Itana sannata kyo tha
ગઈકાલે રાત્રે રોડ રસ્તા અને તમામ વોટ્સ એપ ગ્રુપ્સમાં જબરજસ્ત સન્નાટો છવાયેલો હતો..
રોડ રસ્તા ઉપર મેઘરાજાની સવારી નીકળી હતી એટલે પ્રજા સમજી ને ઘરમાં ભરાઈ ગઈ હતી , કેમકે હોશિયારી માં બહાર નીકળીએ તો નક્કામાં અંટાઈ જવાય તેમ હતું અને બધા વોટ્સ એપ ગ્રુપમાં લોકસભા છવાયેલી હતી..
ગઈકાલે સવાર સવારમાં રાહુલ ગાંધી એ જબરજસ્ત બચકાના હરકત કરી અને કોંગ્રેસને કોઈ કારણ વિના કઠેડામાં મૂકી દીધી હતી, અને પછી તો દેશ આખો રાહ જોઇને બેઠો હતો કે એને જવાબ કેવો આવે છે..
અને જવાબ અપેક્ષા પ્રમાણે આવ્યો સન સ્ન્નાઈ ને આવ્યો ..
જો કે એમાં તો માસ્ટરી છે, પણ છેલ્લે પેલા તેલુગુ દેશમ વાળા સંસદ સદસ્ય એ જે લોકો સમજ્યા એને માટે પાણી ફેરવી દીધું..
જબરજસ્ત હિંમત દાખવી અને તેલુગુ દેશમ ના સંસદ સદસ્ય એ કાઉન્ટર કર્યું..!!
ગઈકાલનું એનાલીસીસ કરીએ તો તેલુગુ દેશમ ના એકેએક સંસદ સભ્યનું પરફોર્મન્સ ફાઈવ સ્ટાર હતું..!!
સક્રિય વિપક્ષ ની ભૂમિકામાં તેલુગુ દેશમ હતું.. બ્રાવો ..!!
કોંગ્રેસ ખરેખર બાપડી બિચારી હતી શું કપિલ સિબ્બલ કે શું ખડગે કઈ ભલીવાર નહિ ..!
મુલાયમસિંહ મુદ્દાસર વાત કરી ગયા..
દુનિયા એ એવું માની લીધું કે ૨૦૧૯ નું ટ્રેઇલર હતું ,અથવા ટીઝર રીલીઝ હતું..
થોડુંઘણું એવું ખરું, પણ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત..
૨૦૧૯ એ કોંગ્રેસ માટે જીવન મરણ નો સવાલ છે ..પણ પણ જો કોંગ્રેસને જીવવું હોય તો ..
ઘણી વાર આપણે આપણા સમાજમાં જોઈએ છીએ કે બહુધા જરાગ્રસ્ત અને અતિશય વૃદ્ધ શરીર જલ્દી છૂટે એવી સ્વજનો પ્રાર્થના કરતા હોય છે..
કોંગ્રેસ માટે એવું જ કૈક લાગી રહ્યું છે કેમ કે ખરેખર કોંગ્રેસને જીવવું હોત તો રાહુલ ગાંધી ને બદલે પ્રમોટ કરવા જેવા ઘણા ચેહરા કોંગ્રેસ પાસે છે..
દા.ત. સામ પિત્રોડા
પણ હવે જયારે ઘરના લોકો જ નક્કી કરે કે હવે ઘણી ઉંમર થઇ ગઈ અને ભલે જતા તો પછી એને કોણ બચાવે ?
બસ એવું જ કોંગ્રેસનું છે એટલે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કર્યા કરે છે…ભલે મરતી કોંગ્રેસ..
જયારે સામે ના છેડે પણ વૈચારિક વાંઝીયાપણું આવી ગયું છે દરેક વખતે એક સવાલ આવે કે નરેન્દ્ર મોદી નહિ તો કોણ ?
અરે ભાઈ ઇન્દિરા ગાંધી માટે પણ આવું કેહવાતું પણ એમના મર્યા પછી પણ દેશ ટકી ગયો અને ધમધમાટ ચાલી ગયો..
ભારત ભૂમિ વાંઝણી નથી થઇ ગઈ હજી ..!!
ભારત એ સદીઓ સુધી જીવવા નું છે, નરેન્દ્ર મોદી સાથે કે વિના ..એટલે દેશના તમામ વર્ગોના દિમાગમાંથી એ વસ્તુ કાઢવાની જરૂર છે..
કોંગ્રેસને રાહુલ ગાંધી વિના કોણ ? અને ભાજપને નરેન્દ્ર મોદી વિના કોણ ..?
કેમકે આ બંને ના વોટ શેર ભેગા કરીએ તો સિત્તેર ટકા વોટ થાય અને એનો મતલબ એમ થાય કે દેશના સિત્તેર ટકા લોકો આના વિના કોણ ? એવા અજણ્યા ભયથી પીડાઈ રહ્યા છે..!!
ખરેખર તો દરેક રાજકીય પક્ષે એક સીધી લીટીમાં એમના નેતાની હરોળ તૈયાર કરીને પ્રજાની સામે મુકવી જોઈએ, પણ ખાલી સિત્તેર વર્ષથી જ મોનાર્કીમાંથી છૂટી થયેલી પ્રજા ના દિમાગમાંથી મોનાર્કી એમ જતી નથી ,
જીનેટીક્સ લેવલે મોનાર્કી ઘુસેલી છે ,એટલે એક જ વ્યક્તિમાં દેશ આખો પોતાનો તારણહાર શોધે છે…
કોગ્રેસ ના એકધારા અને એક પરિવારના શાસને અને ફક્ત એક જ વ્યક્તિ અને કુટુંબ ને પ્રોજેક્ટ કર કર કરી ને મોનાર્કીને સામાન્ય માણસના દિમાગમાંથી હટવા જ નથી દીધી..
અત્યારે પણ ભાજપ તનતોડ મેહનત કરી રહ્યું છે જનતાના દિમાગમાંથી મોનાર્કીનું ભૂત ઉતારવાની પણ એક પરિવારને હાંકી કાઢે છે તો બીજા મોનાર્ક રાજ્ય લેવલે નાના નાના રજવાડા ઉભા થઇ જાય છે..!
આંકડાની રમત સરસ રમાઈ ગઈ ગઈકાલે..
રીક્ષા વેચાઈ એટલે રોજગારી પેદા થઇ ગઈ અને સ્ટાર્ટ અપ રજીસ્ટર થયા એટલે રોજગારી ઉભ થઇ ગઈ..
એ ચાલુ થયેલા સ્ટાર્ટ અપ ના ઇન્કમ ટેક્ષ રીટર્ન ભરાયા કે નહિ ..?
કે પછી સરકારી યોજના ના લાભ લઈને ચંપત થાય છે ? નજર તો મારવી પડે..
બેડ ડેપટસ એટલે કે ઘાલખાધ ના આંકડા મુકાયા,લોન આપી એટલે ઘાલખાધ ગઈ, લોજીક સમજાયું નહિ ..
હા એક લોન ભરવા બીજી લોન અપાઈ એ ખોટું પણ જો લોન આપી જ ના હોત તો ઘાલખાધ ના પડતે એવું તો કેવી રીતે થાય ..?
થોડીક ફીગર્સ ખેતી ની માંડવાળ ની પણ મુકવા જેવી હતી..
ઓવર ઓલ એવી છાપ ઉભી થાય છે કે દેશનો ખેડૂત પાયમાલ છે અને વેપારી ચોર છે ..
નોકરિયાતો ભ્રષ્ટાચારી છે ,અને ઉદ્યોગકાર ઠગ છે..
રાજકારણી પીઢાંરો છે..
સંતો બળાત્કારી છે ..
હવે બાકી કોણ રહ્યું ..?
આ વખતે લોકસભાના ભાષણોમાં કઈ ભલીવાર ના આવ્યો , પક્ષ સકારાત્મકતા ચુક્યો અને વિપક્ષ નકારાત્મકતામાંથી બહાર નાં આવ્યો..
નકરી નાટકબાજી થઇ..
અને હા બીજી વાત વોટ્સ એપ ઉપર નકેલ કસવાની શરુ થઇ ગઈ છે , દરેક મીડિયા પ્રિન્ટ હોય કે ઈલેક્ટ્રોનિક એ લોકો ને એટલી ખબર પડી ગઈ છે કે આપણો ગરાસ લુંટાઈ ચુક્યો છે એટલે ખોટી બેનામી ખબરો અને ફલાણું ને ઢીંકણું કરીને વોટ્સ એપ ની નકેલ કસાઈ છે..
*એકદમ તાજા સમાચાર*
*આજે આવતા વોટ્સ એપ મેસેજ માં ફોર્વર્ડેડ લખાઈ ને આવતું થઇ ગયું છે..*
*સાવધાન…*
ગમે તેવી ખબર ટાઈપ કરી ને મોકલનારા સાવધાન ..
ઓથેન્ટિક આધાર ના હોય તો પછી બચી ને ચાલજો…
અને તમને પણ જે ને તે ફોરવર્ડ કરવાની લત ભારે પડી શકે તેમ છે..
ઘેર બેઠેલા કાકાઓ અને કાકીઓને ખાસ , *નવરા પડો એટલે એક સામટા જે દસ દસ ને વીસ વીસ મેસેજો મોકલો છો એમાં જરાક જોઈ કરીને મોકલજો ..*
અને કૈક લખીને મોકલવું હોય તો સો વાર વિચાર કરજો..
ક્યાંક બધાને લેવાના દેવા ના પડી જાય..
મારું હાહારું બધું કાઠું થતું જાય છે..
*કોંગ્રેસ તો મરતા મરે અને ભાજપ તો તરતા તરે આપણે ડૂબી જઈએ આમાં તો એવા ઘાટ છે..*
સાચવજો ..
વરસાદ ઝળુંબી રહ્યો છે શેહર અમદાવાદ ને માથે .. બને તેટલા રખડવાના ધખારા ઓછા રાખી અને કામ પતે એટલે ઘર ભેગા થવામાં માલ છે બાકી તો …
શુભ રાત્રી
શૈશવ વોરા