આજકાલ સ્ટેન્ડ અપ કોમેડી ના બહુ જોર છે, મોટાભાગના લોકો જાણ્યે અજાણ્યે કે પછી ઈરાદાપૂર્વક, ઉઘાડેછોગ કે સંતાઈ સંતાઈને પણ જોતા તો હોય જ છે, કોઈક સેહજ જોવે અને સ્ક્રોલ કરે અને કોઈક કાનના ઇયર બર્ડ ભરાવી દે પછી આખું જોવે..
સાહિત્યિક ભાષામાં કહું તો “દ્વિઅર્થી “વાતો અને સામાન્ય બોલચાલની ભાષામાં કહું તો “નાગી નાગી” વાતો સ્ટેન્ડ અપ કોમેડી શોમાં ચાલતી હોય છે ,એની ઉપર પબ્લિક ઠાહકાં મારી મારીને હસતી પણ હોય છે..
બહુ બધા વિવાદો થયા, બહુ બધાને જેલમાં જવું પડ્યું , કેસો થયા, બીજા ઘણી બધી કોન્ટ્રોવર્સી થઈ, પણ સરવાળે શું નીકળ્યું???
જે લોકોએ સૌથી વધારે આડી અવળી, ઉંધી ચતી , નાગીપૂગી વાતો કરી હતી એ બધ્ધા જ ફરી પાછા મેદાનમાં કોઈને કોઈ સ્વરૂપે આવી જાય છે , અને તમામે તમામ સોશિયલ મીડિયા ઉપર છવાયેલા રહે છે…
તાજેતરમાં એક બહુ મોટી કોન્ટ્રોવર્સી ચાલી છે , એક સ્ટેન્ડ અપમાં ઓડિયન્સમાં બેઠેલી એક મેડિકલ સ્ટુડન્ટ છોકરીએ યુફોરિયમાં આવીને એમ કહી દીધું કે અમે ડેડ બોડીના ગુપ્તાંગોની ચર્ચા કરીએ છીએ , જો કે ચર્ચા શબ્દ ખોટો છે કોઈ બીજો જ શબ્દ વાપરવો રહ્યો, પણ એ પછી એ છોકરી સખ્ખત ટ્રોલ થઈ , એની માટે હવે લગભગ બદનામીની બધી હદો પાર થઈ ગઈ ..
ચારેય બાજુ થૂ થૂ થઈ ગયું છે , ખૈર લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે ,ભૂલી પણ જશે ,પણ અત્યારે કોઈ કારણ વિના જીભ લપસી એમાં જીવન દોહ્યલું થઈ પડ્યું ..!
આવું ઘણું બધું થાય છે છતાં પણ સ્ટેન્ડ અપ જબરજસ્ત ચાલે છે, તો આપણે શું માનવાનું???
આપણે માની લેવાનું કે લોકોને ગમે છે, અને ગમે છે એટલે ચાલે છે..!!
મેં જ્યારે વાર્તા લખવાની ચાલુ કરી હતી મારી “સાયકલ મિટિંગ” ત્યારે મને એવું હતું કે શૃંગારિક તત્વ થોડું નાખવું છે, થોડુંક ઉમેર્યું પછી બાય ડિફોલ્ટ અંદર શૃંગારિક તત્વો આવતા પણ ગયા, થોડા ઉમેરાતા પણ ગયા, સાથે સાથે વંચાતું પણ ગયું અને વાર્તા આગળ વધતી ગઈ .. લાખોની ની સંખ્યામાં, મિલિયનમાં વ્યુ આવ્યા ,
એ પછી એક મિત્ર કમ વિવેચક કહો કે જે ગણો એણે બહુ સુંદર વાત કીધી મને …કોઈપણ વાચક છે ને એ જે પેલું એક્સ ફેક્ટર છે ને એ ગમ્મે ત્યાં જાણ્યે અજાણ્યે શોધતો જ હોય છે, અને એનાથી એ બહુ ઝડપથી આખી વાર્તા સાથે જોડાઈ જાય છે, પછી એ જ ફેક્ટર એને જકડી રાખતો હોય છે..
અજાણ્યા લોકોની સાથેની દોસ્તીના કિસ્સામાં પણ કંઈક આવું જ હોય છે, બોયઝ હોય કે મેન, એના કેસમાં પણ એવું ખરું કે થોડીક લુઝ ટોક કરો તો બહુ ઝડપપૂર્વક દોસ્તી થઈ જતી હોય છે , જોડાઈ જાય , અને બોય ટુ ગર્લ ની વાત કરું તો એમાં પણ કોલેજ કાળનો અનુભવ એવો ખરો કે સેહજ નાનકડું ડબલ મિનિંગમાં કંઈક કીધું હોય અને આંખનો ઈશારો માર્યો હોય કે ઉલાળો માર્યો હોય તો એ સ્ત્રીપાત્ર હોય સામે તો એની સાથે પણ એક અંતરંગ લાગણીઓના તાર બહુ ઝડપથી જોડાય છે…
સ્ટેન્ડ અપ કોમેડીના કેસમાં પણ કદાચ આવું જ છે ,
જે કોમેડિયન પેલા એક્સ્ ફેક્ટરને ચપટી મીઠું મરી કે મસાલા તરીકે વાપરે છે એ લોકો બહુ લાંબા સમય સુધી ચાલી જાય છે , અને જે લોકો એકલા મીઠા, મસાલાનું જ શાક બનાવે અને એની જ રોટલી બનાવે એ બધાના પછી ક્યાંક ને ક્યાંક ભવાડા ચાલુ થાય..
સ્ટેન્ડ અપ કોમેડી એટલે હું એવું માનું કે એક જમાનામાં ગલીના નાકે રાત્રે ઊભું રેહતું ટોળુ , અત્યારના લોકો જેને “રોસ્ટ કરું” કહે છે એને એ જમાનામાં ગલીના નાકે ઉભા ઉભા ખેંચી કાઢ્યો ,લઈ નાખ્યો , ત્યાં આ બધી ગાળાગાળી છૂટથી લોકો વાપરતા, બેફામ બધું બોલાતું હતું. .. જે વધારે ગંદુ , વિકૃત બોલે એ હીરો ..!!!
દસ બાર જણા ઉભા હોય તો એમાંથી એકાદ બે જણ સામસામે ચાર પાંચ જણને વારાફરતી વારાફરતી લઈ કાઢે અને બાકીનું મંડળ હાહાહી ઠીઠિયારા કરે અને છેવટે બધા છૂટા પડે…બિલકુલ આ મોડલ આજની સ્ટેન્ડ અપમાં વપરાઈ રહ્યું છે..
સ્ટેન્ડ અપ કોમેડી એ જૂના જમાનાના ઠીઠિયારા મંડળનું સોફેસ્ટિકેટેડ વર્ઝન .. એવું હું માનું છું .. જેમાં ગાળો અંગ્રેજીમાં બોલાય ક્યારેક હિન્દીમાં પણ બોલાય અને ક્યારેક ગુજરાતીમાં પણ બોલાય…
પણ ફર્ક એટલો કે ગલીના નાકે આ બધું મફત થતું હતું અને હવે લોકો પૈસા ખર્ચી અને ગાળો , હલકા ઠીઠિયારા સાંભળવા જાય છે અને ઘણા લોકો સામેથી પોતાની જાતને રોસ્ટ કરવા ઉર્ફે ખેંચાવડાવવા જાય છે, પછી સલવાઇ જાય છે…
પેહલા એકલો/ એકલી સ્ટેન્ડ અપ કરતો/ કરતી, પછી બેચાર ભેગા થયા પણ હવે આજકાલ સ્ટેન્ડ અપમાં નવું ચાલ્યું છે ,અક્કલના “કાચા” છોકરા છોકરીઓને ઓડિયન્સમાંથી પકડી અને માઇક આપીને બોલાવવામાં આવે છે , છોકરા છોકરીઓ ઉછળી ઊછળીને બોલે ને એમાં એ લોકો પછી ભાંગરા વાટી દે છે.. વટાણા વેરી દે..!!!
કોમેડિયનો પોતે હોશિયાર થઈ ગયા છે , બે ચાર ગંદી ગાળો બોલી કાઢે છે પણ બીજું કશું બોલવામાં વિવેકભાન રાખે, એટલે પોતે ક્યાંય ફસાય નહીં , પણ જો વધારે નાગુ ના બોલે તો ભૂતો ભા પણ એમના શો જોવે નહીં, એટલે હવે પોતે બોલવાને બદલે ઓડિયન્સમાં બેઠેલા અક્કલના કાચા છોકરા છોકરીઓને માઇક પકડાવે .. નાગુ નાગુ એમની પાસે બોલાવડાવે..!!
અહીંયા ગડબડ થાય છે , જીવનમાં જગત ઉપર છવાઈ જવાની અદમ્ય ઈચ્છા લઈને જીવતા કાચી ઉંમરના જણો ફસાય…!!!
મોરલો જાણે જીવનમાં ફરી કળા કરવા મળશે કે નહીં ??? પણ યે તીન મિનિટ તુજસે કોઈ નહીં છીન સકતા.. બસ મોરલો હોય કે ઢેલ જોર જોરથી કળા કરવા માંડે અને ભરપૂર નાગાઈવાળી વાતો ચાલુ કરી દે..ઓડિયન્સ અને સ્ટેન્ડ અપવાળો જોર જોરથી હાસ્ય વેરે , એ હાસ્ય ઢોલ નગારા ત્રાંસા કાંસા ની ખોટ પૂરે ..ફક્ત બે પાંચ મિનિટનો ખેલ હોય પણ માહોલ એવો જોર ઊભો કરે કે છેવટે પેલો કે પેલી અતિ ઉત્સાહમાં આવી અને પોતાની ગંદામાં ગંદી વાત જાહેરમાં બકી મારે.. !!
પત્યું ..!!
જેમ બિલકુલ સામાજિક રીતે અસ્વીકાર્ય એવી પરિસ્થિતિમાં કે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવ્યા પછી અચાનક ભાન આવે અને જે અપરાધભાવ જન્મે અને પછી જેમ રાંડ્યા પછી ડહાપણ આવે તેમ માફીનામાં ચાલુ થાય , ઉછળી ઊછળીને બોલતા મોરલાઓ અને ઢેલના ..!!!
બધા લોકો પેલા કામક્રીડાના કલાકાર બેન જેવા નસીબવાળા નથી હોતા , બેબી ડોલ હૈ સોને દી વાળા … યાદ આવ્યા ? હા એ જ..
કામક્રીડા કલાકાર નું અંગ્રેજી પોર્ન સ્ટાર થાય.. હવે ક્લિયર ને ???
એકલા એ બેનનું ઘર મંડાઇ ગયું ,બાકી બધ્ધા રખડી પડ્યા છે , સભ્ય સોસાયટી , સમાજ બહુ ઝડપથી દૂરી બનાવે છે “બદ” નામથી .. ભયંકર ગુમનામી આવે ભાગમાં ,શેષ બચેલા જીવનમાં..
સ્ટેન્ડ અપમાં ભલે ઓડિયન્સમાં હોઈએ પણ માઇક હાથમાં લેતા પેહલા સો વખત વિચાર કરવો રહ્યો , એક વાર માઇક પકડીને નાગાઈ કરી એના પછી નાગા કે નાગાઈનો થપ્પો પીઠ ઉપર વાગ્યો તો પછી દુનિયા બદલાઈ જશે એક રાતમાં…
ચાર પાંચ કે દસ બાર દોસ્તની વચ્ચે નાગાઈ એ બહુ જુદી વાત છે, પણ જો આવી રીતે જાહેરમાં કરી અને વાયરલ થયા તો જગત આખુ વેરી થાય..
પારકું થયેલું આ એ જ જગત છે કે જે કાનમાં ઇયર બર્ડ ઉર્ફે ભૂંગળા ભરાવીને તમારી મજા લેતું હતું… પોતાના પારકા થઈ જાય અને કરિયરની બેન્ડ બજી જાય એ “નફા” નું..!
બહુ ધ્યાનથી, હજી પશ્ચિમની જેમ ઉઘાડી વાતો છડે ચોક નથી થતી આ દેશમાં , થશે ..
એ દિવસો પણ હવે દૂર નથી પણ એ દિવસને નજીક લાવવાનું નિમિત્ત આપણે બની જઈએ નહીં એનું ધ્યાન…
શુદ્ધ કૉમેડી એ જો પ્રયત્નપૂર્વક કરવી પડે તો બહુ અઘરી પડે , પણ જો હૃદયથી આવતી હોય તો ખૂબ સેહલી છે..
ધ્યાન રાખો છોકરાઓ .. બદહવાસીની અવસ્થામાં બલીના બકરા આપણે ના બની જવાય , સ્ટેન્ડ અપ વાળા એમના રૂપિયા ઉશેટીને જતા રેહશે, “બદ” નામીના આંધળા કૂવામાં આપણી કરિયર ઉતરી જશે ..!!
સાચવજો ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*