પશ્ચિમ ભારત ની સ્થાનિક નેતાગીરી સમય અને ઈતિહાસના પરીપેક્ષમાં બહુ જ વામણી પુરવાર થઇ રહી છે ,
પત્રકારના સવાલ નો ડર તો છે જ નહિ ,અને માની જ લીધું છે કે જનતા સવાલ પૂછવાની જ નથી….!
“જવાબદારી” શબ્દ જ એવો છે કે જેનો અર્થ થાય કે `જવાબ આપવો પડે` ,
પણ જવાબ ની બદલે રટ્ટો મારી ને ગોખેલી કેસેટો વાગી રહી છે ,
જો કે આ ધંધો નાના મોટે પાયે આખી દુનિયામાં ચાલી રહ્યો છે , સત્તા સ્થાને બેઠેલો પોતાની ફિક્સ કેસેટ વગાડી રહ્યો છે અને સવાલ પૂછનારા પણ ફિક્સ કેસેટ વગાડી રહ્યા છે એટલે સરવાળે પ્રજાહિત નો જબરજસ્ત ભાગાકાર થઇ રહ્યો છે..!
થોડાક મનોમંથન ની જરૂર છે, પત્રકારિતા અને રાજકીય જગત બંને ને ..!
અમુક સવાલો પૂછવા અને જવાબ આપવા બંને નો આશય પ્રજાહિત નો છે કે નહિ એ વિષે પણ ક્યારેક શંકા જાગે છે ,
આવું કેમ ? એવું કારણ જાણવા ની કોશિશ કરીએ તો સીધો હિસાબ એવો નીકળે છે પ્રજા નું હિત શું છે એની બે માંથી એકેય ને ખબર નથી હોતી , એક ને `સનસની` ફેલાવવી છે અને બીજા ને `હું` ..!!
`સનસની` એ પત્રકારિતા નથી..!! અને `હું` એ નેતાગીરી નથી..!!
આ દેશ ની સત્તા લોકનાયકો ના હાથમાં રહી છે , આજે નહિ સદીઓથી ..!
આજે એકાદ ને બાદ કરતા લોકનાયક ક્યાંય જોવા જ નથી મળતા , નાના બાળક ને એમ પૂછવામાં આવે કે તારે કયો નેતા બનવું છે તો બાળક મુંઝારો અનુભવે છે જવાબ આપવામાં , અને થોડાક મોટા દસમાં બારમાં ધોરણમાં ભણતા ને પૂછીએ તો બરાક ઓબામાં બોલે છે , પણ ભારત ના એકપણ રાજનેતા નું નામ નથી લઇ શકતો..!
માંહે માંહે લડી ને એકબીજા ને અત્યંત હલકા ચીતરી ને મૂકી દીધા છે ..!!
હવે કોઈ ને થાય કે આટલું વિચારવાની જરૂર શૈશવભાઈ તમને કેમ પડી ?
તો ઘટનામાં એવું થયું કે મને એક ફોન આવ્યો રાજકીય પક્ષના કાર્યકર્તા નો ,
ભાઈ ટીવી ઉપર જઈને ગાભા કાઢી નાખો આ બધાના ,સમજે છે શું એમની જાત ને ?
આપણા દિમાગ કી ઘંટી બજી .. કેમ આવું એકદમ ?
મેં કીધું ..લાલા હજી તો હમણાં તે તારા ઘેર તોરણ બાંધ્યું હતું “મારું ઘર પક્ષ નું ઘર “ કરી ને અને હવે લાલાભાઈ તમે તમારા “ઘરના ઘર આપનારા” નેતાજી ને અમને ગાળો આપવાનું કહો છો ,
મને કહે તમે પત્રકાર નહિ .. મેં કીધું બસ્સો ટકા નહિ , હું તો ખાલી શોખથી લખું અને સામાન્ય પ્રજા ને જેમ જે મનમાં આવે ને બોલે એમ હું બોલું , એનાથી આગળ બીજું કઈ નહિ..!!
લાલો ગૂંચવાયો .. એમ નહિ તો આ બધા એમની “મનમાની” કરે તો અમારે ક્યાં જવાનું ?
મેં કીધું ભઈલા મારા અત્યાર સુધી તે “તારું ઘર પક્ષ નું ઘર” કર્યું , ક્યારેક “ઘર ના ઘર” કર્યા તો હવે “પક્ષ નું ઘર એ તમારું ઘર” , જાવ પક્ષ ના ભવને ..!!
ત્યારે શું વળી ? આપણે ક્યાં એ રાજકીય લમણામાં પડવું , જુઠ્ઠા અને લબાડો ની વચ્ચે..!!
રાજ્યના ગૃહમંત્રી ઉપર આક્ષેપ આવે અને એ પણ આવડા મોટા અધિકારી તરફથી સો કરોડ નો ,
તો પછી બીજા કેટલા મંત્રી અને સંત્રી..! ટોટલ ક્યાં જઈ ને અટકે ?
હું ઘણી વખત પોતાની જાત ને માલેતુજાર ગણતા લોકો વચ્ચે બેઠો હોઉં છું ત્યારે બોલી તો નથી શકતો પણ મનમાં તો કહી જ દઉં છું કે.. ટોપાઓ તમે તો આ રાજકારણીઓ ની સામે કીડા મંકોડા છો ..!!
દિવસે દિવસે સત્તા અને રૂપિયાનું નેક્સસ ગાઢ થતું જાય છે અને બીજો પણ એક વણલખ્યો નિયમ પણ રાજકારણમાં લખાઈ ચુક્યો છે ,
ભ્રષ્ટ રાજકારણી જીવનભર લડાઈ લડી ને સિધાવી જાય પછી એમના સંતાનો જો રાજકારણમાં ના હોય તો એમને જરાક પણ ડીસટર્બ નહિ કરવાના , એમને મોજ કરવા દેવાની..!!
પેઢીઓ ની પેઢીઓ સુરક્ષિત થઇ રહી છે..!
હમણાં ક્યાંક છાપામાં “ડુંગર બળવા” ની બાધા એવો શબ્દ વાંચ્યો ..!!
કૈક એવું હતું કે આદિવાસી લોકોમાં કોઈક કામ પૂરું થાય તો એક ડુંગરો બાળી મુકે પણ હવે સમજાવટથી એ પ્રથા બંધ થઇ..!
રાજકારણમાં આ પ્રથા શરુ થવી જોઈએ..!!
આખા આવા ડુંગર મૂકી ને સિધાવી ગયેલા ની પાછળ જનતા અને પત્રકારો પડી ને એમના જાહોજલાલીના “ડુંગર બાળી” મુકવા જોઈએ તો એટલીસ્ટ નવા ને ભ્રષ્ટાચાર કરતા પેહલા વિચાર આવે કે કોના માટે ? અને મારા મર્યા પછી મારો વસ્તાર ભોગવી નહિ શકે ..!
સામાન્ય પાપ લાગશે કે ઉપરવાળાની બહુ બ્હિક રહી નથી..!
“ડુંગર બાળવા” નો બીજો પણ એક રસ્તો છે ઓફિશિઅલ … વારસાઈ વેરો ૧૦ કરોડથી વધારે મિલકત ,સ્થાવર કે જંગમ નો ડુંગરો મૂકી ને ગયો કે ગઈ તો એના વસ્તાર ને બાકી બચેલામાંથી ચાલીસ ટકા જ મળે..!!
પણ એવું કશું છે જ નહિ સીસ્ટમ માં એટલે ડુંગરા ઊંચા ને ઊંચા થતા જાય છે અને તળેટી નીચી..!!!
કોરોના પેહલા ની એક મારી ડીબેટ મને ફેસબુક એ યાદ કરાવી..
સ્પષ્ટ રીતે માનું છું કે દરેક વસ્તુ દરેક માટે હોતી નથી , સુપર સોનિક સ્પીડ ઉપર રૂપિયા હોય તો પણ દરેક ને ઉડવા દેવાની જરૂર નથી , રત્નગર્ભા નો ગર્ભપાત થઇ રહ્યો છે , હવે વધુ રત્નો ગર્ભમાં રહ્યા નથી , વસ્તી વધારી, લાંબુ જીવાડી ને વસુંધરા ઉપર ભારણ જ કર્યું છે , સાયન્સ પણ આના માટે જવાબદાર છે..!!
દરેક વસ્તુ દરેક માટે નથી હોતી એમ સત્તા પણ દરેક માટે નથી હોતી , સંસદીય લોકશાહી ની કમબ્ખતી છે કે નેતા સીધો ચૂંટી નથી શકાતો અને પેલું અદનાન સામી ના ગીત ની લાઈન જેવું થાય છે “કૈસે કૈસે કો દિયા હૈ … ઐસે વૈસે કો દિયા હૈ”
બહુમતી માંથી બે-ચાર ની મતિ ફરી તો તમારો ને મારો આપેલો મત બેકાર..!
બખાળા પુરા ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા