બહુ જૂની ફરિયાદ છે મિત્રોની.. આટલા વર્ષોથી જીમ જાય તો સિક્સ પેક્સ એબ્સ કે ટોટલ શેઈપનું બોડી કેમ નથી બનતું તારું ?
વાત માંડવી પડે એમ છે..!
ઉંમરના લગભગ પાંત્રીસના પડાવે આવ્યો ત્યારે એક તરફ મારા જીનેટિક કોડ ખુલ્યા અને બીજી તરફ ફાસ્ટફૂડ ખાઈને ઉછરેલી ભારતની હું પેહલી પેઢી કે જેણે લગભગ સાલ ૧૯૭૬-૭૭ની આજુબાજુથી રોટલા કોરાણે મૂકી અને ચીઝ-બટર-આઈસ્ક્રીમ વગેરે વગેરે ભચડવાનું ચાલુ કરી મુક્યું હતું , પરિણામ સ્વરૂપ મારા તમામ બ્લડ રીપોર્ટસ બગડ્યા હતા ,
એ પેહલા એપેન્ડિકસ અને ગોલબ્લેડર આ બે ઓપરેશન થઇ ચુક્યા હતા , એટલે ઓપ્શનમાં એવું હતું કે ગોળીઓ ખાવાની ચાલુ કરો ,ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ,વત્તા કોલેસ્ટ્રોલ ..અને જેમ જીવતા હતા એમ જીવો અથવા કસરત ચાલુ કરો અને જે ખાવ છો એને બાળો ..!
સ્વાભાવિક રીતે બીજો ઓપ્શન પકડ્યો અને ખાધેલું બાળવાનું ચાલુ કર્યું પણ જીભ ના ચસકા છૂટે તો નહિ ,એટલે ફાયદો એક ચોક્કસ થયો કે જે બગડેલા રીપોર્ટસ પાંત્રીસે હતા એ ત્યાં જ અટકી ગયા અને બાવન સુધી ચાલ્યા..!!
પછી જીવનમાં આવ્યો કાળમુખો કોવીડ, એની આડમાં પાકિસ્તાની, બંગલાદેશી મુઓ ડાયાબીટીસ બોર્ડર ક્રોસ કરીને ઘરમાં ઘુસી ગયો ..!
મારા પપ્પા એમના દરેક પેશન્ટ ને એમ કેહતા કે માંબાપ રૂપિયા પૈસા વારસામાં આપે કે ના આપે પણ રોગ તો વારસામાં આપીને જ જાય..!!
વારસો તો ડાયાબીટીસનો બંને બાજુનો છે એટલે સતત સત્તર વર્ષ કસરત કરી છતાં પણ મરવા માટે જન્મેલું શરીર થાક્યું અને ગોળીઓના સહારે આવ્યું ..!!
પપ્પા એક બીજી વાત પણ કેહતા એમના પેશન્ટ ને ડાયાબીટીસ અને જાડું શરીર એટલે બધા રોગની માં ..!
હવે માં ને ઘરમાં ઘાલી છે તો છોકરા પેદા કરવાની જ ,એટલે કોલેસ્ટ્રોલ બોર્ડરેથી આગળ આવવા મથી રહ્યો છે,
બ્લડપ્રેશર ..તો કહે શરીરનું બરાબર પણ આંખોનું વધારે છે ,અને તમારા પપ્પાને ગ્લોકોમાં હતો એટલે તમારે આવવાની પૂરી શક્યતા એના માટે કૌટુંબિક મિત્ર એવા નિષ્ણાંત પાસે ગયા તો કહે ..શૈશવ બેટા તારી દીકરીને બોલાવ પેહલા પછી વાત કરું..
મારી દિકરીને હાજર કરી, અને મારી બદલે એને સુચના આપી .. જો બેટા તારા ડેડીને ગ્લોકોમાં લગભગ સિત્તેર વર્ષે આવવાનો ચાલુ થશે પણ ત્યારે હું મરી ગઈ હોઈશ એટલે મેં તને બોલાવી છે .. મેં કીધું અરે ભાભી આવું કેમ બોલો ? એમણે કીધું ના દિકરા પ્રેક્ટીકલ વાત છે હું તારાથી સત્તર વર્ષ મોટી છું અને તું સિત્તેરનો થાય ત્યાં સુધી મારી જીવવાની કોઈ જ ઈચ્છા નથી , હવે બેટા તું આગળ સાંભળ જો હું તારા ડેડીને અત્યારે બીટા બ્લોકર લખી આપું છું જેનાથી એનું આંખનું પ્રેશર કાબુમાં રેહશે અને દર પાંચ વર્ષે આંખો ચેક કરાવવી અને તારા ડેડીને આ સ્પોટ ઉપરથી ગ્લોકોમાં ચાલુ થશે..!!
એક ગોળી વધી .. જય હો ..!!
ઘણી સલાહો આવે છે ઓલ્ટરનેટીવ થેરાપીની ..
આ કરો પેલું કરો પણ સૌથી પેહલી વાત આવે મોઢું ..!
ઝેર ખાવાનું પણ ઘેર નહિ ખાવાનું ,
ગળ્યું એટલું ગળ્યું બાકી બધું બળ્યું ,
ખાવા માટે તો જન્મ્યા છીએ પણ હવે જીવવા માટે ખાવાનું..
જીવનમાં ધરાઈને કેરી ખાવાનો આનંદ ના લઇ શકો તો શું કામનું ?
આવા આવા વિચારો આવે અને સામે પડેલી વસ્તુને બકાસુર ઓહિયા કરી જાય પછી શું થાય ?
ફરી એકવાર ભીમ ખાય અને શકુની હંગે એવું આપણે થોડું થાય ?
તેરા કિયા આગે આયેગા .. એમ મેરા ખાયા આગે આયેગા બીજું શું ?
અને હા બીજી પણ એક વાત છે, જે દૂધ પીવામાં લઈએ , એ દૂધ ના ઉત્પાદન વધારવા માટે ગાય ને “ઇન્જીશન” આપ્યા હોય તો ? જે ધાન ખાઈએ એ ધાન ના બિયારણ જીનેટીકલી મોડીફાઈડ હોય તો ?
ઓર્ગેનિક વસ્તુઓ ખાવી જોઈએ ..!
રમીલાબેન આવું બોલે ,પણ હોય મારી જેમ ઢોકળા જેવા .. ઓર્ગેનિક વસ્તુ પણ ઓર્ગેનિક છે ખરી ? અને એના રૂપિયા કેવા તોડીને લે ?
રઝીયા ફસ ગઈ ગુંડો મેં ..!!
જીવવું છે , સારું જીવવું છે ,પણ ખાધાની ખબર નથી..!
કોવીડ પછી બીજી કમબખ્તી આવી … મારી ઉંમરની આજુબાજુના ફટાક કરતા ટપકી ગયા , અને એક-બે નહિ ઘણા બધા ..!!
ડોકટરો પણ મૂંઝવણમાં છે કે પોસ્ટ કોવીડ ત્રીસ-ચાલીસ-પચાસના પુરુષો જ કેમ અચાનક ટપકી જાય છે..!??
દૂરદર્શન ઉપર મમ્મી એઈમ્સના ડોક્ટર્સનો ટોક શો જોતા હતા આ બાબતનો, મને તરત જ પકડીને બેસાડવામાં આવ્યો , એમાં સ્પષ્ટ રીતે કેહવામાં આવ્યું કે કોવીડ પછી હાર્ટને લોડ પડે એવી કસરતો કરવાનું ટાળો ,બહુ વધારે પડતી કસરતો એ કોઇપણ પ્રકારની હોય, તે હ્રદયને નુકસાન કરે છે અને હ્રદય અચાનક બંધ થવાની શક્યતા પૂરે પૂરી છે ..!
અને એમાં થયું પણ એવું ,એક પારિવારિક મારી ઉંમરનો મિત્ર ટ્રેડમિલ ઉપર શ્વાસ છોડી ગયો , એની શ્મશાનયાત્રામાં દરેકની નજર મારી ઉપર હતી, શ્મશાનમાં ખુબ પ્રેમથી અને દર્દ સાથે ઘણા બધા ધીમા અવાજે કહી ગયા બેટા જીમમાં ધ્યાન રાખજો બેટા જરાક ઓછું કરજો આવું ના થાય ..!
અને એક બેહનથી ના રેહવાયું અને સ્મશાનમાં જ મને ભેટીને રડી પડ્યા .. ભાઈ આ જુવો તમે સાચવજો..!!
એ જ મીનીટે સો કિલો ઊંચકવાની વૃત્તિને ડામી દીધી ..!!
મારે મારા ફોટા ઉપર આટલો જલ્દી હાર નથી જોઈતો, તમને આરઆઈપી કે ઓમ શાંતિ લખવાનો મોકો નથી આપવો ..!
મર્યા પછી બધા સારું જ બોલે અને લખે ,પણ એ ચાન્સ મારે અત્યારથી કોઈ ને નથી આપવો ,માટે કસરતનું લેવલ બહુ જ ઘટાડીને મુકવામાં આવ્યું છે ..!
કસરત કરવા જાઉં છું પણ મજા પણ કરું છું , તોફાન મસ્તી અને થોડી ઘણી કસરત ..!
અને હા ભાઈ, ગામ આખાને જીમના રવાડે ચડાવનારા શ્રી સલમાનભાઈ ખાનભાઈ એમના પેલા મૈને પ્યાર કિયામાં લાગતા હતા એવા અત્યારે લાગે ? છે કોઈ એવી જડીબુટ્ટી ?
તો પછી મેલો ને છા
લ ભ`ઈ ..
આપણે રહ્યા બાળ બચરવાળવાળા ..!
થાય એટલું કરવું , મરી ને માળવો ના લેવો ..!
એ જે શ્રી ક્રષ્ણ
આ શ્રીનાથજીની રાજભોગની પાતળ સાંભરે છે ..!
ઠાકોરજી બોલવજો .. દાસ માંગે જૂઠનીયાં..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)