સુએઝ કેનાલમાં ફસાયેલું જહાજ આખરે નીકળી ગયું ..!!
ઘણી જદ્દોજેહદ કરવી પડી, પણ અંતે નીકળી ગયું ..!
બહુ મેહનત ચાલી રહી હતી જહાજ ને ફરી એકવાર તરતું કરવા માટે, પણ કોઈ રીતે મેળ નોહતો બેસતો , છેવટે પુનમ ની ભરતીમાં પાછું દરિયામાં ચડી ગયું ..!
બે મત હતા જહાજ ને પાણીમાં પાછું ઉતારવા માટેના , એક ગ્રુપ એવું કેહતું હતું કે મોટી મોટી ટગ બોટો ઉતારો અને બીજા જે કાઈ સાધનો અવેલેબલ હોય એનાથી જહાજ ને રેતીમાંથી બહાર કાઢી ને પાણીમાં તાણી લાવો ,
અને બીજું ગ્રુપ એમ કેહતું હતું કે કશું કરવાની જરૂર નથી કુદરતની થપાટે આડું થયું છે તો પૂનમ ની ભરતીમાં કુદરત જ એને ફરી પાછું તરતું કરી મુકશે ..!
બન્ને સાચા પડ્યા , માણસ ની મેહનત અને કુદરત નો સાથ બધુય કામ લાગ્યું અને સવા બે લાખ ટન માલ ભરેલું જહાજ છેવટે દરિયામાં પાછું ઉતરી ગયું..!!
સવા બે લાખ ટન માલ એ કઈ નાનીસુની વાત નથી , નાના નાના પોર્ટ તો આવા જહાજ ને દુરથી જ સલામી આપી દે .. એ જે`શી ક્રષ્ણ ઓ` ની પા` હાલ્યા જાવ ભા આં`ય હંધુય સુખરૂપ સે તમારો વહીવટ થાય એમ નથી અમારાથી ..!!
લગભગ આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા ,એમાંય ભારત દેશ ના તો ખાસ ..!!
આરબો પાસેથી આજકાલ કાળું તેલ લેવાનું બંધ કરીને મહારાણીના “સાવકા” દીકરા અમેરિકાના રવાડે ચડ્યા છીએ, બહુ દાદાગીરી વધી ગઈ હતી આરબો ની એટલે અમેરિકાવાળા જોડે વેપલો ચાલુ કરી દીધો ..!
બીજી કોઈ ડીટેઇલ ક્યાંયથી મળતી નથી હો કે અચાનક આવો મોરો કેમ ઘૂમ્યો વિદેશનીતિ નો ..!
વૈશ્વિક મહામારીમાં જે ડબ્બા ઉર્ફે કન્ટેનર ગધેડે ગવાઈ રહ્યા હતા એની સખ્ખત શોર્ટેજ ચાલી રહી છે , ઈમ્પોર્ટ અને એક્પોર્ટ બંનેમાં ઘાટ કરતા ઘડામણ વધી ગયા છે , જહાજી કંપનીઓ પણ મો માંગ્યા નૂરભાડા માંગી રહી છે , વેપલો કેમ નો કૂટવો એ જ લોકો ને હવે સમજાતું નથી ..
કામ ઓછું અને લમણા ઝાઝા થઇ ગયા છે ..!!
ભારત દેશની અંદર પણ રોડ રસ્તા જબરજસ્ત મસ્ત બની રહ્યા છે પણ પેટ્રોલ ડીઝલે જે માઝા મૂકી છે એમાં ખટારા છેલ્લા બે મહિનાથી મળી નથી રહ્યા..આવી ને આવી પરિસ્થિતિ રહી પેટ્રોલ ડીઝલની તો પછી ત્રણ વર્ષ પછી રોડ રસ્તા યુરોપ જેવા ચોક્કસ હશે પણ ટ્રાફિક પણ યુરોપ જેટલો જ હશે ..!!
શુષ્ઠુ શુષ્ઠુ ..!!!
એક સમય એવો હતો કે શીપીંગ લાઈનોવાળા છોકરાઓ રીતસર નો`રા કરતા હતા સાહેબ એક ડબ્બો તો આપો મહીને…, એને આજે એને જ એક્સ્પોર્ટ કરવાવાળા કગરી રહ્યા છે, એક ડબ્બો તો કરી આપ યાર..!!
ખટારામાં પણ એ જ હાલત છે, મારા જેવો ટ્રાન્સપોર્ટર ને ખોટી ખોટી પોકળ ધમકીઓ આપે અને પછી સીધો પ્લીઝ ઉપર આવે ..!
દુનિયાભરમાં માલભાડા અને માલ ની આવાગમન ની પરિસ્થિતિ બહુ વિચિત્ર થઇ ગઈ છે..!!
સુએઝ ના ફસાયેલા જહાજે ભારત સહીત યુરોપના ઝાડો પેશાબ લગભગ બંધ કરી મુક્યા હતા , રોજ હજ્જારો કરોડ ના આંકડા આવતા હતા નુકસાન ના ,
કૈક જહાજો લંગર નાખી ને મધદરિયે રાહ જોતા લાંગર્યા હતા , જેમને અર્જન્સી હતી એ બધા એ મોરો ઘુમાવી ને દખ્ખણ દિશા પકડી ને આખો આફ્રિકા ખંડ ફરી ને હિન્દ મહાસાગરમાં ઉતર્યા હતા..!
હવે ધીમે ધીમે બધું પાછું નોર્મલ થશે..!!
જંબુદ્વીપે પણ અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે , સરકારશ્રી એ એક્સાઈઝ ને એક મધરાતે તિલાંજલિ આપી અને જીએસટી અપનાવી લીધો છે એટલે હવે જે કોઈ આંકડા આવી રહ્યા છે જીએસટી ના એ બધા વેચાણના આવી રહ્યા છે પ્રોડક્શનના આંકડા કેટલા અને વેચાણ ના આંકડા કેટલા એ જુદું પડતું નથી..!
સરકાર કેરીઓ ખાઈ રહી છે ગોટલીઓ નથી ગણતી..!!
આંકડો એક લાખ કરોડ ને આંકડો પાર કરે એટલે જેણે જીવનમાં એક રૂપિયા નું જીએસટીનું ચલણ ના ભર્યું હોય એવો ફાયનાન્સ નો એક્સપર્ટ ટીવી ઉપર બેઠો બેઠો હરખ ના વધામણાં આપે ..!!
ટુરીઝમ ની પનોતી આગળ વધી રહી છે ,અમુક ધંધા રીતસર ભાંગતા જાય છે ,
ડાઉન ફોલ હોય ત્યારે હઈસો ભઈ હઈસો ,દમ લગાકે હઈસો કરી ને ઉભા કરેલા ધંધા ના મોત પેહલા થાય ને ઝીણી વીશી એ કાંતેલા ધંધા ટકે ..!!
જો કે સર્જન અને વિસર્જન નિરંતર ચાલતી પ્રક્રિયા છે, પણ સર્જન વહાલું ને વિસર્જન દવલું..!!
ઘણા બધા લોકો બજારમાં ઉતરીએ ત્યારે સવાલ પૂછે કે આ પરિસ્થિતિ નો અંત ક્યારે ?
પપ્પા મમ્મી એમના અધીરિયા પેશન્ટ ને એક જ જવાબ આપે જો ભાઈ રોગ આવે હાથી વેગે અને જાય કીડી વેગે..!!
મહામારી આવે આવી છે ગાંડા હાથી ની જેમ દોડતી અને જશે હવે કીડી ની જેમ ધીમે ધીમે ..!!
ચોક્કસ પ્રીડીકશન અઘરું છે ,પણ અનુમાન થાય કે ત્રણથી પાંચ વર્ષ મીનીમમ , સ્વીકાર્યે જ છૂટકો ..!!
ધંધા પાંચ વર્ષ ના ઉંધા ગણિત મૂકી ને જ ગોઠવવા પડે તેમ છે , આજકાલ ફેસબુક ઉપર સો વર્ષ જૂની છાપા ની જાહેરાત ના કટિંગ મુકવાની ચાલી છે ..!
ક્યાં ગયા એ બધા ? અને એમના વારસદારો ?
કુદરત ક્યારે કોને કેવો ફટકો મારે એની સમજણ કોઈ ને નથી પડતી , છઠ્ઠી એપ્રિલે ગુરુ મહારાજ મકર રાશી છોડી ને કુંભ માં જાય છે અને ફરી પાછા નવેમ્બરમાં વક્રી થઇ ને પાછા મકરમાં , તેર મહીને રાશી બદલવાવાળા ગુરુ મહારાજ પણ જો આવી રીતે ધડાધડ રાશીઓ બદલે અને આઘાપાછા થતા હોય તો પછી આપણે તો ચુપચાપ પડ્યા રહો જ્યાં છો ત્યાં..!!
સવા બે લાખ ટન માલ ભરેલા જહાજ પવન ની થપાટે આડા થઇ જતા હોય તો તમારું ને મારું શું ગજું ?
બહુ અદક પાંસળી રાખવામાં અત્યારે તો સાર દેખાતો નથી , એ પછી સર બજાર હોય કે વડાપાઉં ની લારી..!!
સાચવજો , કોગળિયું બીજો રાઉન્ડ “જમ કર ખેલી” રહ્યું છે ,પેહલા રાઉન્ડમાં બચેલા ઘણા ઝડપાઈ ગયા છે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*