Janjati
“ટાઈમ” એ એક વિડીઓ રીલીઝ કર્યો ,આમ તો આ વિડીઓ ૨૦૧૧ માં શૂટ થયો હતો પણ અત્યારે રીલીઝ કર્યો છે..
વિડીઓમાં એક પંચાવનથી સાહીઠ વર્ષનો નિર્વસ્ત્ર પુરુષ એમેઝોનના જંગલમાં ઝાડ કાપતો દેખાય છે , અને એવું માનવામાં આવે છે કે બ્રાઝીલના એમેઝોન જંગલમાં ભૂતકાળમાં વસી રહેલી એમેઝોન જનજાતિનો આ છેલ્લો પુરુષ છે..
સમય સમય પર એનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન “સભ્ય” સમાજ દ્વારા કરવામાં આવ્યો છે પણ એ પુરુષએ ના પાડી છે..છેલ્લે લગભગ ૨૦૧૬માં એ પુરુષ દેખાયો હતો, તે પછી દેખાયો નથી,
પણ એની ફૂટ પ્રિન્ટ અને કપાયેલા ઝાડ મળી આવે છે એટલે એ આજે પણ જીવિત હોવાની શક્યતા ઘણી વધારે છે..
વિડીઓ સાથે ના રીપોર્ટમાં લખાયું છે કે ૧૯૯૬ ની આજુબાજુ ત્યાંના ખેડૂતો સાથેના સંઘર્ષમાં આ પુરુષ ની જનજાતિના લગભગ ૭૨ માણસો માર્યા ગયા હતા અને આ એક જ હવે બચ્યો છે..
અને એ પછી આ જનજાતિનો કોન્ટેક્ટ કરવાની કે એમના ઇલાકામાં જવાની કોઈએ કોશિશ નથી કરી..પણ એક વિચિત્ર પ્રકારના ખાડા જમીનમાં આ લોકો કરતા હતા ,અને એ હજી પણ જોવા મળી રહ્યા છે હજી પણ એટલે આ પુરુષની જીવંત હોવાની શક્યતા વધારે છે…
કેટલું વિચિત્ર લાગે નહિ આપણને ..હજી પણ દુનિયામાં આદિવાસી જનજાતિઓ અસ્તિત્વમાં છે..
મને આવા એક નો સાક્ષાત્કાર થયો હતો કાન્હાના જંગલોમાં અમે ભટકવા ગયા હતા ત્યારે..લગભગ સોળેક વર્ષ પેહલા ..
એ ઇલાકામાં ત્યારે અઠવાડિયાના અમુક વારે હાટ લાગતી, કદાચ આજે પણ લગતી હશે અને એ હાટ માં આદિવાસીઓ એમની જંગલની “પ્રોડક્ટ” વેચી અને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લઇ જતા ..ત્યારે રાતના અંધારામાં એમની હાટ એમને જોવાની લાલચે અમે ગયા હતા ,પણ એમને જોતા મને એમ લાગ્યું કે એ લોકો સાવ આદિવાસી નોહતા લગભગ કેહ્વાતા સભ્ય સમાજ સાથે એ લોકો જોડાઈ ચુક્યા હતા..
એમને ગણતરી આવડતી હતી…
થોડાક સમય પેહલા દૂરદર્શન ઉપર અંદામાન નિકોબારની જારવા જનજાતિ ઉપર એક સરસ રીપોર્ટ આવ્યો હતો અને એમાં એવું કેહવાયું કે જારવા તો હવે લગભગ “સભ્ય” થઇ ચુક્યા છે, પણ હજી બે ચાર ટાપુ એવા બચ્યા છે કે ત્યાં જનજાતિઓ વસી રહી છે, અને એ સભ્ય સમાજમાં ભળવા નથી જ માંગતી ,લગભગ એવરેજ ૩૮ વર્ષનું જ અલ્પઆયુ એ જનજાતિ ભોગવી રહી છે..
અને આંદામાન નિકોબાર ના એકાદ બે ટાપુઓ ઉપર હજી પણ એ જનજાતિઓ પ્રભુત્વ ભોગવી રહી છે..લગભગ બસ્સોથી ત્રણસો લોકો વસેલા છે આ ટાપુઓ ઉપર અને ભારત સરકારે એક નોટીફીકેશન બહાર પાડી અને ભારતના એ ભૂ ભાગને જનજાતિ માટે અલાયદો સ્પેર કર્યો છે ત્યાં ભારતનો એકપણ કાયદો લાગુ પડતો નથી..
ઈન્ટરનેટ ઉપર સર્ચ મારતા એક કિસ્સો મળ્યો જેમાં જનજાતિની એક સ્ત્રી સાથે બહારના કોઈ એ સબંધ બાંધ્યો હતો અને પછી એ સ્ત્રી એ બહારની વ્યક્તિના બાળકને જન્મ આપ્યો હતો , છ મહિના પછી તે જ સ્ત્રીએ તેના બાળકને મારી નાખ્યું હતું..
એ સમયે ત્યાં ના કલેકટર બરાબરના ફસાયા હતા ,શું કરવું ? અને તે સ્ત્રી સાથે સબંધ બાંધનારા ને કેદ કરવામાં આવ્યો હતો પણ પેલી સ્ત્રીને કશું જ કરવામાં નાં આવ્યું કારણકે પચાસ હજાર વર્ષ કરતા પણ વધારે વર્ષથી આંદામાન ઉપર વસતી આ જનજાતિનો એક નિયમ છે કે કોઈપણ સ્ત્રી બહારના પુરુષ સાથે સબંધ બાંધે અને કોઈ બાળકને જન્મ આપે તો એ બાળક ને મારી નાખવું..
ભારત સરકારે જનજાતિના એ કાયદા ને માન્યતા આપેલી છે..!!
ઈતિહાસ જોતા કોલોનીઅલ કાળમાં દુનિયાભરમાંથી આદિ જનજાતિઓનું નિકંદન કાઢવામાં યુરોપીયનો એક્કા હતા, શું એમેઝોન કે શું આંદામાન..!!
યુરોપની બંદુકની સામે દુનિયા આખીની જનજાતિઓના તીર કામઠા પાછા પડ્યા અને એમનો વિનાશ થયો..!!
મને અને તમને જંગલો ભટકવા બહુ ગમે જંગલની ખુશ્બુ, જંગલની ભાષા ,અને જંગલ જોડે તાદામ્યતા કેળવી અને જીવતા જંગલના લોકો ..
બધું ખુબ સુંદર હોય છે પણ આપડી કમબખ્તી એ છે કે જંગલને આપણે આપણા નિયમો સાથે અને સગવડો સાથે જોવું અને માણવું ગમે છે..
જંગલની વચ્ચે રેહવું છે પણ એસી કોટેજમાં, ફુલ્લફ્લેજેડ સર્વિસ સાથે..
છેલ્લા બે ત્રણ સૈકાથી દુનિયાના તમામ લોકો ને એક વણલખી અને વણજોઈતી સગવડો આપી અને માનવજીવનને લાંબુ સારું બનાવવાના નામે વટલાવવાનો “ખેલ” ચાલી રહ્યો છે અને જંગલમાં વસતી જનજાતિઓ સૌથી પેહલો એનો ભોગ બની છે..
જેમ જેમ સભ્ય સમાજે પોતાનું વિસ્તરણ કર્યું તેમ તેમ સભ્ય સમાજ જંગલ અને એમાં રેહતી જનજાતિઓમાં `ભેલાણ` કરતો ગયો છે, શરૂઆત જમીનથી થઇ અને પછી એમની જોરુ પણ લઇ લીધી..
યુટ્યુબ ઉપર જારવા ઉપર ની એક કલીપ મળી ,સભ્ય સમાજના લોકો નાની મોટી ચીજ વસ્તુઓ પકડાવી અને બદલામાં એમની સ્ત્રીઓને પણ અભડાવતા..અને કેટલાક લોકો એ સ્પેશીઅલી એક જમાનામાં આ પ્રકારનું ‘ટુરીઝમ` ગોઠવ્યું હતું પછી કલકતા હાઈકોર્ટે લગભગ ૧૯૬૬માં સંજ્ઞાન લીધું પછી એ બધી પ્રવૃત્તિ બંધ થઇ..
નકસલવાદની શરૂઆત જ અહિયાં ક્યાંકથી થઇ છે..
જંગલમાં સદીઓથી વસતી જનજાતિઓ જંગલ ઉપર પોતાનો અધિકાર માને છે અને સભ્ય સમાજ એ જ જંગલને સાફ કરીને ખેતી કરવા માંગે છે, જો કે હવે તો બીજા પોલીટીકલ આસપેક્ટ અને વ્યુ પણ હવે ઘણા ઘુસી ગયા છે પણ મૂળ શરૂઆત અહીંથી થઇ છે..
એકબાજુ જંગલો બચાવવાની બુમો પાડીએ છીએ અને બીજી બાજુ એને જ મેન્ટેન કરતી જનજાતિઓને મારી મચડીને “સભ્ય” બનાવીએ છીએ..
આજે ક્યાંક સરસ રીપોર્ટ આવ્યો છે કે ભાવનગરનું બોર તળાવ વર્ષોથી જાણી જોઈને ભરવામાં નથી આવતું ,કારણ ..? તો કહે બહુ વખત ખાલી રહે તો પછી કોરી રહેલી જમીન બિલ્ડરને આપી દેવાય ..
કેટલી મોટી હલકાઈ ..?
કુદરતી સંસાધનને મારી નાખી અને તફડાવી લેવાની વાત અને પછી કુદરત વિફરે ત્યારે એકટ ઓફ ગોડ કહીને છૂટી પડે ..
જંગલ અને એની જનજાતિઓના કેસ માં પણ આવું જ થઇ ગયું છે ,પેહલા “નક્કામું” જાહેર કરાય અને પછી “કામ”નું બનાવાય..
આપણે ત્યાં ગીર ની આજુબાજુ પણ એ જ હાલત છે..ચારેબાજુ રિસોર્ટ ઉભા થયા અને થઇ રહ્યા છે, અને મારા તમારા જેવાને ફુલ્લ “સગવડ” આપી જંગલ બતાડવા માટે..
અને એમાં ને એમાં સિંહને પણ “કુતરા” કરી મુક્યા…
નેસડામાં રેહતા લોકો ને અને બીજા જંગલમાં વસતા બધાય ને હવે “ગણતરી” પાક્કી આવડી ગઈ છે એટલે બીજું કઈ કેહ્વાનો મતલબ જ નથી..!
કદાચ આ સદી એ છેલ્લી સદી છે કે જેમાં જનજાતિઓ જીવી રહી છે, પછી તો હોમો ઇરેકટસ અને નીએન્ડરથલ ની જેમ જનજાતિઓ પણ ફક્ત કંકાલ અને અશ્મી રૂપે જોવા મળશે..!!
હૈયા બળાપા કરવાનો મતલબ નથી, હોમો સેપીયંસ સેપીયંસ નો સૌથી મોટો દુશ્મન એ પોતે જ છે..
જે દિવસથી ૧3૦૦-૧૪૦૦ સીસીનું દિમાગ થયું છે ત્યારથી પોતાનાથી નાના દિમાગ ધરાવતા પોતાના જ લોકો ને એ ચૂસી રહ્યો છે અને ખતમ કરી રહ્યો છે..
આપણે બધા જ એમાં આવીએ છીએ ..
શોષણ એ આપણી પ્રકૃતિ છે..અને સૌથી પેહલું શોષણ આપણે પ્રકૃતિનું જ કરીએ છીએ..
વિચારજો કે કોનું કોનું તમે શોષણ કર્યું છે.. દંભ છોડી ને ..
શુભ રાત્રી
શૈશવ વોરા