કકળાટ
“છોકરાં છોકરીઓ બધું અમેરિકા ભેગું થઇ ગયું અને હવે કહે છે અમારે તમારું કશું નથી જોઈતું ,તમારા રૂપિયા અને મિલકતો તમે તમારી પાસે રાખો અને વાપરો, અમે મરી મરીને ભેગું કર્યું અને હવે હું અને તારી કાકી, આ એંશી વર્ષની ઉંમરે ક્યાં વાપરવા જવું? વીસ વર્ષ પેહલા બોલ્યા હોત તો કદાચ વાપરી પણ શક્યા હોત..!!”
છત્તે છોકરે વાંઝીયાના બળાપા…!!!
“દિકરા પંચોતેર વર્ષ પછીની જિંદગી એ જિંદગી નથી હોતી ,તમને ભલે એમ લાગતું હોય કે અમારે બધું સારું છે પણ અમે સતત ભયમાં જીવીએ છીએ , મૃત્યુનો જરાય ભય નથી ,પણ લથડી જઈએ અને પરવશતાનો ભય સતત લાગ્યા કરે છે, બાણુંમુ વર્ષ જાય છે ,હવે ચાલતા એકલા રસ્તો ક્રોસ પણ નથી થતો, ચાર દિવાલમાં કેટલું જીવવાનું ? સેવા કરનારા બધાય છે પણ હવે તો સેવા લઇને પણ થાક લાગે છે..!!”
ખોળાના ખુંદનાર ઘણાય દીધા અને આયખા પણ દીધા એના બળાપા..!!
“હાથપગ ચાલતા હોય ત્યાં સુધીમાં ફરી લેજો પછી ફરવા જઈશું , પેહલા બધું સેટ થઇ જાય પછી હેઈ મજાના જલસા છે એવું કશું થતું નથી , સેટ થનારા થઇ જ જાય છે અને નથી થનારા એમના જીવનના તમારા ભરોસે પ્લાનિંગ ગોઠવી અને તમને ફીટ કરીને રાખે આખે જિંદગી ,એટલે બહુ લાંબુ વિચારશો નહિ અને માણી લો ,મોજ મજા થાય એટલી કરી લેવી, બાકી વૈતરાં જ છે જિંદગીમાં..!! પેહલા તમારા મોટા કરો અને પછી એમના ,આ છોકરીના છોકરાની વહુ ની ડિલીવરી માટે મને અહી પકડી રાખી છે , બારમી ડિલીવરી કરવાની મારે ભાગે આવી છે ..!!”
જીવનમાં સુયાણી બનીને રહી ગયેલા બા ની વ્યથા ..!!
છે ક્યાંય હખ (સુખ)..?? ઘરડાં થી લઈને તાજા તાજા હજી ઈંડામાંથી ડોકિયા કરતા બબુલીયાઓ ચારેબાજુ દખ (દુઃખ) જ દખ ..!
સુખ કોને કેહવાય અને દુઃખ કોને કેહવાય ? વ્યાખ્યાઓ થાય ?
અરે એકવાર વ્યાખ્યા થઇ જાય તો વધારે સારું કેમ કે ક્યાં અટકવું એની ખબર તો પડે .. આ તો ભટક્યા જ કરતા હોય એવું સતત લાગ્યા કરે અને કશું ક ખૂટે છે એવી સતત લાગણી થયા કરે એવી જિંદગીઓનો શું મતલબ ? મોટે ભાગે એક જ ઘરેડમાં જીવવા ટેવાયેલી જિંદગીઓ આવી રીતે ફસાય છે..!
આ બધાથી સાવ ઉંધા એક બા લગભગ નેવું એ પોહચેલા અને કલાકાર .. કેમનું માડી..? “હે
ઈ મોજ હોં ..હું ભલીને મારું આ હાર્મોનિયમ ભલું, આ બેઠી બેઠી ગાઉં અને આ મારા પુસ્તકો વાંચ્યા કરું ,સરસ મજાની જિંદગી જાય છે, આ પગ જરાક હેરાન કરે અને વારંવાર બાથરૂમ જવા ઉઠવામાં તકલીફ પડે તો વહુ ને કહી દીધું છે ડાયપર અહી મારી બાજુમાં જ મૂકી દે હું જાત્તે પેહરી લઈશ અને કાઢી લઈશ, બેલ મારું તો આવીને લઇ જજે જુનો ડાયપર, ફેંકી દેજે.. ઉંમર થાય તો કાંક તો તકલીફ આવે ને પણ મને તો જરાય તકલીફ નથી, આ તારી જોડે કાંઇક સારું વાંચવાનું હોય તો દેતો જાજે..” લેંઘો અને સદરો પેહરીને ધીમે ધીમે રોડ ઉપર ચાલ્યા જતા એક કાકા .. ક્યાં ઉપડ્યા કાકા ..? “ભણાવું છું બાળકોને ..રૂપિયા પૈસા કંઈ નથી જોઈતું ,આનંદ આવે છે ભણાવવાનો , તો હું તો પોહચી જાઉં છું અને ભણાવું છું..” બે ઉપરની ત્રીજી લીટી નહિ..!! કેમ આટલો ફ્રસ્ટેટ છે ? “અરે બાપો..!! રીટાયર્ડ થઇ ગયો અને જે દિવસથી રીટાયર્ડ થયો એ દિવસથી ઘરનો સોફો અને ટીવીનું રીમોટ બે જ વસ્તુ દેખાય છે એમને , મમ્મી કેટલું કહે છે કે ચાલો સવારે મોર્નિંગ વોકમાં જઈએ સીનીયર સીટીઝન ક્લબમાં જોડાઈએ ,સાંજે મંદિર જઈએ સેહજ આ ચાર દિવાલની બાહર નીકળો પણ સાંભળે એ બીજા , આમને લાયક કૈક કામ દેખાડોને તો ઘરની બાહર ધકેલું..!!” વીસ બાવીસ વર્ષનું ઈંડાના કોચલામાંથી બાહર ડોકિયું કરતું બાળક... “સુ અંકલ તમારે તો બધું સેટ છે અમારે તો નોકરી અને છોકરી બધાના વહીવટ પાડવાના એન્જીનીયર થયા અને નોકરાં કરી ખાઈએ, છોકરીઓ રખડવા આવે, પણ પરણવાનું કે સીરીયસ થવાની વાત કરીએ તો ભાગી જાય છે .. ચોખ્ખી ના પાડે ..!!” રૂપાળી .. “ઘર તો સારા ઘણા મળે છે પણ વરમાં પણ ભલીવાર હોવો જોઈએ ને ..! એક મોટો ગાડી બંગલાવાળો મળ્યો હતો પણ સાવ કંજૂસ, રૂપિયો છૂટે જ નહિ, આખો પ્રાઈઝ ટેગ, દરેક જગ્યાએ ભાવ જોયા કરે અને રૂપિયા ગણ ગણ કરે આવી રીતે કેમ જિંદગી જાય ..” ભણેલી .. “સરખું કમાતો અને સેટ થયેલો જોઈએ, ઘરના અને ગાડીઓના હપ્તા ભરતો ના ચાલે હોં ,પછી એવું થાય કે મારી કમાણી આખી હપ્તા ભરવામાં જ જાય અને હું તો ઠેરની ઠેર રહું , અહિયાં પપ્પા મારા રૂપિયા અમને વાપરવા નથી આપતા અને ત્યાં વર ના વાપરવા દે ..અમારા પણ કઈ અરમાનો હોય કે નહિ વળી..!” જ્યાં જ્યાં નજર મારી ઠરે સમસ્યા ભરી આખા ગામની..!! બજાર નવરી હોય અને સામે એવી નવરી બજાર મળે એટલે આવા ઉદ્ગારો સાંભળવા મળે અને એવે સમયે મગજમાં ક્યાંક ટપકાવી રાખું ,આવા સમયે યાદ આવે તો પાછુ લખી મારું ..! મધરાતે નગરી અમદવાદની એક કીટલીએ એક બાળક ધુમાડા કાઢતું ..ફૂંકતું ફૂંકતું .. પૂછે હેં પ્રોબ્લેમ વિનાની જિંદગી જ ના હોય ? એટલામાં બાજુમાંથી એક મેહકની લેહરખી આવી ,ગંજી ફરાક નહિ પણ ગંજી ચડ્ડી પેહરેલી ,જેમાંથી એના વેરણ છેરણ થયલે અંગ ઉપાંગો ડોકિયા કરતા હતા એવી એક બાળાના બે અધરો વચ્ચેથી નીકળેલી એ ધુમ્રસેરની લેહરખી વહી.. અમારું મોઢું બગડી ગયું સેહજ અને વાંકું થયું .. બાળક બોલ્યું .. નેક્સ્ટ લેવલ છે ,તમને ના ખબર પડે .. અમે જ્ઞાન આપ્યું .. પ્રોબ્લેમ વિનાની જિંદગી હવે આ બાળાની આવનારા આઠ કલાક માટે થઇ જશે .. ના ..ના .. ભ
ઈ એટલું બધું ના ચાલે સિવાય કે બહુ થાકેલી હોય .. ત્રણ ચાર કલાક પછી તો પ્રોબ્લેમ પાછા આવી જ જાય ..!!
હરે ક્રિષ્ણ..હરે રામ ..!!!
રામ રામ હરે હરે ..!
હરી નામ કે હીરે મોટી મૈ બિખરાઉં ગલી ગલી ..
લે કોઈ રામ પિયારા લે કોઈ ક્રિષ્ણ પિયારા..!
આવાઝ લગાઉં ગલી ગલી..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)