એ યાર તમે છે ને મને રીસ્પેક્ટથી બોલાવો..આવી રીતે ના બોલાવો..એક નાનકડા વીસ વર્ષના જીમ ટ્રેઈનરના ઉદગારો..
મને નવાઈ લાગી ગઈ કે આને વળી કેમ એકદમ રીસ્પેક્ટનું ભૂત વળગ્યુ ?
આમ તો આખો દિવસ મારી જોડે ધડીકા લેતો હોય છે, તોફાન મસ્તી કરતો હોય છે,અને અચાનક કેમ?
પણ હું શાંતિથો ઓબ્ઝર્વ કરતો રહ્યો એને અને એ ટ્રેઈનરનું પાછલા થોડાક દિવસનું રેકોર્ડીંગ મારા મગજમાં ફેરવ્યુ..થોડુ મેચ્યોર વર્તન થતુ જતુ હતુ..અને થોડાક ભારમાં રેહતો હતો થોડાક દિવસથી..!
પછી એ જ એઇજ ગ્રુપના (વીસથી પચ્ચીસ વર્ષના) બધા ફિલ્ડના (સોફ્ટવેર,ફેક્ટરી વર્કર ,કોલ સેન્ટર ,બેન્કિંગ,..) છોકરાઓને યાદ કરી અને એમના રેકોર્ડીંગ મગજમાં ફેરવ્યા..બધાને રીસ્પેક્ટ જોઈતુ હતું..!!
કોઈ એમના નામની પાછળ “ભાઈ” લગાડે તો એ લોકોને બહુ જ ગમતુ હતુ, અને એમાં પણ એમનાથી ડબલ ઉમરના મારી ઉમરના જેવડા લોકો એમને “ભાઈ” કહીને બોલાવે ખુશ ખુશ થઇ જતા..!!
સમાજમાં ક્યાંક પોઝીશન જોઈએ છે એમને ,પોતાની જગ્યા જોઈએ છે..પોતાની અંદરનો “હું” જગાડી રહ્યા છે, પોતનામાં અહંકાર પેદા કરી રહ્યા છે કેમકે એ અહંકારમાંથી એમને જીંદગી જીવવા માટે નો આત્મવિશ્વાસ મેળવવાનો છે
પેહલા ક્યારેક લખ્યુ છે એમ અહંકાર અને આત્મવિશ્વાસની ભેદરેખા બહુ જ પાતળી હોય છે..કોઈ અહંકારમાંથી આત્મવિશ્વાસ મેળવે છે અને કોઈનો આત્મવિશ્વાસ વધી જાય છે ત્યારે અહંકારનું રૂપ ધારણ કરે છે..
પછી થોડાક આગળના એજ ગ્રુપનો વિચાર કર્યો ત્રીસીવાળાનો, એમણે તો સ્વીકારી જ લીધું હતું કે એ મોટા થઇ ગયા છે..અંદરનો “હું” જાગી ગયો છે, અને એમને એમના નામની પાછળ “ભાઈ” કે “સર” લાગી ગયું હતું…લગભગ અહંકાર અને આત્મવિશ્વાસ બંને એક સરખા જતા દેખા પેરેલલ
આગળ વધ્યો ૪૫ થી મોટા લોકો જે ખરેખર “મોટા” થઇ ગયા હતા, જેમના નામની પાછળ “ભાઈ” અને આગળ “સર” ઉમર કે સફળતાને લીધે લાગ્યું અને લગભગ દુનિયા એમને હવે સર કહીને બોલાવે છે.. “હું” પીક પર આવી ગયો છે
આત્મવિશ્વાસ વધુ અને અહંકાર ઓછો..
હવે સાહીઠની આજુબાજુ ના મિત્રોનો વિચાર કર્યો ..
એ લોકો મનમાં અને મનમાં અંદરથી તરસતા હતા કે કોઈ મારું રીસ્પેક્ટ તોડે અને મને તુંકારે બોલાવે..! પણ અફસોસ કે હવે એવા કદાચ બે ચાર લોકો જ દુનિયામાં છે કે જે એમને તુંકારે બોલાવે છે..!
અહંકાર લગભગ ઓગળેલો અને આત્મવિશ્વાસ પણ ડગુમગુ..! પણ “હું” નથી છૂટતો..
આ થઇ જનરલ વાત, પણ મારા જેવા માટે બહુ અઘરું થઇ જાય છે આ “ભાઈ” અને “સર” ની રમત રમવી..!
મોટેભાગે વીસથી ત્રીસ વર્ષના છોકરાને જયારે એમનાથી ઉંમરમાં મોટા લોકો “ભાઈ” કે “સર” કહીને બોલાવે એટલે સમજવુ કે એમના સ્યુડો ઈગો ને પંપાળી અને એમની પાસેથી કામ કરાવી લેવાની વાત હોય છે, અને એ નાના છોકરા આ “ભાઈ” અને “સર”ની ગેઈમમાં બહુ જ આસાનીથી ફસાઈ જાય છે..!
પણ જયારે આ જ “ભાઈ” અને “સર”ની વાત સેઈમ એજ ગ્રુપના દોસ્તોમાં આવે ત્યારે અંદર અંદરની ઈર્ષા કોમ્પીટીશન બહાર આવે,ત્યારે દોસ્તોમાં નજરો લડતી થઇ જાય અને તારા કરતા “હું” આગળ અને તારા કરતા મારી પાસે નોલેજ વધારે છે એ પ્રૂવ કરવાની હરીફાઈ થઇ જતી હોય છે..
અને ઘણા લોકો તો જીવનભર આ અવસ્થામાંથી બહાર આવી શકતા નથી..!!
યાદ કરો તમારી આજુબાજુમાં કોઈક ને કોઈક આધેડ ઉમરના હશે જે પોતાની જાતને પ્રૂવ કરવાની દોડમાં હંમેશા લાગેલા ને લાગેલા રહે અને અમુક વાર તદ્દન મુર્ખ જેવું વર્તન કરી બેસતા હોય છે..!!
અમારા એક મિત્રને અમેરિકાના વિઝા મળ્યા તો પાર્ટીએ પાસપોર્ટની કોપીઓ ફેસબુક પર ચડાવી..!!! અને મિત્રોને વોટ્સ એપ કરી ..!!
અલ્યા શંખ મંગળ પર નથી જતો તું…!
મોટેભાગે આવા લોકો ને શૈશવ છેડતો નથી પણ બહુ થાય તો પછી છોડતો પણ નથી..!
પણ કેમ આવું કરે છે જનતા જનાર્દન ?
એક જ જવાબ આવે છે “હું” ,
આ “હું” શબ્દ પોતે જ ફુગ્ગા જેવો જેવો છે..અને એમાં નાનકડી સફળતા હવા ભરવાનું કામ કરે ,જેમ જેમ જીવનમાં થોડી ઘણી સફળતા મળતી જાય તેમ તેમ હવા ભરાતી જ જાય છે અને માણસ પોતાની જાતે જ ફુલતો જ જાય, ફુલતો જ જાય..અને પછી સમય જતા એ બે ચાર હવા ભરાયેલા ફુગ્ગા એકબીજા સાથે અથડાય પીસાય..થોડું મોટા સ્કેલ પર વિચારીએ
કલ્પના કરો કે દાદર સ્ટેશન પર સવારે દસ વાગ્યે માણસો નહિ પણ હવા ભરેલા “હું” આકારના ફુગ્ગા દોડી રહ્યા છે. “હું” ના માથેનું મીંડું એનું માથું અને બાકીનું એનું ફૂલેલું શરીર, બધા જ “હું “દાદર સ્ટેશનથી દસને પાંચની વિરાર ફાસ્ટ પકડવી છે, અને આગળ મુંબઈ સેન્ટ્રલથી જ આખી ટ્રેઈન “હું “ફુગ્ગાઓથી ખચાખચ ભરેલી છે,કોઈને સંકોચાવું નથી અને એકબીજાને પીસી નાખવા છે ,બસ ઘુસી જવું છે ..!!
અને હવે તમે જો કરી શકો તો …”ઝીરો ઈગો” સાથે ફક્ત અને ફક્ત તમારા શરીર સાથે, તમારી અંદર રહેલા “હું” નામના ફુગ્ગામાંથી સફળતાની હવા કાઢીને ફુગ્ગો સંકોચીને ખિસ્સામાં મૂકી દો અને એ દાદર સ્ટેશન પર ચારેબાજુ સફળતાથી ફૂલેલા “હું” નામના ફુગ્ગાઓની વચ્ચેથી નીકળો છો અને દસને પાંચની વિરાર ફાસ્ટમાં ઘૂસો છો..!!
કેવી મજા આવે ..!!
ચારે બાજુ સફળતાની ખોટ્ટી હવા ભરેલા ફુગ્ગા મને દબાવતા હોય અને “હું” વિનાનો હું એક જ ..!!
આખી ટ્રેઈનમાં સફળતાની હવા ભરેલા ફુગ્ગાઓની વચ્ચે બોડી મસાજ લેતો લેતો રખડુ.. હેઈ મોજે મોજ..!!
જો..જો..અટકી.. જા… નાલાયક સળીબાજ મન..!!
કન્ટ્રોલમાં રહે..મને ખબર જ હતી કે તને ઈચ્છા થઇ થઇ જશે કે આટલા બધા ફુગ્ગા છે તો એમાં એક ને ટાંકણી મારું તો ..?
પણ પાપી મનડા આવુ ”ઘોર પાપ” ના કરીશ..જેવી તું એક ફુગ્ગાને ટાંકણી મારીશને એટલે તરત જ મોટો ધડાકો થશે અને “હું” નો ફુગ્ગો ફૂટશે,પછી તો પેલો અંદરથી ઓરીજીનલ બહાર આવશે, એની માં એ એને હમણાં જ જણ્યો હોયને એવી અવસ્થામાં એ હશે,અને પેલી કેહવત યાદ છે ને બકા તને “નાગાની પાનશેરી ભારે”
એ તને પાનશેરી મારી મારી ને તોડી નાખશે..!! તારા શરીરનું એકપણ હાડકું સાજુ નહિ રાખે એટલે શાંતિ થી તારી આજુબાજુના ફુગ્ગાઓને ફોડ્યા વિનાનો બોડી મસાજ લે અને તારી આજુબાજુનો કોઈ ફુગ્ગો ઢીલો લાગે તો બે ચાર પ્રશંસાના પંપ મારી અને એમાં હવા ભરી લે એટલે “મજા” તને વધારે આવશે..!
દરેક ખરેખરા “સફળ” લોકો આ જ વસ્તુ કરતા હોય છે પોતાના “હું “ની હવા કાઢી અને પોતના ખિસ્સામાં મૂકી અને બેઠા હોય અને આજુબાજુના ફૂલેલા “હું” મસાજ લે..!
અને પાછુ જરૂર લાગે ત્યારે એક સોનાનો મસ્ત પમ્પ સફળ માણસે બીજા ખિસ્સામાં રાખ્યો હોય, એક જ સેકન્ડમાં એના “હું” નો ફુગ્ગો ખિસ્સામાં કાઢી અને સોનાના પમ્પથી હવા ભરી લે અને એનો “હું” એટલો મોટો થઇ જાય કે આખી ટ્રેઈન ના બધ્ધે બધા ફુગ્ગા ફોડી નાખે..અને એ બધા ફુગ્ગા એકસામટા ફૂટે એનો અવાજ સોરી ધડાકો એટલો મોટો કે જનતા જનાર્દનને સમજણ જ ના પડે કે શું થઇ ગયુ અને જનતા ચુપચાપ પોતાનો રસ્તો બદલી લે ..!!
પણ એટલા મોટા “હું”ને હવા ભરવા માટે સોનાનો પંપ જોઈએ..!
હવે આવો સોનાનો પમ્પ ક્યાં મળે ? એ પૂછીશને ટોપા ..!મને ખબર હતી..
એ પંપ પનામા પેપર્સમાં નામ હોયને એને જ મળે..!!
જા શૈશવ ભિક્ષુક કામે લાગ
ડ્રાઈવર આવી ગયો છે..
ગાડી આઘી પાછી કરીને તને કહે છે કે,
ઉઠ અને નિકળ ઘરની બહાર શેઠિયા, પાંચમી તારીખ થઇ પગારોના ચેક પર સહી કર હવે..!!
હેંડો ત્યારે નીકળીએ પેહલા મંદિર જઈને મહાદેવજીને કહીશું કે મારા “હું “ નો ફુગ્ગો મારા ખિસ્સામાં મુકાવજે અને પનામા પેપર્સમાં નામ આવે એવું કઈ કરજો, અને એ ના થાય એમ હોય તો પેલો મારો “હું” નામનો ફુગ્ગો તું જ સાચવજે વાહલા..!!
જય સોમનાથ
નમ:પારવતી પત હર હર મહાદેવ …!!
આપનો દિવસ શુભ રહે
-શૈશવ વોરા
એ મારો “હું” ક્યાં ગયો ? એ આ રહ્યો મારી પાસે જ છે..
કેમ મહાદેવજીને ના રાખ્યો?
ના એમને તો રાખી લેવો હતો પણ મારાથી ના છૂટ્યો..!!
હવે તો લાકડામાં જ છૂટશે બાપલા..!!!!!!!