જય હો ..!
સવારે છાપું ખોલો કે રાત્રે ટીવી ખોલો એક જ વાત ..!!
પણ નિવેડો ?
કશો ય નહિ, બસ ..ચર્ચા અને ઘાંટા ઘાંટી ..!!
આર્કીયોલોજીનો એક બહુ જાણીતો નિયમ છે “ક્યાં તો બાપ બતાડ નહિ તો શ્રાદ્ધ કરો..!!”
માથાકૂટ નહિ ..
જો અને તો પણ નહિ ..!!
વાતો એવી થઇ રહી છે કે નથી બાપ બતાડવો કે નથી શ્રાદ્ધ કરવું , બધું ગોળ ગોળ ..!
આ દેશને પોતાની સંસ્કૃતિ ભુલવાડવાના અસંખ્ય પ્રયત્નો થયા , કૈકને જીવતા સળગાવ્યા, કેટલાયને ઉકળતા તેલ રેડ્યા અને ભાલા બરછી તલવારો કેટલુય ચાલ્યું પણ કૈક તો એવું છે કે આ દેશ માટીમાં ભળતો નથી, રહી રહી ને ઉભો થાય છે..!!
ઘણા લોકો એમ કહે છે કે પબ્લિકને ખોટો ધર્મનો દારુ નાં પીવડાવો,
ચાલો માની લીધું કે ધર્મનો દારૂ નથી પીવડાવો તો પછી કયો દારુ પીવડાવશો ?
અને ધર્મનો દારુ કે અફીણ જે ગણો તે એને આ દેશની પબ્લિકના જીવનમાંથી કાઢી લીધા પછી એની જિંદગીમાં કંઈ જીવવા જેવું રાખ્યું છે ખરું ?
રજનીશજી ક્યાંક એવું કહે કે બધું ય છોડી દો અને કલા, સ્પોર્ટ્સ નો વિકાસ કરો , જીવનને જીવવા લાયક બનાવો, મનુષ્ય જીવનને માનવતાની ચરમસીમાએ લઇ જાવ..!
અહીં તો કલાના જ દુશ્મન ..!
પેલો લાલ કિલ્લાના લાઈટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ બાળપણમાં જોયો ત્યારે એમાં ઔરંગઝેબને મોઢે ડાયલોગ હતો .. અરે યે કિસ કા જનાજા લે જા રહે હો ?
જહાંપના સંગીત કા જનાજા હૈ ..! સારે કલાકાર લોગ લેકે ચાલે હૈ સંગીત તો દફન કરને..!
અરે કોઈ હૈ ઇનકો ચાર મુર્દે ઔર દે દો પેહલે સંગીત કો દફન કરના ઔર ઉસકે ઉપર ચાર મુર્દે તાકી સંગીત કયામત તક બાહર નાં આ સકે..!!
લ્યો કર લો બાત ..!
આમાં મનુષ્ય જીવનને માનવતાની ચરમસીમાએ કેમનું લઇ જવું ?
બધી કોયલોને મારી નખાવી પડે ..! કેમ ? તો કહે પંચમમાં ગાય છે અને મોર ને તો દીઠાં ના મુકાય કેમ ? અરે એ તો મુઓ ષડ્જમાં બોલે છે અને ષડ્જ એટલે ? ષડ જાયતિ.. જે બીજા છ ને જન્મ આપે છે તે ..! એમાંથી તો બીજા છ એ છ સ્વરનો જન્મ થાય છે આવા મોર ને તો દીઠો મુકાય ..?
બચી ગયા બિચારા પશુ પંખીઓ, બાકી તો ઉલાળી જ મુક્તે ..!!
કેમ આટલી બધી કટ્ટરતા ?
નાની નાની વાતમાં પોતાની નિષ્ફળતાઓ નો દોષ બીજાને માટે મઢવો..??
ફલાણી કોમ ના હોત તો આજે આપણે ક્યાંય આગળ નીકળી ગયા હોત ..!
એવું થાય છે ખરું ?
અસંભવ છે ..!!
મારા સુખ અને દુઃખ ફક્ત અને ફક્ત મારા જ છે એના માટે બીજો કોઈ જ જવાબદાર નથી ,
પણ અહિયાં મારું સુખ એટલે મારી સામેવાળાનું દુઃખ ..!
એવી વૃત્તિ હાવી થાય એ ભેગું યુદ્ધના મંડાણ થઇ જાય..!!
પરપીડન વૃત્તિ ..!
કલા ,સાહિત્ય ,સ્પોર્ટ્સ વગેરે વગેરે જોડે જેમને બારમો ચંદ્રમાં છે એને ભાગે દુઃખ , પીડા અને છેવટે સ્વપીડન કે પરપીડન આવે..!!
હોળી પ્રગટાવવા કરતા સળગાવવાની મજા લેવી છે..!!
રાજ કરવા છે ..!!
તારાજ થઇ ગયા પણ રાજ કરવાના ચહડકા ઓછા નથી થતા..!!
ઘેર હાંલ્લા કુસ્તી કરતા હોય પણ કડકે તો કડ્કે xxx કે લડકે ..!!
અને બીજી વાત આટલો બધો ઉહાપોહ કરી મુકવાની ક્યાં જરૂર છે ?
સત્તા છે, સત્ય તમારી જોડે છે, તો પછી હોબાળો શાને ?
ક્યાં ઇન્ડોનેશિયા, મલેશિયા, અરબસ્તાન કે પારકા દેશના પથરાના ટેસ્ટીંગ કરવાના છે..?
કરાવી લ્યો કાર્બન ટેસ્ટીંગ એટલે ખબર , બોલાવી લ્યો એએસઆઈ ને એટલે તરત ખબર પડે ..!
રગશીયે ગાડે જવાની ક્યાં જરૂર છે ?
લોકો પૂછે છે કેટલા પાછળ જવું છે ?
અરે છેક નીએન્ડરથલ સુધી જવું છે ..દસ લાખ વર્ષ પેહલાના નીએન્ડરથલના અસ્તિત્વના પુરાવા મળ્યા છે, જાંબવન નીએન્ડરથલ હતા અને બજરંગબલીની ફોજ હોમો ઈરેક્ટસની હતી..!
બજરંગબલી હોમો સેપીયંસ છે, વિભીષણ હોમો સેપીયંસ સેપીયંસ સેપીયંસ છે..!!
એકલા રામ અને લક્ષ્મણ બે જ આખા યુદ્ધમાં હોમો સેપીયંસ સેપીયંસ હતા બાકી બધા જુદી જુદી પ્રજાતિ અને જાતીના હતા ..!!
અને એટલા હોશિયાર હતા બાપદાદા કે પેલા સાત જે અમર કરી મુક્યા છે ને હનમાનજી વિભીષણ સહીત અને આઠમાં માર્કન્ડેય ઋષિ એ બધા જીનેટીક્સ સાચવી ને ક્યાંક ધરતીના ખૂણે સંતાડી મુક્યા છે ..!
‘अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः।
कृपः परशुरामश्च सप्तैते चिरंजीविनः॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।’
એકાદો ગાંડો પુતિન, ઝેલેન્સકી કે બાઇડન દુનિયાનો સર્વનાશ કરે તો ફરી દુનિયાના સર્જન કરવા કામ લાગે..!!
બોલો આવું લોજીક પણ લગાડી શકાય ,અને મારે લગાડવું છે ,
કોઈ એક ચોપડીના મારે ગુલામ નથી થવું ..!!
ખુસરો એ પખવાજ કે પખવાજ કાપીને તબલા કર્યા અરે એને પણ અપનાવી લીધા પણ કટ્ટરને પૂછો તો શું ?
સંગીત નામે નાં જોઈએ ..!!
શાસ્ત્ર નામે નહિ ,વિજ્ઞાનની બધી સગવડનો ઉપભોગ કરવાનો પણ પછી એને જ ગાળો આપવાની..!!
કોઈ એક ધર્મની વાત નથી દરેક ધર્મમાં આ પ્રકારે ચાલે છે..!!
મંદિરો કલાના ઉત્ત્કૃષ્ઠ નમુના હતા એમાં વિજ્ઞાન પણ ઠાંસી ઠાંસીને ભરેલું હતું ,
એ જ રીતે તાજ મહાલ બંધાયા પછી લગભગ બસ્સો વર્ષ અંગ્રેજો એ એને ધમરોળ્યો છે, બાવીસ રૂમ નહિ કદાચ ઓરીજીનલ કશું બહુ રહ્યું જ નથી , બધાય માણેક પન્ના જેવા કીમતી પત્થરો અંગ્રેજો કાઢી ગયા છે, હજી સુધી એવું કશું બહુ મળ્યું નથી કે તેજો મહાલય સાબિત થાય,
કેમકે જિલ્લે ઇલાહીએ પોતાના માટે બીજો કાળો તાજ મેહલ જમનાજીની બીજી તરફ બનાવવાના પાયા નાખી દીધેલા ..! એ હજી ત્યાં હયાત છે..!!
ટેકનોલોજી ચોક્કસ હતી અને અજાયબ પણ હતી ..!
મકરાણાનો ઓરીજીનલ ઓનેક્સ માર્બલ વપરાયો છે, ઓનેક્સ માર્બલમાંથી આરપાર પ્રકાશ જાય છે અને ઓનેક્સ પોતાની ઉપર પડતા પ્રકાશને પરાવર્તિત ખુબ સુંદર રીતે કરી જાણે છે અને માટે જ પૂનમની રાત્રે તાજ મેહલ સફેદ નહિ પણ નીલી ઝાંયવાળો દેખાય છે..!!
જ્ઞાન વાપી પરિસરમાં મળેલા કેહવાતા શિવલિંગ માટે વોટ્સ એપ યુનિવર્સીટીમાં એમ કેહવાય છે કે પન્નાના પત્થરનું બનેલું શિવલિંગ છે.. હા એ જ બુધ નડતો હોય તો પેલું ચાંદીમાં લીલા કલરનું નંગ મઢાવીને પેહરો છો ને એને પન્ના કેહવાય..!!
ખોદવું જોઈએ , ઈતિહાસને બાહર લાવવો રહ્યો ,પણ સાથે સાથે શર્ત એ પણ છે કે એને સાચવી જણાવો પડશે અને સાચવવાની તાકાત પણ ઉભી કરાવી પડશે..!
બે ચાર પેઢી પછી પણ જો નમાલા પેદા કરી મુક્યા તો જેમ અફઘાનિસ્તાનમાં બામિયાનમાં બુદ્ધની મૂર્તિને તોપના નાળચે મૂકી અને ભડાકે દીધી ને દુનિયા આખી નમાલી થઇને જોતી રહી ગઈ , અને હવે કશુંય ના બચ્યું ,
એવું થાય એના કરતા ભોં માં ભંડારેલું ભલે પડ્યું..!!!
“ભવિષ્યનું દુઃખ આજના સુખનો નાશ કરે છે તો ભૂતકાળનું દુઃખ અને સુખ બંને આજના સુખનો નાશ કરે છે ..!!!”
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)