પાકિસ્તાની પત્રકાર તારક ફતાહ એ આ ફોટો શેર કર્યો છે..પેલા બે લાઈફગાર્ડસ હા એ જ જાડાપાડા..એની પાસે પોહચે એ પેહલા જ પાર્ટીએ મોજ મસ્તી ચાલુ કરી દીધી હતી..
બીજા એક ન્યુઝ પણ બહુ ફર્યા સોશિઅલ મીડિયા પર અમેરિકાની એક ટીવી એન્કરને ચાલુ શો માં જેકેટ પેહરાવ્યું..
બંને ઘટના ફેસબુક પર ટ્રેન્ડ કરી રહી છે સામસામે લગભગ ગાળાગાળી જ કરવાની બાકી રહી ગઈ છે..
સવાલ આવે છે સ્ત્રીને વસ્ત્રો પેહરવાની સ્વત્રંતાનો..સદીઓથી આ કકળાટ ચાલ્યો આવે છે..
સ્ત્રીના વસ્ત્રો કેવા હોવા જોઈએ એ વિષે દુનિયાભરના પુરુષો પોતાના મત આપે છે પણ સ્ત્રીઓ ?
પોતે જે પેહરે છે એ બરાબર છે અને સાચું છે..લગભગ દુનિયાની તમામ સ્ત્રીઓનો આ મત છે..
ક્યાંક પોતે જે છૂટછાટ લીધી છે એના કરતા દસ વીસ ટકા વધારે લે તો સ્વીકારે અને પાંચ ટકા ઓછી કરે તો ચાલે બાકી..
ગમે તે ધર્મ હોય તરત જ એક સ્ત્રી બીજી ને પછાત અથવા નકામી કે મોઢે ચડેલી કહી દે છે..
સાડી અને બુરખા પેહરનારીને સ્કર્ટ ના ગમે અને સ્કર્ટવાળી ને ટુ પીસ, અને ટુ પીસ વાળી ને તો ન્યુડ બીચ પર જવું હોય..!!
અને પુરુષોને શું ગમે ?
મોટાભાગના પુરુષો એમ કેહશે જે મારા ઘરના બૈરા હું કહું એ પેહરે બાકીના બધાને જે પેહરવું હોય એ પેહરે..!
થોડાક દિવસ પેહલા અમદાવાદની એક ફિટનેસ સંસ્થા ચલાવતી એક સુંદર કન્યાના અતિ અતિ અતિશય ટૂંકા એવા સફેદ ફ્રોકમાં અને લગભગ ટ્રાન્સપેરન્ટ સફેદ કેહવાય એવા ફોટા વોટ્સએપ પર આવ્યા..
પત્નીજી ને બતાડ્યા..પેહલો સવાલ આવ્યો કોણ છે..?મોડેલ છે..?
મેં કીધું ના તમે જે જીમમાં જાવ છો ને ત્યાં આ રમણી આવે છે, સાંજે છ થી સાતમાં અને પોતાની ફિટનેસ એકેડમી જેવું કૈક ચલાવે છે..
એટલે તારો ઈરાદો શું છે..હવે તું ત્યાં જવાનો છું ? બંદુક સીધી લમણે મૂકી દીધી
બોલો હવે શું જવાબ આપવાનો ?
ચુપચાપ ડીલીટ કરી નાખ્યા.. વાંક કોનો ?
ભાઈબંધો એ કીધું વાંક તારો છે ડોબા, તારી ઘરવાળી જે જીમમાં જાય છે, ત્યાં જ એ આવતી હતી તો પછી ભાભીની જોડે જ તારે જતા રેહવું હતું, ને આવા ટૂંકા અને ટ્રાન્સપેરન્ટ કપડાવાળા ફોટા દેખાડે પછી તો ભાભી ઉછળે જ ને…
લો ભઈ સળી હું કરું અને વાંક આવે પેલીના ટૂંકા કપડાનો..!!!
નજર નજરની વાત છે, જેને જે જોવું હોય છે તેને તે ગમે તે રીતે દેખાઈ જ જાય છે, છતાં પણ ધર્મના નામે કે મર્યાદાના નામે સ્ત્રીને કચડવાનો એકપણ મોકો આપણો પુરુષપ્રધાન સમાજ નથી છોડતો..
હું મારો ઓપીનીયન આપું તો જે સ્ત્રીને જે પેહરવું હોય તે પેહરે, પુરુષોએ એમાં દખલઅંદાજી કરવાનો કોઈ જ અધિકાર નથી..
આજ સુધી હજારો મંદિરો અને દેરાસરો હું ફર્યો છું પણ દરેક મંદિરના થાંભલે કંડારેલી અપ્સરાને મેં ક્યારેય સાડી પેહરેલી જોઈ નથી..
વસ્ત્ર એ દરેક દેશના વાતાવરણ અને ઋતુને અનુકુળ હોય એટલું બસ છે પણ ધર્મ અને મર્યાદાના નામે જે બુરખા અને ઘૂંઘટા ખેંચાવવામાં આવે છે એનો હું સખત વિરોધી છું…
એકવાર એક ગામડામાં હું એક મિત્રના ઘરે ગયો હતો,એક વિચિત્ર સીન મેં જોયો ..
એ મિત્રના ઘરની તમામ સ્ત્રીઓ લાજ કાઢતી હતી, અને તમામ પુરુષો સંપૂર્ણ ઉઘાડા ડીલે અને માત્ર એક લુંગી જેવી સફેદ ધોતી પેહરીને ઘરમાં રખડતા હતા..
મારું મગજ તો ત્યાં જ ગયું અને જે ભાઈ મને લઇ ગયા હતા એમને મેં કહી પણ દીધું કે આ તમે ઘરના પુરુષોને કહો કે તમે બધા આમ અડધા નાગા રખડો છો અને બૈરા પાસે લાજ કઢાવો છો એના કરતા તમે પોતે ઉપર એક ઝભલું પેહરો તો આ બૈરાઓને લાજ કાઢવામાંથી મુક્તિ મળે..
પુરુષ અડધો નાગો રખડે તો ચાલે પણ સ્ત્રીને તો લાજ કાઢવાની જ પગની પાનીથી વાળ કશું જ ના દેખાઈ જાય એનું ધ્યાન રાખવાનું..!!
અત્યારે અમદાવાદની ૪૭ ડીગ્રી ગરમીમાં કાળું શર્ટ કે ટીશર્ટ નથી પેહરાતુ તો બુરખો કેમનો સહન થતો હશે ?
કમ સે કમ બુરખાનો કલર તો જુદો હોય..!
પણ હાય રે પુરુષો એ બનાવેલી દુનિયા.. સ્ત્રીને લગતા લગભગ તમામ નિયમો પુરુષોએ બનાવી દીધા છે ,અને સમાજ હજી પણ આલ્ફા મેઈલના કન્સેપ્ટ પર જ ચાલતો હોય એવી દશા છે..
ઇટલીમાં જન્મેલા અને મોટા થયેલા સોનિયા ગાંધીને પણ સાડી પેહરી અને છેડો માથે નાખવો પડે છે ,કારણ શું તો કહે મૈ ઈશ દેશ કી બહુ હું…!
પાશ્ચત્ય જગતમાં સ્ત્રીઓના વસ્ત્રો માટે આપણા જેટલી મગજમારી નથી,પણ મગજમારી તો છે જ, સાવ નથી જ એવું તો નથી..!!
જો કે વાંક જ કાઢવો હોય કે આવું કેમ ? તો છેક કુમારસંભવ સુધી જવું પડે કામદેવને ભસ્મ કરી નાખ્યા મહાદેવજીએ અને પછી રતિની ઘણી વિનવણીને અંતે દેવાધિદેવએ કામદેવને પુનર્જીવિત કર્યા, પણ જગ્યા કઈ આપી ? તો કહે મનમાં ,પ્રાણીના મનમાં કામ જીવ્યા..!
અને સત્યનાશ વળી ગયું ,
કામદેવ દરેક પ્રાણી માત્રના મનમાં જીવે છે પછી તો શું થાય..?
જે અત્યારે ચાલી રહ્યું છે એ જ થાય..
તું આવા કપડા પેહરીશ તો સારી લાગીશ અને હું આ કપડામાં કેવી લાગુ છું ?
મેં સાવ નવા અને લેટેસ્ટ ડીઝાઇનર કપડા પેહર્યા છે પણ કોઈએ મારી સામું જોયું કેમ નહિ ?
મને પાટણનું પટોળું આ જીંદગીમાં અપાવીશ તો ખરોને ? (પાંચ લાખથી ચાલુ થાય)
કામદેવને રતિ ને જોવી ગમે છે અને રતિને કામદેવ …
તો વચ્ચે પાડનારા આપણે કોણ ?
કેટલાક હીરો એમ પણ પૂછે છે મારી વાઈફ કેવી લાગે છે ? અને મારા જેવો માથું કૂટે અલ્યા તારી છે તો તું જો ને યાર..!!
છતાં પણ એક વાત છે જયારે જયારે બીજા કોઈ કહે કે તમે સુંદર લાગો છો એનો આનંદ કઈ ઓર જ હોય છે..
છેલ્લે એક મસ્ત કિસ્સો કહું..મને ઘૂંઘટ માં રહેલી સ્ત્રીઓ માટે હમેશા દયાની લાગણી રહી છે..મને ઘૂંઘટમાં પુરુષની સ્ત્રી ઉપરની કરવામાં આવતી જબરજસ્તી દેખાય છે..!!
એકવાર નેવુંના દાયકામાં સુરત એક વેહ્પારી મિત્રની સાથે જવાનું થયું હતું, વેહલી સવારની કર્ણાવતી એક્સપ્રેસ પકડી અને સુરત પોહચ્યો હતો એમની સાથે અને સાંજની કર્ણાવતીમાં અમદાવાદ પાછા આવવાનું હતું ..
કામ બહુ જ ઝડપથી પતી ગયું, લગભગ બપોરના બાર વાગ્યે તો અમે નવરા થઇ ગયા,અમે કતારગામની આજુબાજુમાં ક્યાંક હતા..વેહ્પારી મિત્રએ કીધું સમય છે તો આપણે સેહજ મારા સાઢુભાઈને ત્યાં જઈ આવીએ મેં હા પાડી..
રીક્ષા પકડી અને અમે એમના સાઢુભાઈને ત્યાં ગયા,સાવ સાદા એક એકદમ નાનકડા ઘરમાં અમે ગયા,એમના સાળીએ ખુબજ પ્રેમથી આવકાર્યા લગભગ ચાલીસેક વર્ષના સાળી અને સાઢુ અને હું બાવીસ ત્રેવીસ વર્ષનો ખણખણતો..
એમની સાળીએ ગુજરાતી ઢબે સાડી પેહરી હતી અને માથે છેડો નાખ્યો હતો સાઢુભાઈ લેંઘો ઝભ્ભો..બહાર સાઢુભાઈના ઘરડા પપ્પા બેઠા હતા..
મને જોઇને એમની સાળીએ કીધું …આ લેશે ? પેલા વેહ્પારી ભાઈએ હસીને ના પાડી ના એ તો કોલ્ડકોફી વાળો છે.. સાળી હસીને અંદર રસોડામાં જતા રહ્યા.. પેલા ઘરડા પપ્પા અંદર રૂમમાં આવીને બેઠા એટલે સાળીજીએ રસોડામાં જ લાજ કાઢી લીધી…અને મને સાળીજી પ્રત્યે સેહજ હમદર્દીની ભાવના જાગી ..બિચારા કેટલા પછાત છે અને પીડાય છે આજના જમાનામાં પણ લાજ કાઢે છે..!
થોડીવારે પેલા ઘરડા દાદા બહાર ગયા.. સાળીજી લાજ કાઢીને હાથમાં ટ્રે લઈને આવ્યા ટ્રે માં એક કોલ્ડકોફી અને ત્રણ ગ્લાસ ફુલ્લ વ્હીસ્કીના ભરેલા હતા..
ત્રણ ગ્લાસ વ્હીસ્કીના જોયા એટલે મને અચરજ થયું કે આ ત્રીજો ગ્લાસ કોનો ? દાદા હજી બહાર જ હતા..એટલે સાળીજી એ ઘૂંઘટો ઉઠાવ્યો અને મારા વેહ્પારી મિત્ર એમના સાઢુભાઈ અને સાળીજી એ ગ્લાસ ઉપાડ્યા અને ચીયર્સ કર્યું ..
સાળીજી એક જ ઘૂંટમાં આખો ગ્લાસ ગટગટાવી ગયા અને ત્યાં દાદા અંદર આવતા દેખાયા એટલે ઘૂમટો તાણી લીધો..
હું તો લગભગ અર્ધબેભાન અવસ્થામાં આવી ગયો..ગુજરાતી સાડી અને ઘુઘટો અને આખો ગ્લાસ વ્હીસ્કી..મારી ઘૂંઘટ માટેની સંવેદના ..કોમામાં જતી રહી..
બોટમ લાઈન આપું તો
જે સ્ત્રીને જે પેહરવું હોય તે પેહરે, પુરુષોએ કે બીજી સ્ત્રીએ એમાં દખલઅંદાજી કરવાનો કોઈ જ અધિકાર નથી..
શુભ રાત્રી
શૈશવ વોરા