જેટ એરવેઝ ની છેલ્લી ફ્લાઇટ આજે ઊડી રહી છે , અમૃતસર થી બોમ્બે ની ફ્લાઈટ ઉપડશે , અને પછી બધા જ વિમાનો જેટ એરવેઝ ના તબેલામાં મુકાઈ જશે ,
અત્યારે પુણે એરપોર્ટ પર બેઠો આ બ્લોગ લખી રહ્યો છું, લગભગ ડિસ્પ્લે બોર્ડ ઉપર લાલ અક્ષર વધારે જોવા મળી રહ્યા છે, ઘણી બધી ફ્લાઈટ ડિલે છે અને જેટ એરવેઝ ની તમામ ફ્લાઇટ ની આગળ રદ લખેલું વંચાય છે,
થોડુંક દુઃખ થાય અત્યારે કે આવડી મોટી એરલાઇન્સને જમીન ભેગી કરી દેવામાં આવી…!!!
પણ ‘દેવા’ ઍવડા મોટા ઉભા કર્યા હતા કે જેટ એરવેઝને જમીન ભેગી કરે છૂટકો છે,
કયો કારભારો નરેશ ગોયેલે કુટ્યો કે જેટ એરવેઝ ઍ ૮,૦૦૦ કરોડ નું દેવુ કરી નાખેલુ છે , અને ઉપર થી ૧૫૦૦ કરોડની વચગાળાની સહાય જ જેટ એરવેઝ માંગી રહી છે..ખાતર ઉપર દિવેલ ..!!
કર્મચારીઓની દલીલ છે કે એરલાઈને જો બચાવી નહિ લેવામાં આવે તો વીસ હજાર કર્મચારીઓ બેકાર થઈ જશે ,ભાઈ સાચુ પણ રુપિયા બહુ મોટા છે..!!
હું માનું છું કે 20,000 કર્મચારીઓની સામે 1500 કરોડ અને ટોટલ દેવું જોઈએ તો આઠ હજાર કરોડનું દેવું એ બહુ મોટી વાત થઈ જાય, અને વીસ હજાર લોકો માટે કમ સે કમ જાહેર ક્ષેત્રની બેંકોને તો આટલા મોટા બાટલામાં ના જ ઉતારી દેવાય..
હા કોઈ પ્રાઇવેટ પાર્ટી આવતી હોય અને એને ધંધામાં રસકસ્વ દેખાતો હોય તો રૂપિયા નાખે તો જુદી વાત છે ,બાકી જાહેર ક્ષેત્રની બેંકો માંથી રૂપિયા લઇ અને જેટ એરવેઝને આપવાની વાત એટલે ગાય ને દોહિ ને કુતરી ને પીવડાવવા જેવી વાત થઈ..
ભૂતકાળમાં જેટ એરવેઝ ઉપર એવા આરોપો મુકાયેલા કે તેમાં દાઉદ ઈબ્રાહિમના રૂપિયા સંડોવાયેલા છે , આરોપમાં કે તથ્ય છે કે નહિ એ તો ઉપરવાળો જાણે,
પણ એક વાત નક્કી છે કે એર ઇન્ડિયાના પોતાના પ્રીમિયમ રુટ ઉપર ઘણી બધી જગ્યાએ જેટ એરવેઝ છે ‘ભેલાણ’ કર્યું હતું ,જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે ..
અને દબાતા સ્વરે એમ પણ બોલવામાં આવતું કે આડકતરી રીતે યુપીએ સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી જેટ એરવેઝ અને મદદ કરી રહ્યા છે , અને એર ઇન્ડિયાને ખર્ચાના ખાડામાં ઉતારી રહ્યા છે , પણ કોઈ નક્કર હકીકતો સાબિતી સાથે બહાર આવી નથી ,
પણ આ પ્રકારના આક્ષેપો ઘણા થતા હતા ..!!
આજે ત્યારે એરપોર્ટ પર બેઠા બેઠા યાદ કરું છું ત્યારે કિંગફિશરનું ધબડકો પણ યાદ આવે છે ,ખૂબ સારી રીતે ચાલતી એર ડેક્કન ને કિંગફિશર ગળી ગયું…અને પછી કિંગફિશરના હાલ હવાલ જેથી એ આખી દુનિયાની સામે છે…!!
જેટ એરવેઝ મોટે ઉપાડે સહારા એરલાઈને ગળી ગઈ ‘તી અને જેટ લાઈટ કરીને પોતાની એક નવી બ્રાન્ડ ઊભી કરી દીધી હતી, પણ આજે જેટ એરવેઝ નો પણ અંત આવી રહ્યો છે..
જેટ એરવેઝ ની તીવ્ર હરીફાઈ ને પાપે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ નું મર્જર કરવું પડ્યું હતું…અને તો પણ એર ઇન્ડિયા હજી ડચકા ખાય છે, જોકે એર ઇન્ડિયામાં તો એવું પણ કહી શકાય કે “મોગલ ગઈ તગારે અને સરકાર જશે પગારે..”
રિટાયરમેન્ટ એઇજ માટે એર ઇન્ડિયામાં ડખો ઉભો જ છે, અને એર ઇન્ડિયાને ડોમેસ્ટિક બુકિંગ એટલા મળતા નથી… કારણ કે એના પ્રીમિયમ રૂટ પહેલાં કીધું એમ જેટ એરવેઝ ખાઈ ગઈ છે, આજે એર ઇન્ડિયા માટે પોતની જાતને બેઠી કરવા માટેનો એક ફરી મોટો ચાન્સ ઉભો થયો છે ,
જેટ એરવેઝ ના તમામ રૂટ બંધ થઈ ગયા અને એ રુટ ઉપર એર ઇન્ડિયા થોડું જોર મારી અને ઉડે તો એકદમ તો એર ઇન્ડિયન નફો કરતી ના થાય ,પણ કમ સે કમ ધીમે ધીમે નુકશાનમાંથી તો બહાર આવી શકે એવી શક્યતા તો ખરી..
હું પોતે પર્સનલી તો થોડા ઘણાં જેટ એરવેઝ ના શેર પડ્યા છે, અને મારા ફ્રિકવન્ટ ફ્લાયર ના ચાલીસ હજાર માઈલ પડ્યા છે, એટલે મારા ચાલીસ હજાર માઈલ નું તો મોત નક્કી છે..!!
જોકે બીજો રસ્તો એવો છે કે હજી જેટ એરવેઝના માઇલ ઍતીહાદ માં વાપરવા પડે તો 40 હજાર માઈલ પાછા આવે, પણ હવે એના માટે ઍતીહાદ લઇ ને બાહર ફરવા જવું પડે..ટકા ની ડોસી માટે ઢબુ નુ મુંડામણ થાય..
ભારતના વિમાની મથકો ઉપર થી એકદમ રોજના ૧૨૬ હવાઈ જહાજ ઓછા થઈ જશે, કદાચ બહુ મોટો ઝટકો છે દરેક એરપોર્ટ માટે અને હવાઈ સફર કરતા યાત્રીઓ માટે..
કેમ કે તક નો લાભ લેવાનું એક પણ એરલાઇન ચૂકતી નથી ,અત્યારથી જ દરેક જગ્યાના ભાડામાં ધીમો ધીમો પણ સારો એવો વધારો દેખાઇ રહ્યો છે ,અમદાવાદ મુંબઈની ટિકિટ પણ હવે સાડા ચાર પાંચ હજાર ની આજુબાજુ થઈ ગઈ છે ,જે અઢી-ત્રણ માં ગધેડે ગવાતી હતી,
લાંબા અંતરની ટિકીટોમાં પણ મોટો ફરક આવવાની શક્યતા છે ,અને વેકેશન બિલકુલ માથે ગાજી રહ્યું છે એટલે કદાચ મે-જૂનમાં હવાઈ સફર આસમાન થી આગળ પહોંચે તો નવાઈ નહી..
દુનિયાભર નો મોટ્ટા માં મોટો સવાલ છે કે એરલાઇનો કમાતી કેમ નથી ? હંમેશા એરલાઇન જેટલી મોટી થાય એટલી ઝડપથી એનું પતન કેમ થાય છે..?
આજે દુનિયાની મોટાભાગની સરકારી એરલાઇન જ ત્રણ ચાર દસકાથી વધારે જીવી રહી છે ,બાકી પ્રાઇવેટ એરલાઇન વહેલી મોડી ઉઠમણાં જ કરે છે..
ભલભલા ‘પંડિતો’ એરલાઇનો ની બેલેન્સ શીટ ના છીંડા શોધવામાં મા’ત ખાઈ જાય છે..
અત્યારે માંડ માંડ ચાલુ રહેલી એરલાઇન spicejet એ વચ્ચે ડચકું ખાઈ લીધું હતું,અને એના ઓરિજિનલ પ્રમોટર પાછા આવ્યા અને એરલાઇન ને બચાવી લીધી હતી..પણ હવે કેટલા વર્ષ ચાલે એ જોવાનું
અત્યારે એર એશિયા હિન્દુસ્તાનના આકાશમાં ધીમે ધીમે કાઠું કાઢી રહી છે અને વાડિયા ની ગો એર ધીમા પગલે આગળ વધી રહી છે..
જોવાનું એ રહે છે કે જેટ એરવેઝ નો ખાલી પાડેલો સ્લોટ કઈ એરલાઇન ઉપાડે છે અને આગળ નીકળે છે..!!
વિજય માલ્યા જેટ એરવેઝ પતન ઉપર લંડનમાં બેઠા-બેઠા અરણ્યરુદન કરી રહ્યા છે, પણ કોઈ એમની થેક લેતું નથી..
એમની વાતો ઉપરથી તેવું લાગે કે સરકાર અને બેન્કોએ ભેગા થઈ અને એમની એરલાઇન ને ઉઠાડી મૂકી ..
આપણા દેશની આ ખૂબી રહી છે ઊલટો ચોર હંમેશા કોટવાલ ને કરડે, અને એવી મોટી પોક મૂકીને રડે કે સામાન્ય પ્રજાને તેમ જ થાય કે આ માણસ સાચો છે અને સરકાર અને ન્યાયાલયો ખોટા છે..
માલ્યા સાહેબ અત્યારે એવું કહે છે કે હું મારું બધું દેવું બેંકોને ચૂકવી દઉં અને એ પૈસાથી તમે જેટ એરવેઝ અને બચાવી લો..!!
કેવી નવાઈ લાગે ને એક જમાનાના કટ્ટર દુશ્મનો અત્યારે એકબીજાને બચાવવાની વાત કરે , ત્યારે આપણ ને એમ જ લાગે કે ચોર ચોર મોસેરા ભાઈ..
કાલે સવારે જેટ એરવેઝ નો શેર દલાલ સ્ટ્રીટમાં કેવો ખેલ કરે છે એની ઉપર જ અંદાજો બંધાય કે જેટ એરવેઝ ના હાલ હવાલ કિંગફિશર જેવા થશે કે પછી કોઈક “મોટો હાથ” એને બચાવી લેશે…
જોકે ચુંટણીની મગજમારી માં પડેલા “મોટા હાથો” હાલ પૂરતો તો આમાં હાથ નાખી અને ‘આ બલા પકડ ગલા’ ,એવું કરે એવું લાગતું નથી..
પણ ન જાણ્યું જાનકીનાથે ..એટલે પબ્લિક ના રૂપિયા ઉર્ફે બેન્કોના રૂપિયા ડુબે નહીં એ રીતે જેટ એરવેઝની જીવતદાન મળે એવી આશા સાથે બોર્ડિંગ ની એનાઉન્સમેન્ટ ની રાહ જોતો અહીંયા પૂરું કરું છું..
ઓલરેડી એસ જી 524 પોણો કલાક ડીલે છે, અને નોર્થ માંથી આવતી લગભગ બધી જ ફલાઈટો પણ ડીલે છે , એટલે અમારા નસીબમાં હજી થોડુંક પૂના ના એરપોર્ટ પર લટકવાનુ લખ્યું છે ..
તમે બધા ખાઈ-પીને મોજ કરો ..શુભરાત્રીશૈશવ વોરા