લખવું છે, નથી લખવું ..
કારણ કોઈ એવું મોટું નથી અસમંજસનું ,પણ નાનું પણ નથી..!
થોડાક વોટ્સ એપ ગ્રુપોને તિલાંજલિ આપી, હજી પણ ક્યારેક તીવ્ર ઈચ્છા થઇ જાય છે કે છોડી દઉં સોશિઅલ મીડિયાની આ ભાંજગડ,
ઘણા બધાને વાંચવું ગમે છે,
ઘણા બધાને એમ થાય છે કે આ શું મંડ્યો છે આટલા વર્ષથી..? લાંબુ લાંબુ લખે છે અને બાકી હતું તો ટીવી ઉપર જઈ જઈને સટર-પટર કરે અને એમાં પાછો ગાણા ગાવા બેસે..!!
જીમના ફોટા ચડાવે, અને કોણ જાણે મોટું કયું બાઈક લઈને આયો છે તે શું ખેલ કર્યા કરે છે..? આખો દિવસ નાના નાના છોકરાઓ જોડે રખડે છે ..
અજબ ગજબના વ્યુ આવે છે,
જરાક વિચ્ત્ર ફીલિંગ આવે છે આજકાલ ..!
પબ્લીસીટીની બહુ ભૂખ નોહતી, કેમ કે પેહલેથી પબ્લિકની વચ્ચે જ મોટો થયો છું , સ્કુલના જમાનામાં પાંચ હજાર છોકરાઓ જે સ્કુલમાં ભણતા હોય એ સ્કુલના પ્રિન્સિપલ નામ દઈને શૈશવને બોલાવતા એટલે ફૂટેજ મળી જતું ,
મોટા થયા તો કોલેજમાં આપણે ફાટેલી નોટ એટલે ઝાંપેથી બાઈક ઘૂસે એ ભેગી આપડા નામની બુમો સંભળાય ફુલ્લ ફૂટેજ ..અને એમાં પણ થોડીક હોશિયારી વાપરતો એક ગ્રુપને બીજા ગ્રુપ સાથે ભેગા ના કરું ..
સંગીતવાળા ને સંગીતવાળા જોડે રાખું અને રખડી ખાવાવાળાને રખડી ખાવાવાળા જોડે રાખું, ભણવાવાળા જુદા , નોલેજવાળા જુદા ,મંદિરવાળા જુદા ..!
સમય પસાર થતો ગયો મિત્રોની ભરમાર વધતી ગઈ અને આ સોશિઅલ મીડયા જીવનમાં ઘૂસ્યું પછી તો ઘણું વધ્યું ..!
એક ફાયદો થયો સોશિઅલ મીડિયાનો .. જે લોકો પાસેથી મારે ક્ન્સીડરેશન લેવું હતું એક જમાનામાં એ બધા મને વાંચી વાંચીને વગર કીધે કોમ્પલીમેન્ટ આપતા થઇ ગયા અને ટીવીના શો આપ્યા પછી એમનું જરાક માન આપવાનું વધી ગયું ..!
જીવનમાં દરેકને કોઈ ને કોઈ પાસેથી ક્ન્સીડરેશન અને કોમ્પલીમેન્ટની અપેક્ષા ચોક્કસ હોય છે ,પણ જેની પાસેથી હોય છે એવી વ્યક્તિઓ ક્યારેય મગ ના નામ મરી પાડતા નથી હોતા..!
પણ હવે અબખે પડતું જાય છે ..એક સમય એવો પણ આવતો ગયો કે ક્યાંક પ્રસંગમાં ગયા હોઈએ અને કોઈ આવીને એમ ના કહી જાય કે શૈશવભાઈ તમે સરસ લખો છો કે પછી ટીવીમાં તમને જોયા હતા કે આવું કશું ના થાય તો ઉણું લાગતું ,
પણ પછી મનને વાળી લીધું કે બધી ચાર દિનની ચાંદની છે , બચ્ચનદાદાને જો લોકો ટ્રોલ કરીને કોડીના કરી મુક્તા હોય તો શૈશવ તું વળી કઈ ચીજ છે, ફૂંટી ..!!!?
ત્રણ ચાર વાર્તાઓ અડધી લખાયેલી પડી છે, પૂરી કરવાનો મૂડ જ નથી આવતો ,કરંટમાં અત્યારે જીવનમાં સીરીયસલી ચાલી રહેલી હોબીમાં બાઈકિંગ, સંગીત,લખવાનું , માછલા, જીમીંગ, વાંચવું અને બાકી તો હરવા ફરવા અને ખાધે પીધે (દારૂ ,સિગારેટ સિવાય ) ખબરદાર અને જ્યાં નજર પડે ત્યાં ખોદી કાઢવું અને મૂળ સુધી વાત કે વસ્તુની પોહચવાનો પ્રયત્ન કરવો..!
પણ અકળાઈ ગયો છું સાચું કહું તો આ બધાથી..!!
અતિ છે કે કાળની ગતિ છે એની ખબર નથી પડતી .. બે ચાર દિવસથી એવું થાય છે કે જીમ બંધ કરીને સ્વીમીંગ ચાલુ કરું, અને બાઈક બંધ કરીને ફરી એકવાર બંધુક ઉપાડવી છે.. (રાયફલ શુટિંગની કાયદેસર તાલીમ લીધી છે માબદોલત એ )
નવરાઈના નખરા છે..!!
ભીડની એકલતા કઠે છે ..!
સમય કપાતો જાય છે, એક મિત્ર સાથે બેઠો હતો ..
મારા વૈચારિક મિત્ર, એમની સાથે બેઠા હોઈએ તો અનેક વિષયો ઉપર કલાકો ખેંચી કાઢીએ , ભગવદ્ ગીતાની વાત નીકળી એમણે કીધું કે હું ચાર પાંચ જગ્યાએથી એક શ્લોક પકડીને એના સંદર્ભો મેળવું છું આજકાલ અને એમાં હું ધ્યાન રાખું કે મારો વિચાર કે હું ના ઘુસી જાઉં ..
મેં તરત કીધું કે યાર મારાથી આવું થતું જ નથી .. કોઈ પણ વાત કે વિચાર ગમે તે હોય એમાં એકલો હું જ હોઉં છું, હું જ અર્જુન અને હું જ કૃષ્ણ ..! મને તો લાગે છે કે આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા, મારા ગયા પછી દુનિયામાં શું ચાલશે શું બંધ થઇ જશે એની કેટલી દરકાર મારે ?
મારાથી આગળની દુનિયાની કલ્પના જ નથી થતી..!
આજે એક છોકરો જીમમાં એના બાવડા બતાડે મારાથી રેહવાયું જ નહિ એની બાજુમાં ઉભો રહીને મારા બાવડા બતાડી દીધા .. જોઈ લે સોલા કા ડોલા ,
પેલો સામો પડ્યો તમને આખા ઉપાડીને સ્ક્વોટ મારું .. મારા મોઢામાંથી નીકળી ગયું મળશે તને મને ઉપાડવાનો મોકો મળશે બચ્ચા ..!
પેલો લાગણીવશ થઈને બોલ્યો.. બસ ને…! છેક ત્યાં સુધી જતા રહ્યાને..એવું કશું નક્કી નહિ અમે જતા રહીએ અને તમે દોઢસો વર્ષ સુધી બેઠા રહો..!
અજાણતા મેં એના હોઠ ઉપર હાથ દાબી દીધો અને બોલાઈ ગયું.. ના દિકરા ના એવો ગજબ ભગવાન ના કરે ,તારી અને મારી વચ્ચે જે ફરક છે ઉંમર નો એ રેહ્વાનો જ આ ધરતી ઉપર તું મોડો આવ્યો છે તો મોડો જ જવાનો ..!!
છતના ચાળા અને અછતના ઉછાળા ..!
શું છે એ નથી સમજાતું પણ એટલું નક્કી છે કે કૈક છે..!
બે ચાર વાર પોતાની ને પોતાની અડધી રાતે કુંડળી કાઢીને જોઈ લીધી , ગોચર જોયું ફળાદેશ જાત્તે ને જાત્તે કાઢવાની કોશિશ કરી પણ નથી યાદ આવતું કશું , જુનું ઘણું બધું ભૂલાઈ જઈ રહ્યું છે, ટણી જતી જાય છે ..
ચાલ અને યાદદાસ્ત હાથીની છે એ મારી ફાંકો ઉતરી રહ્યો છે..!
કોઈ કારણ વિના હરદ્વાર ,દેહરાદૂન ,મસુરી ,રીશિકેશ જનારાની જેલસી થાય છે..!!
સહસ્ત્રધારાએ આપણે સદીઓ પેહલા જઈ આવ્યા છીએ..!!
ક્યારેક ગાયન બાજુ ઉપર મૂકી ને કથ્થક શીખવાનું મન થાય છે ,અને ક્યારેક બાઈક બાજુ ઉપર મૂકીને બંધૂક ઊંચકવાનું, ટીવી બાજુ ઉપર મૂકી ને મોડેલીંગનો પોર્ટફોલીઓ બનાવવાની ઈચ્છા જાગે છે , દિવસે ઊંઘવું છે અને રાત્રે જાગવું છે ..!!
બસ મન ફાવે તેમ જીવવું છે,
પણ એ જ મન જ પાછળથી હસે છે ..
શૈશાવ્યા ટોપા, તે અત્યાર સુધી શું કર્યું છે તેં ..?????
થયું છે આવું તમને ? દોરા
પડ્યા છે છે આવા ?
મને તો જન્મોજન્માંતરથી આવા દોરા
પડે છે,
પછી ધીમે ધીમે ઢીટ લંગરવા
ઠેકાણે આવી જાય છે..!!
ભીડની એકલતા કઠે અને એકલતામાં ભીડ શોધીએ..!!
“હું” બસ ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)