આજે કોઈક જુવાનજોધ પિસ્તાળીસ વર્ષની વ્યક્તિ મૃત્યુ પામી એવા સમાચાર સાંભળ્યા ..
મૃત્યુ થઈ જાય પછી શું બાકી રહે ???
વાતો.. પોસ્ટમોર્ટમ મૃત્યુનું કર્યું મૃતકના મૃત્યુનું એક મેડિકલ સ્ટુડન્ટ સાથે ..
પેહલી વાત એવી કે ક્યારેય કોઈ પ્રકારના ટેસ્ટ કરાવ્યા નોહતા..
બીજું બ્લડ પ્રેશર સુદ્ધાં મપાવ્યું નોહ્તું ..
ત્રીજું જિંદગીમાં ક્યારેય તાવ પણ નથી આવ્યો ..
ચોથું , પાંચમું , છઠ્ઠું.. એક પછી એક પોઝીટીવ કારણો કે જે કન્ફર્મ કરે કે સો વર્ષ સુધી જીવવાના એટલે બિન્દાસ્ત થઈ જાવ એવું માનવા માટે…
પરિણામ શું ? ઈશ્વર ને ગમ્યું તે ખરું ..!!!
એક બહુ અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ , ખાધા ની ખરેખર ખબર નથી , કઈ વસ્તુ ક્યાં ઉગી એની ઉપર કેટલી પ્રોસેસ થઈ અને પછી મારા મોઢામાં ગઈ અને ત્યાંથી મારા જઠર આંતરડા એ શું શોષ્યુ અને હૃદય ,મગજ ,કિડનીને શું પહોંચ્યું એમાંથી, અને એમાંથી કામનુ કેટલું અને નક્કામું કેટલું ? બધું જ અંધારામાં છે…
ચારેય બાજુ ઝેરના વેપલા થાય છે , મારા તમારા શરીર માટે ઝેર એ માર્કેટિંગમાં અમૃત પ્રોજેક્ટ થાય , અરે આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ ના ફર્ક જન સાધારણ ને ખબર નથી ,ચીઝ અને બટર , બ્રેડ અને નાન , પનીર ની વાત જ જવા દો ..
અરે બટાકા બિયારણના જુદા અને ખાવાના જુદા .. ખાવાના બટાકાંમાંથી બટાકા ના ઉગે, વાંઝિયા શાક અને વાંઝિયા ધાન ,તેલ ઘી ના ડબલા ઉપર ઝીણું ઝીણું લખ્યું હોય શું વાંચો …???
દૂધના પ્રકાર કેટલા ? અને તો પણ ગાય ભેંસને ઇન્જેક્શન આપીને દૂધ આવ્યું હોય ઘરમાં તો ???
ભયંકર પરિસ્થિતિ છે..
એક તરફ હેલ્થ માટે અત્યંત સજાગ લોકો અને બીજી તરફ બિલકુલ નફકરા ..
મને ઘણીવાર છાતીમાં દુઃખે, બીક નો માર્યો કાર્ડિયોલોજિસ્ટ પાસે દોડી જાઉં , ઇસીજી લ્યે ,ઇકો કરે ,પછી કહે જલસા કર જિમમાં કંઈક વધારે ઊંચક્યું હશે જા..
મને પછી ગિલ્ટ આવે .. એક તો આપણે પાઈ પૈસો આપવાનો નહીં અને મારતે ઘોડે જવાનું એટલે હું મારા કાર્ડિયોલોજિસ્ટ ને કહું સોરી ભાઈ ખોટા ખોટા દોડાવું છું તમને..
સામે જવાબ આવે .. બેટા સો વખત ખોટો દોડાવીશ તો ચાલશે પણ એક વખત સાચો હોઈશ અને તું નહીં આવે ને તો મારે સાહેબને (મારા પપ્પા) ઉપર જઈને મોઢું શું બતાડવું ??? અહીંયા મેડમ ( મારા મમ્મી ) ને હું શું જવાબ આપું ? તારે આવી જ જવાનું ..
બહુ સાચી વાત છે , નસીબ દરેક ને અને દરેક વખતે સાથ નથી આપતું , ક્યારેક પરપોટો ફૂટી જાય છે..!!
મેં એવા ઘણા લોકો જોયા છે કે જે ટેસ્ટ કરાવતા ડરે .. ના ના ડાયાબિટીસ આવી જશે , બ્લડ પ્રેશર ના મપાવે જિંદગીમાં .. ના ના ખોટી ગોળીઓ ખાવાની ચાલુ થઈ જશે…!
અરે ભાઈ , મારી બેન મારી.. સાવ ઊકલી જઈશ એના કરતાં ગોળી ખાઈને મોજ કરને.. ક્યાં બંધૂકની ગોળી મારે છે તને ??
બીજું એક એવું પણ થાય છે કે લોકો હોસ્પિટલમાં જતા ડરે છે , મારે એટલું જ કહેવાનું કે આટલું મોટું જગત પડ્યું છે શું દસ બાર ઈમાનદાર ડોક્ટર નહીં મળે ? પેહલે થી હોમવર્ક કરી રાખો કે મને કંઇ થાય તો આ ડોક્ટર પાસે આ હોસ્પિટલમાં જવાનું ..
પણ કોઈ સીમટમ્સ ઉર્ફે લક્ષણો દેખાય અને પછી ના ના હોસ્પિટલમાં નથી જ જવું આવી જીદ કરીને લાકડા ભેગા શું કરવા થવાનું ?????
એક કકળાટ એવો પણ ખરો કે જુના જમાનામાં આવું કશું નોહ્તું , અરે ભાઈ ભૂલી જાવને યાર , હતું કે નહીં એ છોડો , જુના જમાનામાં તમારા દાદા દાદીને કેટલા ભાઈબેન જન્મ્યા હતા ? અને કેટલા જીવ્યા એમાંથી ??? અને હવે ???
એક જન્મે એ સો એ સો ટકા જીવે અને સખણો ચાલે તો એંશી રમતા કાઢે …
ત્રીસ પછી શરીરના એલાર્મ ને ઓળખતા શીખવું રહ્યું , થોડાઘણા રૂપિયા થાય પણ ફેમિલી ડોક્ટર પાસે જઈને રૂટિન ટેસ્ટ અને બ્લડ પ્રેશર વગેરે માપવી લેવું હિતાવહ ..
બીજું કશું નહીં પણ પાછળથી લોકો એમ ના બોલે કે નખમાં ય રોગ નહીં અને સૂતા તે સૂતા ઉઠ્યા જ નહીં .. એવું થોડું હોય ? શરીર કંઈક તો બોલે જ આપણે આપણી તાનમાં ગુલતાન હોઈએ છીએ ..
અહીંયા આવું જ કંઈક થયું હતું , સાંજે આઠેક વાગ્યે છાતીમાં દુખાવાનું ચાલુ થયું હતું પણ ઘરગથ્થુ ચલાવ્યું અને સવારે સાતેક વાગ્યે ખેલ ખતમ થઈ ગયો ..એકવાર ચાંપ બંધ થઈ જાય પછી શું વધે ? અફસોસ ..
એની વે .. જેન્યુઇન લેબ અને ડોક્ટર શોધી રાખવા ત્રીસીમાં આવો એટલે તો લાંબુ ખેંચાશે..!!
ભારત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની રાજ્ધાની છે..
પાંચમ ની છઠ નથી થવાની તો ચોથ પણ શું કામ કરવી??
ચાલો જય જગન્નાથ સૌને ..
ભગવાન પણ માંદા પડતા હોય તો આપણે કઈ વાડીના મૂળા..??
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*