવી ગઈ લાગે છે ગોવાથી ..”
એક વધુ ચેલો બંધાઈ ગયો ..રાત નો રખડવાવાળો ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*